Aa Janamni pele paar - 20 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૨૦

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૨૦

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

હેવાલીના સવાલનો જવાબ આપવા મેવાન તૈયાર જ હતો.

તે બોલ્યો:'તમને મારવાથી અમને લાભ થઇ શકે એમ હતો. છતાં તમે માની ગયા એટલે અમે તમારી હત્યા કરવાનું ટાળ્યું હતું. અમે બંને પ્રેત સ્વરૂપમાં ભટકતા હતા. તમારી હત્યા કરીએ તો તમે પણ પ્રેત સ્વરૂપમાં આવી શકો એમ હતા. અને એ રીતે આપણે વધુ સારી રીતે જીવી શકીએ એમ હતા. તમે માનવ રૂપમાં અને અમે પ્રેત રૂપમાં હોઇએ તો જીવન અલગ રહે છે. જેમ તમે માનવ રૂપમાં એકબીજા સાથે વધારે સારી રીતે જીવી શકો એમ જો પ્રેત રૂપમાં હોઇએ તો એકસરખું જીવી શકીએ. પછી અમે વિચાર્યું કે જો તમારી હત્યા કરીશું અને તમે પ્રેત સ્વરૂપમાં ના આવો એમ પણ બની શકે. તમારા આત્માનો મોક્ષ થઇ જાય તો તમે અમને મળી શકો નહીં. હવે જે સ્વરૂપમાં મળ્યા છો એમાં જ સ્વીકારી લેવાનું યોગ્ય લાગ્યું...તમે અમારા માટે લાગણી બતાવી એટલે અમે એ વિચાર પડતો મૂકી દીધો હતો. કદાચ તમને બંનેને એમ થયું હશે કે નિયતિએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ ચાલવા દઇએ. તમને તમારો આગલા જનમનો પ્રેમ યાદ આવ્યો હોય કે ના હોય પણ એના વિશે જાણ્યા પછી એવું વિચાર્યું હશે કે એને નિભાવવાની ફરજ બને છે.... હમણાં હું શિનામિને મળીને આવ્યો ત્યારે એણે કહ્યું કે દિયાને આવું કંઇ જ પૂછ્યું નથી...' મેવાને સાચી વાત કહી દીધી.

મેવાને છેલ્લી જે વાત કહી એ હેવાલીને ચોંકાવી ગઇ. શું દિયાને ખરેખર શિનામિના આગલા જનમના પ્રેમને સ્વીકારી લીધો હશે? શિનામિનું રૂપ એવું છે કે ભલભલા પુરુષો આકર્ષાઇ જાય. દિયાન એવો નથી. તે મને સાચો પ્રેમ કરતો હતો. તેણે પરિસ્થિતિ સામે ઝૂકી જવું પડ્યું છે. હેવાલીએ કંઇક વિચારીને કહ્યું:'દિયાને શિનામિને સવાલ કરવાની જરૂર પડી નહીં હોય. તેને ધારણા હતી કે જો અમે તમારી વાત માનીશું નહીં તો તમે ગમે તે કરી શકો છો...ભય વગર પ્રીત નહીં એ અહીં સાબિત થયું છે. પરંતુ હવે મને તારો કોઇ ભય નથી. આપણો પૂર્વ જન્મનો સંબંધ હોય તો એ આગળ વધવો જોઇએ. સાત જનમ સુધી એને નિભાવવાની કસમ ખાધી હોય તો એ પૂરી કરવી જોઇએ. આ બધો નસીબનો ખેલ છે. એક માનવી અને પ્રેત બંને પોતાના પૂર્વ જન્મના પ્રેમને નિભાવી જાણે છે એ કિસ્સો લૈલા-મજનુ કે શિરી ફરહાદ કરતાં પણ મહાન કહેવાશે...'

'ઓહ! હેવાલી! તું કેટલું સારું વિચારે છે. યાદ છે આપણા લગ્ન થયા ન હતા એ પહેલાં કેવી વાતો કરતા હતા?' મેવાન ગયા જન્મના એ સમયને યાદ કરવા લાગ્યો.

'મેવાન! હું કેવી રીતે જાણી શકું? તારી જેમ મારા નસીબમાં પ્રેત થઇને ભટકવાનું આવ્યું નથી. હું મારા ગયા જન્મ વિશે કંઇ જ જાણતી નથી. સુમિતાની વાતો મારા માટે એક અજાણી વ્યક્તિ જેવી છે. પરંતુ તેં એ રહસ્ય જાહેર કર્યા પછી હું પોતાને સુમિતા હોવાનો અનુભવ કરવાનો પ્રયત્ન કરી રહી છું. તારે જ આપણી ગયા જન્મની વાતો કરવી પડશે. હું એમાં હોંકારો ભણી શકું એમ નથી...' હેવાલી લાડભર્યા સ્વરમાં બોલી.

મેવાન એની વાતને સમર્થન આપતો હોય એમ બોલ્યો:'હેવાલી! ગયા જન્મમાં આપણી મુલાકાત બહુ ટૂંકી રહી હતી. લગ્ન નક્કી થયા પછી સાથે રહેવાનો સમય બહુ મળ્યો નથી. અને લગ્ન થયા પછી પણ આપણે વધારે સમય રહી શક્યા નહીં. છતાં લગ્ન પહેલાંની કેટલીક યાદો છે જેને માણવી તને ગમશે... આપણે એકબીજાને મળ્યા અને આપણી વચ્ચે પ્રેમ થયા પછી એ પ્રેમ લૈલા-મજનુ જેવો જ હતો. એકબીજા માટે મરી જવાની તમન્ના હતી. એક દિવસ આપણે એકબીજાના પ્રેમમાં રમમાણ હતા ત્યારે મેં કહ્યું હતું કે સાત જન્મ માટે એકબીજાના રહીશું. જો આપણા લગ્ન ન થાય તો એકબીજા માટે જીવ આપી દઇશું. પરંતુ બીજા કોઇને પરણીશું નહીં. તેં મારો હાથ તારા હાથમાં લઇને વચન આપ્યું હતું કે હવે આપણાને કોઇ અલગ કરી શકશે નહીં...જરૂર પડશે તો જીવ આપી દઇશું પરંતુ સાથ છોડીશું નહીં.'

'આપણાને એકબીજાનો સાથ મળ્યો પરંતુ એ આગની ઘટનાએ વિખૂટા પાડી દીધાં. એ આગની ઘટના કઇ રીતે બની કે આપણો જીવ ગયો?' હેવાલીને હવે મેવાનના જીવન વિશે જાણવાની ઉત્કંઠા વધી ગઇ.

'હેવાલી, ત્રિલોક ખોટું બોલ્યા હતા કે એમના પુત્ર મેવાનની પત્ની શિનામિ હતી પણ અસલમાં સુમિતા એટલે કે તારી સાથે મારા લગ્ન થયા હતા. એમ બીજી એક વાત એમણે તમારી સમક્ષ કરી હતી એ ખોટી હતી...' મેવાન નવું રહસ્ય ખોલવા જઇ રહ્યો હોય એમ બોલ્યો.

'બીજી કઇ વાત ખોટી હતી?' હેવાલીએ નવાઇથી પૂછ્યું. તેને ત્રિલોકે કહેલી કોઇ વાત પર હવે વિશ્વાસ બેસતો ન હતો. ત્રિલોક પાસે જઇને પોતે અને દિયાને મોટી ભૂલ કરી હોય એવો અફસોસ થયો.

ક્રમશ: