આખરે પૂરા ૪ વર્ષો બાદ એના શરીરમાં કોઈ ચેતનાના અણસાર થયા હતા.
ડોક્ટર અને નર્સ જ્યારે આઇસીયુના તે સ્પેશિયલ રૂમમાં પહોંચ્યા ત્યારે એની પલ્સ રેટ સુધરી રહી હતી. ડોક્ટરે સૂચવેલ ઇન્જેક્શન આપતી નર્સ પણ ચાર વર્ષોથી અચેતન રહેલ શરીરમાં હલચલ જોઈ આંખોમાં બાઝેલ ખુશીના આંસુ સાથે એની તરફ જોઈ રહી.
ઇન્જેક્શનની અસર થતાં ધીરે ધીરે એના શરીરમાં સળવળાટ થયો. એના હોઠ ફફડી રહ્યા હતા. જાણે તે કશુંક બોલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, અને ધીરેથી પણ ખુબજ ઊંડેથી આવતી એક ચીસ એના હોઠે આવી અટકી ગઈ.
એના પગ ખૂબ થાકી ગયા હતા. જાણે કેટલાય દિવસોથી તે બસ અવિરત ચાલી રહી હતી. એને ક્યાં જવું હતું એને કંઈ ખબર નહોતી.
દૂર દરિયાની ક્ષિતિજે દેખાતો કોઈ પડછાયો જે અસ્તાચળ થતાં સૂરજના સોનેરી કિરણોથી ઝળકી રહ્યો હતો, તે અજાણ્યા પડછાયાને પકડવા તે દોરવાતી ભાગી રહી હતી પણ તે ક્ષિતિજ એનાથી દૂર અને દૂર જઈ રહી હતી. બંને જાણે એકબીજા સાથે પકડા પકડી રમી રહ્યા હતા. અને ડૂબતા સૂરજની સાથે ધીરે ધીરે તે પડછાયો અંધકારમાં વિલીન થઈ જતો હતો. છતાં પણ તે પડછાયાને પકડી લેવા અફાટ અંધકારમાં અહી તહી અથડાતી અફળાતી રહી. એના કાનોમાં ફક્ત દરિયાનો ઘુઘવાટ અથડાયા કરતો અને સાથે દરિયા કિનારાની માટીમાં ખુંપતા પગમાં રહેલ ભીનાશનો અહેસાસ પામતી રહી.
અચાનક તે પડછાયો એની તરફ આવતો દેખાયો. તે જેમ જેમ નજીક આવતો ગયો તેનો ધૂંધળો ચહેરો જાણે એની સામે આવવા પ્રયત્ન કરવા લાગ્યો. તે હવે એક ક્ષણ પણ પોતાની જાતને રોકવા નહોતી માંગતી. દોડીને તેને પકડવા માટે એના કદમો આતુર થઈ રહ્યા. પણ દરિયાની રેતી ધીરે ધીરે વંટોળની જેમ ઉડવા લાગી અને સાંકળમાં પરાવર્તિત થઈ એના હાથ અને પગમાં જડાઈ ગઈ.
તે ખૂબ મથામણ કરી રહી પણ તે સાંકળોની જકડ ખૂબ મજબૂત હતી. પેલો પડછાયો હવે એની ખૂબ નજીક આવી રહ્યો હતો, ત્યારે જ કોઈ હાથ દરિયામાંથી બહાર આવતાં દેખાયા અને પેલા પડછાયાને પોતાની તરફ ખેંચી લઈ જવા લાગ્યા. એ હાથમાં કોઈ વસ્તુ ચમકી રહી હતી.
એક તરફ રેતીની તે સાંકળો હવે એના પૂરા શરીર ફરતે ભરડો લઈ રહી હતી. તે આંખો ખોલવા પ્રયત્ન કરવા લાગી પણ તેના પોપચાં ઉપર રેતીના ઢગલા છવાઈ રહ્યા હતા. તેનો અવાજ ઘણા પ્રયત્ન છતાં તેના ગળાની બહાર નહોતો નીકળી શકતો.તેણે હતું એટલું જોર લગાવ્યું અને એક તીણી ચીસ એના મોમાંથી સરી પડી "અનુરાગ".
"અનુરાગ...., જેવી એણે એન્ગેજમેન્ટ રીંગ જ્યોતિની આંગળીમાં પહેરાવી આ પરિચિત અવાજ અને શબ્દો અનુરાગના કાનોમાં ગુંજી ઉઠ્યા. તેની તીવ્રતા એટલી ઊંડી હતીકે જાણે હમણાં એના કાનના પડદા ફાટી જશે એવું એને લાગી રહ્યું અને ફૂલ એસી ચાલુ હોવા છતાં તે આખો પસીનાથી રેબઝેબ થઈ ગયો, અને સાથેજ માથું પકડી પાછળ રહેલ ખુરશી ઉપર ફસડાઈ પડ્યો.
અનુરાગને આમ પડતા જોઈ જ્યોતિએ એને તરત સંભાળી લીધો અને બધા લોકો એની આસપાસ જમાં થઈ ગયા. પાણી પીવડાવતા તે થોડી વારમાં સ્વસ્થ થયો.
"અચાનક શું થયું તને અનુરાગ" જ્યોતિ ચિંતિત થતાં બોલી.
"કંઈ નહિ આતો ભાગદોડના કારણે થયું હશે. હું હવે એકદમ સ્વસ્થ છું", પોતાને સંભાળતા અનુરાગ પરિસ્થિતિ હળવી કરવા બોલ્યો.
તો ચાલો હવે એન્ગેજમેન્ટની વિધિ આગળ શરૂ કરીએ, કે પછી તારો વિચાર ફરી તો નથી ગયો ને, અનુરાગ?" જ્યોતિના પિતા ટીખળ કરતા બોલ્યા અને અનુરાગ સહિત ત્યાં હાજર સૌ હસી પડ્યા.
વિધિ આગળ શરૂ થતાં જ્યોતિએ પણ અનુરાગને રીંગ પહેરાવી દીધી, અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યો. પણ સમગ્ર ફંકશન દરમિયાન પેલો અવાજ અનુરાગના કાનોમાં ગુંજતો રહ્યો.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)