એક દિવસ હોસ્પિટલમાં દોડધામ મચી હતી. ૫૦ કિલોમીટર દૂર આવેલ વિલાસપુર ગામમાંથી કોઈ ૧૯ વર્ષની મહિલાને પ્રેગ્નન્સીના ઉપચાર માટે લાવવામાં આવી હતી. તે કેસ અનુરાગને સોંપવામાં આવ્યો. પણ પ્રેગ્નન્સી દરમિયાન કરેલ અણઘડ ઉપચારને કારણે એની અને બાળકની ખૂબ ખરાબ હાલત હતી. તાત્કાલિક એનું ઓપરેશન કરવામાં આવ્યું પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. ગામથી અહી હોસ્પિટલ લાવતા સુધી તેનું ઇન્ટર્નલ બ્લિડિંગ ઘણું બધું થઈ ગયું હતું. બાળકને તો બચાવી લેવામાં આવ્યું પણ તે સ્ત્રીને ન બચાવી શક્યા.
તે સ્ત્રીની સાથે સારવાર માટે એના ઘણા બધા સંબંધીઓ પણ આવ્યા હતા. તે ગામના મુખીના છોકરાની વહુ હતી. તે લોકોએ હોસ્પિટલમાં હંગામો મચાવી દીધો. પોલીસને બોલાવી માંડ માંડ પરિસ્થિતિ થાળે પાડવામાં આવી. પણ અનુરાગને એક વાત સમજાઈ નહોતી રહી કે તે લોકોની ફરિયાદ પેલી સ્ત્રીના મૃત્યુની નહિ પણ જન્મેલ બાળકીને કારણે હતો. તે લોકોને પાક્કો વિશ્વાસ હતો કે એમને ત્યાં છોકરો જ જન્મી શકે છોકરી નહિ. બીજા લોકો તો ઠીક પણ તે સ્ત્રીના પતિને પણ પોતાની પત્નીના મૃત્યુનું દુઃખ નહોતું. બધાને બસ દુઃખ હતું તો છોકરાની જગ્યાએ છોકરી જન્મ્યાનું.
આ બધી ધાંધલ ધમાલમાં અનુરાગનું ધ્યાન રૂમની બહાર બેઠેલ એક આધેડ વયની સ્ત્રી ઉપર પડ્યું. જે ઘણા સમયથી ત્યાં બેસીને રડી રહી હતી. એમની ઉંમર જોઈ લાગણી થઈ આવતા અનુરાગ એમની પાસે ગયો.
"જુઓ માજી, છોકરા છોકરીનો જન્મ થવો એતો ઉપરવાળાના હાથમાં છે. એમાં આપણે કશું કરી શકીએ નહિ." અનુરાગ એમને સાંત્વના આપતા બોલ્યો.
"દીકરા, હું બધાની જેમ એટલે નથી દુઃખી કે છોકરો ન આવ્યો, હું એટલે દુઃખી છું કે એક મા હોવા છતાં હું મારી લાડકવાયી દીકરીને ન બચાવી શકી. અને તે પછી અનુરાગે એના મોઢે જે આપવીતી સંભાળી એનું હૃદય હચમચી ગયું. વાત એમ હતી કે...
શહેરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલ વિલાસપુર ગામના મુખીના છોકરાના લગ્ન નાની ઉંમરની છોકરી સાથે કરી દેવામાં આવ્યા હતા. લગ્નના થોડા વર્ષોમાં જ એની પત્ની ઉપર બાળક પેદા કરવા માટે દબાણ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. હજુ જે ખુદ બાળક જેવી હતી એને શું સમજ પડે પતિ પત્નીના સંસાર અને જીવનની. જેમ તેમ કરી તે બધું સહન કરી રહી હતી. એના સાસરી વાળાએ ધીરે ધીરે એના ઉપર દોરા ધાગા, બાધા આખડી રાખવા માટે દબાણ કરવાનું શરુ કર્યું. બાકી હતું ત્યાં ગામના અણઘડ ઊંટવૈદું કરતા અને ભૂવાઓ પાસે પણ એનો ઉપચાર કરાવવામાં આવ્યો. આખરે જ્યારે એને સારા દિવસોના એંધાણ રહ્યા ત્યારે પણ છોકરો થાય તે માટે એના ઉપર તંત્રમંત્ર કરવામાં આવ્યા હતા અને તેના કારણેજ એની હાલત બગડી હતી. વળી ગામમાં કોઈ હોસ્પિટલ ન હોવાના કારણે એને સમયસર સારવાર મળી શકી નહિ અને દૂર શહેરની હોસ્પિટલમાં લાવતા સુધી એની હાલત વધારે ખરાબ થઈ ગઈ.
એક લાચાર માનાં મુખે એની દીકરીની આવી હાલત સંભાળી અનુરાગ પુરેપુરો હચમચી ગયો અને હવે તે ગામમાં કોઈને આમ સમયસર સારવાર મળવામાં મુશ્કેલી ન પડે તે માટે ત્યાંજ જઈ હોસ્પિટલ શરૂ કરી લોકોની સારવાર કરવાનું નક્કી કર્યું.
કોલેજના ડીનની મદદથી વિલાસપુરની બંધ પડેલ સરકારી હોસ્પિટલ ફરીથી શરૂ કરવા માટે પરવાનગી પણ તેણે મેળવી લીધી.
જ્યારે અનુરાગે વિલાસપુરમાં પ્રથમ પગ મૂક્યો ત્યારેજ તેને ગામના લોકો અને એમની માનસિકતાનો પરિચય એની સરકારી ગાડી ઉપર પથ્થરમારા ઉપરથી થઈ ગયો હતો. ગામની સરકારી હોસ્પિટલની હાલત પણ ત્યાંના બંધ પડેલ ભૂતિયા સરકારી શાળા જેવીજ હતી, નામ માત્ર. ત્યા ન તો કોઈ ડોક્ટર ટકી શકતા ન શિક્ષક. ગામમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાને કારણે લોકો અંધશ્રદ્ધા અને ઊંટવૈદા તરફ વળ્યા હતા.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)