એનું નામ કુન્દન !
એ આવતી સ્મિતથી મલકતું વદન અને જવાનીના જોશથી છલકતા જામ જેવું બદન લઈને ! હું ઓફિસના દરવાજાની આરપાર
એને જોતો.એની બેઠક મેં મારી ઓફિસમાંથી મને દેખાય એવી રીતે ગોઠવી હતી.એ મારી સામે જ બેસતી.ઓફિસનું કામ થયા કરતું ને વારે વારે મારી નજર જાણે એને જોતાં ધરાતી જ નહિ. આખો દિવસ અનેક વખત એનું સ્મિત ઢોળાતું રહેતું ને હું ભીંજાતો રહેતો.ક્યારેક એ મને ઘડીક તાકી રહેતી ત્યારે હું જાણે કે ચકડોળના ઉપર ગયેલા પલ્લામાંથી એકદમ નીચે ઝીંકાતો.
ઓગણીસ વર્ષની યુવાનીના ઉંબરે હજી તો એ આવીને ઊભી હતી.એને પહેલીવાર જોઈ ત્યારે જ દિલમાં વસી ગઈ હતી.જાણે એ અચાનક વરસવા લાગેલી વાદળી, ને હું તપ્ત ધરા, જાણે યુગોની તરસથી મારા દિલની ધરામાં તિરાડો પડીને અનેક ચોસલાઓમાં વહેંચાઈ ગઈ હતી.એ આવી એવી જ કંઈ વરસવા લાગી નહોતી.એના મનનું આકાશ તો કદાચ સાવ કોરું હતું.
મેં જ મેસેજની શરૂઆત કરી હતી. નોકરી માટેની અરજીમાંથી નંબર લઈને મેં કુન્દનને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો હતો પણ એણે રીપ્લાય આપ્યો નહોતો.કદાચ એને ખબર નહોતી કે ગુડ મોર્નિંગનો મેસેજ મેં મોકલ્યો હતો.એ દિવસે કુન્દન ઓફીસ આવી ત્યારે મેં કંઈક અમસ્તું જ બહાનું કાઢીને મારી કેબિનમાં બોલાવી હતી.
"ગુડ મોર્નિંગ સર." એના મીઠા અવાજનો રણકાર મને ગમ્યો.
"વેરી ગુડ મોર્નિંગ.કોઈ ગુડ મોર્નિંગ કહે એ ગમે ?'' મેં સ્મિત વેરીને કહ્યું હતું.
"હા કેમ નહિ, ગુડ મોર્નિંગ કહી કરવામાં આવતું અભિવાદન તો ગમે જ ને !" મીઠું મલકીને કુન્દને કહ્યું હતું.
"તો રીપ્લાય આપવો જોઈએ કે નહીં ?" હું એની આંખોમાં તાકી રહ્યો.
થોડીવાર એ કંઈ સમજી નહિ. પછી કદાચ એને લાઈટ થઈ હતી કે ફોનમાં આવેલો ગુડ મોર્નિંગનો મેસેજ કરનાર વ્યક્તિ એની સામે બેઠો હતો.
એ પળવાર મને તાકી રહી.મારી આ હરક્તનો આશય એ સમજી ગઈ હતી.કંપનીના માલિક એની કર્મચારીને ગુડ મોર્નિંગ કરે તો શું કામ કરે ? બાવીસ વર્ષની યુવતીની સમજ એટલી તો પરિપક્વ થઈ જ જતી હોય કે ઓફિસમાં એની જેવી માછલીને ફસાવવા મારા જેવા માછીમારો જાળ બિછાવતા હોય છે.
''સર શું કામ હતું ?" કહી એ નીચું જોઈ ગઈ.
હું ઘડીભર એને તાકી રહ્યો. એક ફાઈલ ખોલીને કેટલીક વિગતો એને સમજાવી.એણે ફાઈલ લઈને પૂંઠ ફેરવી.એણે રીંગ મારીને બાંધેલા વાળનો ચોટલો ઝાટકા સાથે ઉલળ્યો એ જોઈને મારી ધડકન વધી ગઈ.
'સોરી કુન્દન, મારો એવો કોઈ બદઈરાદો નથી.." મેં એકદમ નરમાશથી કહ્યું.
એણે એકદમ પાછું ફરીને મારી આંખોમાં જોયું, "બધાને મેસેજ કરો છો કે મને એકલીને જ ?"
"તને એકલીને જ, અને જીવનમાં પહેલીવાર અને કદાચ છેલ્લીવાર." મેં એની વીંધી નાંખતી નજર ન જીરવાતા નજર વાળી લેતા કહ્યું.
