મહર્ષિ અને ઋતાએ જોડે રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ બન્ને માટે હજી પરિવારની મંજૂરી બાકી હતી, તેઓ ભલે ગમે તેવા મોર્ડન હતા પરંતુ એમનામાં સંસ્કારોનું સિંચન ધર્મદાદા દ્વારા થયેલું હતું, ઋતાએ બગડેલા કપડાં બદલી નાખ્યાં, પરંતુ મહર્ષિ જોડે બીજા કપડાં ફળીમાં પડ્યાં હતાં, માટે એને એનાથી જ કામ ચલાવવું પડે એમ હતું.
મહર્ષિ અને ઋતા કેન્દ્ર જવા તૈયાર થયા, માતૃછાયાથી નદીના કાંઠે કાંઠે રસ્તો હતો ત્યાંથી તેઓ આવી રહ્યા હતા, રોજની એક્ટિવા એમણે ઘરે જ રાખી દીધી, જેથી એકબીજા માટે વધુ સમય મળી શકે!
"આવો આવો ક્યાં ગયા હતા બન્ને?"- આવતાની સાથે મુનિમજી બોલ્યાં.
" બસ માતૃછાયા જતાં, ઋતાને લેવા ગયો હતો."- મહર્ષિએ જવાબ આપ્યો.
ટેબલ પાસે બેસેલી તૃપ્તિની નજર મહર્ષિ પર પડી, એના ચહેરાની ચમક એને મહેસૂસ કરી, એ તરત ઉભી થઈને એની જોડે આવી.
" એલ્યા એ! આ ક્યાં હોળી રમીને આવ્યો?"- એ હસતાં હસતાં બોલી.
" ક્યાંય નહિ કાકી, એ તો કલરની ડીશ ઢળી ગઈ મારા પર!"- એણે બહાનું બનાવ્યું જાણે સાચું હોય એમ, પણ એણે એ તીર ખોટી જગ્યાએ ઉગામ્યું.
"અમમ....જોઈને લાગતું નથી કે કલર ઢોળાયો હોય, કલર લૂછાયો હોય એમ લાગે છે!- એણે ઋતાની સામે આંખ ઝીણી કરીને જોયું, ઋતા ગભરાઈ ગઈ , એને ડર લાગ્યો.
" સાચું...પૂછી લો ઋતાને!" એણે વાતને ઋતા પર નાખી દીધી.
" હા...હશે ભાઈ! અમે તો નવા નિશાળિયા નહિ!"- એમ કહેતા શિખા એના કામમાં જોતરવામાં પ્રયત્ન કરી રહી, પરંતુ એનું પૂરેપૂરું ધ્યાન આ બે પંખીડા પર જ હતું, એને આ વાત જરાય પચી નહિ એટલે એ જઈને માધવી અને તૃપ્તિએ કહી આવી, એમને વાત કરતા બીરવા અને સ્વીટી સંભાળી ગયા.
મહર્ષિની ટીશર્ટ પર કલર વાળી વાત તો જાણે બધે વીજળી વેગે પ્રસરી ગઇ ને આજ તકના ન્યુઝની માફક હાઈલાઈટ થવા માંડી, શિખાની શકની વાત હવે સચ્ચાઈ બનવાની બહુ વાર નહોતી, એને પૂરી રીતે જાસૂસી ચાલુ કરી દીધી, મહર્ષિ અને ઋતાના આંખના ઇશારા, એમનું અરસપરસ ચાલતું મંદ મંદ હાસ્ય એ બધાથી શિખા એમનો છપ્પો પાડતી રહી, ધીરે ધીરે ઋતાને એ વાતનો ખ્યાલ આવી ગયો, એણે ઈશારામાં મહર્ષિને કહ્યું, પણ એ વખતે એ ફરી સ્વીટીના હાથે આવી ગઈ, ચોરી ગમે તેટલી હોય પણ ચૂપાઈ ના શકી.
"ઋતાદીદી, શું વાત છે આજ કાલ ક્યાંક ખોવાયેલા લાગો છો!"- સ્વીટીએ એને પૂછ્યું.
" ના તો..એવું કંઈ નથી!"
"પણ મને એવું લાગી રહ્યું છે, એક વાત પૂછું?"- સ્વીટીએ જાણીજોઈને એને પૂછ્યું, ઋતા એનો ઈશારો બહુ સારી રીતે સમજતી હતી, પણ મહર્ષિ હવે સાથે છે એમ સમજી એ અચકાઈ નહિ.
" તમને પ્રેમ થયો છે કોઈ વાર?"- સ્વીટી હસતાં હસતાં બોલી.
"કેમ?"- ઋતા ગંભીર બની ગઈ.
" માણસને જ્યારે પ્રેમ થાય ત્યારે એની દુનિયા આખી અલગ થઈ જાય, એ કારણ વગર હસ્યા કરે!"- એને કહેવા માંડ્યું પણ ઋતાએ એને અટકાવી.
" કેમ તે પીએચડી કરી છે આ વિષય પર?"- એમ કહેતા એની નજર મહર્ષિ પર પડી, સામે ખુરશી પર બેસેલ મહર્ષિ સ્વીટીની વાતો ઋતાને કેવી ઉલ્ઝાવે છે એની મજા લેતો હતો, ઋતાએ સ્વીટી જોઈ ન જાય એમ એની સામે ડોળા કાઢ્યા ને તરત જ મોઢું એના કામમાં કરી દીધું.
" ના એ તો મૂવીમાં એવું જ થાય છે ને! એટલે..."- સ્વીટીએ ચબરાક રીતે જવાબ આપ્યો.
