........ નમ્રતાએ સુહાસની સામે એક નજર કરી. બસ, એ જ સ્થિર ભાવ. "શું એમને પોતાની લાગણી વ્યક્ત કરવાની રીત જ આવી હશે?'' સુહાસને સમજવા પ્રયત્ન કરી જોયો.
સુહાસના ચોકલેટ પકડેલા હાથની નીચે અડધું ખાલી થયેલું ખારી પેકેટ ઢંકાઈ ગયું હતું.
"મારા માટે..? થોડી નાની ચોકલેટ પણ ચાલત?" એમ કહી નમ્રતાએ ચોકલેટ લઈ લીધી. "થેન્ક યુ." કહી રેપર ખોલતા કહ્યું, "હવે ચા પર ચોકલેટ સરસ લાગશે!"
"બેસી રહીને એટલો સ્વાદ નહીં આવે!" સુહાસે એમ કહી ચાલવાનો સંકેત કર્યો. સુહાસ ચાના રૂપિયા આપીને આવ્યો.
બન્નેએ ફૂટપાથ પર ચાલવાનું શરૂ કર્યું. નમ્રતાએ ચોકલેટનો એક ટુકડો સુહાસ તરફ લંબાવ્યો. "આટલી જ આપીશ. વધારે નહીં."
"હમ્મ," કહી, સુહાસે કહ્યું, "એક વાત પૂછું?"
"પુછોને." નમ્રતાએ કહ્યુ.
"એટલે આમ સંગીતનાં ક્લાસ શરૂ કર્યા છે; એટલે એમ કે, તને ગીત-સંગીતમાં બહુ રસ હોય એવું લાગે છે?" જવાબની રાહ જોયા વગર કહ્યું, "તો કાંઈ, એકાદ ગીત સાંભળવા મળે તો બહુ સારું.! કયા પ્રકારનાં ગીત વધારે પસંદ છે?" પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
"હજુ એટલું ક્યાં શીખી છું! આમતો ગઝલનો શોખ વધારે. પણ, તમે ફરી ઘરે આવો ત્યારે સંભળાવીશ. અને ઘડિયાળ સામે પણ જુઓ, પોણા સાત થયા છે." એમ કહી વાતને અટકાવી, "એક મિનીટ" કહી એણે ઘરે ફોન લગાવી દીધો. નમ્રતાનું ધ્યાન ફોનમાં તો હતું; પણ સુહાસની નજર પોતાના પર જ હતી એ એને ખ્યાલ હતો.
"આપણે જવું જોઈએ.' ફોન પત્યો કે તરત સુહાસે કહ્યું. નમ્રતાએ પણ સહમતી આપી અને બન્ને બાઇક તરફ ચાલ્યા.
"ઘરે આવજો, ફરી." પાંચ મિનીટ સુધી રહેલી ચુપકીદી, વાહન સુધી પહોંચ્યા પછી, નમ્રતાએ તોડી.
"આવીશ.., પણ..સાચું કહું તો ટાઇમ સેટ કરવોય મુશ્કેલ હોય છે. અને, પછી તો.."
"અને પછી? પછી શું..? નમ્રતાએ સુહાસની સામે જોયું.
" અને.., એમકે પછી તો સાથે જ છીએને! થોડો ટાઇમ છે. આવીશુ, ને તને લઈ જઈશ. પછી, કોઈ ચિંતા જ નહીં!"
"અચ્છા..? એટલે લગ્ન પહેલા મળવામાં ચિંતા જેવું હોય એવું મને આજે જ ખબર પડી! નમ્રતાએ મસ્તીનો સૂર છેડયો.
"ના.., એમ ક્યાં કહું છું? મારો મતલબ છે કે પછી તો રોજ સાથે જ રહેવાનું.., રોજ મળવાનું..!
"પછી.., અઠવાડિયે એક વાર મને અહીં લઈને આવશો, ખરુંને?
"કેમ નહીં? અહીં જ કેમ, ઘણી જગ્યાઓ છે જે કદાચ તે જોઈ પણ નહીં હોય - બધે જ ફરીશું. તને ફરવાનું બહુ પસંદ છે? સુહાસે પૂછ્યું.