કશું જ બોલ્યા વગર એ જતી રહી.હું પણ નિરાશ થઈને કામે વળગ્યો.ઘણા દિવસો એમ જ વીતી ગયા.કુન્દન નામનું બીજ મારા દિલની ધરામાં વવાઈ ગયું હતું.એને હું જોયા કરતો. એના રૂપને આંખોથી પીતો રહેતો.એ મને નથી મળવાની એમ માનવાની મારુ દિલ ના પાડતું હતું.
થોડા દિવસો પછી ફરી મેં ગુડ મોર્નિંગ કર્યું. એનો કોઈ જવાબ આવ્યો નહિ.તે દિવસે ઓફિસમાં એની આંખોમાં અણગમો વાંચીને હું ફરી નિરાશ થયો.
હવે એના નામનું બીજ મારે મારા દિલની ધરતીમાંથી ઉવેખી નાખવું જોઈએ એમ મને લાગ્યું.મેં એને 'સોરી'નો મેસેજ મોકલ્યો.
મારો મેસેજ વાંચીને એ તરત મારી કેબિનમાં આવી.
"શા માટે તમે મારામાં રસ લઈ રહ્યા છો ? હું તમને પ્રેમ કરું એવી તમારી ઈચ્છા છે ને ? કદાચ મારી જગ્યાએ બીજી કોઈ રૂપાળી છોકરી હોત તો તમે એને પટાવવા ગુડ મોર્નિંગથી શરૂઆત કરેત. પુરુષ તો ભમરો કહેવાય. કોઈપણ તાજુ ખીલેલું પુષ્પ એને આકર્ષી શકે છે."
"કેટલાક પુષ્પો એવા હોય છે કે જેની પાંદડીઓમાં પુરાઈ જવું ભમરાને ગમતું હોય છે,પછી ભલે જીવ જતો રહે."
મારો જવાબ સાંભળી એ મને તાકી રહી.પછી જવાબ આપ્યા વગર જ એ અવળું ફરીને ચાલતી થઈ.હું એને જતા જોઈ રહ્યોં.
મારા દિલમાં એના નામનું બીજ હવે અંકુરિત થવા લાગ્યું હતું.
તે દિવસે જ મેં એની બેઠક મને દેખાય એ રીતે ગોઠવી હતી.હવે એને આખો દિવસ જોઈ શકતો હતો.પણ એની નજર તો કામમાં જ ખુંપેલી રહેતી.મારા દિલમાં ચાલતો રઘવાટ એ જાણતી હતી, પણ હું વધુ પડતા ચેનચાળા કરતો નહોતો એની એને નિરાંત હતી.
હું પણ એની રાહ જોઈ રહ્યો હતો.એક દિવસ એ પીગળશે, એના જીવનના બાગમાં એક દિવસ જરૂર વસંત આવશે એવી આશા હું પંપાળી રહ્યો હતો.
એમાં આ વેલેન્ટાઈન ડે આવ્યો. કુન્દનને ગુલાબનું ફૂલ આપીને પ્રપોઝ કરવાનું મને મન થયું પણ મારી પોસ્ટ મને આડે આવતી હતી.હું કંપનીનો માલિક એક કર્મચારીને કેવી રીતે પ્રપોઝ કરું ? વાંધો ખાલી આટલો જ નહોતો.હું તો પરણેલો હતો અને મને બેસુમાર પ્રેમ કરવાવાળી પત્ની પણ હતી અને અમારા પ્રેમના પ્રતીક સમો નાનકડો પ્રતીક પણ ! તોય હું કુન્દન પ્રત્યે આકર્ષાયો હતો.જગતમાં આવું કંઈ પહેલીવાર તો નહોતું બની રહ્યું. કંઈ કેટલાય પુરુષોને પત્ની ઉપરાંત પ્રેમિકા હોય છે, હું એ રાહ પર હતો.પત્ની હોવા છતાં બીજી સ્ત્રીને પ્રેમ કરવો એ તો પોતાના સંસારમાં પલિતો ચાંપવાનું જ કામ કહેવાય,આના પરિણામો ક્યારેય સારા આવ્યા જ નથી એ હું ભલીભાંતી જાણતો હોવા છતાં સળગતું પકડવાની કોશિશ કરી રહ્યો હતો.
કુન્દન કહેતી હતી એમ જ એ મારી ભ્રમરવૃત્તિ જ હતી.હું ભલે સુંદર શબ્દોની જાળ બિછાવું પણ કુન્દન બધું સમજતી હતી.
