મિત્રો આજે હું એક નવી જ સ્ટોરી લઈને આવ્યો છું. રોજિંદા જીવનમાં દરેક સ્ત્રી ક્યાંકને ક્યાંક કેટકેટલાય ઘાવ સહન કરે છે. ક્યાંક પરિવાર તરફથી, ક્યાંક સમાજ તરફથી, ક્યાંક પ્રેમના સકંજામાં ફસાઈને, તો પછી ક્યાંક પોતાના આત્મવિશ્વાશને ગુમાવીને, એક સ્ત્રી હમેશા આવી પરિસ્થિતિ સામે લડતી રહી છે. પણ ક્યાં સુધી આ અત્યાચારોને એ સહન કરશે? બસ તો એના જ જવાબો શોધતી એક સ્ત્રીની આ સાહસ અને અતૂટ વિશ્વાશથી ભરપૂર દાસ્તાન લઈને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ".
***********************************
શ્રધ્ધા પટેલ એટલે એક એવું નામ; કે જે ગાંધીનગર વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિ માટે ખુબ જ થોડા સમયમાં જાણીતું બની ગયું હતું. ફક્ત ૨૫ વર્ષની વયે શ્રધ્ધા એક એવી અશક્ય લડાઈ લડી રહી હતી, કે જેના થકી રાજ્યભરમાં તે પોતાનું આગવું સ્થાન મેળવી લે છે અને પોતાની એક અલગ છાપ ઉભી કરે છે.
આજે તેના પિતા બટુકભાઈ પટેલ અને માતા ગીતાબેન પટેલ ખૂબ જ ચિંતામાં હતા, કેમ કે આજે તેમની દિકરી શ્રધ્ધા પટેલના કેસનો ગાંધીનગર હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો. પરંતુ આજે તેના માતા-પિતાને પોતાની દીકરી પર ખુબ જ ગૌરવ પણ થાય છે. કેમ કે આજે સમાજમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં શ્રધ્ધાની હિમ્મત માટે બધા તેના વખાણ કરે છે.
શ્રધ્ધા અને તેના માતા-પિતા સમયસર ગાંધીનગર હાઈકોર્ટ પહોંચી જાય છે અને ત્યાં જઈને તે તેમના વકીલને મળે છે. પરંતુ ત્યાં તેમના વકીલ પાસેથી તેમને જાણવા મળે છે કે કેસની સુનાવણીનો સમય બપોર પછીનો રાખવામાં આવ્યો છે. એટલે તે બધા જ પાછા બહાર નીકળી જાય છે.
તે દિવસે બપોરે શ્રધ્ધા પટેલનું પર્સનલ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યું હતું. જેવી ન્યૂઝ ચેનલના મેનેજર મિસ્ટર દેસાઈને ખબર પડે છે કે સુનાવણી બપોરે છે, એટલે તે ઈન્ટરવ્યુ તાત્કાલિક ગોઠવવા માટે શ્રધ્ધાના પિતા બટુકભાઈ પાસે ફોન કરીને પરવાનગી લઈ લે છે.
બધા જ લોકોને તે જાણવાની ખૂબ જ આતુરતા હતી કે, આજે હાઈકોર્ટમાં શું ચુકાદો આવશે? પોતાના જીવનમાં આટલી કપરી પરિસ્થિતિનો સામનો કર્યા બાદ, પણ આજે તે પોતાના પગ પર ગર્વભેર અડગ ઉભી છે તેની પાછળ શું રહસ્ય છે? શું શ્રધ્ધાને ન્યાય મળશે કે નહીં?
ન્યૂઝ ચેનલવાળા ઇન્ટરવ્યૂ માટે બધી વ્યવસ્થા ચાલુ જ હતી. એટલામાં શ્રધ્ધા પટેલ પણ ત્યાં તેના પરિવાર સાથે આવી પહોંચે છે.
તે બધા ન્યૂઝ ચેનલ એજન્સીમાં બેસીને રાહ જુએ છે. એક ઓફિસ બોય બધા માટે એક ટ્રેમાં પાણી લઈને આવે છે.
ઓફિસ બોય: "તમે લોકો ચા લેશો કે કોફી?" પાણી આપીને તે બધાને પુછે છે.
શ્રધ્ધા અને તેના માતાપિતાએ તરત જ ના પાડતા કહ્યું: "ના ના, કશું જ નહીં"
એટલામાં જ ચેનલના મેનેજર મિસ્ટર દેસાઈ આવે છે અને ઓફિસ બોયને કહે છે: "અરે રવિ, તું ૩ ચા લઈને આવ, આ લોકો તો ના જ પાડશે. ચા પીવડાયા વગર તો એમને એમ થોડી જવા દેવાય." તે રવિ સામે જોઈને કહે છે.
