શ્રી ગણેશાય નમ:
શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: |
ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસુંદરકાંડની સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. શ્રીસુંદરકાંડનો પ્રથમ શ્લોક કે જેમાં ભગવાન શ્રીરામ માટે વાપરવામાં આવેલા સુંદર-સુંદર વિશેષણોથી કરવામાં આવેલી વંદનાથી આપણે શરૂઆત કરી હતી અને આ પહેલા શ્લોકના પૂર્વાર્ધ સુધીની વંદના જોઈ હતી. આ લેખમાં શ્લોકના ઉતરાર્ધથી આગળ વધીએ –
રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્ ॥
રામાખ્યામ્ એટલે કે જેઓ રામ નામથી જાણીતા છે. આમ તો ભગવાન નિર્ગુણ, નિરંતર અને સર્વવ્યાપી છે, જેનો કોઈ આદિ કે અંત નથી, પરંતુ, ભક્તો સરળતાથી ભજી શકે એટલે તેઓ ‘રામ’ એવા એક નામથી ઓળખાય છે. આ રામનામનું મહત્વ રામરક્ષાસ્ત્રોતના છેલ્લા શ્લોક “રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”માં સહસ્ત્રનામ તત્તુલયં એટલે કે ભગવાનના અન્ય એક હજાર નામોના સ્મરણ સમાન વર્ણવેલું છે. ભગવાનના સહસ્ત્રનામોનો પાઠ કરવાથી જેટલું ફળ મળે છે, તેટલું ફળ ‘રામ’ નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી મળી જાય છે. એક તર્ક એવો પણ થઈ શકે કે તેઓ વેદાંતવેદ્યમ્ એટલે કે વેદાંતોથી જાણવા યોગ્ય છે તેવું આગળના લેખમાં જોયું હતુ, પરંતુ વિભુમ્ એટલે કે સર્વવ્યાપી અને સમર્થ હોઈ; આવા વાર્તાલાપો દ્વારા કંઇક સમજવાનો પ્રતત્ન થઈ શકે, બાકી પૂર્ણ રીતે ક્યારેય સમજી શકાય નહી. તેથી સરળ નામ ‘રામ’થી પ્રખ્યાત છે. આ જ કારણોસર તેઓ જગદીશ્વરમ્ એટલે કે સમગ્ર સંસારના તેઓ સ્વામી પણ છે અને સુરગુરુમ્ એટલે કે દેવતાઓના ગુરુ પણ છે. શ્રીતુલસીદાસજીએ એક સ્તુતિમાં લખ્યું છે, ‘જય જય સુરનાયક જનસુખદાયક પ્રનતપાલ ભગવંતા’. અહીંયા એક ભાવ ભગવાનની સર્વોપરિતા દર્શાવવાનો છે.
બાબાજી આગે લિખતે હૈ, માયામનુષ્યં હરિમ્ એટલે કે પોતાની ઇચ્છાથી મનુષ્યરૂપ ધારણ કરેલા શ્રીહરિ. અહીં માયામનુષ્યમ્ હરિમ્નો એક અર્થ એવો પણ કરી શકાય કે, તેઓ પોતાની માયાથી મનુષ્ય જેવા જણાય છે, બાકી તેઓ છે તો શ્રીહરિ જ. માયામનુષ્યમ્ કા એક ઔર પ્રમાણ ભી હૈ, ગીતાજીના ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે હું અજન્મા અને અવિનાશી હોવા છતાં પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું. હરિમ્ એટલે કે ભક્તોના દુ:ખ હરિ લે તે. ભગવાનનો જન્મ સામાન્ય પ્રાણી(ભગવાન વિવિધ રૂપે જેમ કે વરાહ, નરસિંહ, મત્સ્ય અવતરેલા હોય, પ્રાણી શબ્દ લખ્યો છે)ની જેમ થતો નથી. તેઓ પોતાની માયાથી પ્રગટ થાય છે, માનવદેહે લીલા કરે છે અને તેઓના ચરિત્રથી ભક્તોના દુ:ખ હરિ લે છે.
કરુણાકરમ્ એટલે કે કરુણાની ખાણ, કરુણાનો ભંડાર. ભગવાન બહુ જ કરુણામય છે, તે દર્શાવવા બહુ પ્રચલિત ગીત છે, હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી…. ભગવાન શ્રીરામ બહુ જ કૃપાળુ છે, કરુણાના સાગર છે, તે દર્શાવતો એક સુંદર પ્રસંગ જોઈએ. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ, માતા સીતાજી અને લક્ષ્મણ ભૈયા વનમાં ખૂલ્લા પગે ચાલીને જતા હતા. ભગવાન આગળ ચાલતા હતા, માતાજી વચ્ચે અને લક્ષ્મણજી પાછળ ચાલતા હતા, જાણે કે બ્રહ્મ અને જીવની વચ્ચે માયા. તેઓ બપોરે અને સાંજે યોગ્ય સ્થળ જોઈ વિરામ કરતા. વિરામના સ્થળે રોકાઈ લક્ષ્મણજી આજુ-બાજુ નજીકમાંથી ફળ-ફૂલ લઈ આવતા અને પછી બધા ફળાહાર કરતા. એક દિવસ બપોરનો સમય થવા આવ્યો હતો. ચાલતા-ચાલતા રસ્તાની બાજુમાં લક્ષ્મણજીએ ફળથી ભરપુર એક વૃક્ષ જોયું. મનમાં વિચાર્યું કે બપોરના સમયે ખાવા માટે થોડા ફળ લઈ લઉં. તેઓ ફળ લેવા રોકાયા. પગરવ બંધ થતાં માતાજીએ પાછળ જોયું, તો લક્ષ્મણજી ફળ લેવા રોકાઈ ગયા હતા. માતાજીએ ભગવાનને કહ્યું હે રઘુવીર ! રોકાઈ જાવ, લક્ષ્મણ ભૈયા ફળ લઈ રહ્યાં છે. આ સમયે ભગવાને ત્યાં બાજુમાં એક મોટી શિલા જોઈ અને તેઓ તેના ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેઓ પગના તળીયામાં ખૂંપી ગયેલા કાંટાને કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કાંટો નિકળતો ન હતો. આમ પણ આપણને ખબર જ છે કે જે કાંટા જેવા હોય એ જલ્દી નિકળે નહી, જલ્દી પીછો છોડે નહી અને ડંખ્યે જ રાખે. માતાજીએ જોયું કે પ્રભુ કંઈક પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ તેની પાસે ગયા અને પુછ્યું, હે નાથ! શું થયું? શું કરો છો? ભગવાને કહ્યું, આ કાંટો પગમાં ખૂંપી ગયો છે, તે કાઢવા પ્રયત્ન કરું છું, પરંતુ નિકળતો નથી. માતાજી એકદમ હસવા લાગ્યા અને કહ્યું, પ્રભુ! એ કાંટો તમારાથી નહી નિકળે. ભગવાને પુછ્યું, કેમ સીતે? માતાજીએ બહુ સુંદર જવાબ આપ્યો. “હે કરુણાનિધાન! આપ કરુણાના સાગર છો, આપ અત્યંત દયાળુ છો, આપના શરણોમાં આવેલા કાંટા(જેવા)ઓને પણ સ્થાન આપો છો. જે અધમાધમ અને પતિત હોય, તેવા જીવોને પણ આપ શરણાગત તરીકે સ્વીકારી તેનો ઉદ્ધાર કરો છો. માટે જે આપના શરણોમાં આવી ગયેલ છે, તેને આપ દૂર નહીં કરી શકો. લાવો હું કાઢી દઉં”, માયા જ તેને પ્રભુના શરણોથી દૂર કરી શકે. જ્યાં શુદ્ધ ભક્તિ નથી, સાત્વિકતા નથી એટલે કે જે કાંટા જેવા છે, તેઓ પ્રભુ શરણમાંથી માયા થકી જ ભટકી જાય છે.
ઉક્ત પ્રસંગ દર્શાવે છે કે, પ્રભુ કેટલા માયાળુ, કૃપાળુ, કરુણાયુક્ત અને ભક્તવત્સલ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે, માતા સીતાજી અંગત રીતે ભગવાનને “કરુણાનિધાન” કહીને બોલાવતા હતા. અંગત રીતે મતલબ પતિ-પત્નિ એકલા હોય ત્યારે એકબીજાને જે નામથી બોલાવતા હોય તે. You know… આ પ્રથા રામ ભગવાનના સમયમાં પણ હતી, તો આજકાલ કંઈ નવી નવાઈ નથી. બસ આજ-કાલ નામો કેવા-કેવા રાખવામાં આવે છે, તે રસપ્રદ અને રમુજી હોય છે. રામાયણના સમયમાં પણ આવી રીતે પ્રાઇવેટ નામે બોલાવાની પ્રથા હતી. તે સમયે પણ એવું કહેવાતું હતુ કે, “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.” અને તેનું અક્ષરસ: પાલન પણ થતું હતું, પરંતુ આપણને યાદ કયું રહે છે? एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता. ફિલ્મો જોવી કંઇ ખરાબ નથી. હું તેનો વિરોધ નથી કરતો, બસ રામાયણ અને તેના સમય સાથે વૈચારિક સંબંધ જોડવાનું કહુ છું; કારણ કે ત્યારે પણ આ બધુ હતું જ, બસ દેખને કા, સમજને કા નજરિયા ચાહિએ. “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.” એ પણ ભુલાવું ન જોઇએ. બરાબર ને!
ત્યારબાદ આવે છે, રઘુવરમ્ એટલે કે રઘુકુળમાં શ્રેષ્ઠ. આમ તો ચારેય ભાઈઓને રઘુવર તરીકે સંબોધી શકાય; પરંતુ, અગાઉ રામાખ્યામ્ સંબોધન પ્રયોજી શ્રીતુલસીદાસજીએ અહીં તેઓ શ્રીરામ વિશે વાત કરી રહ્યાં છે, તે સ્પષ્ટ કરી દીધું છે. વળી, શ્રીતુલસીદાસજીએ એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે, ‘જેઠ સ્વામિ સેવક લઘુ ભાઈ, યહ દિનકર કુલરીતિ સુહાઈ’, એટલે કે અહીં જ્યેષ્ઠ ભ્રાતા શ્રીરામની જ વાત થઈ રહી છે. ભૂપાલચૂડામણિમ્ એટલે કે રાજાઓમાં શિરોમણી. આખા ભારતવર્ષમાં રઘુકુળ શ્રેષ્ઠ હતું અને રઘુકુળમાં શ્રેષ્ઠ હોવાને નાતે તેઓ સર્વે રાજાઓમાં શિરોમણી છે. આવા વિવિધ સંબોધનો અને અંતરના ભાવ સાથે શ્રીતુલસીદાસજી કહે છે કે, વન્દે અહં અર્થાત ભગવાન શ્રીરામને હું વંદન કરું છું. શ્રીતુલસીદાસજીએ ખૂબ જ સુંદર ભાવો સાથે પ્રભુ શ્રીરામની વંદના કરી સુંદરકાંડનો શુભારંભ કર્યો છે.
આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતા લેખમાં શ્રીતુલસીદાસજી ભગવાન પાસે અમૂલ્ય ખજાનો માંગે છે, તેની વાત કરીશું.
સર્વે વાચકોને મારા જય સિયારામ…..
મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દસરથ અજિર બિહારી
|| શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ ||