Prayshchit - 85 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 85

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 85

પ્રાયશ્ચિત પ્રકરણ 85

છેવટે ગુરુપૂર્ણિમા પણ આવી ગઈ. સ્વામીજીની મુલાકાત થઈ એ પછી આ બીજી ગુરુપૂર્ણિમા હતી. સ્વામીજીએ એને કહેલું કે -- હું તારો ગુરુ નથી પરંતુ સમય આવે તને ગુરુની પ્રાપ્તિ ચોક્કસ થશે. ત્યાં સુધી તું કોઈપણ ચેતનાને તારા માર્ગદર્શક ગુરુ તરીકે સ્વીકારી શકે છે.-- અને એટલે જ શ્રી રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદને પોતાના માર્ગદર્શક ગુરુ તરીકે કેતને સ્વીકાર્યા હતા !!

ગુરુપૂર્ણિમાની તૈયારી તો કેતને આગલા દિવસે જ કરી દીધી હતી. નવા બંગલામાં તો અલગ નાનો પૂજારૂમ પણ હતો. ત્યાં નાનકડું આરસનું મંદિર ગોઠવી એણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શારદા મા, સ્વામી વિવેકાનંદ અને સહજાનંદ સ્વામીની તસવીરો રાખી હતી.

જગદીશભાઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા એટલે બંગલામાં પ્રમુખસ્વામીનો મોટો ફોટો પણ લગાવ્યો હતો. કેતન તમામ ધર્મનો આદર કરતો.

સવારે વહેલા ૪:૩૦ વાગે ઊઠીને સૌથી પહેલાં બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું. એ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજા ખંડમાં તમામ તસવીરોને એણે હાર પહેરાવ્યા. ગુલાબનાં ફૂલો ચઢાવ્યાં. દીવો અને અગરબત્તી કર્યાં. એ પછી એણે દિલથી પ્રાર્થના કરી. આગળના ભવિષ્ય માટે આશીર્વાદ માગ્યા અને પછી ધ્યાનમાં બેસી ગયો.

આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પણ કેતનને ફરી પાછો એ જ દિવ્ય અનુભવ થયો. સ્વામીજીની દિવ્ય શક્તિઓથી એનું સૂક્ષ્મ શરીર છૂટું પડીને ઋષિકેશ ચેતન સ્વામીની કુટીરમાં ખેંચાઈ ગયું અને ત્યાં ધ્યાનમાં બેઠેલા સ્વામીજીનાં એને દર્શન થયાં. એ જ મંદ મંદ હાસ્ય !
કેતનને જોઈને સ્વામીજીએ મનોમય વાણીમાં વાતચીત શરૂ કરી. એ વાણીનાં આંદોલનો કેતન સ્પષ્ટ સાંભળી રહ્યો હતો.

" આજે ગુરુપૂર્ણિમાએ કેટલીક વાતો કરવા મારી પાસે બોલાવ્યો છે. ધ્યાનથી સાંભળ. તારા પૂર્વજન્મના પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું છે અને કુટુંબ ઉપરનો અભિશાપ પણ દૂર થયો છે. એટલે મેં તને પરિવાર સાથે રહેવાની છૂટ પણ આપી છે. તારા ગુરુને પ્રાપ્ત કરવાનો સમય પણ હવે પાકી ગયો છે. પરંતુ એ પહેલાં તારે કેટલીક શુદ્ધિ કરવાની જરૂર છે. " સ્વામીજી બોલતાં હતા.

"તારે એક વાર ગયાજી, પુષ્કર, અથવા બનારસ જેવા કોઈપણ તીર્થસ્થળે જઈને તારા દાદાનું એટલે કે તારું પોતાનું પિંડદાન કરવું પડશે. એક આખી પેઢીમાં એક જ લોહી વહેતું હોય છે. મૃત્યુ પછી પણ લોહીનો સંબંધ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલો રહે છે. તારે એ સંબંધને તોડવો પડશે. એટલે તારો આ પરિવાર સાથેનો ઋણાનુબંધ કાયમ માટે પૂરો થઈ જશે. " સ્વામીજી બોલ્યા.

" એ પછી તારે એકવાર મથુરા વૃંદાવન અને જગન્નાથ પુરીની યાત્રા કરવી પડશે. તારી આ યાત્રા છેલ્લું પ્રાયશ્ચિત હશે એટલે એ યાત્રામાં એક સાધુની જેમ તારે કેટલાક નિયમો પાળવાના છે. જેની ચર્ચા તારી યાત્રા શરૂ થાય એના આગલા દિવસે હું કરીશ."

" એ પછી તને નવી દિશા પણ મળી જશે અને સાચો માર્ગ પણ મળી જશે. જે પણ લોકસેવાનાં કાર્યો તેં કર્યાં છે એની સંભાળ ખુદ ઈશ્વર રાખશે. તારે આ બધી માયામાંથી હવે ધીરે ધીરે મુક્ત થઈ જવાનું છે." સ્વામીજીની દિવ્યવાણી કેતનને સંભળાતી હતી.

" અને તારા ગુરુજીનો છેલ્લો એક આદેશ છે કે તું હવે આવતીકાલથી દરરોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરવાનું ચાલુ કરી દે. હું તને અત્યારે જ આશીર્વાદ આપું છું કે તું ખૂબ જ સરળતાથી એક વિદ્વાન બ્રાહ્મણની જેમ આ મંત્ર શુદ્ધ ઉચ્ચાર સાથે કરી શકીશ. તારે આ મંત્ર મનમાં જ બોલવાનો છે. હવે થોડા દિવસો પછી તારા ગુરુજી તારી સામે પ્રગટ થશે." સ્વામીજી બોલ્યા અને કમંડલ માંથી કેતન ઉપર થોડું પાણી છાંટ્યું.

એ સાથે જ કેતનનું ધ્યાન અચાનક છૂટી ગયું. એ સંપૂર્ણ ભાનમાં આવી ગયો. એને સ્વામીજી સાથેના તમામ સંવાદો બિલકુલ યાદ હતા. એણે ગાયત્રી મંત્ર ક્યારે પણ નહોતો કર્યો. અત્યારે એણે એ મંત્રને યાદ કર્યો તો જાણે નજર સમક્ષ મંત્ર લખેલો હોય એટલી સરળતાથી એ યાદ રહી ગયો. એણે એ મંત્ર બોલવાની કોશિશ કરી તો કડકડાટ બોલી પણ ગયો. ખરેખર સ્વામીજીની એના ઉપર કૃપા અદભુત હતી !!

સ્વામીજી નો આદેશ કેતન માટે સાક્ષાત ઈશ્વરના આદેશ જેવો હતો. એણે ગુરુપૂર્ણિમાથી જ ગાયત્રીમંત્રની પાંચ માળા કરવાની ચાલુ કરી દીધી. પપ્પા સ્વામિનારાયણ ભગવાનની માળા કરતા જ હતા એટલે માળા ઘરમાં જ હતી. ધ્યાનમાં સ્વામીજીએ એને ગાયત્રી મંત્ર એટલો બધો આત્મસાત કરાવી દીધો હતો કે અડધા કલાકમાં પાંચ માળા પૂરી થઈ ગઈ અને એક નવી જ ઉર્જાનો એણે અનુભવ કર્યો.

એ પૂજા રૂમમાંથી બહાર આવ્યો અને ડાઇનિંગ ટેબલ ઉપર ગયો કારણ કે ચા નો ટાઈમ થઇ ગયો હતો.

" આજ તો પૂજામાં બહુ વાર સુધી બેસી રહ્યા કેતન ? ચા પીવા માટે બધા તમારી રાહ જોઈને બેઠા છે. " જાનકી બોલી.

" આજે ગુરુ પૂર્ણિમા છે જાનકી અને આજથી મેં ગાયત્રીમંત્રની માળા કરવાનું પણ ચાલુ કર્યું છે. " કેતન બોલ્યો.

" ચાલો એ પણ સારું છે. માણસે કંઈ ને કંઈ નિયમ તો લેવા જ જોઈએ " જયાબેન બોલ્યાં.

" પપ્પા તમને નથી લાગતું કે કેતન હવે વધુ ને વધુ ધાર્મિક બનતો જાય છે ? " સિદ્ધાર્થ બોલ્યો.

" તો એમાં ખોટું શું છે ? એના માટે એ વહેલો ઉઠે છે. દરેકના જીવનમાં વહેલી કે મોડી આધ્યાત્મિકતા તો પ્રગટે જ છે. પૂર્વજન્મના સંસ્કાર પર બધો આધાર છે સિદ્ધાર્થ. " જગદીશભાઈ બોલ્યા.

અને એ દિવસ પછી કેતન સાચા અર્થમાં આધ્યાત્મિક માર્ગ ઉપર વળી ગયો. બે જન્મ પહેલાંની સ્મૃતિઓ જીવંત થઈ ગઈ હોય એમ એને આગળનો માર્ગ દેખાવા લાગ્યો.

રોજ એણે વહેલા ઊઠીને ગાયત્રી મંત્રની પાંચ માળા કરવાનું ચાલુ કરી દીધું. રોજ અડધો કલાક ધ્યાનમાં પણ બેસતો. રોજ ઓફિસ જતો આશ્રમ જતો પણ એ બધું યંત્રવત્ થઈ ગયું.

એક મહિનો બીજો પસાર થઈ ગયો. એ દરમિયાન નીતા મિસ્ત્રીની ડૉ. જૈમિન સાથે સગાઇ પણ થઇ ગઇ. સગાઈમાં કેતનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કેતને હાજરી આપી નહોતી. એ હવે આ બધી માયાથી દૂર જઈ રહ્યો હતો.

રક્ષાબંધનનો દિવસ પણ આવી ગયો. આ વર્ષે તો બંને ભાઈઓ સાથે હતા એટલે શિવાની ખુબ ખુશ હતી. બે દિવસ પહેલાં જ શિવાની ગાડી લઈને ભાઈઓ માટે સુંદર રાખડીઓ લઈ આવી હતી.

શિવાનીએ ડ્રાઇવિંગ શીખી લીધું હતું એટલે જાતે જ ભાભીની ગાડી ક્યારેક એ લઈ જતી. ઘરમાં હવે તો ત્રણ ત્રણ ગાડીઓ આવી ગઈ હતી. સિદ્ધાર્થની ગાડી સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરવામાં આવતી હતી.

બંને ભાઈઓએ ભેગા થઈને એને લોકેટ વાળી સુંદર સોનાની ચેઈન ગિફ્ટ આપી. બીજા 2 મોંઘા ડ્રેસ પણ લઈ આપ્યા.

સ્વામીજીના આદેશને ગંભીરતાથી માથે ચડાવીને કેતને હવે મથુરા વૃંદાવન અને જગન્નાથ પુરીની યાત્રા કરવાનો નિર્ધાર કર્યો. શરૂઆત એણે જન્માષ્ટમીના દિવસથી જ કરી. દ્વારકા જઈને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કર્યા પછી આગળનો પ્રોગ્રામ બે-ત્રણ દિવસમાં શરૂ કરવાનો એણે મનોમન નિર્ણય લીધો.

જન્માષ્ટમીના દિવસે આખો પરિવાર વહેલી સવારે જ નીકળી ગયો અને બે ગાડીઓ લઈને ૮ વાગે જ બધા દ્વારકા પહોંચી ગયા. સિદ્ધાર્થ જામનગર આવી ગયો પછી મનસુખ સિદ્ધાર્થની ગાડી ચલાવતો હતો અને રોજ હોસ્પિટલ લઈ જતો હતો. કેતન પોતાની ગાડી હવે જાતે જ ડ્રાઈવ કરતો હતો.

આજે દ્વારકામાં અલૌકિક વાતાવરણ હતું. ભારતનાં જુદાં જુદાં શહેરોમાંથી સેંકડો લક્ઝરી બસો આવીને દ્વારકામાં ઊભી હતી. યાત્રાળુઓના સંઘો દ્વારકાધીશની જુદી જુદી ધૂનો બોલાવતા બોલાવતા મંદિર તરફ સવારથી જ આગળ વધતા હતા. રસ્તામાં ગુલાલ પણ ઉડતો હતો.

