Prayshchit - 84 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 84

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 84

પ્રાયશ્ચિત પ્રકરણ 84

પોતાની સોસાયટીના રહીશોને આપેલા વચન પ્રમાણે રવિવારે સોસાયટીના કોમ્યુનિટી હોલમાં કેતને જન્મદિવસ નિમિત્તે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. સોસાયટીના રહીશોની સાથે સાથે પ્રતાપભાઈના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું . કેટરિંગ કોન્ટ્રાક્ટ ગાયત્રી કેટરર્સને આપવામાં આવેલો અને મેનુમાં પણ કોઈ ફેરફાર નહોતો કર્યો.

આ વખતે તો ભોજન સમારંભમાં જગદીશભાઈ અને જયાબેન પણ જોડાઈ ગયાં અને એમણે પણ આ જન્મોત્સવમાં ભાગ લીધો. બધા જ આમંત્રિતોએ કેતનને ફરીથી જન્મ દિવસની અને શ્રેષ્ઠ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી.

જગદીશભાઈ અને જયાબેનને અહીં નવા બંગલામાં સરસ ફાવી ગયું હતું. ધીમે ધીમે એ પાડોશીઓ સાથે પણ હળી ભળી ગયાં હતાં અને નવા નવા સંબંધો બંધાઈ રહ્યા હતા. જગદીશભાઈ નો સ્વભાવ બધાને ગમી ગયો હતો 200 300 કરોડ ની પાર્ટી હોવા છતાં પણ કોઈ અભિમાન નહોતું.

જગદીશભાઈ રોજ સવારે યોગા કરવા આશ્રમમાં જતા. ક્યારેક કેતન મૂકી આવતો તો ક્યારેક પોતે ગાડી લઈ જતા. સાંજે પણ ઘણીવાર એ સીનીયર સીટીઝન પાર્કમાં બેસવા માટે જતા. આશ્રમમાં રહેતા વડીલોની ખબર પણ પૂછતા. સમય આરામથી પસાર થઈ જતો.

૧૫મી એપ્રિલે જગદીશભાઈ અને જયાબેન કેતન જાનકી અને શિવાનીને લઈને પોતાના ઘરે સુરત ગયાં હતાં. કારણ કે કાયમ માટે ઘર છોડવાનું હતું એટલે છેલ્લીવાર સુરતના ઘરનો બધા આનંદ માણી લે. વર્ષોથી વપરાતું મકાન બંધ કરતાં પહેલાં થોડી વ્યવસ્થા પણ કરવાની હતી. મકાન ભાડે આપવાની કોઈ ઈચ્છા ન હતી. રેવતીનાં મમ્મી પપ્પા સુરતમાં જ રહેતાં હતાં એટલે ચાવી એમને આપીને ઘરની દેખરેખ રાખવાની જવાબદારી પણ એમને સોંપી.

રેવતીને છઠ્ઠો મહિનો ચાલતો હતો. સીમંતનો પ્રસંગ હજુ બે મહિના પછી હતો એટલે સિદ્ધાર્થ રેવતીને પણ જામનગર લઈ જવા માગતો હતો. ડીલીવરી પણ જામનગરમાં જ કરાવવાની બધાની ઈચ્છા હતી કારણ કે ઘરની હોસ્પિટલ હતી. ચારેક દિવસ રોકાઇને આખો પરિવાર ટ્રેનમાં જ જામનગર આવી ગયો.

જોકે સુરત છોડતા પહેલાં ઘરમાં સગાં વ્હાલાં અને અંગત મિત્રોને ફોન કરીને બોલાવ્યાં હતાં અને ગેટ ટુ ગેધર જેવું નાનુ ફંક્શન પણ રાખ્યું હતું.

સમયને જતાં વાર લાગતી નથી. રાબેતા મુજબ જિંદગી આગળ વધતી ગઈ. સિદ્ધાર્થે સરસ રીતે હોસ્પિટલનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું હતું.

