Daughter ..! in Gujarati Short Stories by M. Soni books and stories PDF | દિકરી..!

The Author
Featured Books
Categories
Share

દિકરી..!

આજે આશિષ ખૂબ ખુશ હતો. ઘરે મોટી પાર્ટીનુ આયોજન કર્યું હતું. વહેલો ઊઠીને દોડાદોડી કરી રહ્યો હતો,

સવારના પહોરમાં બિલ્ડિંગ કોમ્પલેક્ષના સેક્રેટરી પાસેથી ટેરેસની ચાવી લઈને ડેકોરેશન વાળાને આપી દીધી હતી. ચાર બિલ્ડીંગની સંયુક્ત ટેરેસ હોવાથી જગ્યા વિશાળ હતી. મોંજીનીસમાં પત્ની અમી સાથે જઈને થ્રી સ્ટોરી કેકનો ઓર્ડર આપી આવ્યો હતો. બાળકોના મનોરંજન માટે બે જોકર અને એક જાદુગર બુક કરી લીધાં હતાં. ફુડ માટે શહેરના નામી કેટરર્સને ઓર્ડર આપ્યો હતો તેની સાથે પણ સવારથી ત્રણ વાર મેનુ ડિસ્કસ કરી ચૂક્યો હતો. ક્યાંય કોઈ કસર ન રહેવી જોઈએ, અને કસર રહે પણ શું કામ? આજે એની લાડકી દિકરી અદ્વૈતાનો પહેલો બર્થડે છે.

હજુ કંઇ બાકી તો નથી રહી જતુને એમ વિચારતા ડ્રોઇંગરૂમના સોફામા બેઠો હતો ત્યાં પાછળથી અમીનો અવાજ આવયો

તૈયાર થઇ જાવ ચાર વાગવા આવ્યા મહેમાન આવવા લાગશે પછી… “

આયાન અને આયાંશને તૈયાર કરી દીધાં? આશિષએ પુછ્યું

અરે એતો ક્યારના તૈયાર થઈને કેમેરા વાળા પાસે ફોટા પડાવી રહ્યા છેતમે ફટાફટ તૈયાર થાવ હવે કહીને અમીએ પતિના હાથમાં ટોવેલ પકડાવ્યો.

તું પણ બિલકુલ અપ્સરા લાગે છે, કોઈ ન કહે કે ત્રણ ત્રણ બાળકોની માં હશે.. એવી ને એવી છે જેવી પહેલા દિવસે જોઈ હતી.. આશિષએ ફ્લર્ટ કરતાં કહ્યું

જાવ હવે ગિઝર ચાલુ છે કહેતાં અમી પતિને પીઠ પાછળ પ્રેમથી ધક્કો મારતાં મારતાં છેક બાથરૂમના દરવાજા સુધી મૂકી આવી.

છ વાગ્યાથી મહેમાન આવવા લાગ્યા હતા. નાનો આયાંશ બિલ્ડીંગના હમઉમ્ર બાળકો જોડે જોકર્સ સાથે મસ્તી કરતો હતો. તો મોટો આયાન તેના બીજા ધોરણનાં સ્કૂલ ફ્રેન્ડસ્ તથા સગાંઓના બાળકો સાથે ધીંગામસ્તી કરી રહ્યો હતો.

નાનકડી બર્થડે ગર્લ અદ્વૈતા માટે ગુલાબના ફૂલોથી સજાવેલો સરસ મજાનો હિંડોળો બનાવવામાં આવ્યો હતો. હિંડોળાની નજીકમાં સામેની તરફ બેઠક બનનાવવામાં આવી હતી, જેના પર અમી અને આશિષ બેઠાં બેઠાં રેશમની દોરીથી અદ્વૈતાને હિંડોળે ઝુલાવી રહ્યા હતા.

બરાબર સાંજના ૭ વાગીને ૩૧ મિનિટે (જે અદ્વૈતાનો જન્મ સમય હતો) કેક કાપવામાં આવી. પછી જમણવાર ચાલ્યો, જમ્યા પછી જાદુગરે બાળકોને જાદુના ખેલ બતાવવા ચાલુ કર્યા. બીજી તરફ અમી-આશિષ મિત્રમંડળી સાથે વાતે ચડ્યા.

