લે. કેતન મોટલા ‘રઘુવંશી’
“એક ઘડી... આધી ઘડી...!”
સવારના દસ વાગ્યાના નિયત સમય મુજબ અભિજીતે કોમ્પલેક્સમાં પ્રવેશ કર્યો. કાર પાર્ક કરીને લિફ્ટ પાસે પહોંચે તે પહેલાં જ હૃદયના ડાબા ભાગમાં જોરદાર દુઃખાવો ઉપાડ્યો. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને એકાએક ચક્કર આવવા લાગ્યાં. બંને આંખોના ડોળા ઉંચા ચડવા લાગ્યા. બસ માત્ર ત્રીસ જ સેકન્ડમાં બેભાન થઈ પડી ગયો. આસપાસના લોકો તુરંત એકઠા થઇ ગયા. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અભિજિતને હોસ્પિટલ લઇ ગયા.
‘જુઓ મિ. અભિજીત, આપને હાઈ બી.પી. છે સાથે ડાયાબિટીસ પણ અને આજે એકાએક હૃદયરોગનો જોરદાર એટેક આવેલો હતો. આ તો સારું થયું તાત્કાલિક અહીં આવી ગયા નહીંતર...!’ ડોક્ટર મહેતા અભિજીતને એક પછી એક તકલીફ વિશે માહિતગાર કરતા બોલ્યા.
‘થેન્ક્યુ ડોક્ટર.’ અભિજીત ડોક્ટરને બે હાથ જોડી એટલું જ બોલી શક્યો.
પત્ની સુનીતા અને બંને સંતાનો હાજર હતા. ગામડેથી મોટાભાઈ અને ભાભી પણ દોડતા આવી ગયા હતા. અભિજીત મોટાભાઈ અને ભાભી ને જોઈ રડવા લાગ્યો. તેનું માથું શરમથી ઝૂકી ગયું પરંતુ કઈ બોલી ન શક્યો. માત્ર બે હાથ જોડી મનોમન નમન કર્યા. જવાબમાં મોટાભાઈએ આંખમાં આંસુ સાથે હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા.
રાત્રિના દસ થવા આવ્યા આસપાસનો કોલાહલ શાંત થયો. પોતાની રૂટિન વિઝીટ પતાવી ડોક્ટર મહેતા વોર્ડમાંથી નીકળી ગયા હતા. દર્દીને મળવા આવતા સ્વજનો પોતપોતાના ઘેર જતા રહ્યા હતા. હવે વોર્ડમાં માત્ર પેશન્ટ સિવાય કોઈ ન હતું.
હોસ્પિટલની નીરવ શાંતિમાં અભિજિત પથારીમાં પડ્યા પડ્યા આંખો બંધ કરી મનોમન વિચાર કરવા લાગ્યો કે આજે તો મૃત્યુ અને મારે એક જ વેતનું અંતર રહ્યું પરંતુ કદાચ આવતીકાલે હું નહિ હોઉં તો..? આ બધાનું શું થશે ? મારા બિઝનેસ કારોબારનું અને સંતાનોનું શું થશે..? મારા અધૂરા સપનાઓ અને ઇચ્છાઓ કેમ પૂરી થશે ?
હજુતો મારે દેશ-વિદેશ ફરવું છે, આરામથી હિલસ્ટેશન પર રજાઓ ગાળવી છે. પ્રકૃતિના સાનિધ્યમાં અલ્લડ થઈ રખડપટ્ટી કરવી છે. હજુ તો ઘણા કામ કરવાના બાકી છે. અરેરે ! મે કેટલાયે સ્વજનોની લાગણી દુભાવી છે. તે બધાની માફી પણ માંગી લેવી છે.
જુવાનીના જોશમાં પૈસા અને સત્તાના અહંકારમાં સગા સ્નેહી સ્વજનોને માન આપ્યું નથી. હું જ શ્રેષ્ઠ છું એવું માની કાયમ સામેવાળાને તુચ્છ ગણ્યા છે. કોઈનું કદી સાંભળ્યું જ નથી. મેં કાયમ મારી જાતને જ હોશિયાર માની છે સામે વાળા ને કદી તક આપી નથી. આખી જિંદગી મારો જ કક્કો ખરો કર્યો છે. તે વાત ગલત છે તેનો આજે અહેસાસ થાય છે.
ધર્માત્મા જેવા મારા મોટાભાઈ તેમને પણ અપમાનિત કર્યાં છે. તેમની સાચી વાત કે સાચી સલાહને કાયમ અવગણી તેમ છતાં આજે નાના ભાઇના દુઃખમાં સહભાગી થવા દોડતા આવી ગયા. તેમનું ઋણ હું કઈ રીતે ઉતારીશ..?
હાય.. રે ! હું કેવો નિષ્ઠુર કે પિતાતો નાનપણમાં દેવ થયા પરંતુ યુવાનીના નશામાં પ્રેમ અને કરુણાની મૂર્તિ સમાન માતાને સાચવી ના શક્યો. તેમની લાગણી અને માગણી પર ક્યારેય નજર નાખી નહિ. છેલ્લા વીસ વર્ષથી તેમની પાસે વીસ મિનિટ પણ બેસી શક્યો નથી. ખરેખર બહુ કમભાગી છું માં..! બની શકે તો તારા કપૂતને માફ કરી દેજે !
