khajano in Gujarati Moral Stories by Om Guru books and stories PDF | ખજાનો

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ખજાનો

રહસ્યમય વાર્તા

ખજાનો


દસ બાય સાતની નાનકડી ઓરડીમાં જીવકોરબા પ્રવેશ્યાં ત્યારે તેમણે મણનો નિસાસો નાંખ્યો. એક નાનકડી બારી, એક ખૂણામાં જૂનો ખાટલો અને તેની ઉપર ગાંઠોવાળું ગાદલું. બીજા ખૂણામાં બનાવેલી ચોકડી અને તેની આડશ પર મુકેલું માટલું અને એક પવાલું. તે બાજુની દીવાલે બનાવેલા ગોખલામાં મુકેલાં થોડાં ધાર્મિક પુસ્તકો. ખાટલાની બીજી બાજુની દીવાલે પોતાના જૂના અને યુવાનીના દિવસોની યાદ અપાવતું એક લાકડાનું કબાટ અને તેના એક દરવાજા પર લગાવેલો અરીસો. ઓરડીની જાહોજલાલી ગણો તો બસ આટલી જ હતી. આ નાનકડી ઓરડીની બહાર એક મોટું ફળિયું અને તેના બીજા છેડે ખરી જાહોજલાલી સાચવીને બેઠેલું એક બે માળનું મકાન.

જીવકોરબાએ માટલામાંથી પવાલું ભર્યું અને પાણી પીધું. પરંતુ તે ઈચ્છતા હતા એવી કોઈ ટાઢક શરીરે થઈ નહીં. ઓરડીનો તપારો મૂંઝવતો હતો. મંદિરેથી એ ઘેર પાછા આવવા નીકળ્યાં ત્યારે પૂજારી બોલ્યો હતો કે બા હવે તો બપોરનું ટાણું કરવાનો વખત થયો અને આ સૂરજ માથે ચડે એ પહેલાં ઘેર પહોંચી જાવ. એની વાત સાચી હતી. સૂરજ તો માથે ચડી આવેલો પણ પેલી બપોરના ટાણાવાળી વાત ક્યારે સાચી પડે એનું નક્કી નહીં. અંદરથી સુગંધા વહુનો હુકમ થશે ત્યારે સોમો થાળી લઈને આવશે. આવા કપરાં દહાડા આવશે એવી તો એકાદ વરસ પહેલાં એમને પણ ક્યાં ખબર હતી.

હાથમાં કોઈ ધાર્મિક ચોપડી લઈને એ ખાટલામાં બેઠાં. પણ આજે મન ઘણું વિહવળ હતું. ચોપડી ખુલ્લી હતી પણ એમાં એમનો જીવ ચોંટતો ન હતો. આજે પણ ફરી પાછા એ પોતાના જીવનનું પુસ્તક જ મનોમન ખોલીને બેઠાં.

તેમના પતિ વજેચંદ ખૂબ મહેનતુ હતા. આખો દિવસ એ ખેતરે જ રહેતા પણ ઘર અને તેની પાછળના વાડામાં ઉગાડેલી શાકભાજીનું ધ્યાન જીવકોરબા રાખતા. કૌટુંબિક વ્યવહારમાં તેઓ જેટલા કુશળ હતા એટલી જ વ્યવસ્થિતતા તેમના બે માળના મકાનના ખૂણેખૂણે પણ દેખાતી. બાપદાદાની જમીનને લીલીછમ જ રાખતા વજેચંદના ઘરમાં પારણું નહોતું બંધાયું એ જ એક ખોટ હતી. બાધા-આખડીઓ કરીને થાકેલા વજેચંદે પોતાના ભત્રીજા કરસનને હાથલાકડી તરીકે પોતાના ઘેર જ ઉછેર્યો હતો. કરસન પણ વજેચંદની જેમ મહેનતુ હતો. ઘરના નાનામોટાં બધા જ કામમાં એ પાવરધો થઇ ગયેલો. મેટ્રિકની પરીક્ષા પાસ કરીને એ ખેતરે જ કામ કરવા જોડાઈ ગયેલો. પાંચમા ધોરણથી કરસનને જીવકોરબાએ ઉછેરેલો. કરસન જ્યારથી ઘરમાં આવ્યો એ પછી જીવકોરબા પણ પોતાને ઘેર પારણું નથી બંધાયું એ વાતે દુઃખી નહોતા.

