પ્રિય દોસ્ત,
એક દિવસ રાત્રે હું ચાલવા નીકળ્યો ત્યારે ખબર પડી કે આપણે ભોજન કરીને પચાવવા ચાલીએ છીએ ત્યારે કેટલાય લોકો એવા હોય છે જેમને આખો દિવસ દોડભાગ કર્યા પછી પણ ભોજન મળી શક્યું હોતું નથી. અમારા મહાનગરની એક ગલીમાં મેં એક પરિવારને જોયો. તેમનો બે-ત્રણ વર્ષનો દીકરો રડતો હતો. રાત્રિના સમયમાં એ અવાજ વધુ દૂર સુધી સંભળાતો હતો. આવતા- જતા વાહનોના અવાજમાં તેના ચાલકોને એ સંભળાય ના એ સ્વાભાવિક હતું. પરંતુ એ બાળકના રડવાનો અવાજ છેક મારા અંતર સુધી સ્પર્શી ગયો. પહેલાં મને થયું કે એ બાળક કોઇ બીમારીને કારણે રડતું હશે. મેં નજીક જઇને જોયું તો પતિ-પત્ની એને છાનો રાખવાનો પ્રયત્ન કરવા સાથે પાણી પીવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ બાળક ગ્લાસને હાથથી ધક્કો મારીને દૂર ખસેડી રહ્યું હતું. મેં માહિતી જાણી ત્યારે ખબર પડી કે પતિ-પત્ની મજૂરીનું કામ કરે છે. આ નાનકડો પરિવર ઓવરબ્રીજ નીચે એક તૂટેલા પાઇપમાં નિવાસ કરે છે. તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકને કોઇ બીમારી નથી. આજે શેઠ તરફથી મજૂરીના પૈસા મળ્યા ન હતા એટલે તે ભોજનની સામગ્રીનો પ્રબંધ કરી શક્યા ન હતા. શેઠ પાસે છૂટ્ટા રૂપિયા ન હોવાથી એણે બીજા દિવસે સાથે મજૂરી ચૂકવવાનું જણાવ્યું હતું. પરંતુ એમને ખબર ન હતી કે એમના માટે પરચૂરણ પૈસા ગણાય છે એનાથી કોઇ પરિવારનો ચૂલો સળગે છે. ગઇકાલના થોડા ચોખા વધ્યા હતા એ બાફીને મહિલાએ પોતાના બાળકને ખવડાવ્યા હતા. એ તેને ઓછા પડ્યા હતા. બંને પતિ-પત્ની ભૂખ્યા જ હતા.
આ દ્રશ્ય જોઇને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં ખિસ્સામાંથી એકસોની નોટ કાઢીને આપતાં કહ્યું કે એના માટે કંઇક ખાવાનું લઇ આવો. બંને એકબીજાની સામે જોઇ રહ્યા. પછી જાણે એમનો કોઇ નિયમ હોય એમ પૈસા લેવાની ના પાડી. તેઓ અણહકના, મફતના પૈસા લેતા ન હતા. મેં છેલ્લે એવો રસ્તો કાઢ્યો કે આવતીકાલે મારા બંગલાના પાછળના ભાગમાંથી ઘાસ વગેરે સાથે કચરો દૂર કરીને સાફસફાઇ કરી આપવાની એટલે આ પૈસા વસૂલ થઇ જશે. ત્યારે એમણે રૂપિયા હાથમાં લીધા અને બાળક માટે ભોજન લેવા ગયા. બીજા દિવસે એ પ્રામાણિક દંપતી મજૂરીએથી આવીને મારા બંગલાના બગીચામાં સાફસૂફી કરીને ગયું. એમણે ભીખમાં ભોજન લેવાને બદલે મહેનતથી લીધું એ મને વધારે ગમ્યું.
એ રાતનો અનુભવ મારા મનમાં એમના માટે કંઇક કરવાનો વિચાર રોપી ગયો હતો. લાંબો વિચાર કર્યા પછી મને ભોજનનું એટીએમ મૂકવાનું સૂઝ્યું. એમના વિસ્તારમાં મેં ભોજન મૂકાવવાની વ્યવસ્થા કરાવી. આસપસના બંગલાના માલિકોને આ વિશે જાણ કરી કે તમારા ઘરમાં જે ભોજન વધે અને એ ચોખ્ખું હોય તો કબાટ જેવા એટીએમમાં મૂકી આવવાનું. ભોજનનો સદઉપયોગ થશે અને ભૂખ્યાનો જઠરાગ્નિ ઠરશે. એ પછી જ્યારે પણ હું રાત્રે ચાલવા નીકળું છું ત્યારે મારા ગરીબ દેશવાસીઓ ભૂખ્યા સૂઇ ગયા નથી એ જોઇને મને ભોજન કર્યા પછી જે સંતોષ થાય છે એનાથી આ સંતોષ અનેકગણો વધારે લાગે છે. મારો અનુભવ તને જણાવ્યો છે. આ સાથે મારી વિનંતી છે કે તું પણ તારા વિસ્તારમાં આવા જરૂરિયાતમંદ લોકોને શોધીને એમના ભોજનની વ્યવસ્થા કરીશ તો એક અનોખો સંતોષ પામીશ. ભૂખ્યા રહીને ભજન થઈ શકતું નથી તો કામકાજ તો કેવી રીતે કરી શકાય ખરું ને? અને ભૂખ્યાની આંતરડી ઠારવા જેવું બીજું કોઈ પુણ્ય કાર્ય નથી. આપણે ત્યાં ભૂખ્યાને ભોજન કરાવવાનું મહાત્મ્ય આદિકાળથી ચાલ્યું આવે છે. એ પરંપરાને આપણે આગળ ધપાવવાની છે. મને આશા છે કે તું અન્ય મિત્રોને પણ ભૂખ્યાના ભેરુ બનવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીશ. ગરીબની આંતરડી ઠારવાથી દિલને જે સંતોષ અને આનંદ મળે છે એની તોલે બીજું કંઈ આવી શકે નહીં.
તારો જિગરી દોસ્ત