બે દિવસમાં પોતાની દુનિયા જાણે ઉજડી ગઈ હતી. હવેલીની બહાર નીકળતા અનુરાગના કદમોએ જાણે એને ફરી કોલેજના એજ મોડ ઉપર લાવીને ઉભો રાખી દીધો હતો જ્યાં બંને છેલ્લી વાર મળ્યા હતા અને ત્યાંથી એમના રસ્તા ફંટાયા હતા.
અનુરાગના આગળ વધતા એક એક કદમોની સાથે રાશિ સાથે વિતાવેલ દરેક પળ જાણે ફિલ્મની પટ્ટીની જેમ બેકવર્ડ ફરી રહ્યા અને રાશિ એનાથી દૂર અને વધુ દૂર જઇ રહી હતી, અને પહેલી મુલાકાતે પકડેલા રાશિના હાથ છૂટી રહ્યા તે પળ આવીને અનુરાગ સામે ઉભી રહી. રાશિને એકવાર સ્પર્શ કરવા ઉઠેલા અનુરાગના હાથ તે ચહેરાની આરપાર નીકળી ગયા અને તે સાથેજ રાશિ ધુમાડામા ફેરવાઈ એની નજરોથી ઓઝલ થઇ ગઈ.
અનુરાગ છેલ્લે છેલ્લે પાછળ ફરી જોવાની ઈચ્છાને પરાણે રોકીને હવેલીના દરવાજાથી બહાર પોતાના કદમો રાખી રહ્યો હતો ત્યારેજ..
"અનુ...", રાશિ પોતાને જાણે બોલાવી રહી હોય તેમ દૂર દૂરથી એના કાને પડઘા પાડી રહ્યા હતા. પણ રાશિ શું કામ પોતાને બોલાવે. આતો બસ પોતાની ભ્રમણા છે એમ માનતો અનુરાગ પાછળ વળ્યાં વગર દુઃખી હૃદયે ત્યાંથી નીકળી ગયો.
****** ******
પોતાના ચહેરાની ઉપર પડેલી પાણીની છાલકથી ઠેકઠેકાણે વિખરાયેલ એક એક બૂંદોમાં અનુરાગને પોતાની ભૂતકાળની ક્ષણો જીવંત થતી દેખાઈ રહી હતી.
ત્યાંજ ફોનની રિંગ વાગતા એમા થયેલ ફ્લેશ લાઈટથી ઝબકેલ તસ્વીર જોતા અનુરાગે પોતાના ચહેરા ઉપર વિખરાયેલ બૂંદોને હાથરૂમાલથી અદ્રશ્ય કરી દીધા અને હોઠો ઉપર સ્મિત લાવતા બોલ્યો,
"hey sweety good morning".
"અન્નુ, સવારથી તને કેટલા ફોન કર્યા, ક્યાં છે તું? આજે આપણો ખાસ દિવસ છે તને ખબર છે ને? તું તૈયાર થયો કે નહિ? અમે લોકો અહીંથી નીકળી ગયા છીએ બસ થોડી વારમાં પહોંચી જઈશુ", ફોન ઉપાડતાજ કઈ કેટલાય પ્રશ્નોની ઝડી વરસાવતો એક સુમધુર અવાજ અનુરાગના કાનોમાં રણકી રહ્યો.
"હા જાન, આજનો દિવસ કેમ ભુલાય, આજે આપણા એન્ગેજમેન્ટ છે, અને હું તૈયાર થઇ ગયો છુ. બસ થોડી વારમાં જ હું મારા દોસ્તો સાથે વેન્યુ ઉપર પહોંચી જઈશ. સારું ચાલ ફોન મુકું અને નીકળું. બાય માય સ્વીટ હાર્ટ જ્યોતિ", બોલીને એક નાનકડી કિસ આપી.
સામે છેડે એક શરમાળ હાસ્ય છવાઈ ગયું અને બંને તરફ ફોન મુકાઈ ગયો.
ગામના કૉમ્યૂનિટી હોલમાં આજે ડૉક્ટર અનુરાગ અને ડૉક્ટર જ્યોતિના એન્ગેજમેન્ટ થઇ રહ્યા હતા. છેલ્લા ૪ વર્ષોથી ગામમાં આવેલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહેલ સેવાભાવી ડૉક્ટર અનુરાગ ગામના દરેક ઘરમાં જાણીતા હતા. એટલે આજે એમના ખાસ પ્રસંગે આખું ગામ હાજર હતું.
અનુરાગ અને જ્યોતિની જોડી ખુબજ અનુપમ લાગી રહી હતી. એન્ગેજમેન્ટની વિધિ શરૂ થતા અનુરાગે જ્યોતિની નાજુક હથેળીને પોતાના હાથોમાં ઝીલી અને એની અનામિકા આંગળીમાં એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી દીધી.
****** ******
હોસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં અગણિત નળીઓ એના શરીરમાં ઠેક ઠેકાણે જોડાયેલ હતી અને બાજુમાં રહેલ "હાર્ટ બીટ રેટ" મશીન માં ઊંચી નીચી રેખાઓ બીપ બીપ ના અવાજ સાથે દોડી રહી હતી. ત્યાંજ અચાનક એના ડાબા હાથની અનામિકા આંગળી ધીરેથી સળવળી. આ જોઈ એક વયોવૃદ્ધ માણસ ખુબ ખુશ થતો અને જોરથી ડૉક્ટર, ડૉક્ટર બોલતો બહાર દોડી ગયો.
"ડૉક્ટર સાહેબ જલ્દી ચાલો એના શરીરમાં હલચલ થઇ રહી છે", ડૉક્ટરની કેબિનનો દરવાજો જોરથી ખોલતો તે વૃદ્ધ અંદર જઈને બોલ્યો.
જેટલી ઝડપથી તે માણસ ડૉક્ટર પાસે આવ્યો હતો તેનાથી બમણી ઝડપે પેલો ડૉક્ટર અને એનો સ્ટાફ તે સ્પેશ્યલ રૂમ તરફ દોડ્યા. આખરે પૂરા ૪ વર્ષો બાદ એના શરીરમાં કોઈ ચેતનાના અણસાર થયા હતા.
* ક્રમશ......
ધ્રુતિ મેહતા (અસમંજસ)