(૩૫)
(રાજુલે શણગાર કર્યો એ સાંભળીને નવાઈ લાગી અને આશ્ચર્ય દર્શાવવા વૃદાં અને શશિલેખા ત્યાં આવ્યા. હવે આગળ...)
"આ કૃષ્ણ મહારાજની જોડે કોણ બેઠા છે?"
"રહનેમિકુમાર...."
વૃદાંએ પૂછયું અને એનો રાજુલે જવાબ આપતાં કહ્યું.
"લાગે છે તો સારા વરણાગિયા..."
લેખાએ વૃદાંનો પડતો બોલ ઝીલી લીધો.
"એમાં આપણે શું?"
રાજુલ છણકાઈને કહ્યું. એટલામાં તો સુભટ આવ્યો,
"કુંવરીબા, મહારાજા અને અતિથિઓ આ
બાજુ પધારે છે."
ત્રણે સખીઓ એકબીજા તરફ જોવા લાગી. રાજુલે ઊભા થઈ વસ્ત્રો પરથી રજ ખંખેરવા માંડી. દરબારમાં એને રહનેમિ તરફ ખાસ નજર નહીં નાખેલી, પણ હવે તો વાત પણ કરવી પડશે એમ એને લાગ્યું.
બહારથી કોઈની વાતોનો ગણગણાટ થતાં બધાં સાવધાન બની ગયા. અને જાણે કોઈ કવાયતમાં 'હોંશિયાર' નો આદેશ સાંભળવા ઊભા હોય એમ એમની આંખો બંધ થઈને ઉઘડી પણ ગઈ. દ્રાર આગળ જ ત્રણે એ મહારાજ અને બંને અતિથિઓ ને વંદન કર્યું. ત્રણે જણે અંદર પ્રવેશ કર્યો એટલે સુભટ ધીમે પગલે બહાર ચાલ્યો ગયો.
"બેસો, મહારાજ..."
ઉગ્રસેન રાજાએ બંનેને ગાલીચાથી સુશોભિત બેઠક પર બેસવા સૂચવ્યું.
ત્રણે બાળાઓ પાછી દ્રિધામાં પડી ગઈ... બેસવું કે ઊભા રહેવું.
"બેસો ને..."
ઉગ્રસેન રાજાએ તેમની મુશ્કેલી દૂર કરી. થોડે અંતરે પડેલા ત્રણ બાજઠ પર તેઓ બેસી ગયા. બાજઠ પરની મુલાયમ સુંવાળી ગાદી પણ રાજુલને ખૂંચતી હોય એમ એ ઊંચી નીચી થવા લાગી. તેની સામે જ રહનેમિ બેઠો હતો. બંનેની દ્રષ્ટિ મળી.
રાજુલે નીચું જોયું. રહનેમિને જોવું હતું છતાં ન જોઈ શકાયું. વળી વળીને એના નેત્રો રાજુલ તરફ મીટ માંડતા હતાં. રાજુલ એ જીરવી નહોતી શકતી. છતાં નેમિના બંધુ તરીકે એના માટે અંતરમાં સદભાવ જાગ્યો હતો અને એને એ નિવારી પણ શી રીતે શકે?
"રાજુલ, કૃષ્ણ મહારાજ તારી ક્ષમા માંગે છે, અને આપણને સૌને શરમાવે છે."
એ એક જ વાત એવી હતી કે જે રાજુલનું મોં ઉઘાડે. એટલે જ ઉગ્રસેનને ન છૂટકે એ વાત કાઢવી પડી. અને મહેમાનો આગળ એ ચૂપકીદી સેવે તો તો એનો અર્થ એમ જ થાય કે એના અંતરમાં એ સૌના માટે રોષ છે.
"શાની ક્ષમા, ક્ષમા તો આપણે માગવાની, પિતાજી."
"એમ કેમ બને, રાજુલકુમારી..."