ગર્લ્સ હોસ્ટેલ રાગિણીબેન સરસ રીતે સંભાળતાં હતાં જ્યારે આશ્રમ કેતન અને જાનકી સંભાળતાં હતાં. જોકે એમને કંઈ કરવાનું હતું જ નહીં. કારણ કે સંચાલન કેતનની ઓફિસનો સ્ટાફ કરતો હતો એટલે પ્રવૃત્તિ હોવા છતાં આમ તો નિવૃત્તિ જ હતી. સૃષ્ટિનું સર્જન કર્યા પછી ઈશ્વર જેમ સૃષ્ટિને સાક્ષી બનીને જોયા કરે એવી જ આ વાત હતી. કેતન રોજ માત્ર એક કલાક માટે ઓફિસે જતો હતો અને ફાઈલો જોઈ લેતો હતો.

સીમંતના પ્રસંગે જૂન મહિનામાં રેવતીનાં મમ્મી પપ્પા ત્રણ દિવસ માટે જામનગર આવ્યાં હતાં. ઘરઘરમાં જ અને પાડોશીઓની હાજરીમાં જ પ્રસંગ સુંદર રીતે ઉજવાઇ ગયો હતો.

૩૧મી જુલાઈએ સવારે નવ વાગે રેવતીએ સુંદર કન્યાને જન્મ આપ્યો હતો. કેતનની હોસ્પિટલમાં જ રેવતીની ડિલિવરી થઈ હતી. સિંહ રાશિ આવી હતી એટલે એનું નામ શિવાનીએ મોક્ષા રાખ્યું હતું.

દીકરીના જન્મ પછી આખો પરિવાર ખૂબ જ ખુશ હતો. આટલા વર્ષો પછી ઘરમાં પ્રથમવાર સંતાન જન્મ થયો હતો. દીકરીને એ લોકો લક્ષ્મી જ માનતા હતા. આખી સોસાયટીમાં, હોસ્પિટલમાં, છાત્રાલયમાં અને વૃદ્ધોના આશ્રમમાં જગદીશભાઈએ પેંડા વહેંચ્યા હતા.

એ દરમિયાન હોસ્પિટલમાં બીજી પણ એક ઘટના આકાર લઇ રહી હતી. હોસ્પિટલમાં જ રેસિડેન્ટ ડોક્ટર તરીકે સેવા આપતા ડૉ. જૈમિન મિસ્ત્રીને રિસેપ્શન કાઉન્ટર સંભાળતી નીતા મિસ્ત્રી ખૂબ જ ગમી ગઈ હતી. એક તો પોતાની જ્ઞાતિની જ હતી અને દેખાવે પણ એકદમ રૂપસુંદરી હતી !!

છતાં એ એની જ હોસ્પિટલમાં સ્ટાફ મેમ્બર હતી એટલે પ્રપોઝ કરતાં એ સંકોચાતો હતો. હું એને પ્રપોઝ કરું અને ન કરે નારાયણ અને એ જાહેરમાં પોતાનું અપમાન કરી બેસે તો ? પોતાની પ્રતિષ્ઠાને ખૂબ હાની પહોંચે. એ ખૂબ જ સંસ્કારી યુવક હતો.

એને કોઈએ જાણ કરી કે નીતા મિસ્ત્રી કેતન સરનું ખૂબ જ રિસ્પેક્ટ કરતી હતી અને શરૂઆતમાં કેતન સર તેની પડોશમાં જ રહેતા હતા. જો કેતન સરના કાને આ વાત નાખવામાં આવે તો એ કદાચ મદદ કરી શકે !

એટલે જે દિવસે હોસ્પિટલમાં એનો ઑફ હતો એ દિવસે એ કેતન સરની ઓફિસે ગયો.

" હું અંદર આવું સાહેબ ? " કેતનની ચેમ્બરની બહાર ઊભા રહીને એણે પૂછ્યું.

