તું મારું દિલ,
તું મારો આત્મા,
તારી સાથે હું હમેશા,
તું મારો દીકરો,
તું જ મારી દુનિયા,
તું જ્યાં રહે, એ જ ઘર.
આરવના દિલ દિમાગમાં સર્વત્ર ચેમ્પનું જ રાજ હતું. એના કણકણમાં સમાયેલો હતો. દરેક શ્વાસમાં વસતો દીકરો. આંખોનો તારો હતો.એનાથી જ જિંદગી જીવાય રહી હતી, અનેક ઊલઝનોમાંથી પસાર થઈને. સમય ક્યારે એક્સરખો નથી રહેતો, એમાં ઉતાર ચડાવ પણ જરૂરી છે.
ડેડી, હું મોટો થઈને વિદેશ ભણવા જઈશ તો તમે શું કરશો એકલાં?
અરે!!! હું તારી સાથે આવીશ. હું એકલો ના રહી શકું તારા વગર. તું જ્યાં વસે ત્યાં જ મારું ઘર.
ડેડી, હું તો તમારા દિલમાં રહું છું, એજ તો મારું ઘર છે. તમે કહો છો ને તું મેરા દિલ...
ચેમ્પ, એના ડેડી ને ખૂબ સારી રીતે ઓળખતો, છુપાઈને આંસુ સારતા રંગે હાથ પકડયો છે. મારી બીમારીને કારણે ડેડી વધારે અપસેટ રહે છે, તે કારણે દુ:ખી રહેતો હતો પણ એ શું કરી શકે ??? ભગવાનજીને પ્રાર્થના કરતો મારાં ડેડીનું ધ્યાન રાખજો.
સમય ધીરે ધીરે ચાલે તો ક્યારેક ઝડપથી. આજે સવારથી બેચેની અનુભવતો હતો આરવ. દિલમાં ખૂબ મુંજારો થતો હતો. ઘડી ઘડી આંખમાં ભીનાશ આવી જતી હતી. આરવ વિચારતો કે હું વધારે પડતો ઈમોશનલ છું એટલે મારી સાથે આ થઈ રહ્યું છે.
આયુષની તબિયત આજે ફરીથી વધારે બગડી. તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો. જલ્દી જલ્દી ટ્રીટમેંટ ચાલુ કરી દીધી, ડૉક્ટર બરાબર તપાસીને આરવને કહી રહ્યા હતાં, ચિંતાનું કોઇ કારણ નથી, હમણાં સ્વસ્થ થઈ જશે. આયુષ ડેડી ડેડી જ બોલતો રહેતો હતો. આરવે ક્હ્યું પણ ડૉક્ટર....
પિતા અને ડૉક્ટરની હાજરીમાં જ આયુષને હાર્ટએટેક આવ્યો, જીવલેણ નીવડ્યો, ઘણી ટ્રીટમેંટ આપી પણ હાર્ટ ચાલુ થયું જ નહીં. ફાની દુનિયા અને ડેડી ને એકલાં મૂકી ચાલી નીકળ્યો.
આરવનું આક્રંદ હોસ્પિટલ ધ્રુજાવી ગયું. હોસ્પિટલ માટે તો રોજની વાત હતી, છતાં દરેકની આંખો ભીની હતી. બાર કલાકમાં તો પિતા પુત્રનો પ્રેમ સૌની આંખોમાં વસી ગયો હતો. અરરર, નાનકડો બાળક હજી તો દુનિયા પણ જોઈ નહોતી. એને કોઈનું શું બગડ્યું હતું? હે ઇશ્વર, કેમ તને દયા ના આવી?
આરવતો બધી સુધબુધ ખોઈ બેઠો હતો. મગજ એનું બહેર મારી ગયું હતું. કોઈના શબ્દો એના કાનમાં જતા નહોતા. આંખોમાં શ્રાવણ ભાદરવો રોકાતો ન્હોતો. આંખોમાં સામે ધૂંધળું જ દેખાતું હતું. મોં બે પગમાં નાંખીને બેઠો બેઠો આયુષને જ જોતો હતો. એનું દિલ જ છોડીને જઈ ચૂક્યું હતું તો ધબકાર ક્યાથી હોય. શરીરના કણો મૃતપાય થયા હતા. શરીરમાંથી જાન ચાલી ગઈ હતી...