કેતન લોકોએ એમની માનીતી ગોવર્ધન ગ્રીન રિસોર્ટમાં જ ઉતારો કર્યો હતો. સવારે દર્શન કરવા માટે એમણે ગાડી દ્વારકાના પ્રવેશદ્વાર પાસે જ પાર્ક કરવી પડી હતી. અંદરનાં તમામ પાર્કિંગ ફૂલ હતું. પોલીસ બંદોબસ્ત પણ ઘણો હતો. દ્વારકાના પ્રવેશદ્વારથી ચાલતાં ચાલતાં જ એ લોકો મંદિર સુધી ગયા. મંદિરના પ્રવેશદ્વારથી જ લાંબી લાઈન હતી. જો કે દર્શન સરસ રીતે થયાં.

શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રાત્રે બાર વાગ્યે થવાનો હતો એટલે સમય પસાર કરવા માટે એ લોકોએ દિવસ દરમિયાન બેટ દ્વારકા જવાનો નિર્ણય લીધો. સાડા દસ વાગે ઓખા બંદરે પહોંચીને સ્પેશિયલ બોટ કરી અને ૧૫ મિનિટમાં બધાં બેટ દ્વારકા ઉતરી ગયાં. કેતન બેટ દ્વારકા પહેલી વાર આવ્યો હતો. એને પણ આ સ્થળ ખૂબ જ ગમ્યું.

દ્વારકા પાછા ફર્યા ત્યારે લગભગ બપોરનો એક વાગવા આવ્યો હતો. બંને ગાડીઓ સીધી ગોવર્ધન ગ્રીન રિસોર્ટ લઈ લીધી. દ્વારકામાં ખાસ્સી ભીડ હતી એટલે ત્યાંના ડાઇનિંગ હોલમાં જમવા માટે ઘણી બધી રાહ જોવી પડે. એના કરતાં ગોવર્ધન ગ્રીન રિસોર્ટનું રેસ્ટોરન્ટ સારું જ હતું.

જમીને એ લોકોએ સાંજ સુધી આરામ જ કર્યો. સાંજે દ્વારકાનો એક રાઉન્ડ માર્યો. ગાડીઓને બહાર પાર્ક કરીને ચાલતા ચાલતા જ બજારમાં ફરીને ગોમતીઘાટ સુધી જઈ આવ્યા. દર્શન રાત્રે હતાં એટલે એ લોકો જમવાના ટાઈમે આઠ વાગ્યા સુધીમાં રિસોર્ટ પર પાછા આવી ગયા. જમી કરીને રાત્રે ૧૧:૩૦ વાગ્યા પછી એ લોકો ફરી મંદિર જવા માટે નીકળ્યા.

રાત્રે મંદિરમાં ભીડ બહુ જ હતી એટલે ઘણી વાર સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું. રાત્રે બરાબર ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો અને ગર્ભગૃહના પડદા ખૂલી ગયા. ઘંટનાદ સાથે મહાઆરતી થઈ. એ પછી ગર્ભગૃહમાં રહેલા પૂજારી ગૂગળી બ્રાહ્મણો - નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી - ની ધૂન સાથે નૃત્ય કરવા લાગ્યા.

આરતી પતી ગયા પછી રાત્રે સવા બાર વાગે કેતન અને તેના પરિવારને પણ દર્શન થઈ ગયાં. રિસોર્ટ ઉપર આવ્યા ત્યારે રાતનો એક વાગવા આવ્યો હતો.

સવારે ફ્રેશ થઈને નવ વાગે રિસોર્ટ છોડી દીધું. જામનગર પહોંચ્યા ત્યારે લગભગ અગિયાર વાગ્યા હતા. દક્ષાબેન સવારથી જ આવી ગયેલાં હતાં એટલે રસોઈની કોઈ ચિંતા ન હતી.

શ્રાવણ વદ એકાદશીના દિવસે મથુરા વૃંદાવન અને જગન્નાથપુરીની યાત્રા શરૂ કરવાનું કેતને નક્કી કર્યું. યાત્રા વિશેની આ ચર્ચા પરિવાર સાથે કરવાનું એને યોગ્ય ન લાગ્યું. આ બધી યાત્રા એ કેમ કરતો હતો એ બધું ગુપ્ત હતું. પૂર્વજન્મ ની પણ કોઈ ચર્ચા એણે ઘરમાં કરી ન હતી.