વાતમાંથી વાત નીકળતા આશિષના કલીગ અને મિત્ર એવા પ્રકાશે આઇસક્રીમ મમળાવતા-મમળાવતા આશિષને પુછ્યું :

એલા આશુ, હું તને છેલ્લા નવ દશ વર્ષથી ઓળખુ છું, તને નોકરીમાં બે મોટા મોટા પ્રમોશન મળ્યા, આયાન જનમ્યો, આવા સરસ એરિયામાં મસ્ત ઘર લીધું પછી આયાંશ આવ્યો આટ આટલા ખુશીના મોકા આવ્યા પણ તે કયારેય પાર્ટી ના આપી તો પછી આજે કેમ અચાનક આવડી મોટી પાર્ટી આપી? અને એ પણ દિકરીના જન્મદિવસે? એવું શું કારણ છે?

પ્રકાશનો સવાલ સાંભળી આશિષ ભુતકાળમાં સરવા લાગ્યો

બાર વર્ષ પહેલાનુ દ્રશ્ય જાણે હમણાં જ બન્યું હોય એમ ફિલ્મની જેમ આંખો સામે પસાર થવા લાગ્યું

કોલેજ પુરી કરીને આશિષ બે વર્ષથી વડોદરામા એક કંપનીમાં ક્લાર્કની પોસ્ટ પર નોકરીએ લાગ્યો હતો. ગામનો એક મિત્ર કોલેજમાં ભણતો હોવાથી એની સાથે પાર્ટનરશિપમાં ઓછા ભાડાની સિંગલ રૂમ રાખેલી. ટૂંકા પગાર છતાં ખૂબ મહેનત કરતો હોવાથી કંપનીના મેનેજર વસંતભાઇને આશિષ પ્રત્યે વિશેષ લગાવ હતો, વસંતભાઈ ઘણી વાર કંપનીના માલિકો પાસે આશિષના વખાણ કરતાં.

આશિષનું ગામ વડોદરાથી બહુ દૂર નહીં, લગભગ ૪૦-૪૫ કિ.મિ. થાય.

ગામમાં એના પપ્પા મનહરભાઇ નાનકડી કટલરીની દુકાન ચલાવતા એટલે કયારેક માલ લેવા વડોદરા આવતા તો કયારેક આશિષ ગામડે જઇ આવતો.

એક દિવસ પપ્પાએ આવીને કીધું દિકરા દાદાની તબિયત સારી નથી રહેતી અને તારા લગનનું રટણ લીધું છે, આપણા બાજુના ગામ કૃષ્ણગઢની એક છોકરી અમને નજરમાં વસી છે, તું જોઈ આવે અને ગમે તો આપણે વાત ચલાવીએ.

ઠીક છે હું આવતા રવિવારે આવીશ આશિષે કીધું.

આઠ દશ દિવસની રજા લઈને જ આવજે મનહરભાઇ બોલ્યા અંજળ હોયને તને છોકરી ગમી જાય તો સગાઇ કરી નાખીએ. મોડુ નથી કરવું.

રવિવારે આશિષ ગામડે ગયો બીજા દિવસે મમ્મી પપ્પા સાથે કૃષ્ણગઢ ગયો. અમીને જોતાંવેત આશિશના દિલમાં ઘંટડી વાગી, સામે પક્ષે અમીને પણ આશિષ ગમી ગયો. એકજ બેઠકે રૂપિયો શ્રીફળ અપાઈ ગયા.

બીજા દિવસે દાદાજીની તબિયત વધારે બગડતાં ડોક્ટરે કીધું હવે લાંબુ નહી ખેંચે. બે દિવસની અંદર ઘડિયા લગ્ન કરી લેવાનો નિર્ણય કરાયો અને શુક્રવારે લગ્ન થઈ ગયા.

પૌત્રની વહુ લાવવાની દાદાજીની ઈચ્છા પૂરી થઈ એટલે બીજી જ સવારે દાદાજીના આત્માને જાણે પરમ શાંતિ મળી હોય તેમ બધી મોહ માયા પાછળ મૂકીને મોક્ષ માર્ગે પ્રયાણ કર્યુ.

એક અઠવાડિયામાં ઘટનાઓ એટલી ફટાફટ બની ગઈ કે કોઈને કશુ સમજવાનો મોકો જ ના મળ્યો.

બીજા બધા તો ઠીક પણ નવદંપતી અમી આશિષને બે ઘડી સાથે રહેવાનો સમય ન મળ્યો.

શોકના દિવસો પુરા થતા અમી આણું વાળવા પિયર ગઈ.

અમી હવે પંદર દિવસે આવવાની હતી એટલે આશિષ મકાનની વ્યવસ્થા કરવા વડોદરા ગયો.

