Swajanoni shodhma part 2 in Gujarati Love Stories by Secret Writer books and stories PDF | સ્વજનોની શોધમાં - 2

Featured Books
Categories
Share

સ્વજનોની શોધમાં - 2

સુમસાન રસ્તા પરથી એક ગાડી જઈ રહી હતી. વચ્ચે નાનકડી હોટેલ આવતા કાર થંભી. એક તરફથી એક સુંદર સ્ત્રી અને ૭-૮ વર્ષનું એક બાળક નીચે ઉતર્યા. બીજી બાજુ થી એક પુરુષ નીચે ઉતારવા જતો હતો ત્યાં તો એક ટ્રક તે કાર તરફ ધસી આવી અને કાર સાથે અથડાય ગઈ. આ જોઈ તે સ્ત્રી એ રાડ પાડી , "આદિ....."

હવે આગળ.....

***

સ્વજનોની શોધમાં ( Part - 2 )

સ્વપ્નમાંથી બહાર આવતો પરમ બેઠો થઈ ગયો. ગભરાટને કારણે તે હાંફતો હતો. સૂર્યના કિરણો બારીમાંથી અંદર આવતા હતા. પરમ વિચારોમાં ખોવાય ગયો. " તે સ્ત્રી કોણ હતી? શું હું તેમને ઓળખું છું? તેમણે પાપાના નામની બુમ કેમ પાડી? તે સ્ત્રી મારી મમ્મી હતી ? તો પછી તે બાળક કોણ હતું? " જેવા ઘણા સવાલ પરમ પોતાના અંતરાત્મા ને પૂછી રહ્યો હતો. " ચેહરાઓ ઝાંખા હતા. કોણ હતા તે બધા ?" તે વિચારી રહ્યો. સવાલોના જવાબ ના મળતા તે કંટાળ્યો અને ઊભો થઈ ફ્રેશ થવા ગયો. ફ્રેશ થઈ તે તૈયાર થઈને બહાર નીકળ્યો. બ્લેક ફોર્મલ પેન્ટ અને બેબી પિંક કલરના શર્ટ પર બ્લેક કલરનું બ્લેઝર સજાવ્યું. પહેલાની માફક જ ક્લીનશેવમાં પરમ ખુબ જ સોહામણો દેખાતો હતો. તે તેના વાળ સેટ કરી રૂમમાંથી બહાર નીકળ્યો. ત્યાંજ સામેથી લલિતામાસીને આવતા જોયા.

પરમને તૈયાર થયેલો જોઈને લલિતામાસી બોલ્યા, " અરે વાહ, આજે સૂરજ કઈ દિશામાંથી ઊગ્યો ? રોજે મારે તને ઉઠાડવો પડે છે અને આજે તો જાતે જ ઉઠીને તૈયાર થઈ ગયો. લાગે છે ફરવા જવાની ખુબ જ ઉતાવળ છે. " લલિતામાસીએ મુસ્કુરાતા કહ્યું.

" અરે માસી ! એવું કંઈ નથી. આ તો આજે જવાનું હોવાથી ઓફિસ પર જલ્દી પહોચવું પડશે એટલે જલ્દી તૈયાર થઈ ગયો. " પરમે થોડા શબ્દો ગોઠવીને કહ્યું. " સારું સારું, ચાલ આજે તારી પસંદ નો નાસ્તો બનાવ્યો છે. " લલિતામાસી કહેતા કિચન તરફ જવા લાગ્યા.