" હા જૈમિન આવ ને ! " કેતન એને રેસિડન્ટ ડોક્ટર તરીકે ઓળખતો જ હતો.

" સર... એક વાત કરવી હતી. " જૈમિને સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું. ગમે તેમ તોયે કેતન સર સૌથી મોટા બૉસ હતા.

" હા બોલને. હોસ્પિટલનો કંઈ પ્રોબ્લેમ છે ? " કેતને પૂછ્યું.

" નહીં સર. હોસ્પિટલના કોઈ પ્રોબ્લેમ માટે હું તમારા સુધી આવું જ નહીં. સિદ્ધાર્થ સર ખૂબ સરસ રીતે હોસ્પિટલ સંભાળી રહ્યા છે અને બધાનું ધ્યાન પણ રાખે છે. સ્વભાવ પણ માયાળુ છે. " જૈમિન બોલ્યો.

" તો પછી બીજું શું કામ હતું ? તું નિઃસંકોચ મને કહી શકે છે. " કેતને કહ્યું.

"સર... આપણી હૉસ્પિટલમાં નીતા મિસ્ત્રી રિસેપ્શનમાં બેસે છે અને તમે એને સારી રીતે ઓળખો છો. પટેલ કોલોનીમાં રહે છે જ્યાં તમે પહેલાં રહેતા હતા." જૈમિન બોલ્યો.

" હા બિલકુલ... એના ઘર સાથે મારે સારા સંબંધો છે. પ્રોબ્લેમ શું હતો ?" હજુ કેતન સમજ્યો ન હતો.

" સર તમે તો જાણો છો કે હું પણ મિસ્ત્રી છું. એ પણ મિસ્ત્રી છે. અમારી જ્ઞાતિ એક છે. અને એ પણ જાણવા મળ્યું કે એનાં લગ્ન હજુ થયાં નથી. સર મારી ઈચ્છા એને પ્રપોઝ કરવાની છે પરંતુ હિંમત ચાલતી નથી. કારણ કે અમે એક જ હોસ્પિટલમાં છીએ. તમને જો વાંધો ના હોય અને તમે એને મારા માટે વાત કરો તો કદાચ એ તૈયાર થાય પણ ખરી. સોરી સર... મારાથી વધારે પડતું કંઈ બોલાઇ ગયું હોય તો. " જૈમિન નીચું જોઈને બોલતો હતો. મનમાં થોડો ગભરાતો હતો.

" અરે.... આ તો તેં બહુ સરસ વાત કરી. તું પોતે ડોક્ટર છે. તારું ભવિષ્ય ઉજ્વલ છે. એને શું વાંધો હોય ? હું નીતા સાથે ચોક્કસ વાત કરીશ અને તને અપડેટ આપીશ. હું માનું છું ત્યાં સુધી તો એ ના નહી પાડે. " કેતને આશ્વાસન આપ્યું.

" સર... ખૂબ ખૂબ આભાર. ઘણા સમયથી વિચારતો હતો કે તમને મારા મનની વાત કરું પરંતુ સંકોચ થતો હતો ! " જૈમિન બોલ્યો.

" રિલેક્સ... એકાદ વીકમાં હું એને મળી લઉં છું. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " કેતને કહ્યું.

" થેન્ક્યુ સર.. થેંક્યુ વેરી મચ. " કહીને જૈમિન ઊભો થયો અને બહાર નીકળી ગયો.

નીતાને મારે મનાવવી જ પડશે. આખી જિંદગી કુંવારા ના રહેવાય. હજુ એ નાદાન છે. સપનાંની દુનિયામાં રાચે છે. આ ઉંમરમાં ઘણીવાર આકર્ષણ પેદા થતું હોય છે. જૈમિનથી વધારે સારું પાત્ર મારા ધ્યાનમાં પણ બીજું કોઈ નથી. ચાલો એ બહાને પણ એ સુખી થતી હોય તો મને ખુશી છે -- કેતન વિચારી રહ્યો.