શ્રધ્ધા અને માતાપિતા ઉભા થઇ જાય છે. મિસ્ટર દેસાઈ આવે છે અને તે લોકોની સાથે હાથ મિલાવે છે.
મિસ્ટર દેસાઈ: "હેલો, હું સતીશ દેસાઈ, આ ન્યુઝ ચેનલનો મેનેજર છું અને મેં જ નક્કી કર્યું છે કે મિસ શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ લેવાનું." તે ખુબ જ વિનમ્રતા સાથે પોતાનો પરિચય આપે છે.
શ્રધ્ધા: "થેક્યું, સર"
બટુકભાઈ: "અરે સર, તમારો ખુબ ખુબ આભાર, તમે આ રીતે મારી છોકરીને ઇન્ટરવ્યૂ માટે બોલાવી, આ અમારા માટે ખુબ જ ગર્વની વાત છે." તે ખુબ જ ગર્વ અનુભવે છે.
મિસ્ટર દેસાઈ: "અરે બટુકભાઈ, આ તો ખરેખર તમારા માટે ખુબ જ ગર્વની વાત છે કે તમારા ઘરે શ્રધ્ધા જેવી દીકરીનો જન્મ થયો છે. આજે કેટલાય ઘરની દીકરીઓ તમારી દીકરીને જોઈને ગર્વ અનુભવે છે. કેટલીય છોકરીઓ આજે પણ અત્યાચાર સામે લડી રહી છે અને આજે શ્રધ્ધાના ઇન્ટરવ્યૂ પછી મને પુરેપુરો વિશ્વાશ છે કે બીજી કેટલીય છોકરીઓ જે જીવનમાં એકલી પરિસ્થિતિ સામે લડી રહી છે, તેમને ખુબ જ હિમ્મત મળશે." તે ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહે છે.
શ્રધ્ધા: "આપ બિલકુલ ઠીક કહી રહ્યા છો, મારા જીવનનો હાલ એકમાત્ર ધ્યેય છે કે કોઈ પણ છોકરી પરિસ્થિતિથી હારીને જીવન ગુમાવવાનું ના વિચારે અને તે પરિસ્થિતિનો હિમ્મતથી સામનો કરતા શીખે." તેના અવાજમાં પણ ખુબ જ આત્મવિશ્વાસ અને ગર્વ છલકાઈ રહ્યું છે.
મિસ્ટર દેસાઈ: "સારું, તો તમે લોકો ફક્ત થોડી રાહ જોવો. હમણાં થોડી વારમાં જ અંદર બધી વ્યવસ્થા થઇ જશે, એટલે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવશે. મિસ ચંદ્રિકા તમારું ઇન્ટરવ્યૂ લેવાના છે."
શ્રધ્ધા: "સર, હું મિસ ચંદ્રિકાને મળી શકું છું?"
મિસ્ટર દેસાઈ: "હા, સ્યોર. કેમ નહીં. આ ડાબી બાજુથી બીજા નંબરના કેબિનમાં જ તે બેઠા હશે. તમે તેમને જઈને મળી શકો છો." તે હાથ વડે તે તરફ ઈશારો કરીને બતાવે છે.
શ્રધ્ધા: "થેંક્યુ,સર."
શ્રધ્ધા ત્યાંથી ઉભી થઈને મિસ ચંદ્રિકાના કેબીન તરફ જાય છે. તે કેબિનનો દરવાજો ખોલીને અંદર જોવે છે, તો ત્યાં જ સામે મિસ ચંદ્રિકા બેઠા ફોન ઉપર કોઈની સાથે વાત કરતા હોય છે અને તે શ્રધ્ધાને જોઈને તેને અંદર આવીને બેસવા માટે ઈશારો કરે છે.
શ્રધ્ધા અંદર આવીને બેસે છે. તે મિસ ચંદ્રિકાને જોઈ રહે છે, એકદમ જ યંગ અને ખુબસુરત છોકરી, તેના અવાજમાં ખુબ જ આત્મવિશ્વાશ હતો, આંખોમાં એક અલગ જ ચમક, એક વાર જોઈને જ કદાચ કોઈ પણ છોકરો તેના પ્રેમમાં પડી જાય એટલી સુંદર લાગતી હતી.
શ્રધ્ધાના જીવનમાં એવું તો શું થયું હતું? શ્રધ્ધાના કેસની સુનાવણીમાં શું થશે? શું શ્રધ્ધા આ ઇન્ટરવ્યૂમાં મિસ ચંદ્રિકાના સવાલોના જવાબ આપી શકશે? તેની કામિયાબી પાછળ કોનો હાથ હશે? શ્રધ્ધાએ તેના જીવનમાં કેટલી તકલીફો વેઠી હશે? તો શ્રધ્ધાના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની આ સાહસભરી વાર્તાને જાણવા માટે જોડાયેલા રહો આ સ્ટોરી "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ" સાથે.