પરમ નાસ્તો કરીને ઓફિસ પર પહોંચ્યો. તેણે પોતાના દરેક કર્મચારી ને બે ત્રણ દિવસના કામ અંગે જણાવી દીધું. ત્યાર બાદ તે પોતાની કેબિનમાં આવીને બેઠો. ત્યાંજ તેનો આસિસ્ટન્ટ કૃણાલ કેબિનમાં પ્રવેશ્યો. જે સૌથી પહેલા પરમનો બેસ્ટ ફ્રેન્ડ હતો, ત્યાર બાદ તેનો ભાઈ અને ત્યાર બાદ તે તેનો આસિસ્ટન્ટ હતો. પરમના ચહેરા પર ચિંતાની રેખા જોઈને તેણે પૂછ્યું, " પરમ શું થયું કોઇ ઊંડા વિચારોમાં છે ? ". " અરે એવું કઈ નથી. કૃણાલ , ખાલી પેલા સપનાઓના લીધે જરા ડિસ્ટર્બ થઈ ગયો છું. ઉપરથી લલિતામાસી જીદ્દ લઈને બેઠા છે કે હું ફોરેસ્ટ કેમ્પમાં જાવ. " પરમે થોડા કાંટાળા ભાવ સાથે કહ્યું. " હમમ...માસીની જીદ્દ ખોટી નથી. હું લલિતામાસી સાથે સહેમત છું. તારે જવું જોઈએ. પોતાને જોને કોલેજમાં કેવો હતો અને પાંચ વર્ષમાં કેવો બની ગયો ? તારો મૂડ પણ સારો થઈ જશે અને તું ફ્રેશ પણ થઈ જઈશ. " કૃણાલ એ મુસ્કુરાતા કહ્યુ. " પણ પછી અહી કંપનીનું કામ કોણ સંભાળશે? " પરમે ચિંતા કરતા કહ્યું. " ઓહ... હેલ્લો...એક મિનિટ હું અહીં માખી મચ્છર મારવા આવું છું? અરે ! ક્યારેક પોતાના ભાઈ પર પણ વિશ્વાસ કરી લે. બે ત્રણ દિવસ તો હું કંપનીને સાંભળી શકું જ છું. કૃણાલ છે તો પણ ચિંતા કઈ વાતની છે. " બેફિકરાઈથી કૃણાલ બોલ્યો.

" હા, મારા ભાઇ મને વિશ્વાસ છે તારા પર. સારું હું તારી અને લલિતામાસીની વાત પર સહેમત થાવ છું. હું જઈશ. અબ તુમ્હારે હવાલે વતન સાથીયો. " કહી પરમ હસી પડ્યો અને પોતાની ખુરશીમાંથી ઊભો થયો. પરમ ને મસ્તી કરતા જોઈ કૃણાલ થોડી નવાઈ લાગી કારણ કે ઓફિસ ટાઈમમાં કયારેય પરમને તેણે મસ્તી કરતા જોયો નહી હતો.

ત્યાંજ પરમના ફોનમાં રીંગ વાગી. લલિતામાસીનો ફોન હતો. હજી તો તે ઉપાડે એ પહેલા જ રીંગ પૂરી થતાં ફોન કટ થઈ ગયો. " અમમ.... કૃણાલ કેટલા વાગ્યા? " પરમે કૃણાલને સમય જાણવા માટે પુછ્યુ. " સાડા અગિયાર થયા છે. " કૃણાલએ પોતાની બ્રાન્ડેડ વોચમાંથી જોઈને કહ્યું. " ઓહ તેરી, આજે માર ખાવો પડશે મારે. " પરમ માથું ખંજવાળતા બોલ્યો. " હમમ.. કારણ નહી પૂછું. લલિતામાસીએ સાડા અગિયાર વાગે ઘરે પહોંચી જવા કહ્યુ હતું ને ? " કૃણાલએ અનુમાન લગાવી પૂછ્યું. પરમે હકારમાં માથું હલાવ્યું. " ખરેખર માસી સાચું કહે છે. તારું કશું નહિ થાય. " કૃણાલએ પરમને માથું કુટી બતાવ્યું. પરમ ઝડપથી ત્યાંથી નીકળી ગયો.