" ના પણ એવું મૂવીમાં જ થાય બકા!"- ઋતાએ એનો હજાર જવાબ આપ્યો, સ્વીટી પણ હાર માની નહિ, એ ત્યાંથી સામે મહર્ષિ જોડે ગઈ.
"ભાઈ, તમને કોઈ દિવસ લવ થયો છે?"- એનો ઈશારો સીધો ઋતા સામે હતો.
" હા, થયો છે ને...."- મહર્ષિએ કહ્યું.
" ઓહ સાચે? કોણ છે એ?"- એ બધાને સંભળાય એમ બોલી, કામ કરતા બધાની નજર એ બન્ને પર અટકી, ને ઋતાના ધબકારા વધી ગયા.
" કહીશ શાંતિ રાખ!જા અત્યારે કામ કર!"
" એ સાંભળો સાંભળો સાંભળો! મહર્ષિભાઈને પ્રેમ થઈ ગયો છે!" એમ કહી એણે બધાની વચ્ચે બૂમ પાડી, બધા એને ટોળે વળ્યા.
" અરે ઓ વાયડી! બંધ થા ને!" મહર્ષિએ એને અટકાવી.
" પ્યાર કિયા તો ડરના ક્યા? ચાલો બોલો હવે!"- સ્વીટીએ એને ઉશ્કેરયો.
આ બાજુ ઋતા શરમાઈ ગઈ, ક્યાંક બધાની વચ્ચે મહર્ષિ એનું નામ લઈ લેશે તો? માટે એ ટોળાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ શિખાએ એને પકડી પાડી.
" ક્યાં ચાલ્યા મેડમ? આવો તો ખરા અમારા મહર્ષિની પ્રેમિકાનું નામ તો સંભાળતા જાઓ!"- શિખાએ એનો હાથ પકડી પાડયો.
" કાકી, માટે અર્જન્ટ કામ છે, હું આવું!"- કહીને ઋતાએ એનો હાથ છોડાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
" મારા મહર્ષિ કરતાં પણ અર્જન્ટ?"- એને લુચ્ચું હાસ્ય વેર્યું, ઋતા શરમાઈ ગઈ, એની ચોરી પકડાઈ ગઈ.
આ બાજુ આકાશ અને માધવી મહર્ષિ જોડે આવી ગયા, સ્વીટીની વાતમાં સાચે કેટલી સચ્ચાઈ છે જાણવા માટે.
" મહર્ષિ દીકરા, આ સ્વીટી શું કહે છે? તને પ્રેમ થઈ ગયો છે?"- આકાશે એને પૂછ્યું.
" એ કોણ છે જેણે મારા મહર્ષિને એનો કરી લીધો?"- માધવીનો ઈશારો સ્પષ્ટ ઋતા સામે હતો, જાણે બધાને ખબર જ હતી આ વાતની! પણ એમનાં બધાની સામે રજૂઆતની દેરી હતી.
" ભાભી, એ કોઈ નહિ! આ રહી આપણાં મહર્ષિની ચિતચોર!"- એમ કહેતા જ શીખાએ ઋતાને મહર્ષિ બાજુ ધક્કો માર્યો, એ સીધી એને ટકરાઈ, એ પડતાં પડતાં રહી ગઈ, મહર્ષિએ એને પકડી લીધી.
આખા કેન્દ્રમાં તાળીઓનો ગડગડાટ વ્યાપી ગયો, બધાએ જાહેરમાં બન્નેને મંજૂરી આપી દીધી, બચ્ચાપાર્ટીએ જોર જોરથી ચિચિયારી પાડીને અભિવાદન કર્યું, બધાને ચહેરા પર સ્મિત ઝલકી રહ્યું, ને મુનિમજી અને વકીલસાહેબના આંખમાં હર્ષના આંસુ!
" આજે ધર્મદાદાનું સપનું પૂરું થયું, ઋતાને મહર્ષિની વહુ બનાવવાનું!"- મુનીમજી એમનાં ચશ્મા લૂછતાં લૂછતાં બોલ્યાં.
" શું? ઋતા?" - મહર્ષિ બોલી ગયો.
" હા, તારું અને ઋતાનું મિલનએ ધર્મદાદાનું મોટું સપનું હતું, એના માટે રતનપુરા લાવવા માટે એમની આ ચાલ!"- કેસરીભાઈએ સાથ પુરાવ્યો.
" પણ એ જીવતેજીવ પણ કરી શકતા હતા ને?"- મેઘ બોલ્યો.
" અને તમે બધા અહી આવીને રાજી ખુશીએ ઋતાને વધાવી લેતે? અહી આવીને રહેતે? " - મુનિમજી બોલ્યાં.
"તમને ક્યાં ફુરસદ હતી દાદા માટે? કે એ શું કરી રહ્યા છે એમાં?"- કેસરીભાઈ બોલ્યાં.
" હા એ સાચી વાત!"- બધાએ એમનાં મોઢાં વીલા કરી દીધા અને પારાવાર પસ્તાવો કરી રહ્યા.
" દાદા એમને માફ કરી દેજો!"- બધા માફી માંગી રહ્યા.
" ઘરડા જ ગાડાં વાળે! ચાલો એ તો માફ કરી દીધા હશે! પણ હવે પાછા પૈસાનાં પૂજારી ના બની જતાં!"- કેસરીભાઈએ બધાને જરા હળવા કરવાનો પ્રયત્ન કર્યો.
બધા હસી પડ્યા, ને ઋતાની બાજુમાં ઊભેલી સ્વીટી અને મહર્ષિની બાજુમાં ઊભેલા વિધાને બન્નેને ફરી ધક્કો કર્યો ને બન્ને ફરી ટકરાયા, પણ આ વખતની ટક્કર અજીવનની ટક્કર હતી.
ક્રમશ: