Father in Gujarati Short Stories by Aarti Garval books and stories PDF | વડલો

Featured Books
Categories
Share

વડલો

લાલ રંગના સુંદર પાનેતરમાં આજે મધુ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા જણાઈ આવી. તેના ભરાવદાર હોઠ ને તો કોઈ લાલી ની જરૂર જ નહોતી અને લોકોની નજરથી બચાવવા માંએ દીકરીની આંખોમાં કાજલ ભરી આપી.સહેલીઓ તો આજે મધમાખીની જેમ મધુની આસપાસ ભમરાણી.

ગામ આખું આજે તો વિજુભા ના ઘેર ભેગું થયું. વિજુભા નો હરખ તો માંયે ન માતો, અને કેમ ના હોય હરખ પોતાની એકની એક દીકરી ગામના રાણા શેઠ ના ઘરે જે જવાની હતી.

વિજુભા ગામ નો સીધો સાદો માણસ.ગામના પાદરે જમીન ના નામે એક નાનો ટુકડો, જેમાં પાક ઉગાડી ને તે પોતાના પરિવારનું ભરણપોષણ કરતો .એકમાત્ર ચિંતા હતી દીકરીના લગ્નની....રાણા શેઠે મધુ સાથે પરણવાનું માંગુ મોકલાવી ને એ ચિંતા પણ પૂરી કરી દીધી.

રાણા શેઠનું આસપાસના બાર ગામમાં નામ ગુંજે. રાણા શેઠની પરવાનગી વિના ના તો ગામમાંથી કોઈ બહાર જઇ શકે કે ના તો બહારથી કોઈ ગામમાં આવી શકે. પંચાયતની સભા પણ તેની પરવાનગી વિના ભરવી અશક્ય હતી. ગામની એકદમ વચ્ચોવચ તેનો એક આલિશાન બંગલો.... અને બસ હવે મધુ બનવાની હતી આ બંગલાની શેઠાણી. મધુની માં તો ગામેગામ ફરી વળી -

"એ રમીલા, વિમળા મારી સોડી તે શેઠાણી બનવાની સે..."

નાચતો ગાતો ફટાકડાની આતશબાજી સાથે રાણો શેઠ ઘોડે ચડીને આવ્યો મધુના ઘર આંગણે....

"શેઠાણી.... અરે ચ્યોં ની શેઠાણી, વીજુભા પૈસા ભાળી ગ્યો એમ ક્યો ને! ની તો આ કુંમળી મધુ હારે વિજુભાને મળ્યો ને મળ્યો તે આ છપ્પન વરહનો ડોહો...."- ટોળામાંથી કોઇકે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું.

"એ આવી આવી.... જાન આવી....." - કરતી બધી સહેલીઓ બહાર જવા નીકળી.

ઓરડામાં એકલી બેઠેલી મધુની નજર ચારે તરફ દોડી રહી હતી.

માંએ હરખભેર ભરેલું કાજલ મધુની આંખમાંથી આંસુ લઈને સરકી ગયું. તેનું નમેલું માથું અને આંખોમાંથી સરતા આંસુ અને મનમાં અસહનીય વેદના સાથે મધુ ત્યાં બેઠી હતી.... રાહ જોઈ રહી હતી તે કે આજથી તેનું નવું જીવન શરૂ થાય છે કે..... હળવેકથી મધુ ઉભી થઇ અને બારી પાસે જઈને બહાર ડોકિયું કર્યું.

શેરવાની પહેરી ને રાણો ભૂખ્યા વાઘની જેમ મંડપ તરફ આગળ વધી રહ્યો હતો.... આ નજરએ મધુની આંખના આંસુ પણ સુકવી નાખ્યા..... તેના પગલાં પાછળ તરફ ધકેલવા લાગ્યા.... થોડી જ વારમાં તો મધુ પાછળની બારી માં થી કુદી અને બહારની તરફ ભાગવા લાગી..... મધુ ભાગી રહી હતી રાણા સેઠથી..... એની ભૂખી નજરથી....

મધુ ભાગી રહી હતી....ભાગી રહી હતી...તેના પગમાં કાંટા વાગી રહ્યા હતા..... તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું.....પણ આજીવન‌ એને જે દુઃખ થવાનું હતું એની સામે એને આ કાંટા વાગ્યા નો અહેસાસ પણ થતો નહોતો.... લોહીથી ખરડાયેલા તેના પગ કંકુ પગલાં જેવા નીશાન છોડી રહ્યા હતા.... અને મધુ પહોંચી જાય છે ગામની બહાર એક વડલા પાસે.....

આ એ જ વડલો છે જ્યાં મધુનું બાળપણ વીત્યું હતું. તેની સારી-ખરાબ બધી યાદો આ વડલા સાથે જોડાયેલી હતી અને આ જ વડલા એ મધુ ને આપી હતી તેની જીવનની અમૂલ્ય ભેટ....

કુંદન..... કુંદન...... કુંદન.......

આશા ભરેલા અવાજ સાથે તે કુંદનને સાદ‌ દેતી નજરો આમથી તેમ ફેરવી રહી હતી અને અચાનક રાતના અંધારામાં તેની નજર પડે છે એક પડછાયા પર જે તેની તરફ આગળ વધી રહ્યો હતો.... ધીમા..... થાકેલા....અને હતાશ પગલાં ધીમે ધીમે તેની નજીક આવી રહ્યા હતાં.....

એ પડછાયો હતો કુંદનનો..... મધુ કુંદન ને જોતા જ તેને ભેટી પડી અને બંનેની આંખોમાંથી વહેવા લાગ્યો આંસુનો દરિયો....

કુંદન મધુથી નીચલી જાતિનો હતો. અને તેમનો પ્રેમ ના તો ગામમાંથી કોઈ સમજી શકતું, નાતો તેમના પરિવારમાંથી. આથી જ્યારે મધુ ના લગ્ન રાણા શેઠ સાથે નક્કી થયા ત્યારે કુંદન પણ તેને રોકી ન શક્યો.

રાતની એ મધુર ચાંદનીમાં મધુ અને કુંદન એ જ વડલા નીચે બેસીને પોતાની યાદોને વાગોળી રહ્યા હતા.... અને બીજી તરફ રાણો શેઠ પોતાના સાથે થયેલા અપમાનની ધગધગતી જ્વાળા સાથે આખા ગામને લઈને મધુને શોધવા નીકળી પડ્યો હતો.

રાતના અંધારા ને અજવાળું આપતી મસાલ થી પણ વધારે ધગધગી રહ્યો હતો રાણા શેઠ નો ગુસ્સો.....

જોતજોતામાં તો રોણા શેઠ પહોંચી જાય છે ગામની પાદરે આવેલા એ જ વડલા પાસે, મસાલ સહેજ આગળ કરતા તેમની સામેનો નજારો જોઇને માત્ર રાણો શેઠ નહિ પરંતુ આખા ગામની આંખો સ્તબ્ધ થઈ ગઈ હતી....

ચાંદની રાત ના મીઠા અજવાળામાં... પ્રેમના પ્રતીક સમા જ એ વડલા પર લટકી રહી હતી કુંદન અને મધુ ની લાશ.....