***

આગળના દિવસના વરસાદને કારણે તથા રાત્રે ધોધમાર વરસેલા વરસાદના કારણે જંગલ જાણે પાછું ખીલી ઉઠ્યું હતું. માટીની સુગંધ વાતાવરણમાં ફેલાય ગઈ હતી. સવારના સૂર્યના કિરણોની સાથે નેનસીની સવાર પડી. આળસ મરડીને તે ઊભી થઈ. થોડીક જ વારમાં પીળા કલરના અનારકલી ડ્રેસ પહેરી તૈયાર થઈ. કાચમાં પોતાને પીળા કપડામાં સજ્જ જોઈ તેને કોઈની યાદ આવી ગઇ. જે વ્યક્તિને નેનસી પીળા કપડામાં ખુબ જ સુંદર લાગતી હતી. મનોમન તે બોલી , " વર્ષો નિકળી ગયા છતા લાગે છે કે કાલની જ વાત છે. લોકો કહે છે કે સમય સાથે બધું વિસરાય જાય છે. પરંતુ તારી યાદો તો જાણે મારા કણ કણમાં વસેલી છે. તારી યાદોના સહારે જ જીવું છું. દિવસનો એક પ્રહર પણ એવો ના હશે જેમાં મેં તને યાદ ના કર્યો હોય. " તે મનોમન બબડી મુસ્કુરાતી પોતાના કામમાં લાગી ગઈ.

***

પરમ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે લલિતામાસી ગુસ્સામાં ધુઆપુઆ થઈ આમતેમ આંટા મારતાં હતા. પરમને જોતા તેઓ તેની પાસે પહોંચ્યા અને કાન ખેંચતા કહ્યું," તને કાલે જ કહ્યું હતું ને કે સમય પર આવી જજે. પણ નહી મારી વાત કોઈ માને તો? " લલિતામાસી પરમનો કાન ખેંચતા બોલ્યા. " આહ... માસી... માસી... ભૂલ થઈ ગયી. Sorry... હવે જોવો તમે જ મને લેટ કરવો છો. હું તૈયાર થઈને આવ્યો. " કાન છોડાવી તે બોલ્યો અને પોતાના રૂમ તરફ દોડ્યો. લલિતામાસીના ચહેરા પર પણ હાસ્ય આવી ગયું. " ભગવાન મારા દીકરાનું ભલું કરજો. તેની બધી પરેશાનીઓને હણજો. એને... એને હંમેશા ખુશ રાખજો. મારો પરમ આમ જ મુસ્કુરાતો રહે એવી પ્રાર્થના." મનમાં ને મનમાં બબડી તેઓ કિચન તરફ જવા લાગ્યા.

***

રૂમમાં આવ્યા બાદ પરમ પોતાનો કબાટ ખોલીને વિચારવા લાગ્યો કે તે શું પહેરે. પાંચ - દસ મિનિટ ની મથામણ બાદ તેણે એક ટી - શર્ટ પસંદ કર્યું. નેવી બ્લ્યુ કલરના જીન્સ પર લાંબી બાંયનું પીળા રંગનું ટી - શર્ટ પહેરીને તૈયાર થયો. તેમાં તે ખુબ જ સોહામણો દેખાતો હતો. તે કાચમાં પોતાને નિહાળી રહ્યો હતો. ત્યાંજ અરીસામાં તેને કોઈકનો ચહેરો દેખાયો. તે ચહેરો તેને કહેતો હતો, " તને કહ્યું છે ને કે તું પીળા રંગના ટી - શર્ટ ખુબ જ હેન્ડસમ દેખાય છે. " કહી તેણે આંખ મારી. પરમના ચહેરા પર અનાયાસે સ્મિત રેલાયું. ત્યારે જ લલિતામાસી પરમના રૂમમાં દાખલ થયા અને બોલ્યા, " કેટલી વાર પરમ ?" લલિતામાસીના અવાજથી તે સ્વપ્નમાંથી બહારની રિયલ લાઈફમાં પાછો ફર્યો. લલિતામાસીને જોઈ તે મુસ્કુરાયો પછી માસીની પાછળ પાછળ જવા લાગ્યો.