"ફરવાનું તો કોને ન ગમે? બેસવાનું પણ ગમે - કોઈ શાંત અને સુંદર જગ્યાએ! બેસીને વાતો કરવી, કુદરતને નિહાળવી, કુદરતનાં ખોળામાં બેસીને જિંદગીને અનુભવવી.., હું તો ઘણી વાર ઘરની અગાસી પર જઈ; આકાશ, વાદળાઓ, પક્ષીઓ - બધાનું નિરીક્ષણ કરું - બસ, એમજ સાવ એકાંતમાં, એકલી બેસીને! અને હવે તો, એ પણ..."
પણ...?
"એ પણ.., હવે .., " બોલતાં બોલતાં અટકી ગઈ. એને લાગ્યું કે વધારે બોલવું યોગ્ય નહીં હોય. એણે જોયું કે સુહાસ હજુ જવાબની રાહ જોઇને તેની સામે જોઈ રહ્યો હતો.
"કેમ કહેવાય તેમ નથી..? વાત તો પૂરી કરવી જોઈએ!' અડધી ચોકલેટ તરફ ઈશારો કર્યો, "ચોકલેટ પુરી ન થાય તો ચાલે, પણ વાત નહીં! સુહાસનેય સમજ તો પડતી જ હતી કે નમ્રતા શું કહેવા માગે છે, પણ સામાન્ય માનવ સહજ ટેવ પ્રમાણે શાનમાં સમજેલી વાતની ખુશીને શું કરવાની?
"કહીશ.., શાંતિથી..! ફરી મળીશું ત્યારે!" એમ કહી પોતાનાં હાથમાં રહેલ ચોકલેટનાં ચાર ભાગમાંથી, સુહાસને ત્રણ ટુકડા આપ્યા. "લો.., આ તમારો ભાગ"
સુહાસની નજર હજુય એ જાણવા માંગતી હતી કે 'એ પણ...' શું? ચોકલેટના ત્રણ પીસ નમ્રતાના હાથમાંથી લઈ ગળે ઉતરી દીધા, પરંતુ 'પણ' માં અટકેલું મન ચોકલેટની મીઠાસને માણે કેવી રીતે? આજકાલ, ગૂઢ લાગતી પ્રેમની લીપી લોકોને વાંચવા કરતાં સાંભળી લેવમાં રસ વધારે હોય છે - સુહાસની જેમ. એટલે જ સુહાસને સાવ નાની અને સહજ વાતમાં બહુ રસ પડ્યો.
"ચોકલેટ કેવી લાગી? નમ્રતાને સુહાસની આંખોમાં જાણે ડોકિયું કરી લેવું હોય તેમ દ્રષ્ટિ કરી. "મને હમણાંજ એવો અહેસાસ થયો કે ચોકલેટ વહેંચીને ખાઈએ તોજ એની મીઠાશનો ખ્યાલ આવે છે!"
સુહાસને જાગેલી 'પણ'ની જિજ્ઞાસા સંતોષાઈ કે નહીં, પણ નમ્રતાએ ચોકલેટનો છેલ્લો ટુકડો મોમાં મમળાવવાનું ચાલુ રાખી, ઘરે જવાની ઉતાવળ બતાવી.
" હવે મોડું થયું છે. જવું જોઈએ." નમ્રતાની વાતને સહમતી મળી ગઈ.
* * * * *
ઘરે પહોંચી ગઈ. મનમાં ઘણો સંતોષ પણ હતો. સુહાસની સાથેની મુલાકાત વિશે મમ્મી-પપ્પાને જાણ કરી. રાતે સુહાસનો એક મેસેજ પણ હતો. : 'ગીત ન સંભળાવ્યું, કેટકેટલી વાતો અધુરી રહી ગઈ..!' એ વાંચીને નમ્રતાને જવાબ લખવામાં બહુ વાર પણ ન લાગી. તેણે લખ્યું, 'હવે બે અઢી મહિના તો છે. પછી તો સાથે જ હોઈશું ને! પછી ક્યાં કાંઈ ચિંતા રહેવાની!'
નમ્રતાનાં મેસેજની અસર તો એવી કે થોડી વારમાં જ સુહાસનો મેસેજ નહીં ફોન આવ્યો.
"મારા શબ્દો મારા પર જ? એક ગીતની તો વાત છે. એમાંય આટલા દિવસ? એવું જ હોય તો હવે હું ગીત સાંભળવાની જીદ જ નહીં કરું.., એટલે, એવી ઇચ્છા જ નહીં કરું!'
