(૨૯)
(રાજુલ નેમકુમારને તેના આત્માની સિદ્ધિની જવાબદારી સોંપે છે. હવે આગળ...)
આખું વાતાવરણ અને મહેલ નેમકુમારના મુખ પર છવાયેલા આત્મસંતોષથી અને રાજુલના આત્મત્યાગથી ઝળહળી ઊઠયું.
રાજુલને મળીને નેમકુમાર ઉગ્રસેન રાજા અને ધારિણીરાણીની વિદાય લેવા ગયા. ધારિણીનાં સૂઝેલી આંખો જોઈ કુમાર પાછા દ્રિધામાં પડયા. સમસ્ત માનવજાતિના પોતે અપરાધી બની બેઠા હોય એવો ભાવ તેમના ચહેરા પર ઊગ્યો.
"માતાજી, આપને પ્રણામ કરવા આવ્યો છું."
કુમારે ધારિણીને પ્રણામ કરતાં કહ્યું.
"બેસો, કુમાર."
કહીને તે ઊભા થવા ગયા, તેમનામાં પલંગમાં થી નીચે ઉતરવાનું બળ નહોતું છતાં ઊભા થાય તે પહેલા જ રાજુલે તેમને પકડીને પાછા બેસાડી દીધા.
"મા, તમે બધા હવે મારા માટે જીવ ન બાળશો."
ધારિણીરાણીના આંખોના આસું જવાબ દઈ રહ્યા હતા. ઉગ્રસેન રાજા બોલ્યા,
"રાણીજી, હવે સ્વસ્થ થાવ. આપણી વિનંતી સ્વીકારી કુમાર આપણે ત્યાં આવ્યા. એમનો સત્કાર કરવાને બદલે આમ હતાશા બતાવો એ કેમ ચાલે?"
"એને મેળે જ આવી જશે."
રાજુલ બોલી અને સૌના અંતરનો ભાર જાણે હળવો થઈ ગયો
"રાજુલ કેટલી સંતોષથી વિદાય આપે છે."
ઉગ્રસેન રાજા બોલ્યા અને રાજુલ શરમાઈ ગઈ.
"તમારા સૌની પાસેથી ક્ષમા માગીને હું કૃતાર્થ બન્યો."
નેમકુમારે છેલ્લે કહ્યું.
ભારે હૈયે ધારિણીદેવીએ એમને આશિષ આપી.
દ્રારકાનગરી તો આખી જાણે એની રાહ જોતી જ બેઠી હોય એમ રથનો અવાજ સાંભળતાં જ એને જોવા ઊમટી પડી. પણ કુમારના મુખ પર કોઈ પરિવર્તન ન જણાયું.
નેમકુમાર જયારે પોતાના આવાસે પહોંચ્યા ત્યાં વળી કૃષ્ણ મહારાજ અને રહનેમિ તેમની રાહ જોઈને બેઠા હતા.
"આવી ગયા ભાઈ?"
રહનેમિએ પૂછ્યું.
"હા, જીવનની એક ફરજ પૂરી કરીને આવ્યો."
નેમકુમારે તેમનું ઉપવસ્ત્ર સરખું કરતાં કહ્યું.
હવે તું કાકાને અને કાકીને થોડો સંતોષ આપે તો સારું. એ ફરજ હજી બાકી છે." કૃષ્ણ મહારાજે કહ્યું.
"હા, મોટાભાઈ...." નેમે જરા કરુણ સ્વરે કીધું.
"ત્યારે એ દિવ્ય મંડપ, રતનવેદિકા... વગેરે નકામું જ ગયું ને?"
રહનેમી બોલ્યો અને કૃષ્ણ મહારાજ, નેમકુમાર બંને એ પ્રશ્નથી વિસ્મિત બની ગયા
"રહનેમિ, હવે તું બીજી વાત કરે તો તારો ઉપકાર."
કૃષ્ણ મહારાજે જરાક કડક અવાજે કહ્યું.
"વાહ, આ પણ ખરું... વાસ્તવિકતાને યાદ કરવાની પણ મના છે."
"મના નથી, પણ એ હવે અનુચિત છે."
નેમકુમારે જવાબ આપ્યો.
કૃષ્ણ મહારાજનું મન થોડું નારાજ બની ગયું. નેમકુમાર અને રહનેમિ બંને એ સમજી ગયા, છતાં કોઈ એની સ્પષ્ટતા ન માગી શકયું.
"રાજુલકુમારીને સમજાવી આવ્યા?"
રહનેમિ પાછો પ્રશ્ન કર્યો.
"હા..."
નેમકુમારનો એક શબ્દમાં જવાબ આપ્યો અને તે સાંભળીને રહનેમિ થોડો શરમાઈ ગયો.
"હવે તું બધાને મળી આવ. પછી આપણે થોડી વાત બાકી છે તે પતાવીએ."
કૃષ્ણ મહારાજે કહ્યું અને નેમકુમારને એ આજ્ઞાનો અમલ કરવો પડયો. તે જયારે સમુદ્રવિજય પાસે ગયા ત્યારે એ અને શિવાદેવી પણ કોઈ ઊંડા વિચારમાં બેઠા હોય એમ લાગ્યું.
"પિતાજી..."