જમીને પરમે પોતાનો થોડો સામાન પેક કરી તૈયાર થયો. નીકળવાને હજી થોડી વાર હતી એટલે લલિતામાસીના કહેવા પર નજીકના શિવ મંદિરે પરમ દર્શન કરવા ગયો. ત્યાંના પૂજારી એ પ્રસાદ આપતાં કહ્યું ," ભગવાન તારી બધી ઇચ્છાઓ પૂરી કરે. કપરી પરિસ્થિતિમાં પણ હિમ્મતથી તેનો સામનો કરીશ તો જીત તારી થશે , બેટા. હંમેશા સત્યની જ જીત થઈ છે. ભોળાનાથ શંભુ તમારી રક્ષા કરે. " કહી તેમણે બે કાળા દોરા પરમના હાથમાં મૂક્યા. પરમ વિચારવા લાગ્યો કે બે કેમ? કઈ સમજ નઈ પડતાં તેણે દોરા ખિસ્સામાં મૂક્યા અને દર્શન કરી નીકળી ગયો.

પરમ બસમાં ગોઠવાઈ ગયો હતો. બસ શરૂ થઇ. ચાર - પાંચ કલાકનો રસ્તો હોવાથી કેટલાક લોકો બસની બહારના દૃશ્યના ફોટા પાડતા હતા તો કેટલાક લોકો બસની સીટ પર માથું ઢાળી સૂઈ ગયા હતા. કેટલાક લોકો આજુબાજુ બેઠેલા મુસાફીર સાથે વાતો કરી ઓળખાણ કરી રહ્યા હતા તો કેટલાક લોકો પોતાની દુનિયામાં જ મશગુલ હોય એમ કાનમાં ઇયરપ્લગ લગાવીને ગીતો સંભાળી રહ્યા હતાં. બસમાં બેસવાની સાથે જ પરમનો વર્ષોનો થાક જાણે ધીમે ધીમે ઉતરી રહ્યો હતો. મનમાં જાણે એક અનેરો ઉત્સાહ હતો.

***

આજ સવારથી જ નેનસીનું ધ્યાન ક્યાંય ચોંટતું ના હતું. કામ કરવા ગઈ તો કોઈની યાદમાં ખોવાઈ ગઈ, ખાવાનું બનાવવા ગઈ તો ધ્યાન ના રહેતા શાક બળી ગયું, લેખન કરવા બેઠી તો ત્યાં પણ કોઈનો ચહેરો દેખાવા લાગ્યો. તે મનમાં ને મનમાં બબડી, " પ્લીઝ , તને કેટલી વખત કહ્યું છે મને હેરાન ના કર. નહી તો હું તારી સાથે વાત નહી કરીશ. " મોઢું ચઢાવતા નેનસી બડબડાટ કરવા લાગી. તે ચહેરો તેને કહેતો હતો, " તને હેરાન કરવામાં મને મજા આવે છે. " કહી તે હસી રહ્યો હતો.

" નેન દીદી, ક્યાં ખોવાઈ ગયા ? " પરી એ નેનસીને ઢંઢોળતા પૂછ્યું. "હં... હા..." કહી તે પોતાની સ્વપ્નોની દુનિયામાંથી બહાર આવી. " નેન દીદી, લાગે છે આજ સવારથી તમારું ધ્યાન ક્યાંક બીજે જ છે. " પરીએ શિકાયત કરતા કહ્યું. " હં... હા... મને જ નથી ખબર , એ મને હેરાન કરે છે. હું... હું... થોડી વારમાં આવી." કહી પરીની વાત સાંભળ્યા વગર જ નેનસી ઘરની બહાર નીકળી ગઈ. " દીદી, ને વળી કોણ હેરાન કરે છે? મે તો આજ સવાર થી તેમને હેરાન નથી કર્યા. " પરી વિચારવા માંડી. પછી વિચારોને વિચારોમાં તે તેના ઘરે પહોંચી. પરીને વિચારોમાં જોઈ બાપુજીએ પુછ્યુ , " બેટા, શું થયું? શું વિચારે છે? " બાપુજી એ પરીએ પોતાના ખોળામાં બેસાડી વહાલથી પુછ્યુ. " બાપુ , નેન દીદી આજ સવારથી ખોવાયેલા ખોવાયેલા લાગે છે. ખબર નહિ આજ સવારથી તેમને શું થઈ ગયું છે? પણ કંઈ નહીં જે હશે તે. તમે જમી લો અને દવા લઈ લો. " કહી પરીએ બાપુજીના હાથમાં થાળી આપી અને પોતે પણ થાળી લઈને જમીન પર જમવા બેઠી. ત્યાર બાદ દવા લઈ બાપુજી આળા પડ્યા.

