Rajvi - 23 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 23

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 23

(૨૩)

(કૃષ્ણ મહારાજે નેમ અને સમુદ્રવિજય વતી રાજા ઉગ્રસેનની અને રાજુલની માફી માંગવા પત્ર મોકલ્યો છે. હવે આગળ...)

"મહારાજ..."

મંત્રીએ આંખો મીંચીને ઉંડા વિચારમાં પડેલા રાજાને જગાડતા હોય તેમ કહ્યું.

"બોલો..."

"આપ આમ આટલા બધા નિરાશ થશો તો કેમ ચાલશે?"

"હું સમજું છું, પણ મારાથી રાજુલનું.મોં નથી જોવાતું. એ રડી રડીને જીવન વીતાવે અને હું મેં મારું કામ પતાવ્યું એમ માની સંતોષ અનુભવું? ના.. ના, મારાથી આવું નહીં થઈ શકે."

"પણ આનો જવાબ તો લખાવો."

"હા જરૂર, જવાબ તો આપવો જ પડશે, આપી દેજો."

"પણ આપ સૂચવો ત્યારે ને."

"અરે, એ તો ભૂલી જ ગયો."

ઉગ્રસેન રાજાએ પોતાના બે હાથે કપાળ પકડતાં કહ્યું,

"મારું પણ ચિત્ત ભમી ગયું છે. જુઓ એમ લખી દેજો કે તમારો સંદેશો મળ્યો, અને તમારે એ બાબતે અમારી ક્ષમા માંગવાની હોય જ નહીં, તમે તમારું કર્તવ્ય બજાવ્યું. પણ મારી દિકરીનું ભાગ્ય એવું અને અમારે એનું દુઃખ જોવાનું લખ્યું હશે, એટલે એમાં તમે પણ શું કરી શકો? કેમ બરાબર છે ને મંત્રીજી?"

"જી, હા..."

"અને સાથે એ પણ જણાવજો કે યાદવકુળની લક્ષ્મી બનવાનું સદભાગ્ય એ નહીં લખાવી લાવી હોય, છતાં આપે એનો જે અધિકાર સ્થાપિત કર્યો છે એ જ ઘણું છે. એ માટે અમે તમારા ઋણી છીએ. અને નેમકુમારને અમારા આર્શીવાદ પાઠવજો."

"મહારાજ, એમના સંસારત્યાગ માટે કંઈ કહેવું નથી?"

"સંસારત્યાગ...' ઉગ્રસેન રાજા ઉશ્કેરાયા,

"આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. જેનામાં આટલો મોટો ત્યાગ કરવાની શક્તિ હોય એનામાં સામે આવવાની પણ હિંમત નહોતી. મારી પાસે આવ્યો હોત તો એને સમજાવત કે વત્સ, આમ સંસારમાંથી નાસભાગ કરવાનું કામ કાયરનું છે, ક્ષત્રિયના પુત્રનું નહિ."

મંત્રીજી મનમાં ને મનમાં હસી પડ્યા. ઉગ્રસેન નું વીરત્વ જાગ્યું હોય એમ એ પણ તકિયાનો ટેકો છોડી જરા ટટ્ટાર થઈને બેઠા. તેમણે મૂછ પર આમળીને મંત્રી સામે જોયું, પણ મંત્રી તરફથી જવાબ ના મળ્યો એટલે તેમને પૂછ્યું,

"સાંભળ્યું મંત્રીજી, ક્ષત્રિયનું નામ લજવ્યું. જે પ્રાણીઓ થી ગભરાયો એ માણસોને જોઈને તો શું કરે?"

મંત્રીજી એ પરાણે હાસ્ય અંદર સમાવ્યું. શોક અને રોષના કારણે મહારાજ આજે આટલા બધા હાસ્યાસ્પદ બની ગયા છે, એમ માની એ એકાએક ગંભીર બની ગયા.

"મારે આપને એક વસ્તુ ખાસ જણાવવાની છે. મહારાજ કે, રાજુલબાને ગમે તેમ મનાવી પરણવવાની તજવીજ કરો. આપણી કુળપ્રતિષ્ઠા પણ આપણે સાચવવાની છે."

"હા, પણ મને સમજાતું નથી કે એનો શોક કેમ ઓછો કરવો?"

"એ તો વૃદાં અને શશિલેખા સંભાળી લેશે."

મંત્રીજી એ યાદ અપાવ્યું.

"એ વાત સાચી છતાં..."

"છતાં શું?"

"મને એમ લાગ્યા કરે છે કે રાજુલના આત્માને હું કચડી નાંખીશ."

"રાજકાજમાં પડેલા માનવી એવો વિચાર કરવા બેસે તો પાર જ ન આવે. એ બધું સામાન્ય માણસને પાલવે."

"રાજા મનુષ્ય નથી...?"

ઉગ્રસેન રાજાએ આંખો પહોળી કરીને પૂછ્યું.

મંત્રીજીએ એનો જવાબ આપવાનું યોગ્ય ના લાગ્યું. થોડીવારે ઉગ્રસેન રાજા મનમાં બોલતા હોય તેમ જ બોલવા લાગ્યા.

"દીકરી... દીકરી... શા માટે તું મારા પનારે પડી? શા માટે આવા નિર્બળ પિતા તેં શોધ્યા? તને આ પ્રમાણે વેદનામાં જલતી રાખવાનો મને શો અધિકાર? તારા પિતામાં તને મનગમતો વર.લાવી આપવાનું બળ નથી, તો પછી એમની પ્રતિષ્ઠા સાચવવા તારી જાતને તેં શા માટે હોમી? હા, એક વાત છે... તારી ઈચ્છા હોય તો તારા લગ્ન માટે મારે તમામ વ્યવસ્થા કરવી જ પડે. પણ તને પરણવા માટે હું ફરજ તો ન જ પાડી શકું. એ મારા જેવાને ન શોભે."

પાછો એમનો સ્વર થોડો મોટો થયો,

"ના... ના... મંત્રીજી ... મને એવા પાપમાં ન પાડો. રાજુલ હા કહે, પૂરા મનથી હા કહે તો જ આપણે લગ્ન માટે તજવીજ કરી શકીએ."

"જેવી આપની ઈચ્છા, મહારાજ."

મંત્રીજી વાત ત્યાં જ અટકાવી.

���������������������������������������������

જયારે વિશાળ મહેલના છેક ઉપરના માળે એક નાનકડા ખંડમાં એક સાદી પાટ પર નેમકુમાર ઊંડા વિચારમાં બેસી રહ્યા હતા. એમના મનમાં ભયાનક મંથન ચાલી રહ્યું હતું. એક બાજુ યાદવકુળની પ્રતિષ્ઠા, બીજી બાજુ માતા પિતાની વ્યથા અને ત્રીજી બાજુ ભાઈ ભાભીઓની વેદના આ બધું જોઈ શકાતું નહોતું. સંસારની વૃત્તિઓનો ત્યાં નાટારંભ મંડાયો છે. મનને તો મારે મારી જ નાંખવું જ પડે...

નેમકુમારે ઊભા થઈ ખંડમાં આંટા મારવા માંડયા. આ ભોગવિલાસ, આમોદપ્રમોદ... મને કંઈ નથી ગમતું છતાં અંતરમાં સૌના તરફ એક પ્રકારની મમતા છે. માતા પિતાનું દુઃખ મારાથી જોયું જતું નથી, છતાં મારા અંતરમાં સંસાર તરફ જે વિરક્તિ જાગે છે, એને પણ દબાવી શકાય એમ નથી. ઓહ, એવો કોઈ માર્ગ સ્વીકારું કે જેથી સૌના અંતરમાં પણ મારા આ વિચારો તરફ સમભાવ જાગે, એમની સંમતિ સંપૂર્ણપણે ન મળે, તો પણ એમની વ્યથા તો ના જ થવી જોઈએ.

"શું કરવું... "

તેમને બે હાથ વચ્ચે માથું દબાવી દીધું અને તે પાછા પાટ પર બેસી ગયા.

ઓહ, એ પ્રાણીઓને કરુણ સ્વર. ના... ના...

મારે મન તો એ સારા સંસારનો કરુણ સ્વર હતો. આ વિશ્વમાં રહેલા અસંખ્ય જીવોનો એ આર્તનાદ હતો. અને સાચેસાચ દરેક પ્રકારની ઉપાધિથી ભરેલા આ જીવનમાં માનવીને એવો તો શો મોહ જાગતો હશે કે એ એને મરતાં મરતાં પણ છોડવાને બદલે વળગી રહેવા કોશિષ કરે છે? આટલું બધું ઘોર અજ્ઞાન... અને આટલી મોટી મૂર્ખતા...

અરે, પણ મારી જ ભૂલ થાય છે. કોણ કહે છે કે એ દર્શન નથી થયા... એનાં જીવનની ક્ષણે ક્ષણે એ નિષ્કામ અને નિઃસ્પૃહી બનવાનો ઉપદેશ આપે છે. મુનિઓનાં તપનો પણ એ જ સંદેશ છે કે સંસારપટે ફેલાયેલા અંધકારનો સાચી જ્ઞાનજ્યોતિથી નાશ કરો.

છતાં પણ મા કેમ આમ કહે છે? એને શા માટે પૂત્રવધૂને જોવાની ઝંખના જાગી છે? એ રોજ આવું બોલે છે કે,

"મારી એક નાની ઈચ્છા પણ નહીં પૂરી કરે, દીકરા. તું તો મારો મોટો પુત્ર, તારી મારી તરફ કોઈ ફરજ નથી?"

જયારે મેં કહ્યું,

"માતાજી, રહનેમિ તમારી ઈચ્છા પૂરી કરશે."

"રહનેમિ...."

એ તો ઉશ્કેરાઈ ગયાં.