આગલા દિવસની ભાગદોડનો થાક ઉતારી મુંબઈ શહેર સૂરજની પહેલી કિરણ ધરતી ઉપર પડે તે પહેલા જાગીને ફરીથી દોડતું થયું હતું. પોતાના સપનાઓને પકડવા ભાગી રહેલ હજારો કદમોની સાથે ભળતાં બે પગ આજે જાણે હવામાં ઉડી રહ્યા હતા.
સમયસર નોકરી માટેના ઇન્ટરવ્યુ સ્થળ પર પહોંચવા માટે ધરાનું મન ખુશી અને ઉચાટ મિશ્રિત લાગણીઓમાં ભાગી રહ્યું હતું. જો આ નોકરી મળી જાય તો તેના હાલકડોલક પરિવારની નાવ થોડીઘણી સ્થિર થઈ શકે તેમ હતી. આ નોકરી ધરા અને તેના પરિવાર માટે ખૂબજ જરૂરી હતી, માટે ધરા ઘણી કોશિશ પછી મળેલ આ તકને ગુમાવવા માંગતી નહોતી. જો આ ટ્રેન છૂટી ગઈ તો ધરાનાં હાથમાંથી નોકરી મળ્યા પહેલા જ છૂટી જવાની હતી.
ફક્ત થોડી ક્ષણો ઊભી રહેલી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. તેને પકડવા ઝડપથી ભાગતી ધરાના અધીરા કદમો પ્લેટફોર્મના દાદર ઉતરતા એક બે વાર ગોથું પણ ખાઈ ગયા, છતાં તેની દરકાર કર્યા વિના તે ભાગતી રહી. આખરે શરૂ થઈ ગયેલ ટ્રેનના એક ડબ્બામાં ચડવાનો પ્રયત્ન કરવા જતાં ધરાનો પગ ફરી ગોથું ખાઈ ગયો અને એજ ઘડી બે હાથોની પકડે તેને ડબ્બાની અંદર ખેંચી લીધી.
"અરે આવી બેદરકારી રખાતી હશે? જો એક ક્ષણ પણ ચૂક થઈ હોત તો તું ઉપર પહોંચી ગઈ હોત." પળભરમાં પોતાનું મોત સામે જોઇને બેશુદ્ધ જેવી બની ગયેલ ધરાના કાનોમાં સુમધુર અવાજ પ્રવેશતા તે થોડી હોશમાં આવી.
ધરાની સામે તેનો જીવ બચાવનાર છોકરી ઊભી હતી. જેવો મધુર તેનો અવાજ હતો તેનાથી પણ વધારે તે સુંદર લાગી રહી હતી.
"મારું આ ટ્રેન પકડવું પણ એટલું જ જરૂરી હતું જેટલું મારા માટે જીવવું જરૂરી છે. પણ તમે મારી પરિસ્થિતિ નહિ સમજી શકો, આજે કદાચ મારા જીવનનું સૌથી મોટું સપનું પૂરું થઈ શકે એમ છે", એટલું બોલી ધરા પેલી છોકરીની સામે જોઈ રહી.
"આ મુંબઈ શહેર છે, અહી લોકો પોતાના સપનાઓ પુરા કરવાની ભાગદોડમાં અજાણતાં જ પોતાનું જીવન હોડમાં લગાવી દે છે. અને જ્યારે સપનાઓ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે જીવનનું મૂલ્ય શું છે તે મારા કરતાં વધારે કોઈ નહિ સમજી શકે." આટલું બોલીને પેલી છોકરી હળવી મુસ્કાન સાથે ધરા સામે જોઈ રહી.
તે છોકરીની આંખો જાણે પોતાને કઈ કહેવા માંગતી હોય એવું ધરાને લાગી રહ્યું હતું. તેની સાથે કેમ એક અલગ અનુભૂતિ થઈ રહી છે તે ધરાને સમજાતું નહોતું. ધરા આગળ કઈ કહે તે પહેલા એ છોકરી તેનાથી દૂર જતી રહી અને ધરા તેને રોકી પણ ન શકી.
થોડા કલાકો બાદ***
"મિસ ધરા, આ નોકરી મળી તે માટે કોંગ્રેચ્યુંલેશન. મારું નામ રશ્મિ છે. હું આ ઓફિસમાં તમારી સિનિયર છું અને તમારે મારા હાથ નીચે કામ કરવાનું રહેશે. તમને જાણ હશે જ કે અમારે આ પોસ્ટ માટે માણસની તત્કાલીત જરૂરિયાત હોવાથી કાલથી જ તમારે કામ શરૂ કરી દેવાનું છે. ચાલો હું તમને તમારી કેબિનમાં લઈ જઈ બધું સમજાવી દઉં જેથી કાલથી તમને કામ કરવામાં સરળતા રહે", આટલું બોલતા રશ્મિ ધરાને એક કેબિન તરફ દોરી ગઈ.
"તો આ રહી તમારી કેબિન અને બાજુવાળી કેબિનમાં હું બેસું છું", હોઠો પર મુસ્કાન સાથે કેબીનનો દરવાજો ખોલતા રશ્મિ બોલી.
પોતાનું સપનું આખરે આજે પૂરું થઈ ગયું, એમ વિચારતી ધરા પોતાની કેબિનમાં ફરીને બધું જોઈ રહી હતી ત્યાંજ તેની નજર પોતાના ટેબલ ઉપર મુકેલ ફોટો ફ્રેમ ઉપર પડી.
"એજ સુંદર ચહેરો, એજ મુસ્કાન, પણ આ ફોટોમાં દેખાતી તેની આંખો કઈ અલગ કહી રહી હતી", ધરા તે ફોટો ફ્રેમ હાથમાં ઉઠાવી વિચારી રહી.
"આ ફોટો મનાલી દવેનો છે, તમારી જગ્યા ઉપર પહેલા એજ કામ કરતી હતી. ખુબજ સરસ, મોજીલી અને મળતાવડી છોકરી હતી.
અઠવાડિયા પહેલા જ ઓફિસથી ઘરે જતા તેનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. અને જુઓતો કિસ્મત પણ અજીબ રમત રમી ગઈ આ ભલી છોકરી જોડે. જે દિવસે તેનો અકસ્માત થયો તેના બીજા દિવસથી જ તે લગ્નની રજા ઉપર જવાની હતી. તે દિવસે એ ખુબજ ખુશ હતી. અને ખુશ પણ કેમ ન હોય, નાનપણથી જેની સાથે લગ્ન કરવાના સપનાઓ જોતી હતી તેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી. આખી ઓફિસમાં પોતાના લગ્નની કંકોત્રી આપીને તે જ્યારે ઘર તરફ જવા નીકળી ત્યારે કોઈને ખ્યાલ પણ નહોતો કે જે શરીર ઉપર લગ્નની પીઠી ચોળવામાં આવવાની હતી તે રાખમાં ભળવાનું હતું", આટલું બોલતા જ રશ્મિનો અવાજ ભીનો થઈ ગયો.
રશ્મિ આગળ કઈ બોલે તે પહેલાં જ ધરાનાં કદમો રેલ્વેસ્ટેશનનાં પેલા પ્લેટફોર્મ પર પહોંચવા અધીરા બનતાં ઓફિસની બહાર નીકળી ગયા તેનો ખુદ ધરાને પણ ખ્યાલ ન રહ્યો.
✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)