પરી નાનકડી દસ વર્ષની જ હતી. પરંતુ તે ખુબ જ સમજદાર હતી. તેના જન્મતાની સાથે જ તેની માતા તેને છોડીને જતી રહી હતી. તેના બાપુજીની તબિયત તેની માતાના ગયા બાદ એટલી સારી રહેતી ના હતી એટલે પરી એકલા હાથે બધું સંભાળતી હતી. આખા ઘરની જવાબદારી નાનપણથી જ પરીએ ઉઠાવી લીધી હતી. નાનપણથી જ દરેક કામમાં ખુશી શોધી લેતી.

***

નેનસી ઝરણાંની નજીક એક મોટા વૃક્ષ નીચે બેસી વિચાર કરી રહી હતી. સવારથી તેને કોઈકની ખુબ જ યાદ આવી રહી હતી. " હે ભોળાનાથ, મારી સાથે આ શું થઈ રહ્યું છે ? જે સ્મૃતિઓને મે વર્ષોથી દિલમાં પૂરેલી હતી તે આજે મારી પરવાનગી વિના આઝાદ કેમ થઈ છે?

વર્ષો જાણે વહી ગયા ઝરણાંની માફક,

છતાં તારી સ્મૃતિઓ રહી એવીને એવી.

ક્યારેક હિમ્મત બની ને મદદ કરી તો,

ક્યારેક વિરહ ની વેદનામાં રડી પડી.

કેમ? ભગવાન કેમ? આજે જ્યાં જોવ છું ત્યાં મને એજ કેમ નજરમાં આવે છે? " નેનસીએ ભગવાનને શિકાયત કરતા કહ્યું.

ત્યાંજ નેનસીનું ધ્યાન સામેના કિનારે ગયું. તેને તે વ્યક્તિ સામે ઊભેલો દેખાયો. તે નેનસીને કહી રહ્યો હતો, " કેટલા વર્ષો બાદ તું મને મળી છે. તને હેરાન કરવાનો મને હક છે. જેમ તું એ મને હેરાન કરી તો હવે મારો વારો. " શરારતી સ્મિત સાથે તે નેનસી તરફ જોઈ રહ્યો હતો. નેનસી તેને જોઈ શરમથી નીચું જોઈ ગઈ પછી ફરી તે તરફ જોયું તો ત્યાં કોઈ જ નહી હતું. "આજ... આજ.... થાય છે સવારથી. શું તેની સાથે સાથે તમને પણ મને હેરાન કરવાની મજા પડી છે. " નેનસી આકાશમાં જોઈ બબડી રહી હતી.