કરસનને પરણાવ્યો અને સુગંધા જેવી વહુ ઘરમાં આવી ત્યાં સુધી ઘરમાં બધું જ થાળે પડેલું હતું. પણ વજેચંદના નસીબમાં પુત્રવધુનું સુખ નહોતું. કરસન પરણ્યો એના ચારેક મહિનામાં જ તેઓ આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા.

એ વાતને પાંચેક વરસ થઈ ગયા હતા. જીવકોરબા પોતાના કામગરા સ્વભાવને કારણે વજેચંદની કમીને પચાવી શક્યા હતાં. સુગંધા મેટ્રિક પાસ થયેલી હતી પણ ઘરનાં કામકાજમાં એ પાવરધી ન હતી. જીવકોરબાના હાથ નીચે એ બરાબર કેળવાઈ ગયેલી. સુગંધા થોડા આકરા સ્વભાવની હતી એ જીવકોરબા જાણતા હતા પણ એમને એમ કે ઘેર પારણું બંધાશે અને થોડી જવાબદારી આવશે એટલે એ આપોઆપ બદલાઈ જશે. આમ ને આમ પતિ વજેચંદ વિનાનો સંસાર પાંચ વરસ ચાલ્યો. બધી જવાબદારીઓ જીવકોરબા સંભાળતા અને સુગંધા ઘરનાં દરેક કામમાં તેમને મદદ કરતી હતી.

સુગંધાને સારા દિવસો જાય એના માટે જીવકોરબાએ ઘેર કથા બેસાડી. એ સમયે ઘરે સરપંચ આવેલા અને એમણે જીવકોરબાને પૂછ્યું હતું કે બા જીવતે જીવ તમારી વારસાઈ બધી કરસનને સોંપી દેજો નહીંતર તમારા ગયા બાદ આ બધું એને પોતાને નામ ચડાવતા ઘણી તકલીફ પડશે. યુવાન સરપંચની વાત પણ સાચી હતી. નિઃસંતાન હોવાથી કરસનને તેમણે પોતાના દીકરાની જેમ ઉછેરેલો એ વાત પણ જાણે એ ભૂલી ગયેલાં. કારણકે એમણે તો પોતાના દીકરો જ માનેલો હતો.

સરપંચની વાત વ્યાજબી લાગી હતી એટલે એમણે કરસનને બોલાવીને આ વાત જણાવી અને પંચાયતમાં જઈને કાગળિયાં કરવાનું કહ્યું. કરસને હોંશે હોંશે એ બધી દોડાદોડી કરી. એકાદ મહિનામાં જ પોતે જે ઘરમાં રહેતાં હતાં એ અને ગામના પાદરે મોકાની જગ્યાએ આવેલું વિશાળ ખેતર કરસનના નામે ચડી ગયું.

એ વાતને બે મહિના જેવું જ થયેલું પરંતુ પંચાયતના ચોપડે ભુંસાયેલાં જીવકોરબા હવે ધીમે ધીમે કરસનના અને સુગંધાના મનમાંથી ભૂંસાતા જતાં એવું લાગવા માંડેલું.

સુગંધાનો આકરો સ્વભાવ હવે સાચેસાચ પરખાવા માંડેલો. ઘરનાં હિંચકે આરામથી ઝૂલતાં જીવકોરબા હવે ઘરનાં ઓટલે અને મંદિરનાં ઓટલે વધુ સમય ગાળવા માંડેલા. સુવિધા ધરાવતા ઓરડામાંથી આ નાનકડી ઓરડી સુધીની ટૂંકી સફર એક ભવ જેવી લાગેલી. શરૂઆતમાં તો એમ લાગતું કે ઘરમાં ઉચાટ અને ઊંચા જીવે એ બંનેની લીલા જોવી એના કરતાં આ ઓરડી વધારે સારી. પરંતુ હકીકતમાં તો પોતાના મનને જ સમજાવતાં હતાં એ વાત પણ એટલી જ સાચી હતી.

પતિ વજેચંદે એકવાર કીધેલું કે ‘જીવી ગમે તેવી સફર હોય પણ જો ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો કોઈ વાંધો ન આવે.’ એમની વાત સાચી નીકળી એમણે જાણીજોઈને જ પહેલા લગામ ઢીલી મૂકી અને હવે તો લગામ પણ કરસન અને સુગંધાના હાથમાં હતી. પાછલી જિંદગીમાં આવી આકરી સફર માંડવાની હશે એવી તો વરસ પહેલાં પણ ક્યાં ખબર હતી. પોતાના ઘરમાં જ નિરાશ્રિત જેવી જિંદગી જીવવાનો વખત આવ્યો, એમાં તો હાથના કર્યા જ હૈયે વાગેલાં હતાં.

