Rajvi - 34 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 34

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 34

(૩૪)

(ધારિણીદેવીએ રાજુલને પોતાના જન્મદિવસની ઉજવણી માટે શણગારી રહ્યા છે. હવે આગળ...)

"મા, આજે છેલ્લી વાર આ શણગાર સજું છું."

રાજુલે કહ્યું અને ધારિણીએ આનંદમાં આવીને હા પાડી.

એટલામાં તો માધવી હાથમાં ઝાંઝર લઈને આવી. અને એને રાજુલના પગ પકડીને એને પહેરાવવા માંડ્યા.

"તારે હજી રૂમઝૂમ કરવાનું બાકી હતું."

"હવે ઠેકાણે આવ્યા ને...."

માધવી બોલી તો આટલું જ, પણ એના કરતાં એની આંખોની ભાષા સારા પ્રમાણમાં એની તરફ તે વધારે કટાક્ષ વહાવતી હતી. રાજુલે પગના ઠેકાથી પોતાનો વિજય દર્શાવ્યો, પણ માધવીનો અંગૂઠો હાલ્યો અને પોતે હારી ગઈ હોય એવું ભાન પણ રાજુલને થયું.

હવે શું થાય? રાજુલ તો મનમાં જ સમસમી રહી. સાડીમાં પરોવાયેલી મોતીમાણેકની સેર પણ એને હસતી હોય એમ એને લાગ્યું. આ નિર્બળતા પણ ખંખેરવી પડશે. હવે તો કોઈની શેહમાં તણાવું જ નથી, તે નક્કી કર્યું. પણ આ માયા, એને પણ હવે બાજુ એ મૂકવી પડશે.

'કુમાર... મને ક્ષમા કરજો.' તેણે મનોમન બોલી નાંખ્યુ. એમ ન માનતા કે તમારી રાજુલ તમને બેવફા નીવડે છે. ફેર માત્ર એટલો જ કે હું સ્ત્રી છું, અને સ્ત્રી બને ત્યાં સુધી પોતાના સિધ્ધાંતો ને વાંધો ના આવે એ રીતે થોડી બાંધછોડ કરવાની જ. તમારા જેટલી નિશ્ચયતા હોવા છતાં પણ હું થોડાં પ્રલોભનો અને લાગણીઓમાં અટવાયેલી છું. તમારે જ મને એમાંથી ઉગારવી પડશે.

રાણીમા એકબાજુ આભૂષણોયુક્ત રાજુલને જોઈ ગૌરવ અનુભવતાં હતાં, ત્યારે એ જ સૌદર્ય રાજુલને દઝાડતું હોય એમ એનું અંતર અસ્વસ્થતા અનુભવતું હતું. છતાં માતાનો આત્માને નારાજ કરવાની હિંમત એ પુત્રીમાં ન આવી.

"હવે ઝટ ચાલો... મહેમાનો આવવા લાગ્યા છે."

માધવીની બૂમ પાડી. આ સાંભળીને રાજુલ કોઈ વધસ્તંભ તરફ જતી હોય એમ ડગ ભરતી ધારિણી સાથે રાજદરબાર તરફ ચાલી.

રાજદરબારમાં ઉગ્રસેન રાજાના સિંહાસનની જમણી બાજુએ જ રાણી તથા રાજુલે પોતાનું સ્થાન લીધું હતું. કૃષ્ણ મહારાજ તથા રહનેમિ પણ તેમની નજીક જ ગોઠવાયા હતાં. પ્રથમ તો ઉગ્રસેન રાજાએ નિમંત્રિત મહેમાનોનો આભાર માન્યો.  એ બધાએ જવાબમાં રાણીને દીર્ઘાયુષ માટેની શુભેચ્છાઓ પાઠવી. એ સૌમાં કોઈ ધ્યાનસ્થ મૂર્તિની પેઠે શાંત અને અલિપ્ત ભાવે રાજુલ બેસી રહી હતી. આભૂષણો અને કીમતી વસ્ત્રો એને પામીને કૃતાર્થતા અનુભવતાં હોય એમ મંદમંદ રીતે લહેરાતા હતા. પણ રાજુલ એ કૃતાર્થતાનો પ્રતિધ્વનિ જગાવવા જરાક પણ તૈયાર નહોતી.

મહેમાનો ઊભા થયા. રહનેમિ અને કૃષ્ણ મહારાજ પણ ઊભા થયા. ઉગ્રસેન રાજાએ એ વખતે રાજુલને કહ્યું,

"રાજુલ, આ બંને અતિથિઓ ની જવાબદારી તારે માથે, એમને માટે ભોજન વિગેરે પ્રબંધ બરાબર થવો જોઈએ."

"જી..."

રાજુલના હોઠ પરથી આટલા શબ્દ નીકળ્યો ના નીકળ્યો ને બીડાઈ ગયા. ધારિણીરાણીના મુખ પર થોડું સ્મિત આવ્યું, પણ રાજુલની ગંભીર મુખમુદ્રા આગળ એ બિચારું કયાંય ખોવાઈ ગયું.