***

બસની સીટ પર માથું ઢાળી પરમ ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. તેને તેના કોલેજના દિવસો યાદ આવી રહ્યાં હતાં. કોલેજના પહેલા જ દિવસે તેના દિલની રાજકુમારીએ પીળા રંગનું ફ્રોક પહેર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની નાજુક નમણી કાયા, પાતળી કમર, ગુલાબી ગાલ, હોઠો પર સજેલી સુંદર મુસ્કાન, મારકણી આંખો અને ચાલવા બોલવામાં એક અલગ જ આત્મવિશ્વાસથી પરમ હંમેશાં ઘાયલ થઈ જતો. દિલ જાણે ધડકવાનું જ ભૂલી જતું હતું. આંખો તેના પરથી ખસતી ના હતી. અને તે સામે આવીને ઉભી રહેતી તો જીભ જાણે થોથવાઈ હતી શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા હોય તેમ અટકી જતા હતા. " Excuse me પરમ , મને જરા જવાની જગ્યા આપીશ , નક્લચી પોપટ ? " પોતાના મીઠા અવાજમાં તે બોલી. " ના... કાળી બિલ્લી..." પરમ પોતાના વિચારોમાંથી બહાર આવી તેને ચીઢવતો બોલ્યો અને તેને જવાની જગ્યા આપી. તે ત્યાંથી પસાર થઈ ગઈ. બસની સીટમાં તેને યાદ કરીને પરમ ચહેરા પર પણ મુસ્કાન આવી ગઈ.

***

"નેનસી આ ભ્રમ છે. ભૂલી જા. મને લાગે છે હું ખરેખર પાગલ થઈ ગઈ છું. તે સાચ્ચે અહીં નથી." પોતાની જાત ને સમજાવતા નેનસી બબડી રહી હતી. તે પાછળ ફરી તો તેને તે ચહેરો ફરી દેખાયો. તે બોલ્યો, " હું હંમેશાં તારી સાથે જ રહીશ. તારાથી એક પળ માટે પણ દુર નહી જઈશ. આ મારું વચન છે તને.અને ઝગડા ની વાત કરું તો ઝગડા હું નહી પહેલા તું કરે છે. " તે હસતો બોલ્યો. " વચન ? મને કોઈ વચન નથી જોઈતું. અને રહી વાત ઝગડાની તો તું મને હેરાન કરે એટલે મારે તારી સાથે ઝગડા કરવા પડે છે. અને જો હવે તે મને હેરાન કરી તો જોજે મારાથી ખરાબ કોઈ નહી હશે. તારી જોડે વાત જ નહી કરીશ , પછી તને ખબર પડશે. " નેનસીએ ધમકી આપતા કહ્યું.

" નેન દીદી......" પરી નેનસીને ઢંઢોળતા બોલી. " નેન દીદી, આ તો ખોટું છે. આજ સવારથી તો મે તમને પજવ્યા પણ નથી. તો પણ તમે મને કેમ ખીજાઓ છો ?" પરી નારાજ થતાં બોલી. પરીના ઢંઢોળવાથી નેનસી સ્વપ્નની દુનિયામાંથી બહાર નિકળી. " પરી ? તું અહી ? તો પેલો ક્યાં ગયો? એને આજે હું છોડીશ નહીં. " નેનસી થોડા ગુસ્સા સાથે બોલી. " દીદી, હમણાં તમે મને જ ખીજવતા હતા. આજ સવારથી તમે ક્યાંક ખોવાયેલા લાગો છો. " કહી પરીએ પોતાનો મુલાયમ હાથ નેનસીના કપાળ પર અડાડ્યો પછી બોલી, " હમમ.... તાવ તો નથી. ખબર નહીં શું થયું છે તે. " કહી પરી વિચારવા લાગી. " પરી એવું કંઈ નથી. મને કંઈ નથી થયું. અમમ... તે જમી લીધું ? " પરી ની વાત ટાળતા નેનસી બોલી. " હે પ્રભુ, પાછો મારો ભ્રમ હતો. " નેનસી મનમાં જ બબડી. " હા દીદી, મે જમી લીધું છે અને બાપુજીને પણ જમાડી દીધા છે અને દવા પણ આપી દીધી છે. હમણાં બાપુજી આરામ કરે છે. " પરી ખુશ થતા બોલી. " સરસ " પરીના માથે વ્હાલથી હાથ મૂકી નેનસી બોલી. " દીદી, હું જાવ. ખાલી આટલું જ કહેવા આવી હતી. મારે હજી થોડી કામ બાકી છે. " કહી પરી સ્મિત કરી જવા લાગી. જવાબમાં નેનસીએ પણ સ્મિત કર્યું. પરીની જતા નેનસી ફરી વિચારોમાં અટવાય ગઈ. ત્યાં જ તે ચહેરો ફરી દેખાયો, " કોને ? મને જ યાદ કરતી હતી ને? " તેણે પૂછ્યું. નેનસીએ નારાજ થતાં મોં ફેરવી લીધું ફરી પાછું એ દિશા માં જોયું તો ત્યાં કોઈ નહી હતું. બપોરના સમયે તડકો વધવાથી નેનસી ઘર તરફ જવા લાગી.

