Rajvi - 31 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 31

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 31

(૩૧)

(રહનેમિ સત્યભામાની સલાહ લેવા જાય છે, ત્યાં શતાયુ મળે છે. હવે આગળ...)

"અને કુમારીએ શો જવાબ આપ્યો?..."

રહનેમિએ ઉત્સુકતાથી પૂછ્યું.

"એમને મને કહ્યું કે બહેનને કહેજે કે તમારી આટલી બધી લાગણી માટે આભાર. પણ હવે આ જન્મમાં મારે માટે તમારે બીજો ભરથાર શોધવાની જરૂર નથી અને મારું મન સ્વસ્થ જ છે."

"સાચે જ?"

રહનેમિને આશ્ચર્યથી પૂછ્યું.

"હા, કુમાર... એમના જ શબ્દો મેં તમને કહ્યા. અને એમની એ વેળાની મુખમુદ્રા... શું કહું? ખરેખર કોઈ દૈવી શક્તિ એમને બોલાવતી હોય એમ જ મને લાગ્યું."

રહનેમિને રાજુલની મૂર્તિ વધારેને વધારે યાદ આવવા લાગી. આવી પુષ્પ શી કોમળ અને ચંદ્રિકા શી અમીભરી અને શીતલ બાળાને આવા ભયંકર પરિતાપમાં ધકેલનાર નેમકુમાર પર રોષ આવ્યો. પણ શતાયુ આગળ એને રોષને શમાવી દીધો.

"સારું, તું જા હવે. પણ કાલે સવારે મને જરા મળી જજે. મારે કદાચ તને પાછું અગત્યનું કામ સોંપવું પણ પડે."

"જી..." શતાયુ નાસવા જ માંગતો હોય તેમ ત્યાંથી જ અદશ્ય થઈ ગયો.

રહનેમિ સત્યભામાના શયનખંડ આગળ આવ્યા. દ્રાર પર જ એક દાસી પુષ્પમાળા ગૂંથતી બેઠી હતી.

"ભાભી શું કરે છે?"

"બેઠા છે."

"એમને કહે કે રહનેમિને મળવું છે."

થોડીવારમાં તો સત્યભામા જ બહાર આવી.

"આટલો બધો વિવેક બતાવતા કયારથી શીખ્યા? અમારા નેમકુમાર તો સીધા દોડયા આવતા હતા."

'પાછો, નેમકુમાર..' રહનેમિના મનમાં વિચાર આવ્યો.

"વાહ, પૂછવું તો પડે જ ને."

હસતાં હસતાં તેને જવાબ આપ્યો.

"હા, ભાઈ હા, ભવિષ્ય માટે શિક્ષણ લેતા લાગો છો."

રહનેમિ મનમાં ને મનમાં

'ખરેખર મારે કેટલી મહેનત કરવી પડશે. ભાઈ શા માટે ચાલ્યા ગયા? આજ સુધી હસ્યો, રમ્યો, બેજવાબદારપણે કૂદયો. હવે જાણે મારા માથા પર સમગ્ર યાદવગણનો ભાર આવી ગયો હોય એમ લાગે છે.'

તે સત્યભામાની પાછળ પાછળ અંદર ગયો. એક મોટા હિંચકા પર બંને બેઠા.

"ભાભી.. તમારી સલાહ લેવા આવ્યો છું."

રહનેમિએ કહ્યું.

"ના, ભાઈ ના, આપણે હવે કોઈને સલાહ નથી આપવાનાં. એકમાં ભરાઈ પડયાં તો હવે પાઠ ભણવો પડશે ને."

મશ્કરીમાં પણ સત્યભામાનો અવાજ ગળગળો હતો એ રહનેમિ પારખી શકયા હતા.

"એ પાઠ પરથી જ મેં પાઠ તૈયાર કર્યો છે. મારે ભાઈએ કરેલી ભૂલ સુધારી લેવાની છે."

"મને સમજાયું નહીં... ભૂલ? કોની ભૂલ?"

સત્યભામાએ જરા વિચાર કરીને કહ્યું.

"નેમકુમારની."

"એમને ભૂલ કરી છે?"

"હા... મને તો એમ જ લાગે છે.'

રહનેમિ પૂરેપૂરો સ્વસ્થ બનીને અને એકેએક શબ્દ છૂટો પાડીને બોલવા લાગ્યો,

"આટલું ધાંધલ કરવું, સૌને નિરાશ કરવા અને છેવટે બાકી હોય એમ સામાની કન્યાનું જીવતર ધૂળમાં રગદોળવું, આ બધાને તમે શું કહો છો? બાલીશતા કે ભૂલ? એમની મહત્તાનો તો તેમણે વિચાર જ ન કર્યો, પણ આખા કુટુંબની મહત્તાનો તો એમને ખ્યાલ કરવો જોઈતો હતો ને?"

"તમારી વાત તો બરાબર છે."

"બસ, એટલે જ હું તમને પૂછવા આવ્યો છું કે હવે મારે શું કરવું? મારે એમને બગડેલી બાજી સુધારીને કુળને ઉન્નત કરવું છે."

"તો આજથી જ માંડો તમારા ભાઈ પાસે તાલીમ લેવા. રાજકાજની વાતો સાંભળો, એના અટપટા વ્યૂહો ઉકેલો અને એ રીતે સૌનો ભાર હળવો કરો."

"પણ... પણ."

રહનેમિ થોડો અચકાયો.

"બોલો, તમારા મનની બધી વાત કહી નાંખો."

સત્યભામાએ તેમની અકળામણ જોઈને કહ્યું.

"એથી ઉગ્રસેન રાજાને થયેલો અન્યાય ઓછો મટી જાય છે."

"પણ એ તો આપણા હાથની વાત નથી, ભાઈ."

"કેમ નથી, એમાં આપણા કુળની આબરૂનો સવાલ છે. હવે પછી કોણ આપણો વિશ્વાસ કરશે?"

સત્યભામા રહનેમિનો રોષ જોઈ હસી પડી અને તે વધારે ઉશ્કેરાયો.

"તમને એનો ખ્યાલ નહીં આવે, કારણ તમે સ્ત્રી છો. બાકી પુરૂષને પોતાની કુળની આબરૂ કેટલીક વહાલી હોય છે, એ મારા ભાઈને પૂછી જોજો."

"દિયરજી, હું સ્ત્રી છું પણ તમારા ભાઈના પડખાં તો મેં સેવ્યાં છે ને. એટલે માટે મને એનો ખ્યાલ બરાબર આવે."

"તો પછી આપણે ઉગ્રસેન રાજાને થયેલો અન્યાય દૂર કરવા કંઈક કરવું જ જોઇએ."

"શું કરીએ... તમે તો ભારે છો. જયાં છોકરીને જ અન્યાય થયો છે એમ ન લાગતું હોય ત્યાં એ સવાલ જ ઊભો નથી થતો."

"પણ એ તો એમની ખાનદાની બતાવે છે. આપણી ખાનદાની આપણે નહીં બતાવવાની?"

"આપણે નથી બતાવી... તમારા ભાઈએ કહેરાવ્યું છે કે યાદવો પર એનો સંપૂર્ણ અધિકાર છે."

"એમ કહેવરાવે કંઈ ન વળે... કરી બતાવવું પડે."

રહનેમિના અવાજમાં રહેલો ભાવ સત્યભામા સમજી ગઈ પણ માની ન શકી.

"કંઈ રીતે કરી બતાવવાનું?"

તેને સીધો જ પ્રશ્ન પૂછ્યો. રહનેમિ સાંભળીને શરમાઈ ગયો. તેને પોતાની આંગળીઓ અને હાથની રેખાઓ જોવા લાગ્યો.

"કેમ, જયોતિષ જોવા માંડયું?"

સત્યભામાએ એને વધારે શરમીંદો બનાવી દીધો.

"ના રે ના.. "

રહનેમિ શું બોલવું એ નક્કી ના કરી શકયો,

"મને કંઈ જ સમજાતું નથી, પણ મારું લોહી ઉકળી જાય છે. ભાઈનું વર્તન મારાથી સહન નથી થતું."

તે મૂઠી પછાડીને કહ્યું.

"સહેવાય કે ના સહેવાય, પણ સહન કરે જ છૂટકો છે."

"બસ, આ જ આપણી નબળાઈ છે. કોઈને કંઈ જ કરવું જ નથી. હાથ જોડીને બેસી રહેવાથી યાદવોની કીર્તિ કે નામના વધવાની નથી."

સત્યભામાએ પગની ઠેસી મારી હીંચકાને વેગ આપ્યો અને સાથે મનને પણ થોડું ચકડોળે ચડાવ્યું.

'રહનેમિમાં પણ જુસ્સો ભારે છે. આ પણ કંઈ નેમકુમારથી ઊતરે એવા નથી. સાચું ક્ષત્રિયત્વ અને ગરમી તો આનામાં દેખાય છે. મેં પણ ભૂલ કરી... અને એ વિચાર સાથે તેના હોઠ પર થોડું હાસ્ય પણ આવી ગયું. એ બોલી,

"તમે એ કીર્તિ વધારો એવી આશા રાખીએ."

"બોલ્યા, વધારો... પણ એના માટે તો તમને પૂછવા આવ્યો છું કે શું કરવું?"

રહનેમિએ મોં મચકોડતો બોલ્યો. સત્યભામા સમજવા છતાં બોલી ના શકી. વળી, રહનેમિ જે ઉત્તરની અપેક્ષા તેમની જોડે રાખી રહ્યા હતા કે તેમના મનની વાત મારા મુખથી બોલાવવા માંગે છે. એટલે સત્યભામા મૌન જ રહી, માત્ર એટલું જ કહ્યું,

"આવી બાબતમાં તો રુક્મિણીબહેન કે તમારા મોટાભાઈ વધારે સાચું માર્ગદર્શન કરી શકશે."

"એટલે તમારે વચ્ચેથી ખસી જવું છે, નહીં? પણ ભાભી, એટલો વિશ્વાસ રાખજો કે હું નેમભાઈની પેઠે કોઈનો વિશ્વાસઘાત નહીં કરું. એકવાર વચન આપ્યું પછી પ્રાણાન્તે પાળવાનો. બોલીને પાળે નહીં એ સાચો ક્ષત્રિય નહીં "

"પણ મારી પાસે કોઈ માર્ગ હોય તો હું બતાવું ને."

સત્યભામાએ થોડી ચિંતાતુર બનીને બોલી ઊઠયા.