Chakravyuh - 29 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 29

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 29

પ્રકરણ-૨૯

ઇશાને જોયુ કે થોડે આગળ જ અરાઇમા દોડતી જઇ રહી હતી, ખુબ ભયાનક ટ્રાફીક વચ્ચે તે દોડી રહી હતી. ઇશાન કારને દોડાવવાની ટ્રાય કરી પણ થોડે જ આગળ ચાર રસ્તા પર સ્ટૉપનું સિગ્નલ દેખાતા તેણે કારને થોભાવવી પડી.

“ડેમ ઇટ. આ સિગ્નલને પણ અત્યારે જ ફ્લેશ થવુ હતુ. હે ભગવાન અરાઇમા સાથે કોઇ દુર્ઘટના ન ઘટે તો સારૂ. પ્લીઝ બી ફાસ્ટ. જલ્દી જવા દ્યો પ્લીઝ.” દૂર સામે રોડ પર અરાઇમા દેખાતી બંધ થતા તે મનોમન બબડવા લાગ્યો ત્યાં અચાનક રોડ ક્રોસ થતા બે ગાડીઓ અથડાઇ પડી અને તે ગાડીના ડ્રાઇવરો વચ્ચે ઝઘડો થતો ઇશાને જોયો.   “થઇ ગયુ હવે સિગ્નલ ઓફ. આઇ હેવ ટુ ડુ સમથીંગ. તેણે રોડ પર જ સાઇડમાં કાર પાર્ક કરી દીધી અને દોડતો અરાઇમા જે દિશામાં ગઇ હતી તે દિશામાં દોડ્યો. જીવનમાં પહેલી વાર તે આમ દોડી રહ્યો હતો આજે.   “અરાઇમા........... અરાઇમા.........” બાવરો બની તે બૂમો પાડી રહ્યો હતો અને આજુબાજુમા રસ્તા પર ઊભેલા લોકોને મોબાઇલમાં અરાઇમાનો ફોટો બતાવી પૂછી રહ્યો હતો. પરસેવાથી લથબથ અને લથડીયા ખાતો ઇશાન અરાઇમાને શોધતો આગળ ને આગળ દોડી જ રહ્યો હતો, સાયદ તે ભાન ભૂલી ગયો હતો. બહુ વધુ દોડવાથી તેના પગ પણ હવે તેને સાથ આપતા ન હતા. રસ્તા પર પૂરપાટ દોડતી ગાડીઓથી માંડ માંડ બચતો ઇશાન આગળ દોડી રહ્યો હતો અને બસ અરાઇમાના નામની બૂમો પાડી રહ્યો હતો પણ અરાઇમા દૂર દૂર સુધી ક્યાંય તેને દેખાતી જ ન હતી.   અચાનક લથડીયા ખાતા તેનો પગ ફસડાઇ પડ્યો અને રોડ વચ્ચે આવી જતા પાછળ આવી રહેલી પૂરપાટ ગાડીની હડફેટે ઇશાન આવતા તે ઉછળીને પડ્યો અને તેનુ માથુ રોડ સાથે અથડાતા માથામાંથી લોહી વહેવા લાગ્યુ. લોહીલુહાણ હાલતમાં ઇશાન તરફડી રહ્યો હતો, ગાડીનો ડ્રાઇવર તો અકસ્માત થતા જ ગાડી દોડાવી ભાગી ગયો અને આજુબાજુમાં રહેલા લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ. હજુ ઇશાન ભાનમાં હતો અને બસ સામે રોડ બાજુ જોઇ અરાઇમા અરાઇમા બોલતા બોલતા તેણે પોતાની આંખો ઢાળી દીધી.   કોઇ ઢીલાપોંચા હ્રદયનો માણસ તો થરથરી ઊઠે તેવી હાલત ઇશાનની થઇ ગઇ હતી. બે ચાર ભલા માણસોએ ઇશાનને કારમાં નાખી હોસ્પિટલ લઇ ગયા. સીટી હોસ્પિટલમાં તેને એડમિટ કરી તો દીધો પણ ઇશાનના ફોનમાં પેટર્ન લોક હોવાથી તે લોક કોઇ ખોલી શક્યુ નહી માટે તેના સગા વ્હાલાઓનો સંપર્ક કરવામાં બધા અસમર્થ રહ્યા.   “આ ઇશાન પર તમારે ચાંપતી નજર રાખવાની જરૂર છે પપ્પા. હમણા છેલ્લા ઘણા દિવસોથી હું માર્ક કરું છું કે તે ફ્રેંડના ઘરે જવાનુ કહીને ઘરેથી નીકળે છે અને રાતરાત ભર તે મિત્રો સાથે હોય છે.” ઘરે ઇશાનને ન જોતા કાશ્મીરાએ સુરેશ ખન્નાને કહ્યુ.   “બેટા હવે મને ટેવ પડી ગઇ છે સંતાનોને મારા ઇરાદાથી ઉપરવટ થતા જોવાની.” એક વાક્યમાં સુરેશ ખન્નાએ આપેલો જવાબ સાંભળી કાશ્મીરા સમજી ગઇ કે તેના પિતાજીનો ઇશારો કઇ બાજુ હતો.   “પ્લીઝ પાપા.” બોલતી કાશ્મીરા ઇશાનના મુદ્દાને પડતો મૂકી તેના રૂમમાં જતી રહી.   “સાંભળો છો, કાશ્મીરા જે કહેતી હતી તે સાચુ કહેતી હતી, હમણા ઘણા સમયથી ઇશાનનું વર્તન બહુ અજીબ લાગે છે મને પણ, હમણા બે દિવસ પહેલા જ તે અંકિતના ઘરે જવાનુ કહીને ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ થોડી જ વારમાં અંકિત ઘરે આવ્યો ઇશાનને લેવા માટે. ત્યારે તો મે બહુ ખાસ ધ્યાન ન આપ્યુ પણ આજે કાશ્મીરાએ કહ્યુ એટલે મને પણ ઇશાન પર શંકા જાય છે.” જયવંતીબેને કહ્યુ અને સુરેશ ખન્નાના કાન ચમક્યા.   “જો ઇશાનની મા, ઇશાન હવે યુવાન થઇ ગયો છે. મારા મત મુજબ તેને થોડી આઝાદી આપવી જરૂરી છે. ગર્ભશ્રીમંત ઘરનો એકનો એક વારસદાર છે ઇશાન, તેને ઘરમાં કેદ રાખવો એ મને યોગ્ય જણાતુ નથી અને હમણા થોડા દિવસ જ તે અહી છે બાકી પછી તો તે અભ્યાસાર્થે તેને બહાર મોકલવાનો જ છે તો ભલે ને હમણા તે મિત્રો સાથે મોજમજા કરતો.” સુરેશ ખન્નાએ આ બધી વાતને ખુબ હળવાશથી લીધી પણ તેને ક્યાં ખબર હતી કે તેનો લાડકવાયો વારસદાર અત્યારે જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યો હતો.

**********  

“નક્કી થયા મુજબની રકમ આ બેગમાં છે અને તારી મુંબઇ જવાની ફ્લાઇટની ટીકીટ આ કવરમાં છે, આજે મતલબ અત્યારે જ તુ મુંબઇ જવા નીકળી જવાનુ છે.” કાળો કોટ પહેરેલો એ માણસે અરાઇમાને આદેશ આપતા કહ્યુ.   “ઓ.કે. મિસ્ટર...........”   “સ્સ્સ્સ્સ... અહી નામ લેવાની જરૂર નથી, અને આજથી તુ પણ તારી આ ટેમ્પરરી ઓળખાણ અરાઇમાને ભૂલી જાજે.”   “ઓ.કે. સર, જેમ તમે કહ્યુ છે તેમ જ થશે. પણ મને એ ન સમજાયુ કે ઇશાનને કેમ તમે નિશાનો બનાવ્યો.”   “લુક બેબી, આ બહુ જુની અદાવત છે, વખત આવ્યે તને બધી વાતની જાણ થઇ જશે. જે દિવસે આ બધી વાતનો પર્દાફાશ થશે તે વખતની તુ સાક્ષી બનશે, હું ખુદ તને ત્યારે તેડાવીશ પણ ત્યાં સુધી પ્લીઝ આ વાતનો તાગ લેવાની ટ્રાય ન કરજે. જો કોઇને જરાપણ આ વાતની ભનક પડી તો સમજી લેજે મે રચેલુ આખુ ચક્રવ્યુહ એ સુરેશ ખન્ના અને તેની પૂત્રી તોડી નાખશે અને હું કોઇપણ ભોગે એ નથી ઇચ્છતો કે એ લોકો મારા રચેલા ચક્રવ્યુહમાંથી બહાર નીકળી શકે. કોઇપણ ભોગે નહી....” બોલતા બોલતા એ વ્યક્તિના મગજ પર એટલુ ખુન્નસ ચડી આવ્યુ હતુ કે હાથમાં રહેલા કાચના ગ્લાસ તૂટીને ચક્નાચૂર થઇ ગયો.

TO BE CONTINUED…………