***

" Excuse me શૈલેષ અંકલ, અહી નેટવર્ક નથી આવતું. નેટવર્ક ક્યાં આવશે ? " પરમ વનાધિકારી શૈલેષભાઈ સાથે ઊભો રહી વાત કરતો હતો. તેણે લલિતામાસીને ફોન કરી જણાવવાનું હતું કે તે સુરક્ષિત રીતે પહોંચી ગયો છે.

" પરમ બેટા, નેટવર્ક નદીની આસપાસ પકડાશે." શૈલેષભાઈ બોલ્યા. " Thank you " કહી પરમે ત્યાંથી વિદાય લીધી. અને પોતાના ટેન્ટમાં આવી ગયો. ફોરેસ્ટ કેમ્પમાં જોડાયેલા વ્યક્તિઓની સંખ્યા વધુ હોવાથી તેમને આઠ વિભાગમાં વહેચવામાં આવ્યા હતા. બધાં લોકોને તેમના અલગ અલગ ટેન્ટ ફાળવવામાં આવ્યા હતા જે એક તાપણાની આસપાસ લગાવવામાં આવ્યા હતા. પરમ ફ્રેશ થઇ બહાર આવ્યો. બધાં મુસાફીરમાંથી કેટલાક વ્યક્તિઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા હતા. આકાશ રંગબેરંગી વાદળોથી ઘેરાયેલું હતું. ક્યારેક થોડી જગ્યામાંથી સૂરજ ડોકિયું કરી રહ્યો હતો. ક્ષિતિજથી થોડે દૂર રહેલ સૂર્યને જાણે ક્ષિતિજની પેલે પાર જવાની જલ્દી હોય તેમ તે ઢળી રહ્યો હતો. " તેને સૂર્યાસ્ત કેટલો ગમતો હતો નહી? આજે તે મારી સાથે હોય તો થોડી ઘણી ફોટોગ્રાફી તો કરી જ હોત." મનમાં બબડતો તે નદી તરફ જવા લાગ્યો.

***

બપોરનું કામ પતાવી નેનસી પોતાના નિત્યક્રમમાં જોડાઈ ગઈ હતી. તે નદી કિનારે બેઠી હતી. લખાણ લખતા લખતા ક્યાં સાંજ ઢળી પડી તે તેને ખબર જ ના પડી. પક્ષીઓનો કલરવ સાંભળી તેને ઉપર નજર કરી. રંગબરંગી વાદળો છવાયેલા આકાશમાં કોઈક જગ્યાએથી સૂર્ય ડોક્યું કરી ક્ષિતિજ તરફ ઢળી રહ્યો હતો. તેણે તેનો ફોન કાઢી સૂર્યના થોડા ફોટો ક્લિક કર્યા. ફોનમાં જોતી જોતી તે પોતાની ધૂનમાં પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યાંજ તે કોઈની સાથે અથડાય ગઈ. તેનું માથું કોઈકની મજબૂત છાતી સાથે અથડાયું અને તે વ્યક્તિનું બેલેન્સ ના રહેતા નેનસીને લઇ બન્ને જમીન પર પટકાયાં.

નોંધ:

પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી. આ ઉપરાંત દર્શાવેલ પાત્રો પણ કાલ્પનિક છે. લેખનમાં કોઈ ભૂલચૂક હોય તો તે બદલ માફ કરજો.