(૩૦)
(નેમકુમાર ઉગ્રસેનરાજા અને ખાસ તો રાજુલની ક્ષમા માંગી આવ્યા. તે પોતાના માતા પિતાને એ વિશે વાત કરે છે. હવે આગળ...)
"ગળે ઊતરી છે એમ નહીં, પણ એક આર્યકન્યા મનથી એકવાર માની લીધેલા પતિ પાછળ ભેખ લેવા નીકળી છે, એમ કહે."
"મા..."
નેમ જાણે ચીસ પાડીને બોલતા હોય એમ બોલી ઊઠ્યા.
"હા, દીકરા.. મા છું સાથે સાથે હું પણ આખરે એક સ્ત્રી છું. સ્ત્રીના અંતરને ના સમજું? પતિની પાછળ એ જોગણ પણ બને અને એની પાછળ અભિસારિકા પણ બને."
શિવાદેવી એટલું બોલીને બંધ થઈ ગયો. પુત્ર આગળ જનેતા આવી વાત કરે ખરી? એમને વિચાર આવ્યો. પણ પુત્રને સાચી પરિસ્થિતિ નું ભાન કરાવવાની ફરજ પણ જનનીની ખરી જ ને. અને એમના મુખ પર ફરજ બજાવ્યાનો સંતોષ દેખાયો.
"આમાં આપણે તો નીચું જોયા જેવું જ થયું ને?"
સમુદ્રવિજયે અંતે કહી જ દીધું.
'પારકી છોકરીનો ભવ બગાડયો એટલે પ્રતિષ્ઠાને તો આંચ આવે જ એમ માનીને પિતાએ વાકય બોલ્યા છે. મારાથી એનો વિરોધ પણ કેમ થાય?'
એ વિચારતા જ પાછું નેમનું અંતરમાં ઘમસાણ જાગ્યું. બધા એને અનુકૂળ બની એનો માર્ગ સરળ કરી આપતા હતા માટે જ એ વધારે વલોવતો હતો. સૌની કૃપાથી એ જીવનકલ્યાણ સાધી શકશે એવી આગાહી જાણે એમાંથી થતી હતી, તો પછી મારો પુરુષાર્થ શા કામનો? અને એ વિચાર આવતાં તે થોડાક સજાગ બની ગયા હોય એમ આંખો ચોળતા બોલ્યા.
"મને આ વાત નથી સમજાતી કે આમાં આપણે એવું કયું ખરાબ કામ કરીએ છીએ કે નીચું જોવું પડે?"
"એ તને જીવનભર નહીં સમજાય. કારણ માબાપનું દિલ તારામાં નથી. અને માબાપ થયા વિના એવું દિલ આવે પણ કયાંથી? તારે એકાદ નાની બહેન હોત તો પણ તને થોડું ઘણું સમજાત... ખેર જવા દે, સૌ સૌના માર્ગે."
પિતાના છેલ્લા વાક્યે નેમનું અંતર હચમચાવી નાંખ્યું. એની આંખો ભીની થઈ ગઈ. ત્રણેના અંતર રડતાં હતા, છતાં સૌ એકમેકને હાસ્ય પીરસવા માંગતા હતા. કર્મ પણ ભારે રમત રમે છે ને... બાલ્યાવસ્થામાં જ મનુષ્ય ઘરઘરની રમત માંડે છે અને માતાપિતા એમાં ભાવિનાં એંધાણ નીરખી હરખાય છે. એ તમામ એંધાણો, સ્વપ્નો અને બાંધેલા મનોરથોનો ભુક્કો કરી નાંખતો, કુમાર શિવાદેવીને વહાલો લાગતો હતો, અને સાથે જ એમના મનમાં વેદના પણ જગાવી જતો હતો. એને ભેટી પડવું કે ભેટવા આવે તોપણ દૂર કરવો એ નક્કી કરવાનું કામ એમના માટે વિકટ બની ગયું.
"હું જઉં... હજી મારે ઘણું કામ બાકી છે."
નેમકુમારે માતાપિતાની ચરણરજ લેતાં કહ્યું તો માતા બોલી,
"અરે હા... એ તો અમે ભૂલી જ ગયા... પ્રેમ ગાંડો જ છે... તારી વાત સાચી છે, દીકરા... એક બાજુ વાત્સલ્યઘેલાં મા બાપ અને સામે છે સૌને રાગી મનોદશાને કરુણતા દર્શાવતો પુત્ર..."
કુમારને જતો બંને જોઈ રહ્યા. અંતરમાં આપોઆપ વિચાર આવ્યો કે,
"આપણે સદભાગી કે દુર્ભાગી...."