વિચારો કરતાં બેઠેલાં જીવકોરબા તો પોતાની ભૂખ પણ ભૂલી ગયેલાં. સોમો થાળી લઈને આવ્યો એના અવાજથી એ પોતાનાં ભૂંડા વર્તમાનમાં પાછા આવ્યા. શરૂઆતમાં તો સોમો થાળી પણ ઢાંકીને લાવતો પણ હવે તો એય ખુલ્લી થાળી લઈને આવતો. થાળી જોઈને હરખાયેલા જીવકોરબાની આંખમાં થાળીમાં મુકેલી બે રોટલી અને થોડું શાક જોઇને ઝળઝળિયાં આવ્યા. સોમો તો હવે નજર પણ નહોતો મિલાવતો. ત્રીસેક વરસનો સોમો નાનો હતો ત્યારથી ઘરનાં કામ કરતો. કરસનની થાળીમાં જે હોય તે જ પકવાન સોમાએ પણ ખાધેલાં છે પરંતુ બુદ્ધિનો બળદ એવો સોમો અત્યારે સુગંધા જે કહે એ જ કરે છે. ગરજે ગધેડાને પણ બાપ વાળી કહેવત પ્રમાણે સુગંધાએ આ કામગરા સોમાને બરાબર સાધી લીધો હતો.

એક દિવસ જીવકોરબાએ કરસનને બોલાવ્યો અને કીધું કે પાછળ વાડામાં જે બોરસલ્લીનું ઝાડ છે એની ડાબી બાજુ બે ફૂટ જેવું ખોદીને તપાસ કરવી છે કે ત્યાં કોઈ પિત્તળનો ઘડો છે કે નહીં? તારા બાપુએ ઘણાં વરસો પહેલા એકવાર મને એવું કીધેલું કે એક ઘડામાં ધન સંતાડીને મેં ઠેકાણે રાખ્યું છે. સંકટ સમયની સાંકળની જેમ એ સમજવાનું છે. આપણે જો એની જરૂર ન પડે તો આવનારી પેઢીને એ કામ લાગશે. મને એમ થાય છે કે એમણે મને જે જગ્યાએ સંતાડેલું એ જગ્યા જણાવેલી તો હતી પણ હું કેટલાય દિવસથી યાદ કરું છું પણ મને યાદ નથી આવતું. તું એકવાર વાડામાં મેં જે જગ્યા કીધી ત્યાં તું તપાસ કરી જો. ખબર નહીં કેમ પણ કાલથી મને એ બોરસલ્લીનું ઝાડ બહુ યાદ આવે છે.

કરસન તો વાત સાંભળી લલચાયો. એને એ યાદ પણ આવ્યું કે મંદિરના પૂજારીએ પણ થોડા દિવસ પહેલાં એવું કહ્યું હતું કે કરસન તારા હાથની રેખા જોતાં તો તારા નસીબમાં કોઈ છૂપો ખજાનો હોય તેવું લાગે જ છે. એણે તો તરત જ ઉત્સાહમાં આવીને સુગંધાને બધી વાત જણાવી. સુગંધા આવા કામમાં વાર કરે તેવી હતી જ નહીં, એણે તરત જ સોમાને બોલાવ્યો અને બોરસલ્લીના ઝાડની ડાબી બાજુ ખોદવાનું સોંપી દીધું. એકાદ કલાકમાં તો સોમાની ત્રિકમે ખડિંગ દઈને અવાજ કર્યો. માથે ઉભેલા કરસનની આંખમાં તરત જ ચમકાર થયો. કરસનની બૂમ સાંભળી સુગંધા પણ દોડતી બહાર આવી. સોમાએ હળવેથી જમીનમાંથી તાંબાનો નાનો ઘડો કાઢ્યો. ઘડા ઉપર મુકેલું તાંસળું ચપોચપ ચોંટેલું હતું અને તેના પરનું કપડું કહોવાઈ ગયેલું. કરસને ઘડો હાથમાં લીધો ઘડો વજનદાર લાગ્યો. તેણે સોમાને ખાડો પુરવાનું કહી દીધું. પોતાના ઓરડાનું બારણું બંધ કરીને બંનેએ એ ઘડો ખોલ્યો તો એમાંથી ત્રણ નાના ચાંદીના સિક્કા અને બાકીનું સુખડનું લાકડું નીકળ્યું. જે વજન હતું એ સુખડના લાકડાનું હતું. આખા ઓરડામાં સુખડની સુગંધ ફેલાઈ ગઈ. પણ એ બંને નિરાશ થયા.

ગુસ્સામાં એ બંને ઘડો લઈને જીવકોરબાની ઓરડીમાં જવા માટે પગ માંડે ત્યાં સુગંધાને યાદ આવ્યું કે બાએ તો પિત્તળનો ઘડો કીધેલો અને આ તો તાંબાનો ઘડો નીકળ્યો. બંનેની આંખમાં લાલચની ચમક પાછી પ્રગટી. બંનેની ચાલ બદલાઈ ગઈ. ઓરડીમાં જઈને આ ઘડો બતાવીને બાને પૂછ્યું તો એમણે જણાવ્યું કે તારા બાપુએ તો પિત્તળના ઘડાની જ વાત કરેલી અને એમના કહેવા મુજબ એમાં સોનામહોરો મુક્યાની જ વાત હતી.

‘બા.. થોડું શાંતિથી વિચારો તો યાદ આવી જશે.’

‘બેટા કેટલાય દિવસથી યાદ કરવા મથું છું પણ આ ભૂખ અને ઊંઘ સમયસર ન મળવાથી શરીર સાથ નથી આપતું. મારે તો કેટલું જીવવું પણ હું તો ઈચ્છું કે એ ઘડો મળી જાય તો તમને કામ લાગે.’

‘બા... હું તારો સ્વભાવ જાણું જ છું. પણ તારા કહેવા મુજબ તને ખાવાનું સમયસર નથી મળતું એવું લાગે છે. હું આખો દિવસ ખેતરે હોઉં છું એટલે મને આ બધી શી ખબર પણ હવેથી તને સમયસર ખાવાનું મળશે જ.’ આમ કહીને તેણે સુગંધાને આ બાબતની તાકીદ કરી.

બે-ત્રણ દિવસ બાદ કરસન ખેતરે જતાં પહેલા બા પાસે જઈને બેઠો. આડીઅવળી ખેતરના પાક વિશેની વાત કરીને ધીમેક રહીને પૂછ્યું કે ‘બા શું થયું બાપુજીએ તને પેલા ઘડા વિશે જણાવ્યું હતું એ યાદ આવ્યું? હવે તો તને જમવાનું પણ પહેલાની જેમ જ સમયસર મળે છે તેવું સુગંધાએ મને જણાવ્યું છે.’

‘ના બેટા, હજુ યાદ નથી આવતું...જમવાનું સમયસર મળી જાય છે એ વાત સાચી પણ સાથે આરામ મળવો જોઈએ એ નથી મળતો.’

‘કેમ તને આરામમાં કોણ ખલેલ પહોંચાડે છે? હવે તો તું ઘરનાં કોઈ કામમાં તો મદદ કરતી નથી એવું સુગંધાએ મને કીધું છે તો પછી તને કેમ આરામ માટે સમય નથી મળતો?’

‘આરામ માટે તો મારી પાસે પૂરતો સમય છે બેટા. પણ આ ગાંઠોવાળું ગાદલું મને ક્યાં ઊંઘવા જ દે છે? કાલે જ રાત્રે માંડ ઊંઘ આવી ને કેટલાય સમય બાદ સપનામાં તારા બાપુ દેખાયા. પણ હું એમને આ ઘડાવાળી વાત પૂછું એ પહેલાં તો આ ગાદલાના માંકડે ઊંઘ ઊડાડી દીધી.’

કરસને સુગંધાને વાત કરીને બાની ઓરડીમાં એક સારામાંનું ગાદલાંની વ્યવસ્થા કરી દીધી. જમીનમાંથી એક ઘડો નીકળ્યા બાદ બીજો ઘડો પણ ક્યાંકથી મળી જ જશે એવા આશાવાદ કે લાલચને કારણે સુગંધા કોઈ વાતનો વિરોધ કરતી ન હતી. આમ ને આમ થોડા દિવસો ગયા પણ બા તરફથી કોઈ બીજી વાત સાંભળવા ન મળતાં સુગંધા અકળાઈ ગઈ. એક દિવસ બપોરે જમવાની થાળી લઈને સુગંધા બાની ઓરડીમાં પ્રવેશી. જીવકોરબા ત્યારે ‘સાચા સગા સૌ સ્વાર્થના’ ભજન ગણગણતાં હતાં. સુગંધાને જોઇને કોઈ આશ્ચર્ય ન થયું. એક એવો પણ સમય હતો કે જયારે સુગંધા પરણીને આવી ત્યારે જીવકોરબા ગામમાં હરખના માર્યા પોતાની વહુના વખાણ કરતાં હતાં. પણ અત્યારે એના પગલાંથી એમનાં ચિત્તમાં કોઈ હરખનો અનુભવ ન થયો. થાળીમાં મુકેલું જમવાનું આરોગતી વખતે થોડી થોડીવારે જીવકોરબા સુગંધાની સામું જોઈ લેતાં હતાં. એ જ સમયે ઘેર જમવા આવેલો કરસન પણ ત્યાં આવીને બેઠો. સુગંધા કશુંક પૂછવા આવી હતી એવું તેના ચહેરા પરથી લાગતું હતું. અને છેવટે એણે પૂછી જ લીધું કે ‘શું થયું બા...પછી તમને યાદ આવ્યું કે નહીં કે બાપુએ એ ઘડો ક્યાં મૂક્યો હશે?’

‘ક્યાંથી યાદ આવે? એ ઘડો ઘરનાં કોઈ ખૂણે જ મૂક્યો હશે પણ...’

જીવકોરબાની વાત અડધેથી કાપીને સુગંધા બોલી ઊઠી ‘તો શું એના માટે આખા ઘરને અમારે ખોદવાનું છે?

‘ના વહુ બેટા..એમ નહીં પણ આખા ઘરમાં ક્યાંક સંતાડેલી વસ્તુ હું ઘરમાં ફરતી હોઉં તો કદાચ મને એ જગ્યા દેખીને યાદ આવે ને..? હું તો કેટલાય મહિનાઓથી અહીં પડી રહું છું તે મને આખા ઘરનો નકશોય ભુલાવા માંડ્યો છે. તો પેલો સંતાડેલો ખજાનો ક્યાંથી દેખાય? જે ઘરમાં તારા બાપુની અવરજવર હતી એ ઘરમાં કે એ ઓરડામાં હું હોઉં તો તારા બાપુની આત્મા મને એ તરફનો ઈશારો કરે ને...મારી આવી હાલતથી હું તો ટેવાઈ ગઈ છું પણ મને આમ દેખીને તારા બાપુનો જીવ જરૂર કચવાતો હશે...’

વાતનો મરમ જાણી લઈને કરસને સુગંધા જોડે વાત કરીને છેવટે બાને એમના ઓરડામાં જ રહેવાની વ્યવસ્થા કરી દીધી. જીવકોરબાના તો જીવમાં જીવ આવ્યો હોય તેમ લાગ્યું. આખો દિવસ એ પોતાના ઓરડાની ભીંતો દેખતાં રહ્યાં. ઓરડાના કણ કણમાં એ પોતાના સંઘર્ષ અને સહજીવનની ક્ષણો માણી રહ્યાં હતાં. આખો દિવસ જીવકોરબાએ અવર્ણનીય આનંદમાં પસાર કર્યો. સુગંધા અને કરસનને પણ બાના ચહેરા પરના આનંદ જોઈ નવાઈ લાગી. સાથે સાથે એમના મનને ટાઢક થઈ કે છેવટે તો આ આનંદ જ તેમને પેલા ખજાના સુધી લઈ જવાના છે ને! એ બંને પણ ખજાનાની અધીરાઈ સાથે જીવતા હતા.

બીજે જ દિવસે વહેલી સવારે જીવકોરબાએ કરસનને બૂમ પાડી. બૂમ સાંભળીને કરસન અને સુગંધા તેમના ઓરડામાં દોડી ગયાં. એ બંનેના મનમાં આશા અને હરખ હતો. ઓરડામાં પહોંચ્યા તો નવાઈ લાગી કે બા તો ઓરડામાં પોતાના પલંગની બાજુમાં નીચે જમીન પર સૂતેલાં હતાં. બાને આમ નીચે સૂતેલાં જોઈને એમણે પૂછ્યું કે ‘હવે પાછું શું થયું છે બા તમને?..કેમ આમ નીચે સૂઈ ગયાં છો?’

