ઋતાએ કોઈને કહી નહોતી એ હકીકત મહર્ષિને કહી, એ સાંભળતો રહ્યો, અત્યાર સુધી જેના વિશે એ જાણવા તલપાપડ હતો એને એની આખી જિંદગી ખુલી કિતાબના જેમ ઉઘાડી કરી દીધી, આમ તો ઋતા કોઈ દિવસ કોઈને એના દિલની વાત કહેતી નહિ, માત્ર બધાનાં ચહેરા વાંચી એમની વ્યથા દૂર કરવામાં વ્યસ્ત રહેતી અને એની પારાવાર વ્યથા કોઈને કહેતી નહિ.એના દિલમાં જે જખમો હતા એ પોતે એકલી ઝૂરતી રહેતી પણ કેમ જાણે આજે એણે બધું મહર્ષિને કેમ કહી રહી.
એ મનોમન મહર્ષિ પર વિશ્વાસ કરવા માંડી, કદાચ એને ચાહવા પણ માંડી હતી, એનો સાથ એને પ્રેમાળ હૂંફ આપતો હતો, મહર્ષિ તો પહેલેથી એના પ્રત્યે લાગણીશીલ હતો પણ હવે એ પણ લાગણીશીલ થઈ ગઈ.
ઋતા રૂપાણી એ પણ એકદમ શહેરી છોકરી, એકદમ મોર્ડન વિચારોથી ઘેરાયેલી! આખો દિવસ મિત્રો સાથે ફરવું, મસ્તી અને મૂવીમાં પોતાનો સમય વ્યતીત કરતી હતી, એના પરિવારમાં અઢળક પૈસો એટલે એ પણ પહેલેથી સ્વછંદી હતી, એટલે એકદમ બોલ્ડ કહી શકાય એ પ્રકારની! એમાંય સૌંદર્ય ઉમેરાયું એટલે ઘમંડ પણ હોય જ!
આ બધાની વચ્ચે રાચતી ઋતાનાં જીવનમા અચાનક ઉથલપાથલ થઈ ગઈ, પાંચ ડિસેમ્બરના દિવસ હતો, ધુમ્મસ એની મોજમાં ગાઢ રીતે પ્રસરી રહ્યું હતું, એક સાથે ત્રણ ગાડીઓ લઈને ફરવા ગયેલ દિલ્હીથી સુરત પરત ફરી રહી હતી, ધુમ્મસમાં એક નાની ભૂલ થઈ ગઈ ને એક સાથે ચાલી રહેલી ગાડીઓ એકસો વીસની સ્પીડથી એકબીજાને પાછળ બાજુએ એવી ટકરાઈ કે કોઈ બચ્યું નહિ,વખતે થયેલાગમખ્વાર અકસ્માતે એના બધા સ્વજનો છીનવી લીધા, એ કમનસીબ હતી કે આ બધાની એકલતા જોવા બચી ગઈ!
એના નજરની સામે એને એના મમ્મીનાં માથે થયેલી ઈજાને નિહાળી હતી, એના મમ્મીને ઇજા થતાં વહેલું લોહી એણે એની આંખની સામે જોયું હતી, એના પપ્પા ડ્રાઈવર સીટ પર બેઠા હતા તો એમને એ જોઈ ન શકી, એ બીજું દૃશ્ય જોવે એ પહેલાં એ બેહોશ થઈ ગઈ હતી અને જ્યારે હોશમાં આવી ત્યારે માત્ર એના દાદા એની પાસે હતા.
તેના દાદા હરિભાઈ ઘરે એકલા હોવાથી એમનો સથવારો રહેલા, એમની જોડે એને ઘરે આવીને જોયું તો એના બધા સ્વજનોના ફોટા પર સુખડનો હાર હતો, એનાથી એને બહુ મોટો આઘાત લાગ્યો, અઢાર વ્યક્તિથી ભરેલા માળામાં માત્ર હવે એ અને એના દાદા જ રહ્યા હતા, કરોડોની સંપતિને ભોગવવા માટે હવે કોઈ બચ્યું નહિ.
એના દાદાને પણ આઘાત તો બહુ લાગ્યો હતો પરંતુ ઋતા સામે એ જતાવતા નહિ, એમને ડર હતો કે બચેલું એકના એક કુમળું ફૂલ ક્યાંક કરમાઈ ના જાય! થોડા વખતમાં તેઓની તબીયત પણ બગાડવા માંડી હતી, ઋતા એમની સેવામાં પરોવાઈ ગઈ અને એને એની એ લાઇફસ્ટાઇલને તિલાંજલી આપી સાદગી અપનાવી લીધી.
ઋતાના દાદા હરિભાઈ અને મહર્ષિના દાદા ધર્મદાદાએ કોલેજકાળના પાક્કા મિત્રો હતા, પરંતુ સંસારની જવાબદારીઓમાં તેઓ એકબીજાથી દૂર થઈ ગયેલાં જીવનસંધ્યાએ ફરી ભેગા થયા, રતનપુરાને એમની નિવૃત્તિનો ગઢ બનાવ્યો, બન્ને વિધુર બન્યા બાદ એમની પત્નીઓના નામે રતનપુરામાં હવેલી બંધાવડાવી, કુદરતના ખોળે રહીને એકદમ સરળ જીવન વ્યતીત કરવાના હેતુથી તેઓ ઘણી વાર આવતાં, ધર્મસિંહ પણ આવતાં જતાં હરિભાઈના ત્યાં સુરત જતાં, એટલે ઋતા એમને ઓળખતી!
