"કેમ કે હું તને પ્રેમ કરું છું જ્યોતિ. હા હું તને પ્રેમ કરું છું. એની જાણ મને ત્યારે થઈ જ્યારે તને ખોઈ દેવાનો ડર મને લાગ્યો. હું તને પ્રેમ કરું છું અને તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું", તે સાથેજ અનુરાગ અને જ્યોતિની આંખોમાંથી વહેતા આંસુ સ્વરૂપે નિર્મળ પ્રેમનો એકરાર થઈ ગયો. બંનેને આમ જોઈ ત્યાં હાજર રહેલ જ્યોતિના માતાપિતા અને મનોરથ પણ ખુબજ ખુશ થયા.
મહેકતી વસંતની જેમ અનુરાગ અને જ્યોતિનો પ્રેમ ખીલી રહ્યો હતો. બંને એકબીજાની વધુ નજીક આવી એકબીજાને જાણી રહ્યા હતા. આખરે બંનેએ સગાઈ કરી પોતાના સંબંધને નામ આપવાનું નક્કી કર્યું.
હવાની થપાટથી બારી આગળ રહેલ અનુરાગ અને જ્યોતિની ફોટો ફ્રેમ ડાયરી ઉપર પડતા તેનું છેલ્લું પાનું તે ફ્રેમને અથડાતા, તેનાથી થતા ફરફર અવાજથી અનુરાગ વર્તમાનમા પાછો ફર્યો.
"તમારી દીકરી રાશિને આરામની જરૂર છે માટે એને આપેલ ઇન્જેક્શનની અસર સુધી તે હજુ ઘેનમા રહેશે. તે પુરેપૂરી ભાનમા આવે ત્યારબાદ જ એની સાચી પરિસ્થિતિ જાણી શકાશે", આઇસીયુ રૂમની બહાર ઊભેલા સુમેરસિંહના કાનમાં હજુ પણ ડોક્ટરની તે વાત ગુંજી રહી હતી.
રૂમના દરવાજાની નાનકડી કાચની બારીમાંથી તે પોતાની ફૂલ જેવી દીકરી રાશિના શરીરમાં ઠેક ઠેકાણે ખુંપેલી સોય નિસહાય બેબસ બની જોઈ રહ્યા. આખરે રાશિની આ હાલત પાછળ પણ તે ખુદ જવાબદાર હતા.
તે કાચની બારી ઉપર પોતાનો કૃષ હાથ ફેરવતા જાણે સુમેરસિંહ પોતાની દીકરીને વ્હાલ કરી રહ્યા.
"મને માફ કરી દેજે દીકરી. તને અહી સુધી પહોંચાડવા બદલ હું મારી જાતને ક્યારે માફ નહિ કરી શકું", બબડતા સુમેરસિંહ ત્યાજ પડેલ બાંકડે બેસી ભૂતકાળમા ખોવાઈ ગયા.
પોતાની દીકરીના છેલ્લા વર્ષનું પરિણામ આવતાની સાથે હવે તે ડોક્ટર બની જવાની હતી. પિતા તરીકે એમનુ માથું ગર્વથી ઊંચું થવાનુ હતુ. માટેજ સુમેરસિંહ પોતાની વહાલી દીકરીને સરપ્રાઈઝ આપવા એક દિવસ પહેલાજ એની હોસ્ટેલ જવા નીકળે છે. ત્યા પહોંચતા સુધીમાં સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. સુમેરસિંહની નજર ત્યાં એક મોડ ઉપર રાશિ સાથે ઉભેલા કોઇ છોકરા ઉપર પડી. સુમેરસિંહ અને એના માણસો થોડી વાર દૂર ગાડી ઊભી રાખી તે બન્નેને જોઈ રહ્યા. થોડી મિનિટ એમજ પસાર થઈ ગઈ. ત્યારબાદ રાશિ અને પેલો યુવક એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. પણ પોતાની દીકરીના કદમોમાં રહેલ હિચકિચાહટ અને પેલા છોકરાથી દૂર થવાનુ દુઃખ તેના ચહેરા પર જોઈ, રાશિના મનના ભાવ જમાનાના જાણકાર એવા સુમેરસિંહ સારી રીતે કળી ગયા હતા. અને એક નિર્ધાર કરી એમણે પોતાના માણસોને ગાડી હોસ્ટેલ તરફ વળવાની જગ્યાએ શહેરની જ કોઈ હોટેલમા લઈ જવા સૂચના કરી.
સવારે ઉઠતાની સાથેજ રાશિએ પોતાના મોબાઈલમા અનુરાગે દરિયાકિનારે મળવા માટે કરેલ મેસેજ વાંચી ઉછળી પડી. તે અનુરાગને ફોન કરવા જઈ રહી હતી ત્યાજ એનો દરવાજો કોઈએ ખખડાવતા ઊભી થઈ તેણે દરવાજો ખોલ્યો. પણ સામે પોતાના પિતા અને એમના માણસો ઉભેલા હતા. એમને આમ અચાનક આવેલા જોઈ ઘડીભર શુ કરવુ તેને સમજાયુ નહી.
"દીકરી તારા પિતાને અંદર આવવા માટે પણ નહિ કહે?", એટલુ બોલતા સુમેરસિંહ રાશિને ખસેડતા રૂમમા પ્રવેશ્યા અને તેની બેગ પેક કરવા લાગ્યા.
"પિતાજી તમે આ શુ કરો છો? મારી બેગ કેમ પેક કરો છો?", પોતાના પિતાનુ આવુ વર્તન રાશિ માટે સમજ બહાર હતુ.
"તારુ પરિણામ લઈને સીધા આપણે ગામ જવા નીકળવાનું છે. અને હા આજથી બે દિવસ બાદ તારા લગ્ન મારા જમીનદાર મિત્રના દીકરા સાથે નક્કી કરવામા આવ્યા છે. અચાનક બધુ નક્કી થયુ. અને તને ખબર છે ને તારા પિતાને ના સાંભળવાની કે કોઈ સવાલોના જવાબ આપવાની આદત નથી, માટે હવે કઈ પણ પૂછ્યા વગર તૈયાર થઈ જા જલ્દી".
પોતાના પિતાજીને સારી રીતે ઓળખતી રાશિ પાસે લાચાર બની એમની દરેક વાત અનુસરવા સિવાય કોઈ છૂટકો નહોતો. એમની સાથે આવેલ માણસોને જોઈ, જો પોતાના પ્રેમ વિશે કોઈ પણ વાત કરશે તો તેનાથી અનુરાગ ઉપર ખતરો ઉભો થઇ શકે એમ હતો. માટે તે ચૂપચાપ એમની સાથે ગામ જવા નીકળી ગઈ.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)