(૨૬)
(નેમકુમારને સત્યભામા અને કૃષ્ણ મહારાજ ના કહેવા પ્રમાણે રાજુલને પોતાનો માર્ગ સમજાવી અને ક્ષમા માંગવા કહ્યું. હવે આગળ...)
"તમને ક્ષમા ત્યારે મળશે જયારે રાજુલ તમને ક્ષમા આપશે."
બસ... ભાભીનું એ છેલ્લું વાક્ય મારા માટે સાચું માર્ગદર્શક બની ગયું.
"રાજુલ... રાજુલ... ક્ષમા કર, દેવી." નેમે આંખો મીંચી સ્વગત બોલી પડયા.
થોડા દિવસ પછી એ જ માર્ગે રથ આગળ વધી રહ્યો હતો. પણ એની પાછળ સાજન નહોતું, વરઘોડો નહોતો. ના તો નેમકુમારે રાજસી કપડાં પહેર્યા, પણ સાદાં વસ્ત્રોમાં નેમકુમાર રાજુલને મળવા જઈ રહ્યા હતા.
ઉગ્રસેન રાજાના મહેલમાં ના તો કોઈ સ્વાગતના ચિહ્નો હતા કે ના તો કોઈને ઉત્સાહ હતો. વાજિંત્રો જાણે મૂક બનીને પાતાળમાં પેસી ગયા હતા. નગરજનો પણ ઊંડા વિચારમાં પડી ગયા હતા કે આ ઊડતી રજ કેમ દેખાઈ છે. ખબર નહીં પણ કેવી રીતે પણ વાત ફેલાઈ ગઈ હતી કે નેમકુમાર આવે છે.
બસ, આ જ વાત તેમને આશ્વાસન આપવા માટે પૂરતી હતી. દરેકના મુખ પર સ્મિત રેલાઈ ગયું હતું. જાણે રથની હાજરી પણ ઘા પર દવાનું કામ કરી રહી હતી. વૃદાં, શશિલેખા ના પગમાં પણ અચેતનવસ્થામાં થી ચેતનવસ્થામાં આવી ગયા હતા. તેઓ પણ થોડી થોડી વારે એક ઓરડે થી બીજા ઓરડે જવા લાગ્યા હતા.
શશિલેખા અને વૃદાંના ખભાનો આશ્રય લઈને રાજુલ ઘણા દિવસો બાદ મોટી માંદગીમાંથી ઊઠી હોય એમ માંડ માંડ ડગ ભરતી અટારીમાં આવી.
દૂરથી અશ્વો દેખાયા. રાજુલ એ જોઈ ના શકી એટલે એ ફસડાઈ પડી. જમીન પર બીછાવેલા ગાલીચા પર બે નેત્રો બંધ કરી તે બેસી જ રહી.
"રાજુલ...."
વૃદાંએ એને જગાડતા કહ્યું.
"વૃદાં, મારાથી તો એમની સાથે વાત નહીં થાય. તમે બે જ વાત કરી લેજો."
"આજે હિંમત હારીશ તો જીવનભર એનો ડંખ નહીં જાય."
શશિલેખાએ કહ્યું તો રાજુલે માથું હલાવીને હિંમત જોડી. અચાનક જ એનો હાથ કંઠ પર ઝૂલતા હાર પર પડી. તેને હાર ઉતાર્યો.
"આ શું કરે છે?"
વૃદાં બોલી તો સામે રાજુલે પ્રશ્ન કરતાં કહ્યું,
"શા માટે આ બધાં આભૂષણો?"
"એ તો તારા જીવનનો શણગાર છે."
શશિલેખાએ જવાબ આપ્યો તો વૃદાંએ સમજાવતાં કહ્યું તો,
"જો તું આવું ગાંડપણ ન કર."
"તમને બંનેને મારા મનની બળતરાનો ખ્યાલ નથી. બાકી જે સંસાર છોડવા માંગતા હોય તેની આગળ આમ ઘરેણાં પહેરીને જવું એ યોગ્ય નથી."
"અને એ જ કદાચ એને સંસાર તરફ પાછા વળે તો..."
શશિલેખાએ કહ્યું અને રાજુલની આંખમાં રોષ આવ્યો.
"એ પાછા વળે તો એ સાચા નેમકુમાર નહીં.
"તો એમને મળવાની જરૂર શી?"
વૃદાં વધારે અકળાઈને બોલી.
"તો તમે એમ માનો છો કે હું એમની મારી તરફ વાળવા માટે મળવા માગું છું? બંનેની ભૂલ થાય છે."
રાજુલ તો આટલું બોલતાં બોલતાં જ રડી પડી. છતાં એ અશ્રુઓ એ તેનો અવાજ રૂંધવાની બદલે એના મનને વધારે વાચા આપી. અને તે સ્વસ્થતાથી બંનેને ભાષણ આપતી હોય એવી અદાથી કહ્યું,
"વૃદાં... લેખા... હું સમજું છું કે એમના મનમાં મોહ નામનો શબ્દ જ નથી રહ્યો. એમને મારા માટે હવે કોઈ મમતા કે સ્નેહ જાગે એવું શક્ય નથી."
"આ તો તારો નિરાશાવાદ બોલે છે."
શશિલેખાએ તેની વાત કાપતાં કહ્યું.
"પણ એ હવે સત્ય વાત છે અને નક્કર હકીકતને સ્વીકારીને ચાલીએ તો જ જીવન સત્ય બને."
"જો તું આટલું બધું ડહાપણ ધરાવે છે તો પછી આટલા દિવસ આટલો વલોપાત શા માટે કર્યો?"
વૃદાંએ એને નવો જ પ્રશ્ન કર્યો.
"એ વલોપાતમાં થી જ આટલું માખણ નીકળ્યું લાગે છે."
શશિલેખાએ જરા હસતા હસતા કહ્યું. એટલામાં તો નીચે થોડો કોલાહલ સંભળાયો.
"કુમાર આવી ગયા લાગે છે."
વૃદાંએ જરા હાંફળી હાંફળી થતાં બોલી. એટલામાં તો વળી માધવી દોડતી દોડતી આવી.
"મહારાજ કુમાર સાથે આવે છે."
વૃદાં અને શશિલેખાએ ત્યાંથી આઘાપાછા થવા પ્રયાસ કર્યો.
"તમે બંને આમ છટકબારી શોધો છો, પણ છટકી શકવાનાં નથી."
રાજુલે. બંનેની સામે જરા ત્રાંસી નજરે જોતાં કહ્યું તો,
"અરે, હમણાં પાછા આવીએ છીએ."
અને એમ બોલતા જ બંને દોડી ગયા.
સુભટે આવી રાજુલને નમન કરી અને કહ્યું,
"કુંવરી બા, મહારાજ પધારે છે."
"આવવા દો..."
રાજુલે બરાબર ગાલીચા પર ગોઠવતા કહ્યું.
"રાજુલકુમારી... અંદર પધારો. આમ અટારીમાં સ્વાગત ન થાય."
માધવીએ કહ્યું.
"તું તૈયારી કર, હું આવું છું."
રાજુલે ઊભા થતા કહ્યું.
થોડી વાર તો રાજુલ એમને એમ જ ઊભી રહી. શા માટે આજે મેં એકાદ નાનકડો હાર પણ ન ગૂંથ્યો, તેને અચાનક વિચાર આવ્યો.
"મને પણ મારી લાગણીનું પ્રતીક દર્શાવવાનો વિચાર આ ક્ષણ સુધી કેમ ના આવ્યો? હવે શું થાય, વૃદાં અને લેખા પણ ગયાં. માધવીને કહું તો..."
માધવી એની સામે આવીને કેડે હાથ દઈને ઊભી રહી.
"હવે વાતો મનમાં પછી ગોઠવજો. પહેલાં બોલો તો ખરાં."
"માધવી..."
રાજુલે એનો હાથ પકડતા કહ્યું, એના અવાજમાં યાચનાનો રણકાર હતો. માધવીને નવાઈ લાગી.
"એક કામ કરને મારું, એક સુંદર, સુવાસિત ફૂલની માળા લઈ આવ. બને ત્યાં સુધી જુઈની જ લાવજે."
"જેવી આજ્ઞા..."
માધવીએ કહ્યું, પછી આંખો નચાવતી બોલી,
"પણ એ તો તૈયાર જ છે. થાળમાં મેં અંદર બાજઠ પર મૂકી છે."
"માધવી... માધવી... રાજુલે એના બે હાથ દબાવી દીધા અને એને આલિંગન આપવાની ઈચ્છા અંદર દબાવી દીધી.
"આટલા વર્ષો પાણીમાં નથી કાઢયાં, સમજયા?"
માધવી બોલી અને તે સાચે જ શરમાઈ ગઈ.
પોતાના મનની વાત વગર બોલે કોઈ સમજી જાય ત્યારે માનવીને સમજાતું નથી કે એને શું કહેવું કે કરવું. છતાં નારીસુલભ લજ્જા રાજુલના ચહેરા પર આવી ગઈ.
પણ એ જ લજ્જાએ એના અંતરને સાવધ કરી દીધું. એ લજ્જા કોડામણી કન્યાની હતી એમ એને લાગ્યું, પણ એ તો ત્યક્તા હતી. એ યાદ આવતાં જ એના અંતરમાં એક સજ્જડ ડંખ લાગ્યો. અલબત્ત, લગ્ન પહેલાં પણ તરછોડાયેલી સ્ત્રી તો ખરી જ ને.... તો પછી આ બધાં નખરાં શા કામ? એ જ વખતે એના મનમાં એ પુષ્પમાળા તોડવાની આવેશ જાગ્યો, પરંતુ આવેશ શમાવવાની સ્વભાવિક કળા એને વરી હતી. એટલે એ પાછી સાવ શાંત બની ગઈ."