Prayshchit - 88 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 88

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 88

પ્રાયશ્ચિત પ્રકરણ 88

ગુરુજીની કૃપાથી કેતન મોહિનીની માયાજાળમાંથી બચી ગયો. કેતકીની વાતોની એના મન ઉપર કોઈ જ અસર ના થઈ. કેતકીએ આપેલો મોબાઈલ નંબર સેવ કરવાના બદલે ચિઠ્ઠી એણે ખિસ્સામાં મૂકી દીધી.

લગભગ દસેક વાગે મહેતા અંકલ સૂવા માટે રૂમમાં આવી ગયા.

" બે દિવસથી ફરી ફરીને થાકી ગયા છીએ. અમે તો એટલા બધા મંદિરોમાં ફર્યા છીએ કે પગે ગોટલા ચડી ગયા છે. "

" એટલા માટે જ હું મુખ્ય ચેતના જ્યાં છે ત્યાં માથું ટેકવી દઉં છું અને હૃદયના તાર મિલાવી દઉં છું. બાકી તો બધાં ઐતિહાસિક સ્થળો છે. " કેતન બોલ્યો.

" તમારી વાત સાચી છે કેતનભાઇ પરંતુ ભાવના વધુ પડતી શ્રદ્ધાળુ છે એટલે મારે મોટા મંદિરોમાં પરાણે એની સાથે ખેંચાવું પડે છે. " શશીકાંતભાઈ બોલ્યા.

" હું તમારી વાત સમજી શકું છું વડીલ." કેતન બોલ્યો.

" કાલે આપણે ગોકુળમાં દર્શન કરી આવીએ. એ પણ ભગવાન શ્રી કૃષ્ણની એક જાગૃત લીલાભૂમિ છે ! " મહેતા અંકલ બોલ્યા.

" હા કાલે ગોકુળ જઈ આવીએ અને પરમ દિવસે ગોવર્ધન પર્વતના દર્શન કરી આવીએ એટલે વ્રજભૂમિની આ યાત્રા પૂરી ! ગોવર્ધન પર્વતની સાત કોષની પરિક્રમા કરવાની મારી ઈચ્છા નથી. બસ એ લીલાભૂમિમાં પગ મૂકવો છે. " કેતન બોલ્યો.

" હા તમે જેમ કહો એમ. પણ અહીંના ચૌબા પંડિતો દર્શન કરાવવાના બહાને પૈસા ખૂબ જ લૂંટે છે. મને તો પહેલેથી ખબર જ હતી એટલે હું કોઇને પણ ગાંઠતો નથી. તમારી પાછળ જ પડી જાય. જુદા જુદા દર્શન અને સંકલ્પો કરાવવાના બે પાંચ હજાર પડાવી લે. આપણે ગુજરાતી છીએ એવી એમને ખબર પડી જાય તો ગુજરાતીમાં પણ વાતો કરે. " મહેતા અંકલ બોલ્યા.

" હા એ તો કાલે મને પણ અનુભવ થયો. તમે તો આગળ નીકળી ગયા હતા. મને ક્યાંય સુધી છોડે જ નહીં." કેતન બોલ્યો.

થાક લાગ્યો હતો એટલે થોડી વારમાં જ ઊંઘ આવી ગઈ. કેતન પાંચ વાગ્યે રાબેતા મુજબ ઉઠી ગયો અને એક કલાક ધ્યાનમાં બેસી ગયો. એ પછી બ્રશ વગેરે પતાવી નાહીધોઈ લીધું. સાબુ વગેરે ઘરેથી લઈને જ આવ્યો હતો એટલે ગઇકાલના વસ્ત્રો ધોઈને સૂકવી દીધા અને બીજી જોડી પહેરી લીધી.

૭:૩૦ વાગ્યે શશીકાંતભાઈ જાગી ગયા. કેતનને નાહી ધોઈને તૈયાર થયેલો જોઇને એમને પણ આશ્ચર્ય થયું. યુવાન છે તો સ્ફૂર્તિલો !!