એમણે કીધું કે થોડાં તુલસીનાં પાન અને ગંગાજળ લઈ આવો. એટલે સુગંધા દોડીને એ લઈ આવી ત્યાં સુધીમાં જીવકોરબાએ પોતાના હાથમાં રહેલી એક ડબ્બી કરસનના હાથમાં આપી અને કીધું કે આપણા ઘરનાં ખજાના વિશે આ ડબ્બીમાં લખેલું છે. પણ એ ડબ્બી મારા સ્વર્ગવાસ બાદ ખોલજે. સુગંધા હજુ કશું પૂછે એ પહેલાં બાએ ઈશારા સાથે ગંગાજળ લઈને પોતાના હાથે પીધું અને ત્રણ તુલસીના પાન મોઢામાં મૂક્યા. બાની આંખોની કીકીઓ આખા રૂમમાં ડાબેથી જમણે ફરી એ પછી એમની નજર થોડીવાર માટે ઓરડાના દરવાજા પર સ્થિર થઇ. બાની આંખોનો ભાવ દેખી સુગંધા અને કરસન એકદમ વિહવળ થઈ ગયાં. હજુ કરસન કશું બોલે એ પહેલાં બાની નજર છત પર સ્થિર થઈ. હોઠ પર હલકું સ્મિત આવ્યું અને પેટ પર મુકેલો હાથ જમીન પર પડી ગયો.

પેલાં સુખડની સુગંધ આખા ઓરડામાં પ્રસરી ગઈ.

બા જાણે આ ઘરમાં પોતાનો જીવ છોડાવવા આવ્યાં હોય તેવું બન્યું. કરસન અને સુગંધા માટે આવું આકસ્મિક બનવું એ હજુ પણ માનવામાં નહોતું આવતું. ગામના લોકો ભેગાં થયાં. આદત મુજબ બધાએ પોતપોતાનાં તુક્કા દોડાવ્યાં. ચણભણ પણ ઘણી થઇ. લોકોના મોઢે તો જીવકોરબા વિશે ફક્ત વખાણના શબ્દો જ હતાં.

બાના અંતિમસંસ્કાર નદીકિનારે થયા. સગાવ્હાલાં અને સબંધીઓ વિખેરાયા બાદ રાત્રે કરસન અને સુગંધાએ કુતુહલવશ પેલી ડબ્બી ખોલી. એમાં એમનું મંગળસૂત્ર હતું અને એક કાગળ ગડી વાળીને મુકેલો હતો. ભારે અને કંઈ વ્યથિત, કંઇક આશાના મિશ્રિત ભાવથી એ કાગળ ખોલ્યો તો એમાં લખ્યું હતું કે-

ચિ. કરસન અને સુગંધા

સમય પહેલા તમારે નામ બધું લખી દીધું એ મેં તમને બંનેને મારા પોતાના માની લીધેલાં એની સાબિતી છે. પરંતુ તમે એ બાદ મારી સાથે જે વર્તન કર્યું છે એ કોઇપણ રીતે ક્ષમાને યોગ્ય નથી પરંતુ એક મા હોવાને નાતે એ બધું જ હું માફ કરી દઉં છે. તમારે ઘેર જયારે પારણું બંધાશે ત્યારે જ તમને એની કિંમત સમજાશે તેમ હું માનું છે અને તે માટે પણ મારા આશીર્વાદ છે. ખજાનાનો મોહ તમને લગાડવાનું કારણ ફક્ત એક જ હતું કે મારો જીવ એ જ જગ્યાએ જાય જ્યાં તમારા બાપુએ છેલ્લા શ્વાસ લીધા હતા. અને દિકરા આ ઘર અને જમીન એ તમારા માટે એક ખજાનો જ છે તેમ માનજો. ઘણો સંઘર્ષ કરીને તમારા બાપુએ આ મિલકત ઊભી કરી છે તેનું જતન કરશો તો એ કોઈ ખજાનાથી કમ નથી. તમારા બાપુએ જ્યારે આ ઘરનું ભૂમિપૂજન કર્યું હતું ત્યારે બોરસલીના ઝાડ નીચે ઘડામાં ચાંદીના ત્રણ સિક્કા અને સુખડનો ટુકડો પૂજાવિધિ કરીને મુક્યો હતો. જેથી આ ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ અવિરત રહે માટે એ ઘડો અને એની અંદર ચાંદીના ત્રણ સિક્કા અને સુખડનો ટુકડો મુકી ફરીવાર ત્યાં એ જ જગ્યાએ દાટી દેશો. મને જે તમે રહેવા માટે ઓરડી આપી હતી, શક્ય હોય તો એ ઓરડી સોમાને આપી એને આ ઘર માટે જીવનભર સેવા કરી એનું આ વળતર સમજીને આપશો. મારા આશીર્વાદ.

લિ. જીવકોર વજેચંદ

- ૐ ગુરુ