અચાનક રહનેમિનો અવાજ આવ્યો. બધાં સ્તબ્ધ બની ગયા. છતાં બીજી જ ક્ષણે જાણે સૌને એમાં સ્વભાવિકતા દેખાઈ.
"એ જ સાચું છે, કારણ અમારે ખાતર તમારે સૌને હેરાન થવું પડયું."
કૃષ્ણ મહારાજને લાગ્યું કે વિવેકમાં રાજુલ વાત ઊંધી રીતે રજૂ કરે છે એટલે એ બોલ્યા,
"વાહ, આ પણ ભારે આશ્ચર્ય. હેરાન તમે થયા અને એ ભાર અમે વેઠયો એમ કહો છો?"
"એ તો એમ જ કહે ને ભાઈ, સુસંસ્કાર એમ જ બોલાવે. પણ આપણે તો એમનો ભારે દોષ કર્યો જ છે."
"તમે નહીં... મારા ભાગ્યે."
રાજુલે સૌને ચૂપ કરવા જ ધડાકો કરતી હોય એવા સ્વરે જવાબ આપ્યો.
"હવે આ બધી ચર્ચા જ નકામી છે."
શશિલેખા શરમાતી શરમાતી પણ ગણગણી.
"તું ડાહી નીકળી, દિકરી."
ઉગ્રસેન રાજાએ હસતાં હસતાં કહ્યું.
"ભૂતકાળ પર ચર્ચા જ ન હોય."
રાજુલે આંખથી જ શશિલેખાનો આભાર માન્યો. થોડી ક્ષણો એમ વીતી ત્યાં તો બહારથી પાછો કોઈનો પગરવ સંભળાયો. અને ત્યારે જ સૌને યાદ આવ્યું કે રાણીની હાજરીની ત્યાં જરૂર હતી.
ધારિણીની પાછળ માધવી હાથમાં થાળ લઈને આવી. ચાંદીના પાત્રમાં તે સૌના માટે શરબત લઈને આવી હતી.
ઉગ્રસેને ઠપકાભરી દ્રષ્ટિથી રાજુલ પ્રતિ જોયું. પરંતુ રાજુલે એમને ઈશારા માત્રથી જ સમજાવી દીધું કે એ પોતાની જ યોજના હતી. ઉગ્રસેનની આંખો હસી ઊઠી. કેવી શોભતી હતી પોતાની પુત્રી! પિતૃગૌરવથી એ થોડા ફુલાયા. રૂપ તો ભગવાને એને જ ખોબે ખોબે આપ્યું લાગે છે, બાકી બીજાને તો મળ્યું હશે વધ્યું ઘટયું.
પણ વિધાતાને જ એના સૌદર્યની ઈર્ષા આવી લાગે છે. એટલે જ યાદવકુળમાં એને ન જવા દીધી. અને હવે તો એ પોતે જ જાણે પોતાના સૌદર્યની શત્રુ થઈ બેઠી લાગે છે. તેમની આંખો થોડી ઉભરાઈ. કૃષ્ણ મહારાજ શરબત પીતાં પીતાં પણ ઉગ્રસેન રાજાના મુખની રેખાઓ બરાબર તપાસી રહ્યા હતા. અલબત્ત, એમાં કરુણતા હતી. પણ કયાંય એ પિતૃઅભિમાન ઘવાતું હોય એમ અમને લાગ્યું નહીં.
રહનેમિ શાંત હતો, પણ એનું ચિત્ત ચગડોળે ચડયું હતું. થોડીવારે એને પોતાના ઉપવસ્ત્રની નીચે હાથ નાંખ્યો. પાછો કંઈક વિચાર આવ્યો એમ પાછો ખેંચી લીધો.
ધારિણીએ વૃદાં તથા શશિલેખાને કહ્યું,
"જરા જાવ ને, ભોજનગૃહમાં બરાબર તૈયારી થઈ છે કે નહીં?"
બંને ઊભી થઈ અને જોતજોતાંમાં પલાયન પણ થઈ ગઈ.
