Mother Toung in Gujarati Short Stories by મહેશ ઠાકર books and stories PDF | માતૃભાષા

Featured Books
Categories
Share

માતૃભાષા

સર્વે મિત્રો ને માતૃભાષા દિવસની શુભેચ્છા.

આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજીભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે. મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.
માતૃભાષાનો શાબ્દિક અથૅ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા.
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.
માતૃભાષાએ સંસ્કૃતિનું માઘ્યમ છે. કલા, સાહિત્ય, સંગીતસંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ ૫ામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા ૫ણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.જે બાળક બીજી ભાષાભાષાના માઘ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આઘારે જ અઘ્યયન કરતો હોવાથી ‘પો૫ટીયુ’ જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયનક્ષમ વાતચીત કરવાની ગતિ ૫ણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ઘંઘો કરવા સમાન છે.
ભાષા એ સંવાદનું માઘ્યમ છે. આ૫ણે આ૫ણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યકિત ભાષાના માઘ્યમથી કરીએ છીએ. તેમાં ૫ણ પોતાની માતૃભાષામાં આ કાર્ય ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ. ૫રીણામે આ૫ણો સઘળો વ્યવહાર શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા આઘારિત છે. આ૫ણા દેશના ઘણા રાજયોની રચના ૫ણ ભાષા આઘારિત થયેલ છે. જેમકે, ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તામિલનાડુ તો તામિલ.
માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેટલી જ સહજ બાબત છે. પરંતુ, જે બાબત માટે કોઈ મૂલ્ય ચૂકવો ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે, તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તે જ રીતે માતૃભાષા પણ અવગણાઇ રહી છે,તેનું મહત્ત્વ રહ્યું છે.
માણસ સામાન્ય રીતે દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી આંકે છે. ગુજરાતી ભાષકને લાગે છે કે માતૃભાષાને મહત્વ આપવાથી તેની આવકમાં વધારો નથી થવાનો. પરંતુ, અન્ય ભાષા-અંગ્રેજી ભાષા શીખવા ને કારણે તેને પોતાની સંપત્તિમાં, રૂઆબમાં વધારો થશે એમ લાગે છે. પરિણામે તે પોતે અંગ્રેજી તરફ આકર્ષાયો છે. એટલું જ નહીં, કદાચ સંજોગોવસાત પોતે ન શીખી શક્યો હોય કે અંગ્રેજી પર જરૂરી કાબુ ન મેળવી શક્યો હોય તો તે પોતાના બાળક માટે આ સપનું સેવે છે, અને બાળક પ્રભાવી અંગ્રેજી પ્રયોજી શકે તે માટે તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મુકે છે. અંગ્રેજી ‘ભાષા’ તરીકે શીખવી અને અંગ્રેજી ‘માધ્યમ’ હોવું આ બંને વચ્ચેનો ભેદ તે વિચારતો નથી. ગુજરાતી ભાષકને માતૃભાષા માં શિક્ષણ અપાવવું, મેળવવું શરમજનક લાગી રહ્યું છે. માતૃભાષામાં વ્યવહાર કરવો તેમને અશિક્ષિત ની અનુભૂતિ કરાવે છે. તૂટી-ફૂટી, ‘ગુજઇંગલિશ’ ચાલે પણ ગુજરાતી ?
વેપારીઓ, રેડીયો, અખબાર જેવા જાહેર માધ્યમો વગેરે ક્ષેત્રના લોકો પણ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં અનેક કારણોસર બિન ગુજરાતી પ્રજા વસી રહી છે. તેમના સુધી પહોંચવા માટે ગુજરાતી અ૫ર્યાપ્ત છે. પરિણામે તેઓ તેમના વ્યવહારમાં, જાહેરખબરોમાં અંગ્રેજી કે હિન્દી ભાષા પ્રયોજવાનુ વઘુ લાભકારક સમજે છે. શોપિંગ મોલ, કોઈ ચોક્કસ બ્રાન્ડની દુકાનો, હોટેલ વગેરેમાં કર્મચારીઓને વિશેષ પણે હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરવાની તાલીમ અને દ્રઢ સૂચના આપાય છે. તેમને સમજાવવામાં આવે છે કે અંગ્રેજી કે હિન્દી પ્રયોજવા થી જ ગ્રાહકને પ્રભાવિત કરી શકાશે. દુર્ભાગ્યે ગુજરાતી ગ્રાહક સંદર્ભે આ બાબત ઘણે અંશે સાચી પણ છે. પરિણામે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં આવેલી દુકાનમાં બતાવનાર કર્મચારી પણ ગુજરાતી હોય, માલ જોનાર-ખરીદનાર ગ્રાહક પણ ગુજરાતી હોય, પરંતુ તેમનો ભાષા-વ્યવહાર અંગ્રેજી કે હિન્દી હોય. ગુજરાતી ભાષા માટે આ પરિસ્થિતિ કેટલી કરુંણ છે.
પરિણામે આપણા વિદ્વાન કેળવણીકારો માં પણ માતૃભાષા ની પરિસ્થિતિ અંગે ચિંતા સેવાઈ રહી છે. ગુજરાતી લેખકો માતૃભાષાનું ગૌરવ અનુભવે, મુલ્યને સમજે, જાગૃત થાય તે માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતની 108 વર્ષની પ્રસ્થાપિત સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા માતૃભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
માતૃભાષા સંવર્ધન કેન્દ્ર નો ઉદ્દેશ માતૃભાષા ગુજરાતી સંદર્ભે ગુજરાતી ભાષકને જાગૃત કરવો, ભાષા શિક્ષણ માટે તેના કોઈ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવો, માતૃભાષાનું સંવર્ધન કરવું તે છે. આ ઉદ્દેશને અનુસરીને કેન્દ્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ‘માતૃભાષા કૌશલ અભ્યાસક્રમ’ ચલાવવામાં આવે છે. ભાષા યાત્રા કાઢવામાં આવે છે. માતૃભાષા સંદર્ભે જાહેરહિતની રિટ કરવા જેવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવે છે.
માતૃભાષાના સંવર્ધન ના ભાગરૂપે જ પત્રિકા ‘ભાષાપ્રબોઘ’ પ્રસિદ્ધ થઈ રહી છે. પ્રબોઘ એટલે ‘જાગૃતિ, જ્ઞાન’. માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અંતર્ગત જે પ્રવૃત્તિ થાય છે કે અન્ય સંસ્થાઓ દ્વારા પણ માતૃભાષા અંગેની જાગૃતિ કે સંવર્ધન માટે જે પ્રવૃત્તિ થાય છે તેની માહિતી આ પત્રિકા ‘ભાષાપ્રબોઘ’ દ્વારા આપવામાં આવશે. જેથી અન્યને પ્રેરણા મળે.
વર્તમાન સમયમાં સમાજ જે રીતે માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાથી પ્રભાવિત થતો જાય છે. તેનું સતત વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત છે. આ પરિસ્થિતિમાં કોઈ માતૃભાષા સંવર્ધન સંદર્ભે જન જાગૃતિ કેળવાય શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય વિગેરે બાબતો તરફ સક્રિય રીતે પ્રવૃત્તિ કરે તે જરૂરી બન્યું છે.
બારમા ધોરણ પછી ટેકનિકલ કોર્સ માટેની પરીક્ષાઓ અંગ્રેજીમાં લેવાય છે જે માતૃભાષામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓ માટે તકલીફદાયક છે.ગુજરાત સાહિત્ય પરિષદે ગુજરાત કેળવણી પરિષદ અને બીજી સંસ્થાઓ સાથે રહીને હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે અને ગુજરાતી માધ્યમમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓ ની વારે આવી છે. આ પીઆઇએલ ને બીજી સંસ્થાઓ, વકીલો, વ્યક્તિઓ અને સમાજ નો સાથ મળ્યો છે.
આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવ ગાન અને સંવર્ધન માટે, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ વર્ષની ઉજવણીના વર્ષ દરમિયાન, તેની ઉત્તમોત્તમ ઉજવણીનો ઠેરઠેર કરીએ. માતૃભાષા ગુજરાતીનું સંગો૫ન કવિવર ઉમાશંકર જોશી ના શબ્દો ને ઉજાગર કરતા હોય તે રીતે, ‘હું છું ગુર્જર, ભારતવાસીની રીતે કરીએ, સંકુચિત ગુજરાતીપણું આપણને ના ગમે, આપણને તો વિશ્વ નાગરિકત્વ જ ઝિંદાબાદ ! પણ ગુજરાતી ઉત્તમોત્તમ !!
મહેશ ઠાકર, અમદાવાદ