પ્રાયશ્ચિત પ્રકરણ 82
અસલમની આખી વાત સાંભળ્યા પછી કેતનના મનમાં આશિષ અંકલ માટે રિસ્પેક્ટ વધી ગયું. આટલું બધું થઈ ગયું હોવા છતાં પણ ક્યારેય એમણે કેતનને ગંધ સુદ્ધાં ન આવવા દીધી કે એ બધું જાણે છે !!
એકદમ નોર્મલ વ્યવહાર કર્યો. એટલું જ નહીં રાજકોટ જતા પહેલાં પણ ફાઇલમાં એવા રિમાર્ક લખ્યા કે જેના કારણે અસલમને કે કેતનને ભવિષ્યમાં પણ કોઈ વાંધો ન આવે ! ઉપરથી નવા સુપ્રિટેન્ડેન્ટ ઓડેદરાને કેતન વિશે ભલામણ કરતા ગયા.
" મારે હવે વહેલી તકે આશિષ અંકલને મળવું પડશે અસલમ. આ બધું જાણ્યા પછી હવે હું જરા પણ વિલંબ ના કરી શકું. એક-બે દિવસમાં જ હું રાજકોટ આંટો મારું છું." કેતન બોલ્યો.
" તારે આવવું હોય તો મારી ગાડીમાં જ આજે સાંજે આપણે જઈએ. રાત્રે મારે ત્યાં રોકાઇ જજે. કાલે એમને મળી લે પછી મારો ડ્રાઈવર તને મૂકી જશે. " અસલમ બોલ્યો.
" ના...ના.. અસલમ એવી પણ કોઈ ઈમરજન્સી નથી. હું બે-ત્રણ દિવસમાં મારી રીતે સેટીંગ કરી દઉં છું. " કેતન બોલ્યો.
એ પછી થોડીવારમાં જ અસલમ રાજકોટ જવા માટે નીકળી ગયો.
કેતન પોતાની સોસાયટીમાં પણ ઘણું રિસ્પેક્ટ ધરાવતો હતો. અબજોપતિ પિતાના દીકરા તરીકે બધા એને જાણતા હતા. તે ઉપરાંત જામનગરની જાણીતી હોસ્પિટલનો એ માલિક પણ હતો અને જે રીતે એણે નિરાધાર વડીલો માટે આશ્રમ અને ગરીબ કન્યાઓ માટે છાત્રાલય બનાવ્યું હતું એ જાણ્યા પછી તો સોસાયટીમાં એનું માન ઘણું વધી ગયું હતું.
કેતનનો જન્મદિવસ કન્યા છાત્રાલયમાં ઉજવાય, વડીલોના આશ્રમમાં ઉજવાય અને એની ખબર આ સોસાયટીમાં ના પડે એવું તો બને જ નહીં ! જામનગર કંઈ એટલું મોટું શહેર નહોતું કે એક ખૂણામાં શું બને છે એ બીજા ખૂણામાં ખબર ના પડે !! સાંજ સુધીમાં તો ધીમે ધીમે એની જમનાદાસ સોસાયટીમાં પણ આજે કેતનભાઈ નો જન્મદિવસ છે એ સમાચાર પહોંચી ગયા.
રાત્રે આઠ વાગે કેતનના આશ્ચર્ય વચ્ચે સોસાયટીના ઘણા બધા રહીશો કેતનને બર્થ ડે વિશ કરવા માટે એના બંગલે આવ્યા. પુરુષો અને સ્ત્રીઓ મળી લગભગ વીસેક વ્યક્તિઓ એક સાથે આવી.
" કેતનભાઇ જન્મદિવસ ખુબ ખુબ મુબારક. આટલો મોટો જન્મદિવસ છે અને અમારા જેવા પાડોશીઓને તમે ભૂલી જાઓ એ કેમ ચાલે ? સવારે અમને ખબર પડી હોત તો સોસાયટીમાં અમે ફંકશન ગોઠવી દેતા. અમે તો ઠીક પણ આ સોસાયટીનાં બાળકો ખુશ થઈ જાત. " સોસાયટીમાં આગળ પડતા એક વડીલ રવજીભાઈ બોલ્યા.