"મહારાજા, ખરેખર તમે અમને ભારે ઋણી બનાવ્યા."
કૃષ્ણ મહારાજે કહ્યું.
"અને રાજુલકુમારી, નેમકુમારનો દોષ તમારા હૈયે નથી વસ્યો એ પણ અમારું સદભાગ્ય છે."
"દોષ હોય તો વસે ને..."
રાજુલે મસ્તક ઉંચું કરતાં કહ્યું.
"એ તો આપને સૌજન્ય આમ બોલાવે છે."
રહનેમિએ કહ્યું.
"ના, મારું અંતર કહે છે."
રાજુલે સીધો જ ઉત્તર આપ્યો.
"પણ મહારાજ, મારે તો આપને એક જ વિનંતી કરવાની છે કે આપ અમને સ્વજન જ માનજો. આપણો સંબંધ તો બંધાઈ જ ગયો છે એમ ગણી લેજો."
"અને એ માટે જ મારાં માતાજીએ કુમારીને માટે આ અલંકારો મોકલ્યા છે."
રહનેમિએ અંતે ઉપવસ્ત્રની નીચેથી અલંકારો કાઢીને રાજુલની સમક્ષ મૂકયા.
"આ હાર અને કુંડળ એમને મોકલ્યા છે અને કહેવરાવ્યું છે કે રાજુલ મારે મન દીકરી જ છે અને એટલે આ ભેટ સ્વીકારીને અમને આભારી કરશો."
રાજુલે ધારિણી તરફ દ્રષ્ટિ કરી અને એનો અસ્વીકાર કરવિ જણાવ્યું.
"અને તમે આટલું સ્વીકારી અમને થોડા ઘણા પણ દોષમુકત કરો એવી મારી પ્રાર્થના છે."
કૃષ્ણ મહારાજના શબ્દોએ રાજુલની દ્રષ્ટિને પાછી નીચી નમાવી દીધી.
"લઈ લે પુત્રી..."
ઉગ્રસેન બોલ્યા,
"આપણાથી અવિવેક ન દર્શાવાય."
"પણ પિતાજી... હું તો પહેરતી નથી...."
રાજુલે તૂટક તૂટક બોલતા કહ્યું. ધારિણીએ એની તરફ રોષભરી નજરે જોયું તો રાજુલે આગળ જવાબ આપવાનું માંડી વાળ્યું. એટલામાં તો કૃષ્ણ મહારાજ બોલ્યા કે,
"ચાલો, આપણે જરા આયુધશાળા અને અશ્વશાળા બાજુ જઈએ."
ઉગ્રસેન રાજા સમજી ગયા કે કૃષ્ણ મહારાજ એ વાત ટાળવા માંગતા હતા. રાજુલના સંકલ્પની એમને જાણ હતી, એટલે એ ચર્ચા ન લંબાવાય એ વિચારે જ એ ઊઠયા.
"હું તો અહીં જ બેઠો છું, ભાઈ... કાલે રાતના થોડી બેચેની લાગતી હતી અને આજ સવારથી જ શરીર તૂટે છે. તમે જોઈ આવો."
"હા.. હા.. બેસો, આરામ કરો.. રાજુલ, એમની સંભાળ લેજે. હું હમણાં આવું છું."
ધારિણી પણ એટલું બોલીને ઉગ્રસેન તથા કૃષ્ણ મહારાજની પાછળ ચાલી.
ધારિણીના મનમાં રહનેમિ થોડો ઘણો વસી ગયો હતો, પણ એનું વર્તન એને થોડું અરુચિકર લાગ્યું હતું. છતાં એ રાજુલના મનને આનંદિત તો કરી જ શકશે એમ એમને લાગવું માંડયું હતું. અને એની આંખોમાં રાજુલ પ્રત્યે જે દયા હતી, ઊંડી લાગણી હતી અને એના કારણે એમાંથી જે વેદના નીતરતી હતી એથી એનો આત્મા દ્રવી ઊઠયો હતો.