જયારે રહનેમિ નેમકુમાર પાછા આવ્યા ત્યારથી જ વ્યાકુળ હતા. એટલા માટે કે કુમાર મથુરાથી આવે તે પહેલાં કહેલું કે,
"કદાચ રાજુલને પરણાવવા માટે એના માતાપિતા અધીરા પણ થઈ જાય અને એ જવાબદારી આપણા માથા પર ઢોળાય તો આપણે પણ વિચાર તો કરવો જ પડે.".
આનો અર્થ શો?... રહનેમિ વધારેને વધારે અકળાઈ જતો હતો. મોટાભાઈએ માતા પિતાને નિરાશ કર્યા, ભાઈભાભીઓ ના અથાગ પ્રયત્નોને ધૂળમાં રગદોળ્યા, તો પછી મારું પણ કર્તવ્ય તો ખરું જ ને કે એ બધાંની સાફસૂફી કરવા કમર કસવી.
રહનેમિથી વિચારને વિચારમાં હાથની મૂઠીઓ વળાઈ ગઈ.
"ભાભી પણ કેવા... અરે, ભાભી કોના? ભાઈની પત્ની તો એ હવે થવાના નથી... છતાં પણ યાદવકુળની વધૂ તરીકે એમનું સ્થાન હજી અલોપ થઈ ગયું છે એમ પણ કેમ કહેવાય? અને સૌની વાત પરથી તો લાગે છે કે એ છે તો ભારે બુધ્ધિમતી. માતાપિતાનો વિલાપ નથી સહેવાતો. પુત્રવધૂનું મોં જોવા ઝંખતા માતાપિતાને આત્માને કચડીને સાધુજીવન સ્વીકારવાની તૈયારી બતાવતા ભાઈ સાચેસાચ કર્તવ્યભ્રષ્ટ થયા ન ગણાય? કાલે જ માતાજી મારી પાસે રડતાં રડતાં બોલી ગયેલા,
"દીકરા, હવે અમારી આશા તારા પર છે. રાજુલ જેવી ગૃહલક્ષ્મી પામવાનું સદભાગ્ય નહીં હોય."
"શા માટે નહીં હોય?"
મેં એમને જવાબ આપેલો, પણ વેદનાના માર્યા એ એની પાછળનો અર્થ સમજી ના શકયા.
ભાઈ પણ કેવા... તે તો ચાલી નીકળ્યા, પણ કુળની પ્રતિષ્ઠા, એની મહત્તા અને તેજસ્વીતાની એમને કિંમત જ ના કરી. પણ મારે એ મૂલ્યાંકન કર્યા વગર ઓછું જ ચાલવાનું છે?
અને આ બાબતમાં સત્યભામાની સલાહ લેવા જેવી ખરી. જઈ આવું તો ખરા એમની પાસે...
રહનેમિના ડગલામાં ભાવિ રાજવીનો રણકાર હતો. તેમના મુખ પર પોતાની જવાબદારીઓ નું ભાન કરાવતી હતી. તેમના કપાળ પર જામેલા પરસેવાના બિંદુ લૂછયાં.
રહનેમિ સત્યભામાના નિવાસે પહોંચ્યા ત્યારે શતાયુ દરવાજામાંથી બહાર નીકળતો હતો. રહનેમિએ એને ઊભો રાખીને પૂછ્યું.
"કયાં જઈ આવ્યો?"
"રાણીજી પાસે... એમને રાજુલકુમારીના સમાચાર આપવાના હતા."
"શા સમાચાર હતા?"
રહનેમિએ ગંભીરતાથી પૂછ્યું.
"રડવાના જ ને?"
પણ એ અવાજમાં કટાક્ષ હતો કે કરુણતા એ શતાયુ સમજી ના શકયો, એટલે તે જવાબ આપ્યા વગર ઊભો રહ્યો.
"ભાઈની સાથે હમણાં ગયેલો ત્યારનો સંદેશો ને?"
"હા કુમાર..."
શતાયુ હાથ જોડીને પણ ગભરાઈ ગયો હતો. રહનેમિના મુખ પર રોષની રેખાઓ છવાઈ ગઈ હતી.
"કેમ જવાબ નથી આપતો? કંઈ ગુપ્ત સંદેશો તો નથી ને?"
શતાયુ પહેલાં છળી ઉઠ્યો... પછી ગભરાઈ ગયો કેમ કે નેમકુમાર પછી તો રહનેમિ જ સ્વામી હતો અને એ વિચારે જવાબ આપ્યો,
"ગુપ્ત તો શું હોય? રાણીબા એ કુમારીને સંદેશો કહેલો કે બધું ભૂલી જઈને પાછી સ્વસ્થ થઈ જજે. અને તારા માટે આમના કરતાં પણ વધારે સારો ભરથાર શોધી કાઢીશું."
"અને કુમારીએ શો જવાબ આપ્યો?..."
રહનેમિએ ઉત્સુકતાથી પૂછ્યું.