આઠ વાગ્યે ગઇકાલની જેમ બધાએ નીચે જઈને ચા પાણી પીધા અને તૈયાર થઈને ૯:૩૦ વાગે ગોકુળ જવા માટે નીકળી ગયા. ગોકુળ માત્ર ૧૫ કિલોમિટર દૂર હતું એટલે પહોંચતાં જરા પણ વાર ન લાગી. યમુના નદીના એક કિનારે મથુરા છે તો બીજા કિનારે ગોકુળ છે.

કેતન ને ગોકુળ બહુ જ રમણીય લાગ્યું. ખૂબ જ સાંકડી ગલીઓ છે. અહીંયા ગાયો પણ ઘણી બધી જોવા મળી. ગોકુલ અને વૃંદાવન માં કદંબના વૃક્ષો પણ ઘણા જોવા મળ્યા.

વસુદેવ કનૈયાને જેલમાંથી લઈને નંદ જશોદા ના જે ઘરમાં લઈ આવેલા એ નંદ ભવન સૌથી પહેલાં જોયું. એકદમ યમુના નદીના કિનારે આ સ્થળ છે. ભગવાન શ્રીકૃષ્ણનું અને બલરામનું બચપણ અહીંયા વીતેલું.

આખાય મથુરાની દીવાલો ઉપર ભગવાન શ્રીકૃષ્ણની લીલાનાં ચિત્રો દોરેલાં છે. નંદ ભવનમાં પણ શ્રીકૃષ્ણનું મંદિર છે. આ મંદિરમાં બાળ કનૈયાનાં દર્શન કરવા માટે નાના બાળકની જેમ નીચે બેસીને ઘસડાતાં ઘસડાતાં ચાલવું પડે છે.

ગોકુળમાં લસણ અને ડુંગળી વર્જ્ય છે. બજારમાં તમને ક્યાંય પણ લસણ ડુંગળી જોવા પણ ન મળે કે ખાવા પણ ન મળે.

ત્યાંથી એ લોકો રમણરેતી ના આશ્રમમાં ગયા. બાળ કનૈયો પોતાના ગોવાળિયા બાળકો સાથે આ સ્થળે ગાયો ચરાવવા આવતો અને ધીંગા મસ્તી કરતો. આજે પણ ભક્તો રમણરેતી માં આળોટવાનો આનંદ લે છે. રમણરેતી આશ્રમની બાજુમાં જ એક પાર્ક છે ત્યાં ઘણા બધા હરણ જોવા મળે છે.

ત્યાંથી એ લોકો બ્રહ્માંડ ઘાટ ગયા. આ યમુના નદીનો ઘાટ છે જયાં માતા જશોદાને બાળ કનૈયાએ પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવેલું. આ જગા રમણીય છે અને ઘણી શાંતિ છે.

આ સિવાય ત્યાં બીજું તો કંઈ જોવાનું હતું નહીં એટલે બે કલાકમાં બધુ જોવાઈ ગયું.

હજુ સમય ઘણો બધો બાકી હતો. એટલે આજે જ ગોવર્ધન પર્વતના દર્શન કરવાની કેતને વાત કરી. શશીકાંતભાઈ ને તો કોઈ વાંધો હતો જ નહીં. એ તો કેતનથી ખૂબ જ પ્રભાવિત હતા.

બે રીક્ષા કરીને એ લોકો ફરી પાછા મથુરા આવી ગયા. ત્યાં એક રેસ્ટોરન્ટમાં જમી લીધું અને પછી એક ટેક્સી કરીને કેતન લોકો ગોવર્ધન પર્વત પહોંચી ગયા. આ સ્થળ મથુરાથી ૨૩ કિલોમીટર દૂર છે.

કેતને જોયું કે ૨૧ કિલોમીટરના પરિઘમાં આ પર્વત આવેલો છે પરંતુ અત્યારે તો ત્યાં ટેકરીઓ અને પથ્થરો જ છે. આ ગોવર્ધન પર્વતની ૨૧ કી.મી ની પરિક્રમા ભક્તો કરે છે. અહીં જોવા લાયક દાનઘાટીનું ભવ્ય અને અદભુત મંદિર છે.