થોડી વાર નમ્રતાને એ સમજાવવું મુશ્કેલ લાગ્યું કે સુહાસના ઉકળાટને શાંત કરવો કઈ રીતે; પણ, અજાણતા કાંઈ સળગે તો ઠારવાની ચિંતા હોય એમ વિચારી પોતેજ ફરી સળગતામાં ફૂંક મારવા પ્રયત્ન કર્યો.
"એના માટેતો તમારે ઘરે આવવું પડશે - અને આપણે એવી જ વાત થઈ'તી! "નમ્રતાને એમ કે આવું કહીશ થોડી રકઝક તો ચાલશે જ. પણ એવું કંઈ ન થયું. બધી વાત 'સારું, ભલે, ને આવીશ' માં જ પતી ગઈ.
.....ને એવી જ રીતે, મિલન અને મુલાકાતના અનુભવો ચાલતા રહ્યા - અવારનવાર, ઘણીવાર - બહુ દિવસ સુધી.
* * * * *
'....અઢી મહિનામાં થયેલા અનુભવોની સ્મૃતિઓ નમ્રતાના માનસપટલ પર સળવળી રહી હતી...
"....આટલા ટૂંકા ગાળામાં, લગ્ન પહેલાની કેટકેટલી યાદોનો ખજાનો એકઠો કરી લીધો હતો. સુહાસ સાથેની દરેક મુલાકાત ખૂબ સરસ અને રોમાંચક જ રહી હતી. સગાઈ પછીની પહેલી મુલાકાત, સુહાસ માટે બનાવેલું ભોજન, બગીચાની મુલાકાતનો પ્રથમ આઇસ્ક્રીમ, રાધે હોટેલની ચા સાથેની ખારી, અને પછી પ્રથમ ચોકલેટની મીઠાશ; ને ત્યાર પછી ચાર-પાંચ થયેલી ઊડતી મુલાકાતો અને એમાંય વળી, બીજી બે-ત્રણ મુલાકાતો તો યાદગાર ને રોમાંચક બની ગઈ હતી.'
નમ્રતાની નજર સામે એક પછી એક દ્રશ્ય તરવરી રહ્યા હતા. વિચારોનો પ્રવાહ તો હજુય સ્મૃતિઓને ઢંઢોળી રહ્યો હતો...
'......ગીત સાંભળવાની ઇચ્છા રાખીને જાણે રિસાઈ ગયા હોય તેમ ત્રણેક દિવસ તો ન ફોન આવ્યો કે ન આવ્યો કોઈ મેસેજ. પરંતુ જ્યારે મેં તૈયાર કરેલ ઓડિયો કલીપ મોકલી તો બીજે જ દિવસે ઘરે આવી પહોંચ્યા હતા. એમના ચહેરા પર આનંદનો ભાવ જ એવો હતો કે આજે પણ એમનો એ ચહેરો સ્મૃતિમાંથી ભૂંસાય તેમ નથી. એમણે 'મારા ગળામાં જાદુ છે' એમ કહી વખાણ કરેલ. એજ ગીત એમણે પોતાના ઘરે બધાને સંભળાવ્યું'તું. બધાને બહુ જ ગમ્યું હતું.
... ને સુહાસના ઘરે પણ એક વાર જવાનું થયું. ઘરના બધા સાથેની મુલાકાત. એમના મમ્મી-પપ્પાએ સાથે બેસીને કરેલી વાતો - ઘરની, કુટુંબની, સુહાસના અભ્યાસની, એમના વતનની, સગા-સંબધીઓની; મારા પોતાના અભાસની, ગીત-સંગીતની પ્રેક્ટિસની વગેરે વગેરે ઘણું બધું. એક આખો દિવસ ત્યાં જ રોકાવાનું થયું ને પછી ત્યાંથી જ સુહાસ અને તેમના મિત્ર સાથે ફરવા નીકળેલા... રીવરફ્રન્ટની એ મુલાકાત કેમ ભુલાય...?