" વડીલ માફ કરજો. બે હાથ જોડીને તમામ પાડોશીઓની માફી માગું છું. બંને જગ્યાએ ફંકશન રાખવાની ધમાલમાં સોસાયટી વિશે વિચારવાનું હું ખરેખર ભૂલી ગયો છું. મારે સોસાયટીનાં નાનાં બાળકોનો વિચાર કરવો જ જોઈએ. આજે રવિવાર છે. આવતા રવિવારે આપણી સોસાયટીના કોમ્યુનિટી હોલમાં જન્મદિવસ નિમિત્તે મારા તરફથી ફંકશન પાક્કું. " કેતને વચન આપ્યું.
કેતન વાત કરતાં કરતાં થોડોક ભાવુક થઈ ગયો. પહેલાં સગાં પાડોશી ગણાય. કમ સે કમ સોસાયટીનાં બાળકોનો તો વિચાર કરવા જેવો હતો.
" અરે કેતનભાઇ અમારી વાતને આટલી બધી ગંભીર લેવાની જરૂર નથી. અમે તો જસ્ટ મજાક કરી. તમે આટલો ભાવ બતાવ્યો એટલે બધું આવી ગયું. અમે બધા તો માત્ર શુભેચ્છા આપવા જ આવ્યા છીએ" રવજીભાઈ બોલ્યા.
" તમારા બધાની શુભેચ્છા માટે દિલથી હું આભાર માનું છું. પરંતુ ફંકશન તો હવે ચોક્કસ થશે. અત્યારથી જ બધાંને આમંત્રણ આપી દઉં છું. વિધિપૂર્વકનું આમંત્રણ આવતા રવિવારે. " કેતને હસીને કહ્યું.
એ લોકો ગયા પછી કેતને તરત જ જયેશને ફોન કર્યો. આજે જન્મદિવસ છે તો આજે બધાને મોં મીઠું કરાવવું જ જોઈએ. કેટલા ભાવથી બધા વિશ કરવા આવ્યા હતા.
" જયેશભાઈ તાત્કાલિક આઈસ્ક્રીમનાં ૩૦ ફેમિલી પેક લઈને મનસુખભાઈને મોકલો. કોઈપણ ફ્લેવર ચાલશે. મારી જ સોસાયટીમાં દરેક ઘરે આજે મારે વહેંચવાં છે. " કેતન બોલ્યો.
" જી શેઠ. અડધી કલાકમાં આવી જશે." જયેશ બોલ્યો.
અડધા કલાક પછી મનસુખ માલવિયા દરેક બંગલામાં જઈને કેતન તરફથી આઇસ્ક્રીમનાં ફેમીલી પેક આપી આવ્યો. સોસાયટીના રહીશો તો કેતનની આ દિલેરી જોઈને છક થઈ ગયા.
કલ્પના પણ નહોતી કે રાત્રે આ રીતે ઘરે બેઠાં આઇસ્ક્રીમ આવશે !
બે દિવસ પછી કેતન એકલો જ રાજકોટ પહોંચી ગયો. અસલમ પાસેથી બધી વાત જાણ્યા પછી એનું મન આશિષ અંકલને મળવા માટે અધીરું બની ગયું હતું.
લગભગ ૧૧ વાગ્યે જ ફૂલછાબ ચોક રાજકોટ માં આવેલી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસની ઓફિસમાં પહોંચી ગયો. ઓર્ડરલીને પોતાનું નામ આપ્યું એટલે આશિષ અંકલે તરત એને અંદર બોલાવી દીધો.
" આવ આવ કેતન. આજે કેમ આમ અચાનક ? મને ફોન પણ ના કર્યો !! " આશિષ અંકલ બોલ્યા અને એમણે ઓર્ડરલીને ચા મોકલવાનું કહ્યું.
" બસ મન થઈ ગયું તમને મળવાનું અંકલ ! " કેતને હસીને જવાબ આપ્યો.
" કંઇક તો કામ હશે જ ! તારા જેવો બીઝી માણસ આમ સ્પેશિયલ મને રાજકોટ સુધી મળવા આવે એ માની ના શકાય. " આશિષ અંકલ બોલ્યા.
" ઓનેસ્ટલી કંઈ જ કામ નથી. માત્ર તમારો આભાર માનવા માટે આવ્યો છું અંકલ. "
" કઈ બાબતનો આભાર ? " આશિષ અંકલે આશ્ચર્યથી પૂછ્યું.
