મેનીકવીન (પૂતળા) ને પહેરાવેલું ટી-શર્ટ જોઈને, આકર્ષિત થઈને ટ્રાય કરેલા ટી-શર્ટ વિશે સાથે આવેલાને "કેવું લાગે છે" પૂછીએ ત્યારે સાચો જવાબ આપવો એના માટે બહુ અઘરો થઇ પડે છે અને મોઘમ જવાબ આપવાની કળા દરેકના સ્કીલ સેટમાં નથી હોતી. એટલે ઘણે અંશે કફોડી સ્થિતિ લગભગ દર વખતે ઉભી થાય છે.
અરે પહેરનારને સુધ્ધાંને અંદરથી આપમેળે પણ છૂપો અવાજ બરાડા પાડી પાડીને કહેતો જ હોય છે ને કે "સાલું જોઈએ એવું જામતું નથી!!” મેનીકવીન પર પરફેક્ટ લાગતું મોંઘુ ટી-શર્ટ ખરીદીને પહેર્યાં પછી અરીસા પાસેથી મળતું "તું ફિટ નથી" નું વણમાંગ્યું પ્રમાણપત્ર બુદ્ધિને તો સ્વીકાર્ય હોય છે પણ મનને મંજુર નથી હોતું.
ફોટો પડાવતી વખતે, લગ્નમાં, પાર્ટીમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉંમરની સ્ત્રીની હાજરીમાં પેટ અંદર ખેંચી ખેંચીને, શ્વાસ રોકીને સ્લીમ દેખાવાનો સંઘર્ષ કરતાં (Men will be men you know!) ફાંદાળા વર્ગને નજર અંદાજ કરવું એ કદાચ માર્કેટિંગ સાઇકોલોજીની સૌથી મોટી ભૂલ હતી. અદભુત Blonde સૌંદર્ય ધરાવતી બાર્બી જેવી બાર્બીએ જો આફ્રિકામાં માર્કેટ સર કરવા શ્યામવર્ણી બાર્બીને ઈન્ટ્રોડ્યૂસ કરવી પડતી હોય તો આ ગુજરાતી ફિલ્મોની ઢમઢોલ સ્નેહલતાની પુરુષ આવૃત્તિઓને કેમ અવગણવી?
આમ પણ દુંદાળાપણા સાથે ભારતીયોનો નાતો તો સદીઓ નહીં બલ્કે યુગો જૂનો છે. ભારતીયોના તો ઉપર રહેલા વિઘ્નહર્તા દેવ ગણપતિદાદા પણ દુંદાળા હોય અને ધરતી પર રહેલા વિઘ્નહર્તા પોલીસદાદા પણ દુંદાળા હોય તો પછી કસ્ટમરદાદા દુંદાળા કેમ ના હોઈ શકે?
અરે રિદ્ધિ, સિદ્ધિ, કુબેર અને લક્ષ્મીજી જેવી ચાર ચાર મહાન વિભૂતિઓના પૂજનના પ્રતાપે ભારતીયોને તો બેન્ક બેલેન્સ પણ સ્લિમ એન ટ્રિમ નથી જોઈતું. એ પણ દુંદાળુ જોઈએ છે!
એટલે જો માર્કેટિંગમાં ડંકો વગાડવો હોય, માર્કેટ સર કરવું હોય, શૉ રૂમના રેકમાં બધે તમારી જ બ્રાન્ડ મુકેલી જોવી હોય અને તોતિંગ મોલવાળા એમના મેનીકવીનને તમારી બ્રાન્ડની જ ટી-શર્ટ/પ્રોડક્ટ પહેરાવે એવી ખેવના કે અભ્યર્થના કે ઈચ્છા કે એષ્ણા કે મહેચ્છા હોય તો કસ્ટમરના મનમાં "સાલુ કંઈ જામતું નથી" ને બદલે "આ મને બરાબર જામે છે" એવી ફીલિંગ્સ લાવવી પડે બોસ.
એના માટે “ફિટ મેનીકવીન” જે કસ્ટમર માટે અનફિટ છે તેને બદલે “અનફિટ મેનીકવીન” જે કસ્ટમર માટે સંપૂર્ણતઃ ફિટ છે એ મૂકવા પડે. એમાં કસ્ટમરને હીરો બતાવવો પડે, એમાં સાથે આવેલાએ "કેવો લાગુ છું" ના જવાબમાં ક્ષોભજનક સ્થિતિમાં ના મુકાવું પડે એવા સંજોગો ઉભા કરવા પડે. એમાં દુંદાળી ફાંદને બેદરકારીના પ્રતિક તરીકે પ્રોજેક્ટ કરવાને બદલે સમૃદ્ધિનું સર્વ સ્વીકાર્ય પ્રતિક સાબિત કરી બતાવવું પડે.
ટૂંકમાં કહીએ તો દરેક બિઝનેસમાં એક સમય તો એવો આવે જ કે જ્યારે યુ-ટર્ન લેવો પડે અને હમણાં સુધી બાકાત રાખેલા વંચિતને હવે પછી સંચિત કરવા પડે.
બિઝનેસ અને પ્રોડક્ટ ભલે આપણા સૌના અલગ અલગ હોય પણ માર્કેટિંગના બેઝિક ફન્ડા તો સરખાં જ રહેવાનાં. આપમેળે ઉગતા લીમડાના દાતણ ઇન્ટરનેટ પર ગ્રીન વૂડસ્ટિકના નામે અને મફતમાં મુકાતાં ગાયોના પોદળા ગ્રીન ઇન્ડિયન ફ્યુએલના નામે પેકેટમાં બંધ કરીને વેચાતા હોય તો આપમેળે વધેલી ફાંદનો વેપલો કરી લેવામાં જ શાણપણ છે.
આશિષ