પત્ની સુનીતા અને બાળકો દર વર્ષે ફરવા જવાનો પ્લાન બનાવે અને છેલ્લી ઘડીએ હું બિઝનેસના કામમાં અટવાઇ જાઉં અને તેમને ના કહું બિચારા નિરાશ થઈને બેસી રહે. પૈસા કમાવાની ધૂન એવી રીતે ચડી કે ના કુટુંબ-પરિવાર કે ના સગા સ્નેહીઓ કોઈને ન્યાય આપી શક્યો નહિ.
ખરેખર દુનિયાની દૃષ્ટિએ હું એક સક્સેસફુલ બિઝનેસમેન છું. મોટામોટા ન્યુઝપેપર અને મેગેઝીન્સમાં મારા ઇન્ટરવ્યું છપાયા ચોમેર મારી પ્રશંશાઓ જ થઇ પરંતુ એ બધો દંભ જ હતો. લોકો ભલે મને સફળ માને પરંતુ મારી દ્રષ્ટિએ આઈ એમ ફેલ્યોર મેન.
‘હે પ્રભુ, આપ તો કરુણાનિધાન છો. આપ મુજ કમભાગી માનવી પર દયા કરી મને માત્ર એક વર્ષ વધારે જીવવાનું વરદાન આપો. હું આપને ખાતરી આપું છું કે આ એક વર્ષમાં સો વર્ષનું જીવી લઈશ. મારા અધૂરા રહેલ અરમાનો, ઈચ્છાઓ પૂરી કરીશ.’
‘હે વત્સ, તને પાંચ દાયકા આ પૃથ્વીપર સત્કર્મ કરવા માટે આપ્યા. તેમાં તારે બધું જીવી લેવાનું હતું પણ અતિ લોભ, લાલચ અને અહંકારમાં ન તો મને યાદ કાર્યો કે ના તો કોઈ માનવીનું ભલું કર્યું. ખેર તારી પ્રાર્થના સાંભળી અને વધારે એક વર્ષ જીવનનું વરદાન આપું છું..’’.
‘તથાસ્તુ...’
અભિજીતના કાનમાં આકાશવાણીના શબ્દો પડઘાયા... ધન્ય હો... પ્રભુ..! આપનો જયજયકાર હો...’
એક વર્ષમાં કેમ જીવવું, શું કરવું, ક્યાં જવું તેનો અભિજિત વિચાર કરવા લાગ્યો. હોસ્પિટલમાંથી જેવી રજા મળશે કે તરત મારા ગામ જઈ બચપણના જુના ભેરુ ભાઈબંધોને મળીશ અને સુખ દુઃખની વાતો કરીશ. જરૂરિયાતમંદ મિત્રોને મદદ કરીશ. મોટાભાઇ ભાભી માંના પગે પડી એમની માફી માંગી લઈશ અને કપટપૂર્વક પડાવી લેધેલ તેમના ભાગની મિલકત તેમના ચરણોમાં ધરી દઈશ. સૌ પરિવાર સાથે રહેશું. માં ના ખોળામાં માથું મૂકી છુટા દિલે રડી લઈશ. જયારે માં નો હાથ મારી માથે પડશે ત્યારે મારા બધા જ કષ્ટ દૂર થઈ જશે.
સુનીતા અને બાળકો સાથે ખૂબ હરિસ ફરીશ. હરિદ્વાર, અમરનાથ, ગંગોત્રી, યમનોત્રી, બદરીકેદારની યાત્રા કરીશ. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો આદર કરીશ. દેવસ્થાનોમાં દાન, દર્શન, પૂજાનો લાભ લઈશ. કંપનીમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને શિક્ષણ અપાવીશ અને કર્મચારીઓનો પગાર ડબલ કરીશ. તેમની જરૂરિયાતો પૂરી કરીશ અને તેમને ખૂબ રાજી રાખીશ.
ધર્મ, સાહિત્ય અને કલાજગતના પુસ્તકો વાંચીશ. યોગ, ધ્યાન અને પૂજ્ય સંતો મહંતો અને કથાકારોના વચનામૃતનો આનંદ લઈશ. ઘરે નિત્ય પૂજા-પાઠ, હોમ-હવન કરાવીશ. સમાજના જરૂરિયાતમંદ પરિવારોને અન્ન દાન, વસ્ત્રદાન અને શિક્ષણ તથા આરોગ્યમાં સંપત્તિ ખર્ચ કરીશ.
નબળાને આગળ લાવવા પ્રયત્ન કરીશ. મનપસંદ ફિલ્મો, લોક ડાયરા અને ક્લાસિકલ સંગીતનો આનંદ લઈશ અને આમ એક વર્ષમાં એટલું જીવીશ કે ૫૦ વર્ષની બંધિયાર થઇ ગયેલી જિંદગીને એક વર્ષમાં નિર્મળ જલની જેમ વહાવી જીવનનો ખરો આનંદ મેળવવા પૂરતો પ્રયાસ કરીશ. બસ પછીતો ના કોઈ પીડા, ના કોઈ અણગમો કે ના કોઈ એષણા બસ આનંદ જ આનંદ.... અને આમનેઆમ છેલ્લે સુખચેનથી હસતા હસતા મૃત્યુને પામીશ.
‘આઈ એમ સો સોરી મેડમ, મિસ્ટર અભિજીતને ગઈકાલે રાત્રે ઊંઘમાં જ ફરી જોરદાર એટેક આવી ગયો..’
‘હિ ઇઝ નો મોર...’
@@@@@@@ લે. કેતન મોટલા ‘રઘુવંશી’