" તમે તો બધું જાણો જ છો અંકલ. મને અસલમે બધી જ વાત બે દિવસ પહેલાં કરી. તમે આખી વાત જાણતા હતા અંકલ કે ફઝલુએ જ રાકેશનું મર્ડર કરેલું છતાં તમે મને ગંધ પણ ન આવવા દીધી. ઉપરથી મારો સંપૂર્ણ બચાવ કર્યો અને અસલમને પણ બચાવી લીધો." કેતન બોલ્યો.
" અરે ભાઈ તું સંપૂર્ણપણે નિર્દોષ હતો. રાકેશના મર્ડરમાં તારો કોઈ હાથ જ નહોતો. કોઈનું ખરાબ કરવાના તારા મનમાં વિચારો પણ નહોતા. એટલે મેં તો માત્ર ન્યાય કર્યો છે. રહી વાત અસલમની. એને કે ફઝલૂને જો રિમાન્ડ ઉપર લેવામાં આવે તો આખી વાત બહાર આવ્યા વગર રહે નહીં અને પછી મીડિયાવાળા પણ તારી પાછળ પડી જાય. લેવાદેવા વગરનો તું બદનામ થઈ જાય."
"અને ભલે ફઝલુએ મર્ડર કર્યું હોય પરંતુ એને ખૂન કરતો કોઈએ જોયો ન હતો. એ ત્યાંથી ગાડીમાંથી પસાર થયો એટલે એના પર પોલીસને શંકા હતી પરંતુ મર્ડર પુરવાર થઈ શકે તેમ નહોતું. એટલે એને રિમાન્ડ પર લેવામાં જોખમ હતું. " આશિષ અંકલ કહી રહ્યા હતા.
" મેં તારા ઘરે પૃથ્વીસિંહને મોકલેલો. એ ઘણો ચાલાક ઓફિસર છે. તેં એને રાજકોટ જઉં છું એમ કહેલું. એને ઘણી બધી શંકાઓ ઊભી થઈ હતી. પણ મેં એને સમજાવી દીધો. મને ખબર હતી જ કે મારી જો ટ્રાન્સફર થશે તો આ ફાઇલ ફરી ઓપન થઇ શકે. પરંતુ મેં મારી નોંધ એવી રીતે મૂકેલી કે તને કે અસલમને કોઈ તકલીફ ના પડે." આશિષ અંકલે વાત પૂરી કરી.
" બસ એટલા માટે જ હું તમારો ખાસ આભાર માનવા આવ્યો છું અંકલ. " કેતન આદરથી બોલ્યો.
" તું તો ઘરનો છે કેતન અને મારા દીકરા જેવો છે. જગદીશના મારા ઉપર ઘણા ઉપકારો છે. તને બચાવવાની મારી ફરજ છે. અને આ કેસમાં તો ખરેખર તું નિર્દોષ હતો એટલે તારું નામ ક્યાંય ન આવે એનું મેં ધ્યાન રાખ્યું. " આશિષ અંકલે હસીને કહ્યું ત્યાં ઓર્ડરલી ચા લઈને આવ્યો.
" જામનગરમાં તારુ બધુ કેમ ચાલે છે ? મને તારી આ કન્યા છાત્રાલયની અને નિરાધાર વૃદ્ધો માટેના આશ્રમની પ્રવૃત્તિ બહુ જ ગમી કેતન. આ એક બહુ જ ઉત્તમ કામ છે. " આશિષ અંકલ બોલ્યા.
" તમારા જેવા વડીલોના આશીર્વાદ છે અને ઈશ્વરની કૃપા છે. બંને પ્રવૃત્તિઓ ખૂબ સરસ ચાલી રહી છે. હોસ્પિટલ પણ ખુબ સરસ ચાલી રહી છે અને ગરીબ લોકો પણ હવે લાભ લેતા થયા છે. " કેતન બોલ્યો.
એ પછી આડીઅવળી વાતો ચાલી. આશિષ અંકલે એને જમવાનું કહ્યું પરંતુ કેતને વિવેકપૂર્વક ના પાડી અને બહાર નીકળી ગયો.