એણે ઘરમાં બધાંને એવી વાત કરી કે હોલસેલ દવાઓના કોન્ટ્રાક્ટ માટે કેટલીક ફાર્મસીઓમાં અસલમને રૂબરૂ મળવું હતું અને એ માટે અસલમ કેતનને સાથે લઈ જવા માગતો હતો. એટલે અસલમ સાથે એ દશ બાર દિવસના પ્રવાસે મુંબઈ કલકત્તા દિલ્હી વગેરે સ્થળે જઈ રહ્યો છે.

જો કે જાનકીથી એ કંઈ છુપાવવા માગતો ન હતો.

" સાંભળ.. હું દવાઓના કોઈ કામ માટે અસલમ સાથે મુંબઈ કલકત્તા નથી જઇ રહ્યો પરંતુ એકલો જ મથુરા વૃંદાવન અને જગન્નાથપુરી દર્શન કરવા જઈ રહ્યો છું. તારાથી હું કંઈ છુપાવવા માગતો નથી. કેટલાંક અંગત કારણોસર મારી આ યાત્રા છે એટલે મેં અસલમનું નામ દીધું. એનાથી વિશેષ કોઈ ચર્ચા હું કરીશ નહીં. તને સાચી વાત જણાવવાની મારી ફરજ છે. અને આ બાબતની કોઈ ચર્ચા તારે ઘરમાં કરવી નહીં. " કેતને રાત્રે સૂતાં પહેલાં જાનકીને કહ્યું.

" ઠીક છે સાહેબ. તમે હંમેશા સારું જ વિચારો છો એટલે ઈશ્વર તમારી સાથે જ છે. જઈ આવો. " જાનકી હસીને બોલી.

બીજા દિવસે વહેલી સવારે કેતન ધ્યાનમાં બેઠો ત્યારે ચેતન સ્વામીએ ફરીથી સામેથી દર્શન આપ્યાં.

" તેં યાત્રાએ જવાનું નક્કી કરી દીધું છે એટલે ગુરુજીની સૂચનાથી આજે મારે તને તારી યાત્રા અંગે કેટલાંક સૂચનો કરવાનાં છે. મારી વાત ધ્યાનથી સાંભળ. આ યાત્રા સંસાર છોડી સન્યાસ તરફ જવાની તારા હવે પછીના જન્મની એક શરૂઆત છે. એક ઝાંખી છે. "

" તારે આ યાત્રામાં એકદમ સાદા વસ્ત્રો ધારણ કરવાનાં છે. સાધુની જેમ ભગવાં વસ્ત્રો પણ ધારણ કરી શકે છે છતાં એનું કોઈ દબાણ નથી. યાત્રા દરમિયાન તારે પોતાના માટે એક પણ રૂપિયો વાપરવાનો નથી. અકિંચન સાધુની જેમ જવાનું છે. માત્ર બધે જવા આવવાની ટિકિટની વ્યવસ્થા તું કરી શકે છે. " સ્વામીજી કહી રહ્યા હતા.

" જમવા માટે પણ પરિવ્રાજક સાધુની જેમ તારે ઈશ્વર ઉપર અવલંબન રાખવું પડશે. ભંડારામાં કે સદાવ્રતમાં તું જમી શકીશ. કોઈની પાસે તું કંઈ પણ માગી શકીશ નહીં. રહેવા માટે પણ તારે ધર્મશાળા આશ્રમ કે કોઈ મંદિરનો આશ્રય લેવો પડશે. દાઢી પણ નહીં કરી શકાય. "

" તું આ યાત્રામાં દાન સખાવત કરી શકીશ. કોઈને મદદ પણ કરી શકીશ. ચેકબુક પણ સાથે રાખી શકીશ. પરંતુ પોતાના માટે એક પણ રૂપિયો વાપરી શકીશ નહીં. ઓઢવા પાથરવા માટે ચાદર અને કામળો લઈ જજે. જેટલી વસ્તુ તું વધારે લઈ જઈશ એટલો ભાર તારે એકલાએ જ ઉપાડવો પડશે. થાળી વાડકી લોટો અને ચમચી સાથે રાખજે. ઈશ્વર ઉપર અને તારા ગુરુજી ઉપર વિશ્વાસ રાખજે. એ સતત તારું ધ્યાન રાખે જ છે. યાત્રામાં સતત શ્રીકૃષ્ણનો કોઈ પણ મંત્ર જપતો રહેજે. મારા આશીર્વાદ તારી સાથે જ છે. હરિ ૐ " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