આયુષની પાછળની વિધિ માટે માંડ માંડ મનાયો. ક્યો બાપ દીકરાને અગ્નિદાહ આપી શકે? દીકરાના ખભા ઉપર હું જઈશ એવી દરેક બાપની ઇચ્છા હોય આ તો વિરુધ્ધ થઈ રહ્યું હતું. એની આંખોનો તારો પંચમહાભૂતમાં વિલીન થતો જોયો. આનાથી જીવનની કઈ મોટી ભયાનકતા ગણવી. યંત્રવત આરવ બધું કરતો ચાલ્યો.
દિલમાંથી એક અવાજ આવી, તારાં ચેમ્પ વગર શું કરીશ હવે? કેવી રીતે જીવીશ? આરવ એટલો કાચા મનનો ન્હોતો કે એની પાછળ પોતે પણ જિંદગી ટૂંકાવી દે. ઇશ્વર જીવનમાં મારી પાસે કસોટી માંગે છે તો હું આપીશ. મોટી કસોટીમાં તો હું હારી ગયો. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હું મારાં ચેમ્પ ને મારામાં લઈને ફરીશ.
આયુષના અસ્થિનો ટુકડો પ્રેમ પૂર્વક હાથમાં લીધો. પોતાનામાં સમાવવા મંજિલ તરફ ચાલી નીકળ્યો..
મારામાં સમાયેલો તું,
તને હું કદી ના ભુલાવું,
સમાયો નસનસમાં તું,
છુપાયો મારા દિલમાં તું.
મારું અસ્તિત્વ તારામાં સમાયેલુ. તું જ મારી દુનિયા. તારા વગર જગ સુનું લાગે, દિલમાં ભર્યો અંધકાર. જીવન થયું ભેંકાર.
મારા જીવન કેરી લાકડી તૂટી, કોનો હાથ પકડું, ગયો ખભાનો સહારો, ડગમગ નાવ અટકી, નથી આવતી લહેરો કિનારે, સંગત ગઈ અટકી. મન નથી ભીંજાતું, આદતો વહી ગઈ દુર,
નૂર ગયું વાત્સલ્યનું, દિલમાં ધરબેલુ શું?
આયુષના અસ્થિને જતનપૂર્વક લઈને ચાલ્યો ટેટૂની દુકાનમાં. આરવે ક્હ્યું મારે ટેટૂ કરાવાના છે,પણ એક શરત છે, ટેટૂ કરવાનું જે મિશ્રણ હોય એમાં આ અસ્થિનો પાવડર નાખવાનો. અરે !!! આરવ આ કોના અસ્થિ છે? કેમ તું આમ બોલે છે, તું ભાનમાં છે કે તું શું બોલી રહ્યો છે અને કરાવી રહ્યો છે?
આરવે દિલની વાત જણાવી, બસ હું એટલું ચાહું છું કે મારો ચેમ્પ મારાં દિલમાં રહે છે, તેની યાદો અનેરી છે. પણ તેના અંગના ભાગનો મને સ્પર્શ રહ્યા કરે, મારી સાથેનો અહેસાસ મને રહે. એના વગર દિલને ચેન નથી પડતું, હું શું કરું તેનાં વગર, તો મને આ વિચાર આવ્યો. મહેરબાની કરીને મને હું કહું છું તેમ ટેટૂ કરી આપો.
આરવ ના શરીરમાં જાણે એક નવો સંચાર થયો. મન હળવું થવા લાગ્યું. આયુષનો સ્પર્શ પામ્યાનો અહેસાસ થયો. નવી તાજગી છવાઈ. એક મંદ મુસ્કાન ઉભરી આવી. મનમાં સંતોષનું બીજ ઉગ્યું. જેમ જેમ ટેટૂની પ્રક્રિયા ચાલતી ગઈ એમ આનંદની માત્રા વધતી ચાલી.
આયુષ
તું મેરા દિલ..
ચેમ્પ, ડેડી લવ યુ,
આખા શરીર પર દિલ ચિત્રવ્યા, તેમાં ચેમ્પ, આયુષ વગેરે જાતજાતનાં લખાણ લખાવ્યા, બંનેની ખાસ વાતોનાં.
આયુષ જાણે એની જોડે પાછો આવી ગયો એવી લાગણીઓ એને થઈ રહી હતી. ના..ના...આરવ પાગલ ન્હોતો બન્યો, પુત્ર તરફનો પ્રેમ મજબૂર કરતો હતો એના માટે.
આરવ હવે બિલકુલ સ્વસ્થ હતો. અત્યાર સુધી એનું અસ્તિત્વ આયુષમા હતું, હવે આયુષનું અસ્તિત્વ એનામાં સમાઇ ગયું.
આરવ હવે લેખનમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. તું મેરા દિલ...ની કહાની નવા મોડ પર આવીને ઊભી. દિલની સંવેદનાઓ નીચોવીને સુખ દુ:ખ મિશ્રિત સત્ય ઘટના પર આધારિત પોતાની જ કહાની પોતે લખી.
તું મેરા દિલ...ની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી રહી હતી. તેના બીજા ભાગ પણ આરવ લખે એવી ડિમાન્ડ હતી. આરવ પણ વચન આપતો કે જરૂર લખીશ. તેનું પણ સ્વપ્ન હતું કે મારી સ્ક્રિપ્ટ પરથી જરૂર એક મુવી બને. આયુષ જ જાણે આ બધું કરાવતો હોય, ડેડી ની ઇચ્છા પૂર્ણ એવું સતત એને મહેસૂસ થતું. આયુષનું સાનિધ્ય એની આસપાસ છે, મારામાં વસે છે એવી લાગણી તીવ્ર થતી.
તું મેરા દિલ...ની જોડતી કડીથી આરવ બેખબર છે પણ નિયતિ તેનાં માટે કંઈક અલગ વિચારી રહી છે...
રાઘવ રાઘવની બૂમોથી આખું અનાથાલય ગુંજી ઉઠયું. ક્યાંય ભાળ મળી નહીં. આ છોકરો ક્યાં જતો રહ્યો હશે? સમજતો જ નથી ?
રાઘવના વાંકડિયા વાળ, લંબગોળ ચહેરો, શરારતી આખોમાં સપનાં, ખડખડાટ હાસ્યથી હસતો રહેતો.
રાઘવ બધાંને ઘણીવાર ખૂબ પજવતો.પ્રેમ સૌ એને કરતાં તેનો મીઠો લાભ લેતો. છુપાઈ જઈને જોતો હતો કે બધાં કેવો સોધે છે મને. છેલ્લે ખડખડાટ હસતો ચહેરો લઈને બહાર આવ્યો ત્યારે બધામાં જીવ આવ્યો.
રાઘવ જન્મ્યો કે તરત અનાથાલયના પગથિએ મૂકી દીધો, કોઈ ઘંટ વગાડી જતું રહ્યું. તરત બારણાં ખુલ્યા બાળકને અંદર લીધો. આજુબાજુ ખૂબ તપાસ કરી કોઈ કાંઈ નિશાની મૂકી ગયું હોય. એવી કેવી મજબૂરી હશે કે નવજાત શિશુને આમ તરછોડવું પડે. દિલના ટુકડાને આમ મૂકીને ભાગી જવું પડે. નાના બાળકની શું ભૂલ કે આવ્યું એવું નોંધારૂ.
માણસાઈ હજી જીવે છે એટલે જ અનાથ બાળકો સચવાઈ જાય છે. પ્રેમ પણ મળે છે. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ પણ કરે છે. દિલદાર લોકો પોતાનું બાળક ગણી અનાથાલયમાંથી પોતાનાં ઘરે લાવે છે અને ખૂબસૂરત જિંદગી આપે છે.
