Vegetable love letter in Gujarati Comedy stories by वात्सल्य books and stories PDF | શાકભાજીવાળીનો પ્રેમપત્ર

Featured Books
Categories
Share

શાકભાજીવાળીનો પ્રેમપત્ર

શાકભાજીવાળીનો પ્રેમપત્ર..
મને પ્રેમ કરવાવાળા છગન ! અને હું તને પ્રેમ કરવાવાળી શંકુ! હું તને ખૂબ ખૂબ યાદ કરું છું.આખો દિવસ શાકભાજીની લારી લઇ ઘરાક જોડે જીભજોડી લમણાઝીક કરતાં કરતાં મનનો થાક બવ લાગે છે.શેરીએ શેરીએ બરાડા પાડી પાડી મારું ગળું સુકાઈ જાય છે,ત્યારે લારીની નીચે ખોઈમાં નાખેલો પાણીનો બાટલો ખોલી ઘૂંટ પી લઉં છું.અને લાગેલી તરસ છીપાવું છું.પરંતુ તારી તરસ લાગે ત્યારે હું શું કરું? તારે તો દુકાન છે,એટલે ગરાકી વધારે હોય,તેમાં તું મને ભૂલી જ જાય છે.પણ હું ક્યારેક ગરાક વગરની સોસાયટીના કોઈ ખૂણે ઉભી હોઉં ત્યારે આવતાં જતાં મનેખને નીરખી મારો છગન શોધું છું.
ઘણી સોસાયટીના રહીશોમાં જયારે છગન નામ સાંભળું ત્યારે મારું મન ખૂબ બેચેન બની જાય છે. અને મળવાની ઝંખના તીવ્ર બની જાય છે.મને બધાજ એમ કે છે કે તું ભલે શાકભાજીવાળી છો પણ શ્યામ સુંદરી છો.કોઈ શાકભાજી લેવા આવે ત્યારે ટામેટાનાં ભાવ પૂછતાં પૂછતાં ટીખળ કરી લે કે અલી શંકુ તારા ગાલ જેવાં મસ્ત મસ્ત ટામેટાં છે હો ! અને આ સાંભળી મનમાં ખૂબ હું મલકાઈ ઊઠું છું.અને ટામેટાં જેવા મારા ગાલને ખાનારો મને તો બિલકુલ યાદ પણ નહીં કરતો.કો'ક દહાડો તારી દુકાનનું શટર પાડી તારી આ શંકુડીને મળવા તો આવ! બાકી તારી શંકુડી ટામેટાનાં ભાવે વેચાઈ જશે.ત્યારે તું મારા વગર ઝૂરી ઝૂરી મરી જઈશ!
જે જે સોસાયટીમાં લારી લઈને ફરું છું,ત્યારે બધાનાં મોઢે મારું નામ "શંકુડી શાકભાજીવાળી"ચડી ગયું છે.ત્યારે કોઈ પૂછે છે કે અલી! તારું કોઈ ઠેકાણે નક્કી છે કે કોઈ મનનો માણીગર ફસાવીને બેઠી છે? આ સાંભળું ત્યારે મારા મુખડાનો ક્લર ગુલાબના ગોટા જેમ ખીલી ઉઠે છે.ખાલી સ્મિત આપી સૌનો જવાબ બોલ્યા વગર આપી દઉં છું.વાતને વાળી ને કહું છું કે આ શાકભાજી ખરીદવા,વેચવામાં કોને સમય મળે છે કે આવાં લફરાં કરું? છતાં ઘણી ટીખાળખોર બહેનો વિના સંકોચ બોલી દે છે કે આટલી સાંજી ધજી આવે છે તે શું અમારા માટે થોડી આવે છે? કોઈ છગનિયો તેં ફસાવ્યો તો હસે જ ! વગર અનુંસંધાન તારું નામ જયારે ખરીદવાવાળીની જીભે ઓચીતું સરી પડે ત્યારે હસવું કે હસવું ખાળવું તે સમજ નહીં પડતી.હવે તો મારા શરીરનાં અંગોમાં ઉભરાતી યુવાની જોઈ બધી જ બહેનો મારી ઠેકડી ઉડાવે છે,પણ તને આ શંકુડીની જુવાની જોવાનો સમય જ ક્યાં મળે છે?
. ઘણી વખત ઘણી બહેનો કહી જાય છે કે શંકુડી તારી તરફ નજર કરું તો તું દરરોજ તાજી તાજી ન્હાઈ ધોઈ નવાં નવાં ડ્રેસ પહેરી આવે છે અને શાકભાજી તાજી કેમ તારા જેવી તાજી નથી? ત્યારે તેમને કહી દઉં કે આખો દિવસ તમારા જેવિયું ન્હાયા ધોયા વગર મારી કોબીજ,ફુલેવર,રીંગણ,ટામેટાં,ભીંડા,કાકડી,દૂધી અડ્યા કરે,બધાંને સારું જુએ છે.તમારાં છોકરાંઓ પણ અડવિતરાં રમતાં રમતાં ધૂળ ભરેલા હાથે ખાવાનાં શાકભાજી અડે પછી મેલી થઇ જ જાય ને! અને બધીજ લેવાવાળી બહેનો હસી પડે.....
વહેલી સવારે માર્કેટમાં થેલો લઈને જાઉં અને ભાવતાલ કરી તાજાં તાજાં શાકભાજી ના ભરેખમ થેલા ઉપાડી ઉપાડી દૂર પાર્કિંગ કરી રાખેલી લારીમાં નાખું ત્યારે મારી કમર દુઃખી જાય છે.અને આખો દિવસ લારી ખેંચી ખેંચી હવે હું એ ખેંચાઈ ગઇ છું.માટે હે મારા પીયૂ છગનિયા! તું મને ક્યારે પરણીશ? તું જલ્દી પરણે તો મારે સવારે વહેલાં ઊઠી દોડાદોડી કરી ઘરકામ,ટિફિન અને લારીની ફેરી કરવામાં મારા ટાંટિયા.ઢીલા થઇ જાય છે.મોબાઈલ ફોન પર મોડી રાતે રાંધી પરવારી તારા મેસેજ જોઉં ત્યારે કોઈ મેસેજ ના આવે ત્યારે ખૂબ ચીડ ચડે છે.પરંતુ મારા હૈયાની વાત કોને કહું?મારું તારા વગર અહીં કોણ છે? મને તું ખૂબ ગમે છે.તારી જથ્થાબંધ દુકાને એક વખત હું શાકભાજી લેવા આવી અને તું જે બોલતો'તો તેના પર હું વારી ગઇ.ત્યારથી તને મનોમન ચાહવા લાગી છું.તને દિલ દઈ બેઠી છું.તારી પાસે શાકભાજી ખરીદવાના બહાને તારો મોબાઈલ નંબર એટલા માટે લીધોતો કે હું તને ગમાડું છું.તારું હસમુખું મુખડું તારી નજર મારી આંખોમાં ટકરાતી હતી તેં હું સારી રીતે સમજતી હતી.પરંતુ તે મારી પહેલી મુલાકાત હતી.અને પહેલી મુલાકાતે જ મને તેં ઘાયલ કરી દીધી.તારી દુકાને વારંવાર ખરીદવા આવું છું,પરંતુ ખરીદવાના બહાનાતળે હું તને જોવા આવું છું...છગન!
. આખો દિવસ ફેરી કરી થાકી જાઉં છું.છતાં ઊંઘથી ઘેરાતી આંખોને પરાણે ખોલી આ પત્ર લખવા બેઠી છું.કેમકે તું પણ ક્યાં ઘરાકી વચ્ચે વાતો કરવા નવરો હોય છે? અને તારા બાપા પણ તારી જોડે દુકાને બેઠા હોય ત્યારે મારે તારી પાસે ખૂબ વાતો કરવી હોય છે,છતાં નથી કરી શકતી, માટે અડધી રાતે આ પત્ર લખવા બેઠી છું.ઘરનાં બધાં ઊંઘે છે.હું તારા માટે જાગું છું.રસિયા, શક્કરટેટી જેવી મીઠી જિંદગી ખાવા તને રસ હોય,શ્યામ તો એટલી હું નથી પરંતુ શક્કરિયા રંગની શંકુડી તારી કાકડી જેવી કાયા પામવા માટે મારી કાયાનાં કોબીજના પત્તા ખોલવા ક્યારે આવીશ?
. દીવાસે રાહ જોઈ,દીવાળીએ વાટ જોઈ,હવે તો હોળી આવી! હૈયે હોળી સળગી છે.કોઈ ઘરાક મારી લારીએ આવી ખરીદીને કાચી કૂણી શાકભાજી જેમ કાપી ટુકડા કરી રાંધી નાખે તેં પહેલાં તું મને લઇ જા.પછી કે'તો ના કે આ શંકુડીએ કીધું ના!
બાકી મારો પીધેલો બાપ ક્યારે શાકભાજીના મુલે વેચી મારશે તો તું સડેલા શાકભાજીની જેમ દુકાને સતત સડતો રહીશ.બીજું તો શું કહું?
તારી સતત વાટ જોતી લીખીતન..... તારી શંકુ !
(આ વાર્તા કાલ્પનિક છે,લાગુ પડતાંએ ધ્યાને ના લેવું. ઉદેશ માત્ર મનોરંજન પૂરતો છે.ધન્યવાદ! )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)