રાજુલે પહેલું કામ સુભટ અને માધવીને બોલવવાનું કર્યું. બંને આવ્યાં એટલે એ તરત જ બોલી ઊઠી,

"જુઓ, તમારે બંને એ આજે એક મોટું કાર્ય કરવાનું છે."

બંને એકબીજા તરફ જોઈને હસી પડ્યા. કારણ બંને વાતને આગળથી જ જાણી બેઠાં હતાં, એટલે ગાંભીર્ય દર્શાવવાની આવશ્યકતા એમને નહીં જણાઈ હોય.

"અતિથિઓ પધાર્યા છે એ તો તમે જાણો છો. એમના જમવાની બધી જ તૈયારી બરાબર કરવાની છે. અને

આરામ માટે પણ, કયાંય પણ ત્રૂટી ન આવવી જોઈએ."

"જેવી આજ્ઞા, કુંવરી બા."

માધવીએ જરા હસીને બોલી.

"માતાજી હમણાં જ ભોજનગૃહ તરફ આવતાં હશે. તે પહેલાં તમે બંને બધી વ્યવસ્થા કરી નાંખજો."

"તમે જરાપણ ફિકર ના કરતાં."

સુભટ બોલ્યો અને તેને માધવી સામે જોયું, જાણે તેની વાતમાં સહમતિ એની માંગી લીધી.

રાજુલે નિરાંતનો દમ ખેંચ્યો, ત્યાં તો વૃદાં અને શશિલેખા આવી પહોંચ્યા. એમને રાજુલે શણગાર કર્યાના સમાચાર મળ્યા. એટલે બંને આનંદમાં ત્યાં દોડી આવ્યા હતા.

થોડી ક્ષણ તો ત્રણેનાં નયનો મૂક વાતો કરી રહ્યા. ત્રણે ઊર્મિતંત્રો હાલી ઉઠયા હતા. છતાં બધું અગમ્ય હતું. શશિલેખાની ભ્રમરો અકળાઈ હોય એમ ઊંચી ચડી.

"કેમ, એકદમ મોં ફરી ગયું?"

વૃદાંએ એને પૂછ્યું.

"આનું મોં જો ને, બનીઠનીને બેઠી છે. પણ છે જરા પણ હસતું મોં?"

શશિલેખાએ ઊભરો ઠાલવ્યો.

"એમ વાત છે, તો તમે બંને શું ધારીને આવ્યાં છો?"

રાજુલ હવે ખરેખર હસી પડી.

"આ વસ્ત્રો, આભૂષણો એ બધા શી વાત કરે છે?"

વૃદાં બોલી.

"મારાં કરતાં એમની વાત વધારે મહત્વની તો નથી ને? મારી વાત ભૂલી ગયા? અને એટલે તો મારે આજે ફરી કહેવું પડે છે કે આ બધી માયાજાળ છે."

"પણ તારે આ ભૂલભૂલામણી શાને કરવી પડી?"

શશિલેખા રિસાળ સ્વરે બોલી.

"મારે તમને બધાને મારામાં કેટલો વિશ્વાસ હતો એનું માપ કાઢવું'તું."

"એ વળી નવી વાત. અમે કયા દિવસે તારામાં અવિશ્વાસ દેખાડયો."

"આ ઘડીએ જ વળી."

રાજુલે જરા મક્કમ સૂરે બોલી.

"જુઓ, મેં તમને મારો સંકલ્પ જણાવ્યો છે કે મને હવે આવા કશામાં રસ નથી, છતાં તમે આજે મને સમજવામાં ભૂલ કરી."

"અમે ભૂલ નથી કરી, પણ થોડું આશ્ચર્ય દેખાડયું."

વૃદાંએ સમાધાન કરવા જવાબ આપ્યો.

"આશ્ચર્ય એટલે જ થોડોઘણો અવિશ્વાસ."

"સારું ભાઈ, એમ. પણ હવે આ બધું સમજાવીશ?"

"માનો જન્મદિવસ છે, એ તો તમે જાણો છો ને."

"હા...."

"પછી સમજી જવાનું, મારે મન દિવસે દિવસે એટલું બધું મક્કમપણે ઘડાતું જાય છે કે હવે આ બધાં મને ફોસલાવી શકે એમ નથી."

"માને રાજી કરવા આ પહેર્યું?"

શશિલેખા વાતની ચોખવટ કરવા માગતી હોય એમ બોલી.

"હા, જયાં સુધી એમની પાસે છું ત્યાં સુધી મારાથી એમને એટલા બધા જ નારાજ તો ન જ કરાય."

"વાહ તમારો વિવેક, ઓછાં નારાજ કર્યા છે."

લેખા પછી તો ખરેખર કટાક્ષે ચડી.

"એ તો મારા જીવન મરણનો સવાલ હતો. ત્યાં તો મારે સિધ્ધાંતનિષ્ઠા બતાવવી જ જોઈએ."

"બહુ સારું, પણ હવે બીજી વાત સાંભળ."

વૃદાંએ જરા રાજુલની નજીક સરતાં ઉચ્ચાર્યુ,

"આ કૃષ્ણ મહારાજની જોડે કોણ બેઠા છે?"

"રહનેમિકુમાર...."