રાઘવ બોલી શકતો ન્હોતો. મોટું ઓપરેશન કરવું પડે એમ હતું. ખર્ચો પણ ખૂબ જ હતો. કોઈ દાતા મળી જાય તો ઓપરેશન કરી શકાય. રાઘવની એટલે વધારે ચિંતા રહેતી હતી. એડ્રેસ ખિસ્સામાં મૂકે તો કાગળ સમજી રમતમા ફેંકી દેતો. એટલે આજે વિચારીને બધાંએ કાયમી એડ્રેસ કરાવ્યું.
આરવ આજે આયુષનું ચોથીયું હતું તો રમકડાં, કપડાં, જાતજાતનું ખાવાનું લઈને અનાથાલય પહોંચયો. પહેલા જ પરમીશન લીધી હતી. આજનુ લંચ આયુષ માટે કરાવાનું હતું.
આરવને જોઈ રાઘવે જાણે દોટ લગાવી, કેટલાય વર્ષોનો પ્યાસો, પોતાની પ્યાસ બુજાવા દોટ મૂકે. કોઈક ખેંચાણ થઈ રહ્યું હતું. આરવ ને પણ દિલમાં ખૂબ હલચલ મચી હતી. દિલ જોરથી ધડકી રહ્યું હતું. કોઈક વ્હાલું મળવાનું છે ની અનુભૂતિ થતી હતી. કારણ વગર હોઠો પર સ્મિત આવતું હતું.
ત્યાંતો રાઘવ દોડતો આવીને વીંટડાઈ ગયો, જાણે વૃક્ષને એક વેલ. આરવ પણ આયુષનું સાનિધ્ય મળ્યું હોય તેમ બેસી ગયો. છાતી સરસો ચાંપી ચાર દિવસની તૃપ્તિ મેળવી. રાઘવને જન્મોજનમ જાણે પ્રેમ મળ્યો એટલો વ્હાલ કર્યું. દરેક વ્યક્તિ અદ્ભુત મિલનનો આનંદ માણી રહી હતી. અનાથાલયની દરેક વ્યક્તિને ખબર હતી કે કોઈ અજાણ્યા જોડે રાઘવ ક્યારે ના જાય એ આજે જાણે પોતાનાં પિતા મળ્યા હોયને લપેટાઈ જાય એવું રાઘવે કર્યું. માનવામાં ન આવે એવું સુંદર દ્રશ્ય સર્જાઇ ગયું. રાઘવ પોતે હેરાન હતો કે આ મને શું થઈ ગયું? આરવ પણ કંઈક એવું જ વિચારી રહ્યો હતો.
દિલથી દિલ મળવાનું કોઈક તો કારણ હશે,
કોઈક આપણું છે એવી હૈયાધારણ તો હશે.
જે થઈ રહ્યું હતું એ ખૂબસૂરત પળો હતી. સંવેદનાઓ ફરી ધબકાવી ગઈ, ઇચ્છાઓ મહેકાવી ગઈ, લાગણીઓ જગાવી ગઈ.
રાઘવે અસંખ્ય ટેટૂ આરવના હાથ પર જોયાં, જોતો જ રહી ગયો. અરે !!! આવું ટેટૂ તો મને પણ કાલે કરાવ્યું છે. હું ખોવાઈ ના જાઉં એના કાયમી એડ્રેસ માટે. પણ આ એકસરખું ટેટૂ કેવી રીતે થયું એક જ નામનું...
તારી ઝૂલફોમાં મન મોહ્યું,
તારી આંખોમાં હું ડૂબ્યો,
તારા હાસ્યનો દિવાનો,
તને કેમ હું ચાહું છું ?
આરવને, રાઘવ ઇશારાથી સમજાવી રહ્યો હતો કે ટેટૂ મેં પણ કરાવ્યું છે. આરવ એની ભાષા જાણે સમજી ગયો. ઇશારાથી પૂછ્યું કે બોલતો નથી?
ત્યાંજ શર્ટની બાયનું બટન ખોલી બાય ઊંચી કરીને ટેટૂ બતાવ્યું તો બંનેનું એક્સરખું ટેટૂ હતું. આરવ બોલ્યો કે આ કેવી રીતે શકય છે?