નેમકુમાર પિતાને પગે લાગતાં બોલ્યા,
"તમારા સૌના દુઃખનું કારણ બન્યો છું, એટલે મારું દુઃખ પણ અનેકગણું વધી જાય છે."
"તારે આ બધી ચિંતા કરવાની હોય જ નહીં."
શિવાદેવીએ તેને માથે હાથ ફેરવતા બોલ્યા,
"તને સુખ સગવડો ન રુચે અને તું તારા આત્માના કલ્યાણ માટે પ્રયત્ન કરે એમાં તારો દોષ પણ કેમ કઢાય?"
નેમ જવાબ આપ્યા વિના જ બેસી રહ્યા. છેવટે સમુદ્રવિજય રાજા બોલ્યા,
"નેમ.. મારે પણ હવે નિવૃત્તિ લેવી છે. રાજકાર્યમાં એકદા તું મારી જવાબદારી ઉપાડી લઈશ, એ વિચારે હું આજ સુધી ડૂબેલો રહ્યો. હવે મારે પણ એ ભારથી છૂટવું છે."
"અને નેમ, સાચું પૂછો તો નિવૃત્તિ લેવાનો તથા સંસાર છોડવાનો વખત અમારે માટે આવ્યો ગણાય. તું આમ તપસ્વી જીવન ગાળે તો પછી અમારાથી રાજનો ઉપભોગ ન જ થાય."
શિવાદેવી બોલ્યા.
"એમ તો ન જ કહેવાય, પિતાજી અને માતાજી. તમે આમ બોલો છો, એનું કારણ મારા પ્રત્યે તમારી લાગણી છે. બાકી આત્મા તો સૌના યુવાન જ રહે છે. મારે ત્યાગ કરવો છે, માટે તમારે પણ ત્યાગ કરવો એ વિચાર બરાબર નથી."
નેમકુમારે જવાબ આપતાં કહ્યું.
"વાહ, દીકરા... વાહ, મા બાપને આટલા ઓછા ચક્રાવે ચડાવ્યા છે. તે હજી વધારે ચડાવવાની વાત કરે છે."
શિવાદેવીએ હસતા હસતા કહ્યું.
"એટલા માટે તો તમારી માફી માંગવા આવ્યો છું."
"એ તો આપવી જ પડશે ને..."
સમુદ્રવિજયે કહ્યું.
"પણ તારી માની એક વાત તો સાચી જ છે કે તું આ સ્થિતિમાં રહે તો અમારું મન પણ આ બધા ભોગ વિલાસમાંથી ઊઠી જ જાય."
"આપોઆપ મન ઊઠે તો એના જેવું એકે નહીં, પણ મારે ખાતર ઊઠે એ મને ન રુચે."
નેમકુમારે આસ્તે રહીને માતાપિતાને જીવનનો માર્ગ ચીંધતા હોય એવા અવાજે કહ્યું.
"પુત્ર પણ ગુરૂ બની શકે છે ખરો."
સમુદ્રવિજય રાજાએ આવું કહ્યું તો નેમે જાણે અવિવેક આદર્યો હોય એમ પોતાને લાગવું માંડયું. પરંતુ જયાં જીવનના સિધ્ધાંત ની વાત આવતી હોય ત્યાં એવા વિવેક અવિવેકનો લફરામાં કયાં પડવું એમ માની એમને હોઠ પર હાસ્ય આવી ગયું.
"કુમાર, હવે આ ભાર હું રહનેમિને સોંપવા માંગું છું."
સમુદ્રવિજયે જણાવ્યું.
"ખુશીથી સોંપો, પિતાજી. એ જરૂર તમારું નામ દીપાવશે."
"અને તું..."
શિવાદેવીએ વચ્ચે જ પૂછી નાંખ્યું.
"એ તો તમારે નક્કી કરવાનું. બાકી મને પોતાને લાગે છે ત્યાં સુધી અપરિણીત પુત્ર કુટુંબને લાછંન લગાડે છે, એમ તો ન જ કહેવાય."
"પણ ઉજ્જવળ કરે છે એમ તો ન જ કહેવાય."
"એ તો જેવી જેની જીવનદ્રષ્ટિ."
"આવી ચર્ચા હવે તમે બંને છોડો તો સારું."
સમુદ્રવિજયે કંટાળો બતાવતા કહ્યું.
"અરે, પણ તું ઉગ્રસેન રાજાને ત્યાં શું કહી આવ્યો, એ તો બોલ."
શિવાદેવીએ પૂછ્યું.
"આનું આ જ વળી..."
નેમકુમારે હસતાં હસતાં જણાવ્યું.
"અને રાજુલ..."
"એ મને ન પૂછો... પણ એટલું જ કહીશ કે એ મારી પાછળ જ છે."
"એટલે.."
સમુદ્રવિજયે ચમકીને પૂછ્યું.
"એટલે એ જ કે બનતા સુધી તે પણ લગ્ન નહીં કરે."
"એટલે એ પણ સાધ્વી બનવાની છે?"
શિવાદેવીએ પૂછ્યું.
"એમ તો કેમ કહેવાય, પણ તેને મારી વાત તેના ગળે ઊતરી છે."
"ગળે ઊતરી છે એમ નહીં, પણ એક આર્યકન્યા મનથી એકવાર માની લીધેલા પતિ પાછળ ભેખ લેવા નીકળી છે એમ કહે."