'... રીવર ફ્રન્ટ પર પસાર કરેલા એ ત્રણ કલાક - એ પછી જ એવું લાગ્યું કે સુહાસ એક અલગ અને ખાસ વ્યક્તિવ છે. તે દિવસે, એમનાં મિત્ર દીક્ષિતભાઈ અને એમનાં પત્ની પણ આવેલા. એમના મિત્રોમાં એ ખાસ. મિત્રો સાથેનો એમનો વ્યવહાર પણ ખૂબ નિરાલો હતો. સાંજના સમયે, સાથે બેસીને વાતો કરી. નાસ્તો કર્યો ને આઇસ્ક્રીમ પણ. અને ત્યારબાદ બીજી વાર અમે બેઉં ફરી ત્યાં જ મળ્યા હતા, ને ત્યારે સાથે બીજું કોઈ નહોતું. અમારી દરેક મુલાકાત તેમના સ્વાભાવની નવીન ઓળખ કરાવી જતી હતી. એ દિવસે મને લાગ્યું કે મારા લગ્ન જીવન માટે સુહાસ નામની વ્યક્તિ ખરેખર બહુ જ યોગ્ય છે. મારી વાતોને ધ્યાનથી સાંભળવાની એમની રીત, મારા વિચારોને માન આપવાનો એમનો સ્વાભાવ - બધું જ હૃદયને અસર કરી જતું હતું.....'
નમ્રતા પોતાનાં મનમાં ચાલી રહેલી સ્મૃતિને ફરી ફરીને જોતી હોય એમ વાગોળતી રહી. તેનાં ચહેરા પર ખુશીની લહેર હિલોળા લેતી હતી. નમ્રતાને પહેલી ચોકલેટ વાળો દિવસ પણ ફરી તાજો થઈ આવ્યો.
'....તે દિવસે અધુરી રહેલી વાત એમણે કયારેય ઉખેળી નહોતી. ત્યાર પછી પણ એક વાર ઘરે આવ્યા ત્યારે પણ જૂની વાત યાદ નહોતી કરી..!'
'...ને એ દિવસે, રીવર ફ્રન્ટ પર બેઠા હતા ત્યારે એમણે કેવું પૂછી લીધેલું? 'એક વાત કહું' એમ કહી એમણે એક પ્રશ્ન કરી રાધે હોટલનો એ દિવસ અને એ દિવસની અધૂરી લાગતી વાત યાદ કરાવી દીધી હતી. એમની એ રીત પણ અલગ જ હતી....'
એ દ્રસ્ય યાદ આવતાં નમ્રતાના મુખ પર મુસ્કાનની હળવી તરંગ ફરી વળી, ને સુહાસ જાણે પોતાના માટે જ હોય એવી એક ગર્વની લાગણી..!
નમ્રતાના મનમાં , ટેપને જાણે રિવાઇન્ડ કરી ફરી ચાલવી હોય તેમ, એ દિવસે થયેલો સંવાદ
શબ્દસહ ને સચિત્ર ચાલવા લાગ્યો..
"...નમ્રતા.., આજે આપણે અહીં બેઠા છીએ - રીવર ફ્રન્ટ પર. સામે સાબરમતી નદીનું પાણી છે. અહીં બહુ બધા લોકો પણ છે, છતાંય આપણને અહીં એકદમ શાંતી જેવું લાગે છે. તને કેવું લાગે છે આજે? કેવું લાગે છે અહીં? " મેં આપેલા 'ઘણું સારું લાગે છે' ના જવાબ પછી એમણે કહ્યું, "મને ખબર છે કે તને ફરવું ગમે છે, સુંદર અને શાંત સ્થળ પર બેસવું ગમે છે. તું ઘણીવાર અગાસીમાં તું એકલી બેસીને આકાશ, પક્ષીઓ, વાદળ વગેરેનું નિરીક્ષણ કરતી હોય છે - સાવ એકાંતમાં, ખરું ને? .." એમ કહી એમણે મારી સામે નજર પણ કરી હતી..
મને કેટલું આશ્ચર્ય થયું હતું.. રાધે હોટેલ પર બોલાયેલા મારા જ શબ્દો એમના મુખેથી સાંભળી હું એમની સામે જ જોઈ રહી હતી..પછી..ને પછી એમણે એમનો એક હાથ ધીમેથી મારા હાથ પર મુક્યો, કદાચ પહેલી વાર, ને પછી મને પૂછ્યું,
'....હવે કહીશ મને..? તું એકાંતમાં બેસતી હતી.., 'ને પછી હવે.. ' એમ કહી અટકી ગઈ હતી; તો એ અધુરી વાત આજે તો પુરી કર. 'ને હવે શું?' નો જવાબ બાકી છે, યાદ છે ને?...."