હરિદાદા અકસ્માત પછી ટુંકી બીમારી બાદ અવસાન પામ્યા, છેલ્લે એમને ધર્મસિંહના માથે ઋતાની જવાબદારી નાખી હતી, માટે પરિવારનો સાથ છૂટયા બાદ ધર્મદાદા જ એનો સહારો હતા,કરોડોની મિલકત હતી પરંતુ એને ભોગવવા એ એકલી જ રહી હતી, માટે એ અહી રતનપુરા જ રહેવા આવી ગઈ હતી, અહીને સાદગી એને ફાવી ગઈ હતી.
એને ધર્મદાદા સમયે સમયે મળવા આવતાં,એનું ધ્યાન રાખતા અને પહેલેથી વિશ્વાસુ ગણી શકાય એવા માલતીબહેન એનો ખ્યાલ રાખતા.
ધર્મદાદાએ ઋતાનો કોઈ દિવસ ઘરમાં ઉલ્લેખ નહોતો કર્યો, એમને ખબર હતી કે જો ઘરમાં કહેશે તો બધા એને સાચવવા કરતાં એની મિલકતમાં રસ વધારે લેશે, માટે આ બધાથી અલગ દુનિયામાં એને પાંગરી હતી.
જ્યારે પણ ધર્મસિંહ રતનપુરા આવતાં એટલે કોઈને કહેતાં નહિ, અને કોઈ પૂછે તો રતનપુરા કામ છે એમ કહી અથવા સુરત જાઉં છું મારા મિત્રને મળવા એમ કહીને વાત સમજાવી દેતાં, એમને હવે શાંતિસદનમાં રસ રહ્યો નહોતો, તેઓ આવતાં ત્યારે એ માતૃછાયામાં જ રહેતા! બે ત્રણ દિવસ આવતાં ત્યારે એ ગામમાં ફરતા, અહીંના લોકોના કામો કરી આપતા, અને ઋતાને ગાઈડ કરતાં.
ધર્મદાદાની બહુ ઈચ્છા હતી કે એમનો પરિવાર અહી આવે, અહી રહે અને અહીંની માટીને સમજે, તેઓ હંમેશા ઋતાને કહેતા કે હું તને ચોક્કસ મારા આખા પરિવારને તને મળાવિશ, પણ એમની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી, એમનાં અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે ઋતા નિરાશ થઈ ગઈ હતી, એ ઘરની બહાર પણ નહોતી નિકળી શકી, ના કોઈને કઈ કહી શકી! પણ અચાનક આખો દેસાઈ પરિવાર આવ્યો છે એ સાંભળતા એ ખૂબ ખુશ થઈ ગઈ હતી ને દાદાને દિલથી કહી રહી હતી કે દાદાએ એમનું વચન પાળ્યું!
મનની બધી વાતો એણે મહર્ષિને કહી એના દિલમાં રહેલા બધા ભારને હળવો કરી નાખ્યો, રાત પડી ગઈ હતી, ચાંદની રાતમાં વાદળ સાથે સંતાકૂકડી કરતો ચંદ્ર બંનેની વાતનો સાક્ષી હતો, તેઓ હવેલી તરફ વળ્યા, મહર્ષિ તેને મૂકીને ફળી તરફ જવાની તૈયારીમાં હતો.
" ઋતા એક વાત પૂછું?"- મહર્ષિએ એને ગેટ પાસે ઊભા રહીને પૂછ્યું.
" હા બોલો ને!" - ઋતાએ કહ્યું.
" પેલા દિવસે બાકી રહેલો સવાલ શું હતો?"- મહર્ષિએ એને થોડા દિવસ પહેલાની વાત ફરી યાદ અપાવી, ઋતા હસી ગઈ, એના મોઢા પર વેરાયેલા સ્મિત સાથે મહર્ષિ પણ ખુશ થઈ ગયો.
" ફરી કોઈ વાર પૂછી લઈશ એ તો, તમે ક્યાં ભાગી જવાના છો?" કહેતાં ઋતા હસવા માંડી.
" હવે તો ક્યાં ભાગુ? અહી જ ઠેકાણાં થઈ ગયા છે!"
" ઓહ રીયલી? જાઓ હવે ફળીમાં છાનામાના નહિ તો મુનિમજી શોધતાં આવશે!"- ઋતાએ મજાકમાં કહ્યું.
"સારું, ચાલો જવું પડશે!કાલે મળીએ!"- કહીને ના જવા છતાંય વિદાય લીધી.
" ઓકે, બાય! ગુડ નાઈટ!"- ઋતા બોલી.
"બાય, ગુડ નાઈટ!" કહીને મહર્ષિ ફળી તરફ વળ્યો, ને મનમાં વિચારતો ગયો કે હવે તારી યાદમાં ક્યાં ગુડ નાઈટ થવાની છે ઋતા! સુવા દેશે તો ને તું? એને મરક મરક મલકાતો એ ચાલતો ગયો.