એ વરસાદી રાત
- રાકેશ ઠક્કર
શહેરના ટાવરના ઘડિયાળમાં દસ ડંકા વાગ્યા એ હવે સંભળાતા હતા. છેલ્લા ચાર કલાકથી અટકવાનું નામ ના લેતો વરસાદ જાણે પોરો ખાવા સહેજ થોભ્યો હતો. કડાકા- ભડાકા સાથે વરસાદ આખા શહેર પર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યો હતો. ઠેરઠેર પાણી ભરાઇ ચૂક્યા હતા. વરસાદ ધીમો પડ્યો હતો પરંતુ કાળા ડિબાંગ વાદળા અને વીજળીના ચમકારા એવો ભયજનક અણસાર આપતા હતા કે આજની રાત શહેર માટે ભારે હતી. આજે લોકો પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા. વરસાદ એનું કામ કરતો હતો. જેલાંગની વાત અલગ હતી. તે રાતનો રાજા હતો. રાત પડે એટલે પોતાની કાર લઇ રખડવા નીકળી પડતો હતો. સામાન્ય સંજોગોમાં તેને રાત્રે કેટલાક મિત્રોનો સાથ મળતો હતો. આજે પરિસ્થિતિ અલગ હતી. ભારે વરસાદનો માહોલ અને હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની આગાહીએ એમને ગભરાવી મૂક્યા હતા. કોઇએ સાથે આવવાની હિંમત ના બતાવી ત્યારે જેલાંગ એકલો જ ફરવા નીકળી પડ્યો. પૈસાદાર પિતા એના માટે મોટો વારસો મૂકી ગયા હતા. મા કાયમ બીમાર રહેતી હતી. અને જેલાંગ એનું કંઇ સાંભળતો ન હતો. તે સ્વચ્છંદી થઇ ગયો હતો. તેના પર માના સંસ્કારનું નહીં પણ પિતાના પૈસાની તાકાતનું પ્રભુત્વ હતું.
જેલાંગને શહેરના જે રસ્તા પર પાણી ભરાયા હોય એમાંથી પૂરઝડપે પોતાની પંચોતેર લાખ રૂપિયાની કાર પસાર કરીને પાણી ઉડાડવાની મજા આવતી હતી. લોકો જે પાણી જોઇને ભય અનુભવતા હતા એ તેના માટે આનંદનું સાધન બન્યું હતું. તે પોતાની મસ્તીથી ક્યારેક ધીમે તો ક્યારેક ઝડપથી કાર હંકારતો ફરતો હતો. અચાનક એક બસ સ્ટેન્ડ પર એક છોકરી હાથમાં છત્રી સાથે પલળેલી હાલતમાં ધ્રૂજતી દેખાઇ. તેણે એવી બ્રેક મારી કે કાર રસ્તા પર ચોંટી ગઇ. પછી કારને સહેજ પાછળ લઇ કાચ ઉતારી પૂછ્યું:"મેડમ, ક્યાં જવું છે? હું મદદ કરી શકું?"
છોકરીએ શરમથી કે ડરથી કોઇ જવાબ ના આપ્યો. ધીમા વરસાદને અવગણીને જેલાંગ કારમાંથી બહાર નીકળ્યો અને બસસ્ટેન્ડના પતરા નીચે ઊભેલી છોકરીની બાજુમાં જઇને ઊભો રહી ગયો. પેલી છોકરી બે ડગલાં પાછળ હઠી. જેલાંગે પોતાની ઓળખાણ આપી અને કહ્યું:"આટલી રાત્રે તમને કોઇ વાહન મળશે નહીં. હું તમને તમારા ઘરે મૂકી આવું..." બોલ્યા પછી જેલાંગની આંખોમાં સાપોલિયા રમવા લાગ્યા હતા. સુંદરથી પણ અતિસુંદર એવી એ છોકરીનું ભીનું રૂપ એને આકર્ષી રહ્યું હતું. તે એક વખત મોટી રકમ આપીને મુંબઇની એક ટીવી અભિનેત્રીનો સાથ માણી આવ્યો હતો એને પણ ભૂલાવી દે એવી આ છોકરી હતી. તે કોઇપણ સંજોગોમાં આ છોકરીનો સાથ મેળવવાનો નિર્ણય કરી ચૂક્યો હતો. આજની આ વરસાદી કાળી રાતને તે રંગીન બનાવવાનો મનસૂબો બનાવી ચૂક્યો હતો.
