"દીકરા ક્યાં સુધી જ્યોતિની પાછળ આમ રડ્યા કરીશ? તારી હાલત તો જો? જવા વાળી તો જતી રહી પણ શું તારી આવી હાલત જોઈને એની આત્માને શાંતિ મળશે? મે મારી દીકરી ગુમાવી છે, પણ હવે આપણે આગળ વધવું જ રહ્યું.
તું તો એના છેલ્લા સમયમાં એની સાથે હતો. પણ અમારું જો, અમે તો એને છેલ્લે મળી પણ ન શક્યા. કેટલા મહિનાથી એને જોઈ પણ નહોતી અમે."
"જોઈ નથી એટલે? શું કહ્યું તમે?", છેલ્લું વાક્ય સાંભળી અનુરાગના કાન ચમક્યા અને પોતાના આંસુ લૂછતો બોલ્યો.
"હા દીકરા તે ઘણા સમયથી અમને મળવા પણ ક્યાં આવી હતી. અમેતો એને મળવાની આશાએ બેઠા હતા ત્યાં એની વિદાયના સમાચાર મળ્યા, અમારી ઉપર શું વિતી રહી હશે?"
"પણ આવું કેવી રીતે શક્ય બને? જ્યોતિ તો છેલ્લે તમને થોડા દિવસ માટે મળવાજ તો અહીંથી નીકળી હતી. અને જે દિવસે તમને મળીને પાછી આવી તે દિવસે જ એની તબિયત બગડી હતી", હવે અનુરાગની ધડકન તેજ થઈ રહી હતી.
"ના, તે અમને તો ઘણા મહિનાઓથી મળી જ નથી", જ્યોતિના પિતા પણ હવે આશ્ચર્યમાં પડી ગયા.
"તો જ્યોતિ કોને મળવા ગઈ હતી અને કેમ? એવું શું હતુ કે તેને મારી પાસે આમ ખોટું બોલી જવુ પડ્યું", અનુરાગનુ મન થોડી વાર સુન્ન પડી ગયુ. કેટલાય સવાલ એના મનમાં ફરી રહ્યા હતા.
જ્યોતિની અચાનક તબિયત બગડવાનુ કારણ પણ તેના આ રહસ્ય સાથે તો ક્યાંક નથી જોડાયુને તેમ અનુરાગ વિચારી રહ્યો.
તે ઉભો થઈ ને હોસ્પિટલ જવા નીકળી ગયો. અને જ્યોતિના કરાયેલ રીપોર્ટસ જે એને જોવાનો અને સમજવાનો સમય મળે તે પહેલાજ જ્યોતિ મૃત્યુ પામી હતી તે શોધીને તપાસવા લાગ્યો. અને જ્યોતિના લીધેલ સેમ્પલ લઈને હોસ્પિટલની લેબમા જઈ બધી વસ્તુ તપાસવા લાગ્યો.
અને આખરે તેણે જે જાણ્યું તેનાથી તે પુરેપૂરો હચમચી ગયો.
જ્યોતિને એવુ રસાયણ આપવામાં આવ્યું હતું જેનાથી એના શરીરના એક એક ઓર્ગન ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય અને એનું મૃત્યુ થાય. અને તે રસાયણ આસાનીથી મળી શકે તેમ નહોતું તે સ્પેશિયલ લેબમાં કોઈ જાણકાર જ ઘણા બધા મિશ્રણથી બનાવી શકે તેમ હતુ. એટલે કોઈએ જાણી જોઈને જ્યોતિને તે રસાયણ પીવડાવીને મારી હતી. અને કોઈને શંકા ન જાય એટલે તે શરીરમાં પ્રવેશ થાય બાદ કલાકો પછી ધીમે ધીમે અસર કરવાનું શરૂ કરે એવુ હતું. માટે હવે જ્યોતિ ખોટું બોલીને જેને મળવા ગઈ હતી અનુરાગની શંકા તેના ઉપર જઈ અટકી. પણ એવુ કોણ જ્યોતિનું દુશ્મન હોઈ શકે તે અનુરાગ સમજી શકતો નહતો.
બીજી તરફ રાશિ ભાનમાં આવતા એની તબિયત સુધરે છે અને જ્યોતિના મૃત્યુથી બેખબર સુમેરસિંહ તેને જ્યોતિ અહી મળવા આવી હતી તે દરેક વાત જણાવે છે.
થોડાજ દિવસોમાં એકદમ સાજી થયા બાદ રાશિ પોતાની ડોકટરી ફરજ પર પરત ફરવાનો નિર્ધાર કરી વિલાસપુર જવા નીકળી જાય છે.
હોસ્પિટલમાં જતાજ મનોરથ પાસેથી જ્યોતિનુ કોઈ બીમારીથી થયેલ મૃત્યુના ખબર મળતાજ રાશિને ખૂબ દુઃખ થયું. અનુરાગ ઉપર શું વિતી હશે એમ વિચારતાં તે એને મળવા તેની કેબિન તરફ દોડી ગઈ અને અંદર જઈ સીધી તેને ભેટી રડી પડી.
"અનુરાગ, અચાનક જ્યોતિ ને...", રાશિ બોલવા જતી હતી ત્યાજ અનુરાગે એક ઝટકે રાશિને દૂર કરી દીધી.
અનુરાગની આંખોમાં ક્રોધ જોઈ રાશિ ડરીને બે ડગલાં પાછળ ખસી ગઈ.
"શું થયું અનુરાગ?", રાશિના હોઠ થથરી રહ્યા હતા, જાણે કોઈ ભયાનક તોફાન એના જીવનમાં આવી રહ્યાંનો આભાસ થઈ રહ્યો હતો.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)