(૨૭)
(રાજુલ નેમકુમારને મળવા માટે ઉતાવળી થાય છે, જયારે નેમકુમાર રાજુલની માફી માંગવા માટે. હવે આગળ...)
બધા જ દાનમાં ક્ષમાદાન સૌથી વધારે ઊંચું ગણાય છે કારણ કે બધા જ દાનમાં લેનારનો હાથ નીચે જયારે આપનારનો હાથ ઉપર. પણ ક્ષમાદાન માં આવું કંઈ નથી. એટલે જ ક્ષમા માંગનાર કરતાં પણ અધિક મહાન તો ક્ષમા આપનાર છે, એક તો બધું જ ભૂલીને માફ કરવાનો, મન ચોખ્ખું કરી દેવાનું. સાથે સાથે બીજું તેને બરાબર દર્જો પણ આપવાનો.
પોતાના આવેશને રાજુલે સાવ શાંત કરી દીધી. એ વિચાર આથમે ના આથમ્યો, ત્યાં તો સુભટ આવ્યો.
"ચાલો... ચાલો, મહારાજ આવી ગયા છે."
રાજુલ અને માધવી અંદર ગયાં.
ઉગ્રસેને કુમારનો હાથ પકડી એમને એક મોટા તકિયા પાસે ગાદી પર બેસાડયો, અને બાજુમાં પોતે બેઠા. રાજુલ બારણાં આગળ જ ઊભી રહી. માધવી તો આંખના પલકારામાં પવનવેગે અદશ્ય થઈ ગઈ હતી. રાજુલને એકલતા લાગવા માંડી.
તદ્દન સાદાં સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલા કુમારને રાજુલ ક્ષણભર તો એકીટશે જોઈ રહી. કુમારની દ્રષ્ટિ એના પર પડી અને આપોઆપ પાછી યથાસ્થાને ગાદીની ધાર પર ગોઠવાઈ ગઈ.
"નેમકુમાર..."
ઉગ્રસેન રાજાએ વાતનો આરંભ કર્યો, ત્યાં તો માધવી સુવર્ણથાળમાં બે મોટા દૂધ ભરેલા પ્યાલા લઈને આવી પહોંચી. રાજુલના હૈયે ટાઢક વળી. પણ એ તો આવી એવી જ રાજુલને કંઈક સંકેત કરીને ચાલી ગઈ.
"રાજુલ... દિકરી... "
ઉગ્રસેન રાજાએ તેને બોલાવી,
"આમ આવ.. અહીં બેસ.."
રાજુલ શરમાતી શરમાતી ગાદીની કોર પર જ બેસી ગઈ.
"નેમકુમાર... "
રાજા પાછા બોલ્યા,
"રાજુલને તમારે સમજાવવાની છે. એના રડતા દિલને જરા શાતા વળે એ પ્રમાણે કરો તો તમારો મોટો ઉપકાર."
ઉગ્રસેન રાજાની આંખોમાં છૂપાયેલા અદ્રશ્ય આસું નેમકુમારે તેમના અવાજ પરથી પારખ્યા. તે થોડા અસ્વસ્થ બન્યા. ઉપવસ્ત્રથી તેમણે શરીરને પવન નાખવા માંડયો.
"અરે, માધવી... વીંઝણો તો લાવ.".બોલતા બોલતા રાજા ઊભા થયા.
"અરે, કંઈ જ જરૂરી નથી."
નેમકુમારે કહ્યું.
"હું થોડી વારમાં આવું છું."
અને નેમકુમાર કંઈ બોલે તે પહેલાં જ એ ઝડપથી પગલાં ભરતા ત્યાંથી જતા રહ્યા.
"રાજુલકુમારી.."
નેમકુમારે પ્રથમ વાર રાજુલને ઉદ્દેશીને નિઃશબ્દ વાતાવરણ ભેદી નાંખ્યું.
"હું આપની ક્ષમા માગવા આવ્યો છું."
અને સાચોસાચ એમણે બે હાથ રાજુલને નમવા માટે ભેગા કર્યા.
"મને શરમીંદી ન બનાવો, દેવ."
રાજુલથી બોલાઈ ગયું.
"દેવ કહીને મને તમે વધારે શરમાવ્યો. આમ કરીને તમે મારા પર ઉપકાર પર ઉપકાર ચડાવશો અને મને સદા ક્ષમા માગતો જ રાખશો કે?"
રાજુલે નેમકુમારના મોં તરફ જોયું.
ક્ષણભર તેની આંખે અંધારા આવી ગયાં. એ દેદીપ્યમાન અને પ્રતિભાવંતુ મુખ જાણે એને ડરાવી રહ્યું અને એમાંથી નીકળતાં સૌમ્ય તેજકિરણો પણ એના દેહને હસવા લાગ્યાં. એમના હોઠ પરનું હાસ્ય એને ડામી રહ્યું. એના નયનોમાં થી ફૂટતી અમીરેખાઓ એના અણુએ અણુમાં પથરાઈ ગઈ.
"કુમાર..."
રાજુલ આટલું બોલતાં બોલતાં નેમકુમારના ચરણો આગળ ઢળી પડી.
"મને તમે માફ કરો. આજ સુધી હું તમને ઓળખી શકી નથી."
નેમકુમારે રાજુલને બે હાથે પકડીને બેઠી કરી.
એ સ્પર્શથી રાજુલના અંગેઅંગ પુલકિત થઈ ગયા. જીવનની એ ધન્ય ક્ષણે એને અર્ધી ઘેલી બનાવી દીધી. એના વદન પર હાસ્યનાં તેજ રેલાયાં. કિન્તુ એની દ્રષ્ટિ જયાં કુમારના તરફ વળી ત્યાં જ એ માદકતાનાં ઘેન ઊતરી ગયાં. પોતે કોઈ ઊંડી ગર્તામાં પડી ગઈ હોય અને દયાભાવે કુમારે એને બહાર કાઢી હોય એવો જ ભાવ એ નયનોમાં તરવરતો હતો.
"હું તો તમને એક પ્રાર્થના કરવા આવ્યો છું."
નેમકુમારે શબ્દો પર પૂરેપૂરો ભાર મૂકીને કહ્યું.
"બોલો..."
રાજુલ પણ થોડી શાંતિ ધારણ કરી શકી.
"એ જ કે તમે મારી પાછળ વ્યથિત ન બનો. અને મારા જેવો એક પામર આત્મા પાછળ તમારું આખું જીવન ન વેડફી નાખો."
"પણ કોણ કહે છે કે મારું જીવન વેડફાય છે?"
રાજુલે જરા ઉગ્રતાથી પૂછ્યું.
"સારોયે સમાજ..."
"તમે પણ એમ માનો છો?"
"મારે માનવું પડે છે."
"દેવ, તો મારી વાત પણ સાંભળો. તમે ભલે મને ગમે તે માનો, પણ હું તો તમને દેવ જ કહીશ. તમને જોયા ત્યારથી મને તમે જન્મોજન્મના પરિચિત હો એવું લાગે છે. કદાચ આત્મીય કહું તો પણ ચાલે."
"તો પછી આ આત્મીય જનનું કહ્યું પણ માનો, અને સુખેથી જીવન જીવી જાવ."
"જે જીવન જીવવાની તમે મને સલાહ આપો છો એ તમે શા માટે નથી જીવતા?"
રાજુલે નેમકુમારની દ્રષ્ટિ સામે દ્રષ્ટિ કરતાં પ્રશ્ન કર્યો.
"મને એમાં રસ નથી."
"કારણ?"
"એમાં સાર નથી. એમાંથી તો અંતે દુઃખ જ પ્રગટવાનું છે."
"તો પછી આત્મીય મનુષ્યને એવા દુઃખમાર્ગે જવાની સલાહ આપવામાં તમારી સજ્જનતા છે?"
રાજુલના સચોટ પ્રહાર પાસે નેમ હારી ગયા.
"સજ્જનતા નથી, પણ વ્યવહારિકતા છે એમ માનો." નેમકુમારે જરા અનાસક્તિ દેખાડતા કહ્યું.
"તમારા પાસેથી હું સદા સાચા માર્ગદર્શનની આશા રાખું છું."
"જુઓ, પહેલાં મારી વાત સાંભળી લો."
નેમકુમારે વાતનો આરંભ કરતા હોય એ જ રીતે બોલવા માંડયું.
"મને સંસારમાં જરા પણ મોહ નથી, મનુષ્યનો આત્મા ઊંચે ને ઊંચે જાય અને કષાયના કીચડ ઓળંગી, રાગ દ્રેષના ધોરી રાહ પૂરા કરી, અંતે મોક્ષગામી બને એ માટે મારી આ સાધના છે. અને એ સાધ્યના પંથે જવા માટે મેં તમારા આત્માને દુઃખી કર્યો છે. હવે તમે જ વિચારો કે આમાં મારો દોષ હોવા છતાં પણ મારો દોષ નથી એમ જ લાગશે. હું જાણું છું કે તમને લાગે છે કારણ કે તમારા અંતરમાં મારા માટે મોહ છે."
"મોહ....?"
રાજુલથી બોલાઈ ગયું.
"હા, મોહ. સાચી પ્રીતિ તો નિષ્કામ હોય. મારી પ્રત્યક્ષતા તમે માગો છો એનો અર્થ જ એ કે એમાં મોહ તત્વ છે. અને જયાં મોહ હોય ત્યાં તો વાસનાઓનાં વર્તુળો રચાવાનાં. એ વર્તુળોમાં અટવાવા માટે આપણે જોડાઈએ એમ તમે ઈચ્છો છો?"
"એવું મારાથી કેમ ઈચ્છાય, પ્રભુ!"
રાજુલે બે હાથ જોડીને કહ્યું.
"પ્રભુત્વનું આરોપણ કરી પાછો મને પાપમાં પાડો છો? આ બધી સગાઈ, સંબંધો, પ્રેમ કેટલા દિવસ... બે ચાર દિવસ, પછી તેમાં શુષ્કતા. બે ચાર દિવસ આનંદપ્રમોદ પછી અરુચિનો ઓડકાર. એમાં મીઠાશ નહીં પણ ઊલટી કડવાશ હોય."
"તમે જ મને માર્ગ બતાવો, કુમાર. તમે જ મારે મન મારા સ્વામી અને મારા તારણહાર છો."