અસલમને ડિસ્ટર્બ કરવાની એની ઈચ્છા ન હતી. હમણાં બે દિવસ પહેલાં તો મળ્યા હતા. બપોર થઇ ગયા હતા એટલે શ્રી રામકૃષ્ણ આશ્રમ પણ બંધ હતો. એણે ગૂગલમાં સર્ચ કરીને સાંઈબાબા સર્કલ ઉપર રાધે ડાઇનિંગ હોલમાં જમવાનું નક્કી કર્યું. કોણ જાણે કેમ આજે એને બહુ ભૂખ પણ નહોતી લાગી.
રાધેમાં જમીને એ સીધો જામનગર જવા માટે નીકળી ગયો. આજે મુસાફરી કરી હતી એટલે એ સીધો પોતાના બંગલે જ
ગયો. થોડો સમય આરામ કરવાની એની ઈચ્છા હતી. બપોરે પણ સૂવા નહોતું મળ્યું.
સાંજે એને થોડું તાવ જેવું લાગ્યું. શરીર પણ તૂટતું હતું અને થોડી ઠંડી પણ ચડી હતી. એટલે એણે જાનકીને રજાઈ ઓઢાડવાનું કહ્યું.
" તમને તાવ છે અને તમે કહેતા પણ નથી ?" જાનકી મીઠો ગુસ્સો કરીને બોલી અને તરત થર્મોમીટરથી ટેમ્પરેચર તપાસ્યું. તાવ ૧૦૧ જેટલો હતો.
" તાવમાં બેદરકારી ના ચાલે સાહેબ હું જયેશભાઈને વાત કરું છું. એ કોઈ ને કોઈ ડોક્ટરને હોસ્પિટલમાંથી લઈને આવી જશે." જાનકી ચિંતાથી બોલી.
" અરે શરીર છે તો ક્યારેક તાવ તો આવે ને ? મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હું મેટાસિન લઈ લઉં છું. " કેતન બોલ્યો.
" મેટાસીન તો આપી જ દઉં છું પરંતુ રોગને કોઈ દિવસ નાનો ના ગણવો એવું વડીલોનું કહેવું છે. ચેક અપ તો કરાવવું જ જોઇએ. " કહીને જાનકીએ જયેશ ઝવેરીને ફોન કર્યો.
" જયેશભાઈ સાહેબને અત્યારે ૧૦૧ જેટલો તાવ છે અને ઠંડી પણ ચડી છે. કોઈ ડોક્ટરને ઘરે મોકલી દો ને ! " જાનકી બોલી.
" શું વાત કરો છો ? શેઠ ને તાવ આવ્યો છે ? એટલે જ આજે એ કદાચ ઓફિસમાં આવ્યા નથી ! હું હમણાં જ આપણી હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. મિહિરભાઈ ને લઈને આવું છું. " જયેશ ચિંતાથી બોલ્યો.
"દિવસે તો એમને સારું હતું. એ સવારથી રાજકોટ ગયા હતા. હમણાં સાંજે જ આવ્યા. આવીને તરત સૂઈ ગયા અને પછી એમને તાવ ચડ્યો" જાનકીએ ખુલાસો કર્યો.
અડધા કલાકમાં જયેશ ડૉ. મિહિર કોટેચા ને લઈને આવી ગયો.
કોટેચાએ ધ્યાનથી કેતન સરની પૂરી તપાસ કરી લીધી.
" વાયરલ ફીવર લાગે છે. છતાં આપણે આજે જ બ્લડ ટેસ્ટ કરાવી લઈએ. હોસ્પિટલથી હું બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવા ટેકનિશિયનને મોકલું છું. અત્યારે તમે પેરાસીટામોલ લીધી છે તો બીજી કોઇ દવા નથી આપતો. બ્લડ ટેસ્ટ જોયા પછી દવાઓ ચાલુ કરીએ. તમે હમણાં બે દિવસ સંપૂર્ણ આરામ કરો. " મિહિરભાઈ બોલ્યા.
" ઠીક છે ડોક્ટર. આવ્યા છો તો ચા પીને જાઓ. " કેતને વિવેક કર્યો. એના અવાજમાં થોડી ધુજારી હતી.
