Karmo no Hisaab - 1 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ (ભાગ ૧)

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

કર્મોનો હિસાબ (ભાગ ૧)

કર્મોનો હિસાબ (ભાગ :- ૧)


કહેવાયું છે કે કર્મ કયારેય કોઈને એકલા છોડતું નથી. ક્યારેક ને ક્યારેક તો એનો હિસાબ થાય જ છે. એ પણ આ જ ભવમાં.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હંમેશાની જેમ ઇમરજન્સી વોર્ડમાં દોડાદોડી ચાલી રહી હતી. બધાજ ડોક્ટર અને નર્સ પોતાના કામમાં વ્યસ્ત હતા.


મોટાભાગે અહીં એવાજ કેસ આવતા જે કેસમાં કંઈ બચ્યું ના હોય અથવા કોઈનું કોઈ હોય નહીં. છતાં કામ તો કામ જ છે. ડોક્ટરો પોતાનો પૂરો પ્રયત્ન કરતા, મૃતપાય વ્યક્તિને ફરી ધબકતો કરવા. બસ આ જ કામ અને સવારથી સાંજ સુધીનું આ જ રૂટિન.


ડો. આર્યન અને ડો. અંજલી આ બંનેએ લવ મેરેજ કર્યા હતા અને બંને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં હતા. કેસ કોઈપણ હોય, વ્યક્તિ કોઈપણ હોય હંમેશા એમનો પ્રયત્ન એ જ રહેતો કે એ વ્યક્તિ અને પરિવારને સાથ આપવો, સાંત્વના આપવી.


તેમના આ જ પ્રભાવશાળી સ્વભાવના લીધે આખા ઇમરજન્સી વોર્ડમાં માત્ર લવ બર્ડ નહીં પરંતુ ભગવાનના ફરિશ્તા તરીકે પણ ઓળખાતા હતાં.


આજે એમનો ખાસ દિવસ હતો. એમની મેરેજ અનીવર્સરી. એટલે વિચાર્યું હતું કે સાંજે સમયસર કામ પતાવીને નીકળી જઈશું અને પોતાના આ યાદગાર દિવસને એકબીજા સાથે માણી સ્પેશિયલ દિવસ બનાવીશું.


આમ તો પોતે જે પ્રોફેશનમાં હતા ત્યાં એકબીજા સાથે વિતાવવા સમય બહું ઓછો મળતો છતાં જે પણ સમય મળે એનો ભરપૂર ઉપયોગ કરી લેતા. આજેપણ એવુંજ વિચાર્યું હતું કે આ યાદગાર દિવસ અમદાવાદથી થોડા દૂર સાણંદ તરફ આવેલા પોતાના ફાર્મ હાઉસમાં મનાવિશું. આ બધાજ પ્લાનિંગ અને વિચારો વચ્ચે હોસ્પિટલમાં આર્યન અને અંજલિ પોતાના કામમાં વ્યસ્ત હતા.


એટલામાં આ બધી જ ચહલપહલ ચીરતો એમ્બ્યુલન્સ ના સાઈરનનો અવાજ ઇમરજન્સી વોર્ડને ઘેરી વળે છે. હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચર લઈને એમ્બ્યુલન્સ તરફ જાય છે અને એના પણ એક વ્યક્તિને સુવડાવી લાવવામાં આવે છે.


એકદમ મેલઘેલા કપડાં, શરીરમાંથી સતત આવતી દુર્ગંધ, વધી ગયેલા દાઢી-માથાના વાળ, ઠેર ઠેર શરીરપર પડેલા ચાંદા અને એમાં ખદબદતી જીવાત જાણે કોઈ ભિખારી કે એકાંકી જીવન જીવતો વ્યક્તિ હતો.


ડો. અંજલી એક તરફ એ વ્યક્તિને ઇમરજન્સી સારવાર આપવામાં લાગે છે જ્યારે આ તરફ ડો. આર્યન એમ્બ્યુલન્સ ડોક્ટર સાથે કેસની બીજી માહિતી ભેગી કરવામાં લાગી જાય છે. આ જ હતું રૂટિન.


આર્યનને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કચરાની ડમ્પીંગ સાઈટ પરથી લાવવામાં આવ્યો હતો અને એ ત્યાંજ કચરાના ઢગલાં પર ઘણા વર્ષોથી રહેતો હતો. ત્યાંથી કોઈએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને ત્યાંથી આને લાવવામાં આવ્યો. આ વ્યક્તિનું નામ તો કોઈ જાણતું નહોતું પણ બધા એને ત્યાં કચરો જ કહેતા કારણ કે એ ત્યાં કચરામાંથી જે મળે એ ખાઈ ત્યાં જ જીવતો હતો. એનું કોઈ હતું નહીં આથી એ ત્યાં એકાંકી જીવન જીવતો હતો. આટલી માહિતી ડો. આર્યન માટે પૂરતી હતી એ માહિતી લઈ આર્યન એમ્બ્યુલન્સ ને રવાના કરી પેશન્ટ પાસે જવા નીકળ્યો.


આ તરફ અંજલીએ પ્રાથમિક સારવાર ચાલુ કરાવી દીધી હતી. સૌ પ્રથમ તો એ વ્યક્તિને થોડો સાફ કરાવી સાથ સુથરા હોસ્પિટલના કપડાં પહેરવામાં આવ્યા અને સારવાર ચાલુ કરવામાં આવી. એ વ્યક્તિને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આમ કહો તો મૃતપાય. સખત તાવ પણ હતો અને અશક્તિ પણ ભારોભાર હતી.


ફીક્કો પડી ગયેલો ચહેરો, સખત તાવ, શરીર પર ઠેર ઠેર પડેલા ચાંદા અંજલીના આટલા વર્ષનાં નોકરીના થયા પણ આવો ખરાબ કેસ એ પહેલીવાર જોઈ રહી હતી. આ બધું જોઈને અંજલીનું મન દ્રવી ઉઠ્યું હતું. અરેરે આ તો કેવું જીવન. ભગવાન આમ કેમ કરતો હશે કોઈ સાથે!


આ તરફ આ વ્યક્તિનું કોઈ સંબંધી તો નહોતું એટલે ડો. આર્યને પોતે એડમિટ ફોર્મ ભરાવી એ પ્રોસેસ પૂરી કરી અને અંજલી પાસે આવ્યો અને પૂછ્યું કે પેલા દર્દીને કેમ છે? શું પ્રોસેસ કરી?


પહેલીવાર આર્યને અંજલીને આટલી વ્યથિત જોઈ. સતત દર્દથી કણસતા દર્દીની હાલત જોઈ અંજલી હેબતાઈ ગઈ હતી. આર્યને અંજલી પાસે બધી માહિતી લીધી અને બંને એ દર્દી પાસે પહોંચ્યા. આર્યન જોતાવેંત આભો થઈ બોલી ઉઠ્યો અરે અંજલી આ તો મન છે.


*****


કોણ છે આ મન? આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...


Feelings Academy...