કામકાજની જગ્યાથી ચાલીને પહોંચાય એટલે દૂર એક રૂમ રસોડાની જગ્યા ભાડે રાખી.

કંપનીથી લોન લઈને થોડુ ફર્નિચર, ટીવી તથા ફ્રીજ વગેરે વસાવ્યુ એ બધા કામમા પંદર દિવસ નીકળી ગયા.

અમી પણ પિયરથી આવી ગઈ હતી.

અમીને આજે વડોદરાના નવા ઘરે લઇ આવ્યો. લગ્નના એક મહિના પછી આજે પહેલી વાર પતિ પત્ની શાંતિથી મળ્યા.

સાંજ થઇ, અમી બેડની તકિયા સાઈડ પીઠ ટેકવીને બેઠી છે આશિષ અમીના ખોળામાં માથું રાખીને સુતો છે.

આશિષના વાળમાં આંગળીઓના ટેરવાં ફેરવતા અમી બોલી શું વિચારો છો?

અમીનો હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી સહેલાવતા આશિશે કીધું : હું સમજુ છું કોઈપણ દંપતીના લગ્ન માટેના કેટલા બધા અરમાનો હોય છે, તારા પણ કેટલાયે સપના હશેલગ્ન પછી અહીં જશું, ત્યાં ફરીશુંઆપણે એ કશું તો નહીં કરી શકીએ પણ એક વાત છે મારા મનમાં તુ કહે તો બતાવું.

અમી: બોલો..

આપણે બે દિવસ સુધી અહીં ઘરમાં જ રહીએ. આ ઘર જ આપણું કશ્મીર સમજ તો કશ્મીર અને નૈનીતાલ સમજે તો નૈનીતાલ. પુરા અડતાળીસ કલાક આપણા વચ્ચે કોઈ નહીં, હું અને તુ બસ. આપણા મા બાપ પણ આવે તો આપણે દરવાજો નહીં ખોલવાનો બોલ મંજૂર છે?

અમી : હાં

બન્યું એવું કે સવારમાં આશિષનાં પપ્પાએ દરવાજો ખટકાવ્યો

હવે?

પતિ પત્ની બેઉ એકબીજા સામે જોઈ રહ્યાં. અમી બોલી ચાલો ખોલીએ.

આશિષ કહે નાયાદ કર આપણી શરત

દરવાજો ખુલ્યો નહીં એટલે આશિષનાં પપ્પા મનહરભાઇને લાગ્યું કે છોકરાઓ ક્યાંક ફરવા ગયા હશે, આમપણ મારી બસનો સમય થવા આવ્યો છે. એ તો નીકળી ગયા.

જાણે બેઉની પરિક્ષા થવાની હોય તેમ એકાદ કલાક થયો હશે ત્યાં ફરીથી દરવાજે ટકોરા પડ્યા બેઉ જણ હવે કોણ હશે એમ વિચારતા હતા ત્યાં અમીના પપ્પનો અવાજ સંભળાયો

અમી બેટા…. “

પતિ પત્નીએે એકબીજા સામે જોયું

ફરી પપ્પાનો સાદ… “બેટા અમી… .”

અને અમીની આંખ માંથી અશ્રુ ખરી પડ્યાં

પતિ સામે જોઈ રહીબોલી કે હું મારા પિતાને દરવાજે રાહ જોવરાવી નહીં શકુ.

આશિષ મલકાઈને પ્રેમથીગયો બોલ્યો જા પપ્પાને અંદર લઇ આવ

આશિષની વિચારતંદ્રા તોડવા પ્રકાશ ચપટી વગાડતા બોલયો એલા એ… . ક્યાં ખોવાઈ ગયો? મે તને પુછ્યું કે આજે આટલી ખુશી શાની? ક્યારેય નહીં ને આ દિકરીના જન્મદિવસે આટલી મોટી પાર્ટી કેમ?

આશિષ મુસ્કુરાતા બોલ્યો મારી દીકરી મને રાહ નહીં જોવરાવે એતો દરવાજો ખોલી નાખશે….

પ્રકાશ: હે! ? શું? કંઇ સમજાય તેવું બોલ

તારે ત્યાં દિકરી આવશે ને ત્યારે તું સમજી જઈશ અત્યારે તુ આઇસક્રીમ ખા કહીને પ્રકાશના હાથમાં વધુ એક કપ આઇસક્રીમ પકડાવી આશિષ અદ્વૈતાને રમાડવા ચાલ્યો .