"મારે હવે કોઇ ઘર નથી...." વરસાદમાં પલળેલી હોવાની સાથે પોતાના પર આવેલી મુસીબતથી પણ એ છોકરીના સ્વરમાં ધ્રૂજારી વર્તાતી હતી.
"આટલા મોટા શહેરમાં તમારું ઘર નથી તો શું આ સરકારી બસ સ્ટેન્ડને તમારું ઘર બનાવ્યું છે?" જેલાંગ નવાઇથી પૂછી રહ્યો.
"ના, હું અનાથ છું. મારા પાલક માતા-પિતા બહુ ત્રાસ આપે છે એટલે હું આજે ઘરથી ભાગી આવી છું. હવે કોઇ દિવસ એમને ત્યાં જવાની નથી. મારી સહનશક્તિની હદ આવી ગઇ છે. ઉપર આભ અને નીચે ધરતી હશે તો ચાલશે પણ એમના ઘરમાં મારે રહેવું નથી..." પેલી છોકરીએ પોતાની આપવીતી ટૂંકમાં જણાવી દીધી.
જેલાંગને પરિસ્થિતિ પોતાની ઇચ્છાને અનુકૂળ લાગી. એ ઘર છોડી ચૂકી હતી. અત્યારે પોતે એનો સહારો બનીને હિતેચ્છુ સાબિત થઇ શકે એમ હતો.
"આવી મેઘલી રાતે તમે ઘર છોડવાનો નિર્ણય લઇને બહુ હિંમત કરી છે. કદાચ આપણી મુલાકાત થવાની હશે એટલે!" કહી જેલાંગ લુચ્ચું હસ્યો.
"બની શકે! પણ તમે મને અત્યારે આશરો આપશો?" છોકરીએ ડર સાથે પૂછ્યું.
જેલાંગ માટે તો આ 'નેકી ઔર પૂછ પૂછ?' જેવું હતું.
"કેમ નહીં? મારો બંગલો બહુ મોટો છે. તું તારું ભવિષ્ય વિચારે ત્યાં સુધી મારે ત્યાં રહેજે..." જેલાંગની જીભ પર લાળ ટપકી રહી હતી. તે મનોમન બોલ્યો:"મારો વર્તમાન સુધરી જશે!"
એકાએક વીજળી ચમકી અને વાદળાંની ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. છોકરી ડરીને જેલાંગને ભેટી પડી. જેલાંગ એના માદક ભીના સૌંદર્યથી હચમચી ઊઠ્યો. તેણે છોકરીને ભીંસમાં લીધા પછી પોતાની ઇચ્છાઓ છતી ના થાય એટલે તરત અળગી કરતાં બોલ્યો:"તું ગભરાઇશ નહીં. હું તને મારા ઘરે સલામત રાખીશ. ચાલ આવી જા..." કહી તેનો હાથ પકડી કારમાં બેસાડવા લાગ્યો.
રસ્તામાં જેલાંગે તેનું નામ મેઘવી જાણ્યું ત્યારે ખુશ થયો. અને મનોમન બબડ્યો:"વાહ! મેઘલી રાતે મેઘવી મળી છે! આજે ક્યાંય ફરવાની જરૂર નથી. રાત્રે એ ઊંઘમાં પડે પછી આપણે રમત રમવાની..."
પોતાના બંગલા પર પહોંચીને એક વિશાળ રૂમમાં જેલાંગે એના માટે બધી વ્યવસ્થા કરી આપી. જેની એક ચાવી એણે ખાનગીમાં પોતાની પાસે રાખી હતી. સવારે વધારે વાત કરવાનું કહી જેલાંગ પોતાના બેડરૂમમાં આવીને મોબાઇલ પર પુખ્તવયના લોકો માટેનું અંગ્રેજી પિકચર જોઇ મનોમન ખુશ થવા લાગ્યો. તેણે ઘડિયાળમાં નજર કરી. ત્રણ કલાક પછી પોતાનું પિકચર શરૂ કરવાનું હતું!
અડધો કલાક થયો હશે અને તેના રૂમનો દરવાજો ખખડયો. તેને નવાઇ લાગી. મા તો જાતે ચાલીને અહીં સુધી આવી શકે એમ નથી. ઘરમાં મેઘવી સિવાય બીજું કોઇ નથી. તેને શું જરૂર પડી હશે? આ રંગીન પિકચર જોવાની મજા આવી રહી છે. તેણે દરવાજો ખોલ્યો. મેઘવી શરમાતી મુસ્કુરાતી ઊભી હતી. જેલાંગને થયું કે તે ઇજન આપી રહી છે. એ બોલી:"તમને વાંધો ના હોય તો ચાલોને આપણે અગાશી પર પલળવા જઇએ..."
"પલળવા? તું આટલી પલળીને તો આવી હતી?" જેલાંગે નવાઇથી પૂછ્યું. પણ એના મનમાં કામનાનો કીડો સળવળી રહ્યો હતો.
" આવા અનરાધાર વરસાદમાં અગાશીમાં પલળવાનો આનંદ કંઇ ઓર જ હોય છે. તમે ફિલ્મોમાં હીરોઇનોને ખુશીથી પલળતી જોઇ નથી...?"
"અરે હું તો હીરોઇનોને વગર કપડે પલળતી જોઉં છું..." એવા શબ્દો તેના હોઠ પર આવી ગયા એને અવગણીને બોલ્યો:"હા-હા, તું પણ હીરોઇનથી કંઇ કમ નથી! ચાલ અગાશીમાં જઇએ. હું બ્લૂટૂથ સ્પીકર લઇ લઉં છું. તું ટપટપ વરસતા વરસાદના વરસાદી ગીતમાં તારો સૂર પૂરાવજે..." કહી સ્પીકર લેવા લાગ્યો.
"ના-ના, આપણે વરસાદી સંગીતમાં જ પલળીશું...ચાલો...વરસાદ ધીમો થઇ જશે તો મજા નહીં આવે!" બોલીને તે મટકાતી ચાલે ચાલવા લાગી. જેલાંગ એક પળ ગુમાવ્યા વગર તેની પાછળ ખેંચાઇ આવ્યો.
અગાશી પર પહોંચીને મેઘવીએ બે હાથમાં વરસાદને ઝીલ્યો. ટીપાં લઇ એ ભીના ચહેરા પર પાણીવાળો હાથ ફેરવવા લાગી. તેને ધોધમાર વરસાદમાં બિંદાસ પલળતી જોઇ જેલાંગના તનબદનમાં આગ લાગી ગઇ. તેને વરસાદમાં ઝૂમતી-નાચતી જોઇ પોતાની આગોશમાં લેવાનું મન થવા લાગ્યું.
અચાનક વીજળીનો એક ચમકારો થયો અને જેલાંગનો ચહેરો સ્પષ્ટ દેખાયો. એના ચહેરા પર કામદેવ જોઇ મેઘવીને પાંચ વર્ષ પહેલાંની એ મેઘલી રાત યાદ આવી ગઇ.
