પ્રેમનો હિસાબ ભાગ-૪
આગળના ભાગમાં આપણે જોયું કે, રશ્મી અને દિગ્વિજયનું લગ્ન જીવન પણ બહુ સારી રીતે ચાલતું હતું કેમ કે, દિગ્વિજય બહુ જ સમજુ હતા. જોતજોતામાં બાળકો મોટા થઇ ગયા. અર્થવ હવે હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો અને નૂપૂર સરકારી એકઝામના કલાસીસ કરતી હતી. બંને બાળકો બહુ જ સંસ્કારી હતા. આથી એ જોઇને રશ્મી પણ ખુશ હતી.
નૂપૂર જે કલાસીસમાં જતી હોય છે. ત્યાં તેની એક ખાસ બહેનપણી હતી તેનું નામ અદિતિ. અદિતિ બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હોય છે. એટલે તેને નોકરી કરવાની જરૂર જ નથી પણ તે સરકારી જોબ કરવા માંગ્તી હોય છે. નૂપૂર અને અદિતિ બંને ભણવામાં બહુ હોશિયાર એટલે આખો દિવસ બંને સાથે બેસીને જ કલાસીસનું ભણવાનું કરતા. એક દિવસ નૂપૂરને તબિયત સારી ન હતી. એટલે તેણે તેના ભાઇ અર્થવને કલાસીસમાં લેવા આવવા કહ્યું. અર્થવ નૂપૂરને કલાસીસમાં લેવા ગયો. ત્યાં અદિતિ પણ સાથે હતી. અદિતિ અર્થવને જોઇને મંત્રમુગ્ધ જ થઇ ગઇ. કેમ કે અર્થવ દેખાવમાં કોઇ ફિલ્મી હીરોથી ઓછો ન હતો અને તે પણ પાછો ડોકટર. અર્થવ તો નૂપૂરને લઇને જતો રહ્યો પણ અદિતિના દિલોદિમાગ પર તે છવાઇ ગયો. બીજા દિવસે નૂપૂર આવી એટલે તેણે અર્થવ વિશે બધી જ માહિતી પૂછી લીધી. નૂપૂરને પણ ખ્યાલ આવી ગયો કે, આ તેના મનમાં શું વિચારે છે. પણ તે કાંઇ બોલી નહિ. પછી એક દિવસ અદિતિએ નૂપૂરને એમ કહ્યું કે, ચલ આજે આપણા તારા ઘરે જઇને વાંચીએ. નૂપૂરે પણ હા માં માથું હલાવ્યું. અદિતિ એ નૂપૂરની ખાસ બહેનપણી હતી પણ તે તેના ઘરે કોઇ દિવસ ગઇ ન હતી. કેમ કે જેવા કલાસીસ પતે એટલે તેને ડ્રાઇવર ગાડી સાથે લેવા આવી જ જતો હતા. પણ આજે તેણે ઘરેથી ના પાડી દીધી હતી કે તે તેની બહેનપણીના ઘરે જાય છે તો કોઇને લેવા માટે મોકલતા નહિ. અદિતિની વાત કોઇ નકારી જ ન શકે. તે તેના માતા-પિતાની એકમાત્ર સંતાન. એને બહુ લાડથી ઉછેરી હતી. આથી જ તે બહુ જીદ્દી હતી.
અદિતિ પહેલીવાર નૂપૂરના ઘરે આવી. એ વખતે રશ્મી અને દિગ્વિજય પણ ઘરે હતા. નૂપૂરે અદિતિની ઓળખાણ કરાવી. રશ્મીએ તેને બેસવા માટે કહ્યું અને ચા-નાસ્તા માટે કહ્યું. ઘરના નોકરે આવીને તેમણે ચા-નાસ્તો કરાવ્યો. પછી નૂપૂરે તેને આખું ઘર બતાવ્યું. તેના ભાઇનો રૂમ પણ બતાવ્યો. અદિતિ બહુ જ ઉત્સાહિત હતી અર્થવને જોવા માટે. પણ તે તેના રૂમમાં નહતો. તેની આંખો જે જોઇ રહી હતી તે નૂપૂર સારી રીતે સમજતી હતી. એટલે તેણે અદિતિને ઇશારાથી જણાવ્યું કે, ભાઇ ફોન પર વાત કરે છે. તો અહી બગીચામાં છે. આ સાંભળી પહેલા તો અદિતિ ખુશ થઇ ગઇ. પછી તેને ખ્યાલ આવ્યો એટલે તેણે કહ્યું કે, ના યાર હું એ નહોતી જોતી. નૂપૂરે તેને કહ્યું કે, આપણે નાનપણથી સાથે છીએ એટલે તારી આંખો શું શોધે છે એ હું સારી રીતે સમજી શકું છું. એમ મસ્તીમાં કહ્યું. અદિતિ શરમાઇ ગઇ. નૂપૂરે એના ભાઇને બોલાવ્યો અને એકબીજાનો પરિચય આપ્યો. અર્થવ થોડી વાતચીત કરીને જતો રહ્યો. અર્થવ બહુ ઓછું બોલતો એટલે અદિતિને તેની સાથે વાત કરવા બહુ ના મળી. પછી તો અદિતિ, નૂપૂર અને અર્થવ ફ્રી હોય ત્યારે બહાર પણ જતા અને સાથે જમવા પણ હતા. આ ઘણા સમયથી ચાલતું હતું.
શું અદિતિ તેના મનની વાત અર્થવને કહી શકશે? કે અર્થવ જાતે જ તેને પોતાના મનની વાત જણાવશે..........
- પાયલ ચાવડા પાલોદરા
(વધુ આવતા પ્રકરણે ભાગ-૫માં)