જાગૃત થઇને કેતને સ્વામીજીએ કહેલી તમામ સૂચનાઓ ઉપર ફરીથી ચિંતન કર્યું અને અમુક નિર્ણયો લીધા.

સવારે એણે અસલમ જોડે પણ વાત કરી લીધી કે -- બે દિવસ પછી હું એક કામ માટે દસ-બાર દિવસ બહાર જઈ રહ્યો છું. ઘરે મેં એવું કહ્યું છે કે હું અસલમની સાથે હોલસેલ દવાઓના કોન્ટ્રાક્ટ માટે મુંબઈ દિલ્હી કલકત્તા જાઉં છું. એટલે કદાચ કોઈ ફોન તારી ઉપર આવે તો જરા સંભાળી લેજે.

સૌથી પહેલાં એણે જામનગર થી વૈષ્ણોદેવી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મથુરાની ટિકિટ તત્કાલમાં બુક કરાવી લીધી. ફર્સ્ટ ક્લાસના બદલે સેકન્ડ ક્લાસ સ્લીપરની ટિકિટ લીધી.

ટ્રેન સવારે ૮:૩૦ વાગે જામનગરથી જ ઉપડતી હતી. સાથે કોઈ સામાન લઈ જવાનો હતો નહીં. એટલે એક ચાદર, એક પાતળો કામળો, લોટો, થાળી, વાડકી અને ચમચી એક નાની સૂટકેસમાં પેક કર્યાં. બે એક્સ્ટ્રા બનીયન અને બે અન્ડરવેર લઈ લીધા. પાતળો ટુવાલ પણ લીધો. બે કુર્તા અને બે પાયજામા લઈ લીધા. બેગ માં પેન અને ચેકબુક પણ મૂકી દીધી. સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ અને પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ એણે મૂકી દીધું. સાધુનો વેશ ધારણ કરવો હોય તો ભગવાં કપડાં પણ લેવાં પડે. સાધુ થવું હોય તો સાથે સૂટકેસ ના શોભે ! એના માટે ખભે લટકાવવાનો બગલથેલો લેવો પડે. પરંતુ મથુરા સુધી તો એ શક્ય ન હતું. બધું પરિવારથી છાનું રાખવાનું હતું.

એકાદશી આવી ગઈ. કેતન સવારે વહેલો ૪:૩૦ વાગે ઉઠી ગયો. બ્રશ દાઢી કરીને ફ્રેશ થઈ ગયો. એ પછી નાહી ધોઈને એણે ગાયત્રીની પાંચ માળા કરી. ૧૫ મિનિટ ધ્યાન પણ કર્યું અને ગુરુજીને પ્રાર્થના કરી.

સિદ્ધાર્થભાઈએ સ્ટેશન સુધી મૂકી જવાની વાત કરી પરંતુ કેતને વિવેકથી ના પાડી અને મનસુખને ફોન કરીને બોલાવી લીધો.

સવારે ૭:૩૦ વાગે ચા-પાણી પીને એ ઘરેથી નીકળી ગયો. સ્ટેશન આવતાં જ કેતને સૂટકેસ પોતાના હાથમાં લઇ લીધી અને મનસુખને રવાના કરી દીધો.

મથુરા સુધીની ટિકિટ આવી ગઈ હતી. આગળની ટિકિટ લેવાની એને છૂટ હતી પરંતુ ટિકિટ સિવાય રસ્તામાં ક્યાંય પણ એક પણ રૂપિયો વાપરવાનો હતો નહીં.

કેતન ટ્રેનમાં બેસી ગયો. સમય થતાં વ્હિસલ વાગી અને ટ્રેને ગતિ પકડી. ખરી કસોટી હવે શરૂ થવાની હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)