મોક્ષ - જીવનચક્રનો અંત કે પ્રારંભ
મોક્ષ જો અંત હોય તો આત્માને ફરી કોઈ પણ શરીરમાં પ્રવેશ કરી પૃથ્વી પર આવવાનું નથી થતું. હવે, જો બીજા કોઈ ગ્રહો પર અન્ય જીવો વસવાટ કરતા હોય તો તેમાંથી પણ મુક્તિ મળી જવાની છે કે એ મોક્ષ પછીની એક નવી શરૂઆત હશે- એ તથ્ય સુધી હજુ હું નથી પહોંચ્યો.
ખેર, મોક્ષ એ જીવનચક્રની પીડાનો અંત હોય તો એ શ્રેષ્ઠ જ કહેવાય એવું માની લઈએ - શાસ્ત્રોક્ત વાત જે આપણે સ્વિકારેલ હોય એટલે! પરંતુ, જીવનચક્રની પીડામાંથી મુક્ત થવું એટલે કે મોક્ષ સિદ્ધ કરવો હોય તો મોક્ષની પ્રક્રિયાનો પ્રારંભ કરવો પડે.
કેવી રીતે ?
પીડા સ્વીકારીને કે પછી પીડાનું લેબલ મારવાનું બંધ કરીને ! મનની સ્થિતિને એક પરિપક્વ - મોક્ષની અવસ્થાને ન્યાય આપે તેવી - સ્થિતિમાં લઈ જવું પડશે. આ બધી ઊંડી વાતોમાં પડવા કરતાં, ટૂંકમાં કહું તો મનની સ્થિતિને સ્થિર કરવી પડશે - દરેક અવસ્થા કે પરિસ્થિતિ સમયે!
આ અવસ્થા તરફ વધવા માટે મનન, ચિંતન, અભ્યાસ, હકારાત્મક ઉર્જા, ધ્યાન વગેરે કેટકેટલુંય! આ બધાથી ઉપર એક અનોખી ચાવી જો હોય તો એ છે - મન ને દ્વિધા મુક્ત કરવું ને રાખવું.
પછી શરૂ થાય છે 'અંત' ની દિશામાં પ્રારંભ. અંત એટલે જીવનચક્રની પીડાનો અંત.
ઘણાં પ્રયાસે મોક્ષ મળી જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ એક પ્રશ્ન મનમાં ઉઠે છે, "મોક્ષ મળ્યા પછી શું શું કર્યો કરવા એની એક યાદી બની જાય તો બહુ સારું!
ચાલો, બહુ થઈ તત્વચિંતનની વાતો! થોડું જુદું વિચારીએ. આમતો વાત મોક્ષની જ છે, પણ; દ્રષ્ટિકોણ બદલી જોઈએ તો કેવું?
માની લઈએ કે જો મોક્ષ પ્રારંભ હોય...
મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે મોક્ષ એ પ્રારંભ છે. મોક્ષ મળ્યો એટલે તેનાં પ્રારંભ સ્વરૂપે મનુષ્ય યોનિમાં- ઉચ્ચ કોટીનું ગણાતું - જીવન મળ્યું. આ જીવન મળ્યું છે તો કોઈ ઉત્તમ કાર્યો માટે, આનંદની ઉજાણી કરવા માટે, ને મોક્ષની સ્થિતિનો અભ્યાસ કરવો તેમજ તેને ટકાવી રાખવા માટે. મોક્ષનો વિચાર કે ભાવ આપણને કઈ દીશા જવાનો નિર્દેશ કરે છે યા તો આપણી પ્રવૃત્તિ કે વૃત્તિમાં શુ પરિવર્તન આવે છે - તે તપાસ ને અભાસનો વિષય બની શકે.
ખેર, મોક્ષ પ્રારંભ હોય કે અંત; મનુષ્ય જીવનની ઉપેક્ષા શા માટે ? ભય ને દ્વિધા શા માટે ? જીવન એક ઉત્સવ કેમ નહીં ? મોક્ષની અપેક્ષા અને જીવનની ઉપેક્ષા યા તો પછી વર્તમાનને વ્યથિત કરી ભવિષ્યની કામના કેમ ? મારે મોક્ષના માર્ગે આગળ વધવું છે એટલે જે સુંદર જીવન મળ્યું છે તેનું સન્માન કરી, જીવનની રીતિ, નિતી કે વૃત્તિને યોગ્ય માર્ગ પર વાળવાનું હોઈ શકે. પરંતુ, મનુષ્યજીવન એ ભારરૂપ તો લાગવું ન જોઈએ - જે એટલું જ સત્ય અને મહત્વનું છે.
મોક્ષનું પ્રથમ સોપાન એટલે મનુષ્ય જીવન - જે જીવન સૃષ્ટિની પ્રક્રિયાને ખલેલ ન પહોંચાડે તેવું ! મોક્ષ માટે જીવન કે મનને નિયંત્રિત કરીએ - વાંધો નહીં, પણ ભય થી નહીં. ખરું કહું તો ચાલો, સૃષ્ટિના કોઈ પણ અંશ કે તત્વને રંજાડિયા વગર જીવનને ઉજવીએ - પ્રેમથી, સ્નેહથી, વિવેકથી ને વિમર્શથી!
PS: મેળામાં ફરવા જઈએ તો જોયું હશે કે ઘણા લોકો ચગડોળે ચડે - કીકીયારી ને કિલ્લોલ કરે. એ ચક્રમાં આપણે આનંદ માણીએ છીએ, ખરું ને ? લોકોને આનંદ માટે ઊંચકી ઉંચકી ને ઉછાળવા પડે ત્યારે ખુલ્લા મનથી કિલ્લોલ કરે! બાકી, મનુષ્ય સામન્ય સ્થિમાં બંધ આંખે, હાલ્યા ચાલ્યા વગર કિલ્લોલ કરતો હોય તો એ મોક્ષની પ્રક્રિયા કે સ્થિતિમાં હોઈ શકે!
*****
મોક્ષ વિશે અહીં મારા વ્યકગતિગત ભાવને રજૂ કરવાના પ્રયાસ કરતાં પણ મનુષ્યજીવનની સુંદરતા છતી થાય એવો મારો પ્રયાસ છે.
આશા કરું છું કે વાંચકમિત્રો ને આ લેખ ગમશે.
આપના પ્રતિભાવની આશા સાથે...
- કે. વ્યાસ