તે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. જેલાંગ એના રૂપ પર મોહી ગયો હતો. એની સાથે દોસ્તી વધારવા માગતો હતો. તેને ખબર ન હતી કે જેલાંગ સ્ત્રીસંગ શોધતો હોય છે. તેની વાતમાં તે ફસાઇ ગઇ અને એક અવાવરુ બિલ્ડિંગના ખાલી ફ્લેટમાં જઇ પહોંચી. તેને કોઇએ સંદેશો આપ્યો હતો કે તેની બહેનપણી કાસવીની હત્યા થઇ ગઇ છે અને તેની લાશ અહીં પડી છે. તેની ભૂલ એ થઇ કે એણે જેલાંગની જ મદદ માગી. જેલાંગ સાથે એ પહોંચી ત્યારે એ રૂમ જોઇ તેને નવાઇ લાગી. કોઇ નવોઢાની સુહાગરાત માટે સજાવેલો એ રૂમ હતો. તે બૂમો પાડતી રહી પણ જંગલી પશુ જેવા બનેલા જેલાંગની આક્રમકતા સામે તેનું નાજુક શરીર પ્રતિકાર કરી શક્યું નહીં. જેલાંગ પછી તેના મિત્રોની લાઇન લાગી ગઇ. એને ના યાદ ના ભાન રહ્યું કે તેના કેટલા મિત્રો આવીને ગયા. બે દિવસ પછી તેને થોડો હોશ આવ્યો અને પાશવી અત્યાચાર યાદ આવતાં જ કોમામાં સરી પડી. કોઇએ ફરિયાદ કરી કે નહીં એનો તેને ખ્યાલ ના આવ્યો. પરંતુ જેલાંગ પર ઉની આંચ આવી ન હતી એની ખબર પડી ગઇ. કોમામાં વર્ષો સુધી રહ્યા પછી તે મૃત્યુ પામી અને તેને સ્મશાનમાં ચિતા પર ચઢાવી દીધી. તેનો આત્મા ભટકવા લાગ્યો, જેલાંગને એના કુકર્મની સજા આપવા માટે.
જેલાંગ પર તો અનંગનો રંગ ચઢ્યો હતો. તે મસ્તીમાં મેઘવી સાથે નાચતો હતો. એને ખબર ન હતી કે આ મેઘવી નહીં પણ એ નચિતાનું ભૂત હતું. જે પોતાના પર થયેલા અત્યાચારનો બદલો લેવા આવ્યું હતું. તે બબડ્યું:"મારા શરીરને ચૂંથનારા જેલાંગ, તારા શરીરનો કણેકણ આ વરસાદના પાણીમાં વહી જશે. હું જાણી ગઇ હતી કે તું સુંદરતાનો પૂજારી છે. એટલે સુંદર છોકરીનું રૂપ ધરીને આવી છું. તું આ રૂપની માયાજાળમાં ફસાઇ જવાનો છે."
જેલાંગ કંઇ સમજે અને વિચારે એ પહેલાં મેઘવીએ રૂપ બદલ્યું. સુંદર મેઘવીમાંથી તે ભયંકર ભૂતના સ્વરૂપમાં ફેરવાઇ ગઇ. ધોધમાર વરસાદ, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે જેલાંગની ચીસો કોઇ સાંભળી શકે એમ ન હતું. નચિતાના ભૂતે તેનું ગળું પકડીને શ્વાસ બંધ કરી દીધા. પછી તેના શરીરને નોંચવા લાગી. તેને પોતાની સાથેનો અત્યાચાર યાદ આવતો ગયો એમ વધારે ઝનૂનથી એના શરીરને પોતાના લાંબા તીણા નખથી ચૂંથવા લાગી. તેના આખા શરીરમાંથી લોહીનું ટીપે ટીપું નીચોવી કાઢ્યું. વરસાદના પાણી સાથે લોહી ભળીને બંગલાની અગાશીની પાઇપ મારફત ગટરમાં વહી રહ્યું. રાતના અંધારામાં જેલાંગનું શરીર ટૂકડે ટૂકડે પાણી સાથે જમીનની માટીમાં ભળી રહ્યું હતું.
વીજળીના એક ચમકારા વચ્ચે નચિતાનું ભૂત ઉડીને વરસતા વાદળોની વચ્ચે પહોંચીને અદ્રશ્ય થઇ ગયું.
પોલીસે તપાસ કરી અને બંગલાના સીસીટીવી કેમેરા તપાસી જોયા. એમાં જેલાંગ એકલો જ બંગલામાં આવતો દેખાયો હતો. તે એકલો જ અગાશી પર જતો દેખાયો અને પાછો આવતો દેખાયો નહીં એટલે તેણે બંગલાની અગાશીના પાછળના ભાગમાંથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની નોંધ કરીને બંગલાની પાછળની વરસાદી પાણીની ગટરમાં તેની લાશ તણાઇ ગઇ હોવાનું અનુમાન કર્યું અને લાશ શોધવાની તજવીજ ચાલુ રાખી.
***