ત્રણેક દિવસ પછી એણે નીતાને ફોન કર્યો અને બપોર પછી ચાર વાગ્યે પોતાની ઓફિસે આવવાની વાત કરી.

નીતા એના સમય પ્રમાણે ચાર ના ટકોરે ઓફિસમાં હાજર થઈ ગઈ. એને આજે ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું હતું. કેતન સર સામેથી મને મળવા બોલાવે છે તો કંઇક તો અગત્યનું કામ હશે જ.

" અંદર આવું સાહેબ ? " કેતનની ચેમ્બર પાસે આવીને નીતાએ ટહુકો કર્યો.

" હા નીતા.. આવને. "

નીતા ચેમ્બરમાં આવીને કેતનની સામે ગોઠવાઈ.

"તને ખાસ કારણસર મેં આજે બોલાવી છે. તું પોતે જાણે જ છે કે હું હંમેશાં તારું ભવિષ્ય સુખી જોવા માગું છું. મારી પાસે તારા માટે એક સરસ પાત્ર આવ્યું છે. અને તું જો મારું રિસ્પેક્ટ કરતી હોય તો પ્લીઝ તું ના ન પાડતી." કેતને વાતની શરૂઆત કરી.

" સર પ્લીઝ... તમે તો જાણો જ છો. ..." નીતા આગળ બોલવા ગઈ પણ કેતને એને રોકી દીધી.

" તારે મારું માન રાખવું જ પડશે. તું ખરેખર સુખી થઈશ એ મારી ગેરંટી છે. અને ભવિષ્યમાં કંઈ તકલીફ હશે તો હું બેઠો છું. પણ જે વ્યક્તિને હું ઓળખું છું એની સાથે કોઈ તકલીફ તને પડવાની જ નથી. " કેતન બોલ્યો.

" એવું તે વળી તમે કોણ શોધી લાવ્યા સર ? આટલી બધી પ્રવૃત્તિઓમાં બીઝી હોવા છતાં મારા માટે વર શોધો છો એ નવાઈની વાત કહેવાય. " નીતા બોલી.

" ધ્યાન તો હું આખી દુનિયાનું રાખું છું. મારા ધ્યાન બહાર કઈં હોતું જ નથી. આપણી જ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતો જૈમીન મિસ્ત્રી મને બહુ જ પસંદ છે. મેં એના વિશે તપાસ પણ કરી છે. ઘર પણ સારું છે. ખંભાળિયા ગેટ આસપાસ રહે છે. " કેતને નીતાની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

" હું તને આજે ને આજે જવાબ આપવાનું નથી કહેતો. તું વિચાર કરી જો. ઘરે પણ તું મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી જો. એ લોકો તો બિચારા ના નહીં પાડે. છતાં તું વાત કરી શકે છે. હું તારું સુખી ભવિષ્ય ઇચ્છું છું " કેતન બોલ્યો.

" પણ છોકરાને પોતાની પણ ઈચ્છા હોવી જોઈએ ને ? એના લાઇફમાં કોઈ હોય અથવા તો એની ઈચ્છા હમણાં લગ્ન કરવાની ના હોય તો ? મારી હા નો પણ કોઈ મતલબ નથી રહેતો. " નીતા બોલી.

" સૌથી પહેલાં તું તારી સાઇડ ક્લિયર કરી દે. તને રસ હોય તો બાકીનું બધું મારા ઉપર છોડી દે. તને કોઈ ના પાડે એ હું માનવા જ તૈયાર નથી. પરંતુ હું જબરદસ્તી તારાં લગ્ન કરાવવા માગતો નથી. મિયાં-બીબી રાજી હશે તો જ આ કાજી મદદ કરશે." કેતને હસીને કહ્યું.

" મને થોડું વિચારવાનો સમય આપો સર. કારણ કે ઓનેસ્ટલી લગ્ન માટે હું જરા પણ વિચારતી નથી. હવે તમે પોતે આટલી બધી મને સમજાવી રહ્યા છો તો સૌથી પહેલાં તો મારે મારા પોતાના મનને તૈયાર કરવું પડશે. એ પછી હું લગ્ન માટે હા કે ના કહીશ. " નીતા બોલી.

" ટેક યોર ટાઈમ. અઠવાડિયું... દસ દિવસ... મને કોઈ જ ઉતાવળ નથી. બસ આ જ કામ હતું. એટલે જ મેં તને બોલાવી હતી. " કેતન બોલ્યો.

" જી સર. હું વિચારીને જણાવું છું. " કહીને નીતા બહાર નીકળી ગઈ.

લગભગ દસેક દિવસ પછી નીતાનો વોટ્સએપ ઉપર ઈંગ્લીશમાં મેસેજ આવ્યો. - મેં વિચારી લીધું છે. તમે આગળ વાત કરી શકો છો. તમે એની ઈચ્છા સૌથી પહેલાં પૂછી લેજો. મારે પરાણે કોઈને હા નથી પડાવવી.

મેસેજ મળ્યા પછી કેતને પણ વળતો મેસેજ કર્યો. - તું મને આવતી કાલે ચાર વાગ્યે ઓફિસમાં મળી જા.

બીજા દિવસે સાંજે ચાર વાગ્યે નીતા સમય પ્રમાણે હાજર થઈ ગઈ

" તમે એક દિવસમાં એની સાથે વાત પણ કરી લીધી સર ? અને એણે હા પણ પાડી દીધી ?" નીતા મિસ્ત્રી આશ્ચર્યથી બોલી.

" નીતા નીતા... તને હું શું કહું ? કોઈ પણ માણસ એક દિવસમાં આટલો મોટો નિર્ણય લઈ લે ખરો ? એણે દિવસોના દિવસો સુધી તારા જ વિચારો કર્યા છે. તને પ્રપોઝ કરવાની એની હિંમત નથી. તું એને સારી રીતે ઓળખે જ છે. આપણી જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર જૈમિન મિસ્ત્રીએ તને પસંદ કરી છે." કેતન બોલ્યો.

" બિચારો બહુ સીધો છોકરો છે. રોજ તને જુએ છે અને નિઃસાસા નાખે છે. કહેવાની હિંમત ચાલતી નથી. એ તને પોતાના પ્રેમની વાત કરે અને તું સેન્ડલ ઉપાડે તો આખી હોસ્પિટલમાં એની ફજેતી થાય. બિચારો મારી પાસે દોડી આવ્યો. " કેતને વાત પૂરી કરી.

" શું તમે પણ સર મારી મજાક કરો છો !! " નીતા શરમાઈને બોલી.

" મજાક નથી કરતો નીતા. હું એકદમ સિરિયસ છું. જૈમિનની આંખોમાં તારા માટેનો પ્રેમ મેં જોયો છે. પણ એ એની લાગણીઓ તને અભિવ્યક્ત કરી શક્યો નહીં. એ બહુ મૂંઝાઈ ગયો એટલે મને મળવા આવ્યો. આપણા જૂના સંબંધો છે એની જાણ કોઈએ એને કરી એટલે એણે મને દિલની વાત કરી. મેં એના વિશે બધી તપાસ કરાવી લીધી. બસ હવે કન્યાદાન આપી દઉં એટલે હું છૂટો !!" કેતને હસીને કહ્યું.

નીતા કંઈ બોલી નહીં. શરમના શેરડા એના ચહેરા ઉપર પડ્યા. જૈમિન મિસ્ત્રી હેન્ડસમ હતો. ગોરો હતો. પાછો ડોક્ટર હતો. અને કેતન સર કોઇની ભલામણ એમનેમ ના કરે. એ પૂરતી તપાસ કર્યા પછી જ વાત કરે.-- નીતા વિચારી રહી.