બાળ કનૈયાએ ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી ઉપર ઊંચકી લીધો હતો અને વરસાદના પૂરથી ગ્રામજનોને અને પશુઓને બચાવ્યા હતા એનું અદભુત મનમોહક દ્રશ્ય આ મંદિરની છત ઉપર તૈયાર કરેલું છે. જીવંત લાગે એવી પ્રતિમાઓ બનાવેલી છે.

મંદિરની અંદર ગીરીરાજની પૂજા થાય છે. અહીં શ્રી કૃષ્ણનું નામ ' ગીરીરાજ ધરણ ' કહેવામાં આવે છે. આ મંદિરની જમણી બાજુથી પરિક્રમા શરૂ થાય છે. એટલે જેમને પરિક્રમા ન કરવી હોય એ આ મંદિરના દર્શન કરીને પાછા વળી જાય છે.

સાંજ સુધીમાં એ લોકો ધર્મશાળામાં પાછા પણ આવી ગયા. એ સાથે જ વ્રજભૂમિની યાત્રા સમાપ્ત થઈ.

બીજા દિવસે બપોરે બે વાગે પુરી જવા માટે કલિંગા ઉત્કલ એક્સપ્રેસ મથુરાથી ઉપડતો હતો. બહુ જ લાંબો પ્રવાસ હતો. ૩૮ કલાકની મુસાફરી હતી. આવતીકાલે ઉપડતી ટ્રેન ત્રીજા દિવસે પરોઢિયે સાડા ત્રણ વાગ્યે પુરી પહોંચતી હતી.

મથુરાની ટ્રેનમાં તો ઈશ્વરે મારી લાજ રાખી લીધી અને જમવાની બધી જ વ્યવસ્થા કરી દીધી. ક્યાંય એક રૂપિયો પણ ખર્ચવો ના પડ્યો. પણ હવે શું ? એણે તત્કાલ ક્વોટામાં ટિકિટ તો બુક કરાવી લીધી.

ત્રણ દિવસ ફરી ફરીને થાક એટલો બધો લાગ્યો હતો કે બધા જ રાત્રે જમીને પડ્યા એવા ઊંઘી ગયા.

કેતન એના સમય પ્રમાણે પાંચ વાગે ઉભો થઇ ગયો. બ્રશ વગેરે પતાવીને ધ્યાનમાં બેસી ગયો. આજે એણે ફરી દિલથી સ્વામીજીને વારંવાર પ્રાર્થના કરી અને હવે પછીની યાત્રામાં મદદ કરવાની પણ વિનંતી કરી.

આઠ વાગ્યે બધા નીચે ચા-પાણી પીવા ગયા. ચા-પાણી પીતાં પીતાં વાતચીત ચાલુ હતી.

" તમારા લોકોની કંપનીમાં મને ખરેખર ખુબ જ મજા આવી. સમય ક્યાં પસાર થઈ ગયો કંઈ ખબર જ ના પડી. હવે આજથી ફરી પાછી મારી એકલાની યાત્રા શરૂ થઈ જશે. " કેતન બોલ્યો.

" તે હવે તમે ક્યાં જવાના ભાઈ ? " ભાવનાબેન બોલ્યાં.

" માસી બે વાગ્યાની જગન્નાથપુરીની ટ્રેન છે. એટલે હવે અહીંથી હું જગન્નાથપુરી જઈશ અને ત્યાં દર્શન કરીને જામનગર પાછો જઈશ. ત્યાં તો મારે એકાદ દિવસ રોકાવાનું થશે. " કેતન બોલ્યો.

" તો પપ્પા ચાલોને આપણે લોકા પણ જગન્નાથપુરી ફરી આવીએ ? " કેતકી બોલી.

" ના બેટા. હવે આપણે અહીંથી જ પાછા વળી જઈશું. જગન્નાથપુરી ઘણું જ દૂર છે. આટલામાં હોત તો વાંધો ન હતો. અને કેતનભાઇએ ચેક આપી દીધો છે એટલે રાજકોટ જવામાં હવે કોઈ ચિંતા નથી. " શશીકાંતભાઈ બોલ્યા.

" તે ભાઈ તમે જમવાનું શું કરશો હવે ?" ભાવનાબેન બોલ્યાં.

" જેનાં દર્શન કરવા જઈ રહ્યો છું એ ધ્યાન રાખશે હવે. ટ્રેનમાં તો જમવાનું મળે જ છે અને ત્યાં પણ જમવા માટે ઘણી રેસ્ટોરન્ટો છે. " કેતન બોલ્યો.

" તમને વાંધો ના હોય તો હજુ ઘણાં બધાં થેપલાં વધ્યાં છે. અહીં આવ્યા પછી જરૂર ના પડી એટલે અર્ધો ડબ્બો ભરીને છે. અહીં દહીં પણ સારૂ મળે છે. જોડે લેતા જવાનું. તમે અમારા માટે આટલું બધું કર્યું છે તો મારી ઈચ્છા છે કે તમે પણ ઘરનું જમો ભાઈ. અને તમારે ટ્રેનમાં ખાવાનું મંગાવું હોય તો મંગાવજો ને પણ ઢેબરાં જોડે તો રાખો ? " માસી બોલ્યાં.

'વાહ પ્રભુ વાહ !! શું તારી લીલા છે !!' કેતન મનમાં બોલ્યો.

" ઠીક છે માસી તમારી આટલી બધી ભાવના છે તો ચોક્કસ લેતો જઈશ." કેતન બોલ્યો. માસીને કેવી રીતે કહેવું કે દહીં પણ મારા પૈસાથી ખરીદી શકતો નથી !!

બપોરે ૧૨ વાગ્યે એ લોકોએ જમી લીધું. કેતકીની નજર સતત કેતનની સામે ને સામે રહેતી. પરંતુ કેતન એને ટાળી રહ્યો હતો. કેતકીને હતું કે કેતન એકાદ વાર તો કોઈક મેસેજ કરશે જ પરંતુ કેતને હજુ સુધી નંબર જ સેવ કર્યો ન હતો.

" તમે તમારો મોબાઈલ નંબર મને આપી રાખોને ? મારે ભવિષ્યમાં કંઈ કામ હોય તો તમને ફોન કરી શકું ને ?" છેવટે કેતકીને જ સામેથી નંબર માગવો પડ્યો.

કેતનને નાછૂટકે પોતાનો નંબર કેતકીને આપવો પડ્યો.

ભાવનાબેને ૧૫ જેટલાં થેપલાં છાપામાં પેક કરીને કેતનને આપ્યાં. એક નાની ડબ્બીમાં છુંદો પણ ભરી આપ્યો. પાંચ છ ખાલી પેપર ડીશો પણ આપી. કેતને બધું બેગમાં મૂકી દીધું.

" ચાલો અંકલ.. માસી...હું નીકળુ. " બપોરે એક વાગે કેતને બધાંની વિદાય લીધી. એક સારા પરિવારને છોડવાનો થોડો રંજ હતો એટલે હૃદય ભારે થઈ ગયું. આ ઋણાનુબંધ પણ પૂરો થઈ ગયો.

ટ્રેન સમયસર પ્લેટફોર્મ ઉપર આવી ગઈ. કેતને ઘરેથી લાવેલી પાણીની બોટલમાં સ્ટેશનના વોટર કુલરમાંથી પાણી ભરી લીધું હતું. નવી પાણીની બોટલ એ ખરીદી શકતો ન હતો. પાણી પણ સાચવી સાચવીને પીવાનું હતું.

આ વખતે એને બારી પાસે સીટ ન મળી. પેસેજ પાસેના કોર્નરની સીટ હતી. એની બાજુમાં એક પંજાબી સ્ત્રી હતી. અને બારી પાસે છેલ્લે પણ કોઈ સ્ત્રી જ બેઠી હતી. કદાચ એ પણ પંજાબી હતી. કેતનની બરાબર સામે એક સરદારજી બેઠા હતા અને એમની બાજુમાં એક સાઉથ ઇન્ડિયન કપલ હતું. ૩૮ કલાક પસાર કરવાના હતા.

ગુજરાતી પરિવારની એક ખાસિયત હોય કે વાતો વાતોમાં સમય પસાર થઈ જાય પરંતુ અજાણ્યા લોકો સાથે મુસાફરી થોડી કંટાળાજનક લાગે. કેતન બેઠો બેઠો માનસિક રીતે શ્રીકૃષ્ણ શરણમ મમ ના જાપ કરવા લાગ્યો.

ટ્રેનમાં વારંવાર ચા કોલ્ડ્રિંક્સ અને નાસ્તાના વેન્ડરો આવતા હતા. કેતનની ઘણી ઈચ્છા થતી એકાદ કોલ્ડ્રિંક્સ પીવાની પરંતુ લાચાર હતો. સાંજે સાત વાગ્યે પેન્ટ્રી કારનો વેઇટર જમવાનું પૂછી ગયો પરંતુ એ કઈ બોલ્યો નહીં. દહીં તો લીધું ન હતું. માત્ર છૂંદા સાથે બે-ત્રણ થેપલા ખાઈ લેવાનો એણે વિચાર કર્યો. આજુબાજુના લોકો જમવાનું ચાલુ કરે ત્યારે થેપલા કાઢીશ એવું એણે નક્કી કર્યું.

૮:૩૦ વાગ્યે દરેક પેસેન્જરોએ જમવાની તૈયારી કરી. સાઉથ ઇન્ડિયન કપલે પેન્ટ્રી કારમાંથી પોતાની થાળી મંગાવી. બાકીના સૌએ પોતપોતાની ડીશો હાથમાં લીધી. પંજાબી સ્ત્રીએ દરેકને પરોઠા પનીરનું શાક અને પ્લાસ્ટિકની ૧ નાની વાડકી માં દહી આપ્યું.

કેતને પણ બેગ ખોલીને એમાંથી ચાર થેપલા અને થોડોક છુંદો એક પેપર ડીશ માં કાઢ્યો. વિચાર તો માત્ર ત્રણ જ થેપલાં ખાવાનો હતો પરંતુ હજુ આખી રાત કાઢવાની હતી. એણે ડીશ હાથમાં લઈને જમવાનું ચાલુ કર્યું.

" અરે પાજી... આપ ભી દહીં લોગે કયા ? ગુજરાત સે લગતે હો. " કેતનને લુખાં થેપલાં ખાતો જોઈને બાજુમાં બેઠેલા સરદારજી બોલ્યા.

" નહીં અંકલ આપ લોગ ખાઓ." કેતને વિવેકથી ના પાડી.

" અરે ભાઈસાબ કો એક કટોરીમેં થોડા દહીં દે દો ના. " સરદારજીએ બાજુમાં બેઠેલી પોતાની પત્નીને કહ્યું.

આન્ટીએ પ્લાસ્ટિકની નાની વાડકી ભરીને દહીં કેતનને આપ્યું.

" ખાને મેં બિલકુલ શરમાના નહીં ભાઈસાબ. તબિયત સે ખાને કા. " સરદારજી બોલ્યા.

કેતને સ્માઈલ કર્યું. કંઈ બોલ્યો નહીં પણ ગુરુજી નો આભાર જરૂર માન્યો.

રાત્રે ૧૦ વાગ્યે બધાંએ સૂવાની તૈયારી કરી. કેતનની બર્થ લોઅર હતી જ્યારે સરદારજીનાં ભારે શરીરવાળાં વાઇફની બર્થ ઉપરની હતી એટલે સરદારજીએ કેતનને ઉપરના બર્થ ઉપર સૂઈ જવાની વિનંતી કરી.

" અરે અંકલ રિક્વેસ્ટ મત કરો. મૈં ખુદ સામને સે કેહનેવાલા થા. મેં ઉપર ચલા જાઉંગા. કોઈ દિક્કત નહીં." કહીને કેતન સૌથી ઉપરના બર્થ ઉપર સુઈ ગયો.

કેતન સવારે પાંચ વાગ્યે જાગી તો ગયો પરંતુ ઉપરની બર્થ ઉપર બેસાય એવું હતું નહીં. ઊંચાઈ ઓછી હતી એટલે ઉપર માથું અડી જતું હતું. એણે સૂતાં સૂતાં જ ધ્યાન કર્યું. એ પછી ઉભો થઈને ફટાફટ બ્રશ કરીને ફ્રેશ થઇ ગયો.

સવારે લગભગ પોણા આઠ વાગે મધ્ય પ્રદેશનું અનુપપુર જંકશન સ્ટેશન આવ્યું. કેતન નીચે ઊતર્યો. નજીકમાં બે ચાર ચક્કર મારી પગ છૂટા કર્યા. ત્યાં જ બાજુના સ્ટોલ ઉપરથી સરદારજીએ બૂમ પાડી.

" અરે ભાઈસાબ ગરમાગરમ ચાય પી લો. બઢિયા ચાય હૈ "

કેતને જરા પણ આનાકાની કર્યા વગર ચા નો મોટો પેપર કપ હાથમાં લઈ લીધો.
કેતને ફટાફટ ચા પી લીધી.

" ઓર પિયોગે ? એક કપ ઓર લે લો. સાથ મેં યે બિસ્કિટ ભી ખાઓ ના. " કહીને સરદારજીએ પારલેનું એક પેકેટ પણ હાથમાં પકડાવી દીધું.

સરદારજી પોતે પણ બે કપ ચા અંદર પહોંચાડીને સ્ટોલ ઉપર ઉભા ઉભા ચા અને બિસ્કીટનો આનંદ લેતા હતા.

" કહાં તક જાઓગે ? " સરદારજીએ પૂછ્યું.

" જી પુરી તક જા રહા હું. " કેતન બોલ્યો.

" બહોત બઢિયા. હમ લોગ તો ચાંપા ઉતર જાયેંગે . પુરી પહેલી બાર જા રહે હો ક્યા ? " સરદારજીએ પૂછવાનું ચાલુ રાખ્યું.

" જી ભાઈસાબ. "

" વહાં સ્વામિનારાયણ મંદિર ચલે જાના. સ્ટેશનસે હી ટેમ્પલકી બસ જાતી હૈ. ફ્રી મેં મંદિર તક લે જાતે હૈ. ઑર મંદિરમે ભી ખાના પીના રેહના સબ ફ્રી મેં. રહેનેકો ભી બઢિયા રૂમ ફ્રી મેં મિલ જાયેગી. આપકો બાદ મેં કુછ દેના હો તો દો ઑર ના દો તો ભી કોઈ બાત નહીં. બહોત અચ્છી સેવા ચલ રહી હૈ પિછલે એક સાલ સે." સરદારજી બોલ્યા.

ત્યાં ટ્રેનની વ્હીસલ વાગી. પૈસા ચૂકવીને સરદારજી કોચમાં ચડી ગયા. કેતન પણ એમની પાછળ ચડી ગયો.

કેતન થોડીવાર દરવાજા પાસે ઉભો રહ્યો. સ્ટેશન પૂરું થયું ત્યાં સુધી એ બસ ઊભો જ રહ્યો. ખુલ્લા આકાશની સામે જોઈ રહ્યો. ઈશ્વરની કૃપાથી એ નતમસ્તક થઈ ગયો.

એવું લાગતું હતું કે જાણે સ્વામીજી પણ એની સાથે ને સાથે ટ્રેનમાં જ મુસાફરી કરતા હતા !! સરદારજીએ શા માટે મને આ બધી માહિતી વગર પૂછે આપી દીધી ?
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)