" ના સર. આ સમય ચા પીવાનો નથી. હજુ બ્લડ નું સેમ્પલ લેવાનું છે એટલે અત્યારે તો હું જાઉં છું. " કહીને મિહિરભાઈ ઊભા થયા.
" હું એમને મૂકી આવું છું અને લેબ ટેકનીશીયનને લઈને પાછો આવું છું. " જયેશભાઈ બોલ્યા અને ડોક્ટર સાથે બહાર નીકળી ગયા.
એકાદ કલાકમાં જયેશભાઈ ફરીથી લેબ ટેકનિશિયન ને લઈને આવી ગયા. ડૉ. મિહિર કોટેચાએ સીબીસી ની સાથે વિડાલ, લીવર પ્રોફાઈલ અને કિડની પ્રોફાઈલ ના ટેસ્ટ પણ લખ્યા હતા જેથી સંપૂર્ણ રિપોર્ટ આવી જાય.
પેરાસીટામોલ લીધી હોવા છતાં રાત્રે ૧૦ વાગ્યે તાવ ૧૦૨ ને પણ ક્રોસ કરી ગયો. શરીર તાવથી ધગધગતું હતું. જાનકી અને શિવાની બંને ચિંતામાં પડી ગયાં. દક્ષામાસી એ ભાખરી શાક અને ખીચડી બનાવ્યાં હતાં પરંતુ કોઈને જમવામાં રસ ન હતો.
જાનકીએ ફરી જયેશભાઇ ને ફોન કર્યો.
" જયેશભાઈ સાહેબ ને તાવ ઉતરતો નથી ઉપરથી ઘણો વધી ગયો છે. ૧૦૨ અને ૧૦૩ ની વચ્ચે છે. તમે ફરીથી ડોક્ટર સાથે વાત કરોને ! "
" હા મેડમ તમે ચિંતા કરો મા. હું પણ હોસ્પિટલમાં જ છું. લેબમાંથી બ્લડનો રિપોર્ટ આવી જાય પછી મિહિરભાઇ સાથે વાત કરી લઉં છું. અમે બધા પણ અહીં ચિંતામાં જ છીએ. " જયેશભાઈ બોલ્યા.
એ પછી દસેક મિનિટમાં સંપૂર્ણ રિપોર્ટ આવી ગયો. માત્ર વિડાલ ટેસ્ટ બાકી રહ્યો કારણ કે એમાં વાર લાગે એમ હતી. રેસિડેન્ટ ડૉક્ટર જૈમિન મિસ્ત્રીએ રિપોર્ટ જોઈને મિહિરભાઇ સાથે ફોન ઉપર વાત કરી.
" સર...બીજા બધા રિપોર્ટ તો નોર્મલ છે પણ વ્હાઈટ બ્લડ સેલ્સ ૧૬૦૦૦ આસપાસ છે અને પ્લેટલેટ્સ થોડા ઓછા થયા છે. ઇન્ફેક્શન તો છે જ સાથે ડેગ્યુની શક્યતા પણ નકારી શકાય નહીં. " જૈમિન બોલ્યો.
" એક કામ કર. અત્યારે એન્ટિબાયોટિક ચાલુ કરવી પડશે. એક સિફાક્ઝોનનું ઇન્જેક્શન લઈને નાઇટ ડ્યુટીવાળી કોઈ નર્સ એમના ઘરે મોકલી દે. એને બીજી પેરાસીટામોલ પણ આપવાનું કહી દેજે. નર્સને કહી દેજે કે એ રાત્રે ત્યાં જ રોકાય. "
" સવારે પરિસ્થિતિ જોયા પછી જ આગળનો નિર્ણય લેવાય. રાત્રે જો વધારે તાવ લાગે તો કપાળમાં મીઠાના પાણીનાં પોતાં મૂકવાની પણ નર્સને સૂચના આપી દેજે. " ડૉ. કોટેચા બોલ્યા.
" ઓકે હું જયેશભાઈની જોડે નર્સને ઇન્જેક્શન સાથે એમના ઘરે મોકલી દઉં છું અને જરૂરી સૂચના પણ આપી દઉં છું. " જૈમિન બોલ્યો અને એણે સ્મિતા નામની એક નર્સને જયેશભાઈની સાથે કેતનના ઘરે મોકલી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)