અનાથાલયના ભાઈએ ક્હ્યું કે ગઈકાલે અમે રાઘવને લઈને ટેટૂ કરાવા ગયા હતાં, ત્યાં એ ભાઈએ ધૂનમાં ને ધૂનમાં દિલ ચીતરીને ચેમ્પ લખી દીધું. કેમ આવું થયું એમને પણ ખબર નથી, કોઈ ભાઈ અસ્થિ લઈને આવ્યા હતાં, એનો પાવડર કરી ટેટૂ કર્યા હતાં તેનાથી જ રાઘવનું ટેટૂ થયું. કોઈ ખેંચાણ અનુભવી રહ્યો હતો. એ ટેટૂ રાઘવ પર બનાવતો રહ્યો. રાઘવ ને પણ ચેમ્પ નામ ખૂબ ગમી ગયું એટલે અમે એજ રાખ્યું. રાઘવ નામ ના કરાવ્યું. આમ પણ એ અમારો ચેમ્પિયન જ છે. તમારા ચેમ્પ ને એવી ઇચ્છા હશે કે મારાં ડેડીને કોઈ મારાં જેવું મળી જાય. નિયતિમાં શું લખાયેલું છે તે કોણ ક્યાં જાણી શકયું છે. તમે પણ અહીંજ આવ્યા, તમારુ રાઘવને મળવાનું લખેલું હતું..કર્તા એ છે ક્યારે કઈ પરિસ્થિતિ લાવી દે.
આરવ એક બીજા બંધનમાં બંધાઈ રહ્યો હતો, ખુશી દસ્તક આપી રહી હતી. ચેમ્પ સાથેની યાદો એક મીઠું સંભારણું હતું. જે રોજ યાદોમાં આવવાનું હતું. અત્યારે પણ દરેક ધબકારમાં આયુષ હતો. તેને એકલાપણું મહેસૂસ થતું ન્હોતું. આયુષના જવા સાથે યાદો મરી પરિવારી નહોતી એતો મૃત્યુ પર્યંત સાથે જ રહેવાની.દિલના ટુકડા સંધાતા નથી હોતા તૂટયા બાદ, યાદોના મલમથી ટુકડા તારથી જીવિત રહે છે. ક્યારેક સુર છેડાઈ જાય તો ક્યારેક બેસૂરો બની જાય.
રાઘવ એક પળ માટે પણ આરવથી દૂર જતો ન્હોતો. એતો આરવમય બની ગયો હતો. દુનિયા એની ખીલી ઉઠી હતી જાણે, એક આશા ને અભિલાષા સાથે જોતો સામે, શું મને લઇ જશો તમારી સાથે ?
રાઘવે હાથ પકડ્યો આરવનો, એક મૂક આશા આપતો આયુષને, હવે તો ખૂશને, હું છું તારા ડેડી સાથે. હું હમેશા ખુશ રાખીશ તારા ડેડી ને, તારી ખૂબસૂરત યાદોને અમે સાથે માણીશું. તારા કપડા, રમકડાં, ચોપડીઓ, બેડ, હું બધું વાપરીશ તારું, નામ તારું જ રહેશે.
ઓપરેશન થિયેટરની બહાર બેચેનીથી આરવ ઉભો હતો, રાઘવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતો. ધારવા કરતાં વધારે સમય થઈ ગયો હતો. કોઈ બહાર આવતું ન્હોતું. દિલની ધડકન વધતી જતી હતી. ત્યાંજ ખુશી સાથે અવાજ આવ્યો સફળ રહ્યું.
રાઘવે આંખો ખોલી, આરવને જોઈ હર્ષિત થઈ ઊઠ્યો.
ડેડી ડેડી બોલવા લાગ્યો જાણે આયુષનો જ અવાજ. એજ જાણે બોલાવાતો હતો. આટલા દિવસો પછી ડેડી સાંભળીને દિલને એક શકુન મળ્યું. દિલથી દિલ મળી ગયા. આરવે હૃદયથી લગાવ્યો રાઘવને, તું મેરા દિલ...
સંપૂર્ણ.
""અમી""