મેં માલિક કર્મચારીની મર્યાદામાં મીંડું મૂકીને કુન્દનને ઓફિસમાં બોલાવી.એ આવીને ઉભી રહી. મેં ટેબલના ખાનામાંથી ગુલાબનું ફૂલ કાઢીને એના તરફ લંબાવ્યું,
"હેપ્પી વેલેન્ટાઈન ડે ડિયર કુન્દન.આઈ લવ યુ..ડુ યુ વિલ બી માય વેલેન્ટાઈન ?''
મારા આશ્ચર્ય વચ્ચે સ્મિત વેરીને એણે એ ગુલાબનું ફૂલ લઈ લીધું.મારી ખુશીનો કોઈ પાર રહ્યો નહિ.હું ઉઠીને એને ભેટવા અને એના મધુર હોઠ ચૂમવા ઉતાવળો થયો.
"તો તમે નહિ સુધારો એમ ને ? ઉભા થવાની જરૂર નથી.પહેલા મારી એક વાતનો જવાબ આપો. તમે મને પ્રેમ કરો છો કે મારા શરીરને ?"
હું અવાચક બનીને એને તાકી રહ્યો.
"બોલો..ઓ...? કેમ ચૂપ થઈ ગયા.તમારી વાસના સંતોષવાનું એક સાધન બનાવવા માંગો છો કે સાચે જ મને પ્રેમ કરો છો ?"
"કુન્દન..હું તને ચાહું છું.માત્ર તને જ..તારા શરીરની મને કોઈ જરૂર નથી.પણ તું શરીરથી અલગ નથી એટલે શરીરને પણ ચાહું જ છું."
મેં ગોળ ગોળ જવાબ આપ્યો.
'તમે જાણો છો કે તમેં જુઠ્ઠું બોલો છો.તમારી જાતને તમે છેતરી રહ્યા છો અને મને પણ.હું કઈ રીતે તમારી લાઇફમાં સેટ થઈ શકીશ એ સમજાવો તમે મને."
"તું કહીશ તો હું તારી સાથે મેરેજ કરીશ, મારી પત્નીને છુટાછેડા આપી દઈશ."મારી અંદરથી કોક મને પૂછ્યા વગર જ બોલ્યું.
"અચ્છા ? એટલો બધો પ્રેમ કરો છો ? તો પછી તમારી પત્ની અને બાળકનું શું ?"
"હું એને જે જોઈએ તે બધું જ આપીશ.હું એને પણ પ્રેમ કરું છું.તને વાંધો ન હોય તો આપણે બધા સાથે રહીશું.."
હું જે કહી રહ્યો હતો એ વાતનું મને પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું.હું આ બોલી રહ્યો હતો હું ? સુમનને તો હું સ્વપ્નમાં પણ ત્યાગી ન શકું.
અને મારો પ્રતીક મને જીવથી પણ વ્હાલો હતો.
"સર, એક મ્યાનમાં બે તલવારો ન રહી શકે.તમે જે માર્ગે જવા માંગો છો અને મને પણ લઈ જવા માંગો છો એ માર્ગ કાંટાળો જ નહીં અનેક ઊંડી ખીણોથી ભરેલો છે. તમે હું કે આપની પત્ની કોઈ સુખી થઈ નહિ શકીએ.ત્રિકોણના ત્રણેય ખૂણા ક્યારેય ભેગા થઈ શકે નહિ; એટલે પ્લીઝ તમે આંખ ખોલો અને પાછા વળી જાવ.આજે તમને હું ગમવા લાગી છું, મારા માટે તમે સુમનજીને અન્યાય કરી રહ્યા છો.થોડા દિવસ પછી કોઈ નવી આવશે ઓફિસમાં એટલે મને ખસેડીને એને લઈ આવશો. તમે એ ભમરો નથી કે જે એક જ પુષ્પની પાંદડીથી તૃપ્ત થાય.આનો કોઈ અંત નથી, એટલે શરૂઆત જ ન કરો તો સારું.જો તમે મને સાચે જ પ્રેમ કરતા હોવ તો લો આ ગુલાબનું ફૂલ પાછું લઈ લો અને જઈને મારી સુમનદીદીને આપી આવો." કહી એ સડસડાટ મારી કેબિન અને મારા દિલમાંથી નીકળીને ચાલી ગઈ.
મારા દિલમાં ઉગેલો કુન્દન નામનો છોડ પણ એ ખેંચતી ગઈ. હું તરત મારા મેનેજરને ખાસ કામે બહાર જવાનું કહીને ઉપડ્યો ઘેર !
ઓફિસના બારણે પહોંચીને પાછું વળીને મેં કુન્દન તરફ જોયું.એક મસ્ત સ્માઈલ આપીને એને અંગૂઠો ઊંચો કરીને હોઠ ફફડાવ્યા
'હેપ્પી વેલેન્ટાઈન ડે સર....!'