" ઠીક છે સર... તમે આટલું બધું કહો છો તો મારી સંમતિ છે. તમે પોતે મારા મમ્મી-પપ્પાને વાત કરશો તો સારું લાગશે. " નીતા બોલી અને એણે વિદાય લીધી.

અને એ જ દિવસે સાંજે કેતન એની જૂની પટેલ કોલોનીમાં જશુભાઈ મિસ્ત્રીના ઘરે પહોંચી ગયો.

" અરે આવો આવો સાહેબ... આજે ઘણા સમયે આ કોલોનીમાં ભૂલા પડ્યા ?" આશ્ચર્ય પામીને જશુભાઈએ કેતનને સોફામાં બેસવાનું કહ્યું.

" બસ વડીલ ખાસ તમને જ મળવા આવ્યો છું. નીતા માટે મારી જ હોસ્પિટલનો એક ડોક્ટર પસંદ કર્યો છે. નીતા માટે બધી રીતે યોગ્ય છે. એ પણ મિસ્ત્રી છે. ઘર પણ સારું છે અને છોકરો પણ સારો છે. નીતાની પણ સંમતિ મને મળી ગઈ છે. બસ તમને વાત કરવી જરૂરી હતી એટલે આવ્યો છું. જલ્દી હવે નીતાના હાથ પીળા કરી દો. " કેતન બોલ્યો.

" અમારી બહુ મોટી ચિંતા આપે દૂર કરી સાહેબ. અમે તો નીતાની જ ચિંતામાં છીએ. પરણવાની જ ના પાડે છે. છોકરા જોવાની પણ ના પાડે છે. જવાન છોકરી છે અને જમાનો કેવો છે એ તો તમે જાણો જ છો. " જશુભાઈ બોલ્યા.

" એટલા માટે જ તમારી ચિંતા દૂર કરી દીધી. હવે હું જાઉં છું. તમે છોકરાના માતા-પિતાને મળો. હું નીતાના ફોનમાં જૈમિનના ઘરનું એડ્રેસ મેસેજ કરી દઉં છું. એકવાર તમે એના ઘરે જઈ આવો" કેતન બોલ્યો.

" ભલે સાહેબ.. અમે ચોક્કસ જઈશું. હવે તમે આવ્યા છો તો ચા પાણી પીતા જાઓ. મીઠું મોં તો કરવું જ પડે. "

" ફરી કોઈ વાર વડીલ... લગ્ન પ્રસંગે ચોક્કસ આવીશ. હું રજા લઉં. " કહીને કેતન બહાર નીકળી ગયો.

કેતન પટેલ કોલોનીમાં થી બહાર આવતો હતો ત્યારે જ નીતાએ કોલોનીમાં પ્રવેશ કર્યો. બંનેની નજરો મળી પરંતુ કેતન નીકળી ગયો.

કેતને ઘરે જઈને જૈમિન સાથે પણ વાત કરી લીધી કે નીતાએ હા પાડી છે.

" હું તને નીતાનો નંબર મેસેજ કરું છું. તારે જે લાગણીઓ વ્યક્ત કરવી હોય એ મેસેજમાં કરી દેજે. અને તારા ઘરનું એડ્રેસ પણ મોકલી દેજે જેથી એના મમ્મી પપ્પા તારા ઘરે નીતાની વાત લઈને આવે. અને ઘરે પણ કહી દેજે કે નીતાનું માગું સ્વીકારી લે. " કેતન બોલ્યો.

" જી જી... થેન્ક્યુ...થેંક્યુ સર ! ચોક્કસ ઘરે પણ કહી દઈશ. ખુબ ખુબ આભાર સર " જૈમિન મિસ્ત્રી આનંદથી ઉછળી પડ્યો.

" ઓલ ધ બેસ્ટ " કેતન બોલ્યો. ચાલો આ ઋણાનુબંધ પણ પૂરો થઈ ગયો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)