એ ઘટના યાદ આવતા જ નમ્રતાને આખા શરીરમાં જાણે કાંઈ સળવળી ગયું હોય તેવી અનુભૂતિ થઈ આવી હતી; ,ને સાથે અસર હતી સુહાસના પહેલી વખતના સ્પર્શની! જવાબતો તે દિવસે જ આપી દીધેલ હતો - ચોકલેટના ત્રણ ટુકડા આપ્યા ત્યારે; પણ એ દિવસનું 'પણ'માં અટકેલું એમનું મન, પાછું રિવરફ્રન્ટ પર કેમનું જાગી ગયું - એ પણ બે મહિના પછી? તે દિવસની રાધે હોટેલે થયેલી મુલાકાત સમયે નમ્રતાએ અંતરના ભાવને રજૂ કરવા સ્પષ્ટ રીતે શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો અને ત્યારબાદ રિવરફ્રન્ટ પર એ વાત નીકળી તો પણ અંતરની વાતને શબ્દોમાં છાપવાનું યોગ્ય નહોતું લાગ્યું.
સુહાસે ફરી ભારપૂર્વક અને હવે તો...' નો જવાબ માંગ્યો હતો તો નમ્રતાએ ફરી સંકેતનો સહારો જ લીધો હતો. એણે રીવરફ્રન્ટના શાંત પાણી તરફ ઈશારો કર્યો હતો. સૂર્ય પશ્ચિમ દિશામાં હોવાથી પાણીમાં એક પ્રતિબિંબ હતું - બે વ્યક્તિનું, જેમાં બેઉના હાથની હથેળી જોડાયેલી હતી. પ્રતિબિંબ પાણીની હળવી લહેરો પર સુંદર રીતે ઝૂલી રહ્યું હતું.
સુહાસને એ જોઈને બધું જ સમજાતુંજ હતું. એ કઈ કહેવાની તૈયારીમાંજ હતા; પણ તે જ જગ્યાએ, તે સમયે એક બોટ આવી પહોંચી હતી. પ્રતિબિંબ વાળી જગ્યાએ બોટ રોકાઈ ગઈ હતી. તેમણે જાણીજોઈને એમ કહીને વિરોધ જાહેર કર્યો હતો કે ત્યાં તો કશું જ નહોતું. ત્યાં તો માત્ર પાણી હતુ ને એક બોટ હતી, બસ!"
નમ્રતાએ ફરી ઈશારો કર્યો હતો અને બોટની સપાટી પરના પડછ્યા તરફ ધ્યાનથી જોવા કહ્યું હતું. પ્રતિબિંબે પડછાયાનું રૂપ ધરી લીધું હતું, અને આજે પણ એ જ પાણીની લહેર પરની છાપ નમ્રતાના હોઠ પર તરંગ જગાડી જતી હતી.
નમ્રતાને આજે પણ, પોતાના હૃદયમાં સાચવેલી સ્મૃતિઓમાં 'પ્રતિબિંબથી પડછાયાની' ની સ્મૃતિ અને સુહાસનો એ દિવસનો પ્રથમ સ્પર્શ આંખોમાં ઝબકી જતો હતો..એ પ્રસંગ યાદ આવતા જ એના હોઠ ફફડ્યા અને એની પ્રિય ગઝલના શબ્દો નીકળી પડ્યા.
....
"દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાવ મને દરિયો દેખાય તારી આંખમાં,....
છીપલામાં સદીઓથી કેદ થઈ સુતેલા, દરિયાને સપનું એક આવ્યું.....
......... "
આ એ જ ગઝલ હતી કે જે તેણે પોતાના અવાજમાં રેકોર્ડ કરી સુહાસને મોકલી હતી. તેમણે તે કલીપ સોશ્યલ મીડિયામાં શેર કરેલી અને એક મહિનામાં અસંખ્ય લાઇક્સ અને પ્રતિભાવો મળી ગયા હતા. આ એજ એક બીજો અનુભવ હતો જેમાં સુહાસે ગીત-સંગીતની ઇચ્છઓમાં રહેતી નમ્રતાની સૃષ્ટિને હિમ્મત અને ઉત્સાહના શૃંગારથી સજાવી દીધી હતી.
ઉત્સાહ, હિમ્મત અને ગર્વથી ભરેલી અને સ્મૃતિઓમાં ખોવાયેલી એ સુંદર અને ચમકીલી આંખો પાંપણ ઓઢીને ઝગમગતી દુનિયાની સફરે નીકળી ગઈ હતી.
...ક્રમશ: