Tu Mera Dil - 2 in Gujarati Fiction Stories by અમી books and stories PDF | તુ મેરા દિલ.. - 2

Featured Books
Categories
Share

તુ મેરા દિલ.. - 2

ભાગ --૨..

સવારનો સૂર્યોદય આજે આહલાદક ભાસતો હતો. દરિયામાંથી જ સૂર્યને ઉગતો જોવો એટલે જાણે હાથવેંત દૂર લાગતો, હમણાં હાથમાં આવી જશે. એના પારજાંબલી કિરણો શરીર પર પડતા એક એનર્જીનો સંચાર થયો. પુરા શરીરમાં એક અદ્રશ્ય શક્તિની ખુશીથી લહેર દોડી ગઈ. માં ની ગોદમાંથી બાળક ધીરે ધીરે બહાર આવે એવું જ કંઈ સૂર્ય આખા રાતનાં વિરામ પછી ઉષારાણીનો પાલવ પકડી, સાથ ઘોડાનાં રથ પર સવાર, અદભુત રંગો વિખેરતો શાહી સવારીની છડી પોકારતો, પૂરા વૈભવ સાથે ખુશખુશાલ આનંદ લહેરાવતો સૂર્ય અનેરો હતો.

પ્રકૃતિની અકલ્પનિય દ્રશ્ય નજરો સામે તરવરે ત્યારે અંતરની ઉર્મિઓથી સ્ફુરતા શબ્દો લેખક કંડારી લેતો હોય છે એવું જ કંઈક આરવે કર્યું. અનાયાને ટોક શો માટે જાણે એક ટોપિક મળી ગયો.

ખુશનુમા સવારની શરૂઆત આહલાદકતાથી થઈ. અનાયાને આજે સવારથી જ મીઠી મૂંઝવણ થઈ રહી હતી. ક્રુઝ પરનાં પ્રથમ શો ને કારણે હશે અથવા પાણીમાં સતત બે દિવસથી રહેવાને કારણે મૂંઝવણ થાય છે નક્કી કરી શકતી નહતી, શો નો સમય થયો હોય તૈયાર થઈ રહી હતી અને અચાનક ચક્કરને કારણે બધું ઘુમતું લાગ્યું. આરવ આરવની બુમો પાડતી રહી. આરવ તો સામે જ હતો પણ તે કશું જોઈ શકતી નહતી. આખું ક્રુઝ ફરી રહ્યું હતું. આરવ પણ ઘબરાઈ ગયો ક્યારેય આવું દ્રશ્ય જોયું નહતું અનાયાનું કે કોઈનું પણ. તરત લપકીને હેલ્પ પર ફોન લગાડ્યો અને ઇમર્જન્સી ડોકટર પ્લીઝ બોલીને, દોડીને અનાયાને બાહોમાં પકડી લીધી.

ડોકટર મરકી રહ્યા હતાં ને આરવ અને અનાયા શું થઈ રહ્યું છે વિચારી રહ્યા હતાં ત્યાંજ ડોકટર બોલ્યાં કે હવે બે જણાએ સાથે જિંદગી ખૂબ જીવી, બહુ પ્રેમ થયો હવે તો કોઈક ભાગીદાર જોઈશે ને ? ક્યાં સુધી એકલા એકલા ફરશો ?

અનાયા બોલી અરે !!! ડોકટર સાહેબ, પ્રેમથી તૃપ્ત તો ક્યારે નાં થવાય, રોજ આરવ મને નિતનવા પ્રેમમાં ડૂબાડે છે, બસ મારે તો એના પ્રેમમાં ગળાડૂબ જ રહેવું છે. પ્રેમનો આનંદ જ અનેરો છે. જિંદગી ખુબજ વ્હાલી લાગે છે. મસ્તીભર્યા દિવસો પૂર્ણ થતાં રહે છે રોજ એક નવી જિંદગીની હસીન શરૂઆત માટે...

ડોકટરે બોલ્યા હા, અનાયા આજથી એક નાનો જીવ તને માં બનાવા તારી કોખમાં આવી ગયો છે. તમારાં પ્રેમને ઉચ્ચ સ્થાન આપવા, તમારાં પ્રેમનું અસ્તીત્વ રૂપે, તમારું બંધન વધારે મજબૂત કરવા. તમારાં પ્રેમની છડી પોકારતો, તમે સ્વાગત માટે તૈયાર છો ?

આરવેતો અનાયાને ખુબજ વ્હાલથી ઊંચકી લીધી, અને ચુંબનોનો વરસાદ વરસાવી દીધો. તેનો આનંદ સમાતો નહતો. લગ્ન પછી હમેંશા પૂછતો રહેતો આ બાબતે અનાયાને. બાળકો અતિ પ્રિય હતાં. આજે એનો ઇન્તઝાર પૂરો થયો. હું બાપ બનવાનો છું. બાપનું સ્થાન એટલે એક જવાબદારી ભર્યું પણ તેમાં કેટલાં કેટલાં સપનાં બાળક માટે ભર્યા હોય. હું મારા સંતાન માટે આ તો કરીશની ભાવના, એક ઇન્સાનને વિચારતો કરી દે. એમાંથી મળતો અનેરો આનંદ જે એના દિલને સૂકુંન આપતો હોય, આવી પળો જીવનમાં ભાગ્યેજ આવતી હોય.

અનાયાના અંતઃકરણમાં કંઈ કેટલાય સ્પંદનો ધબકી રહ્યા હતાં. પ્રેમભરી નજરે આરવનો આનંદ માણી રહી હતી સાથે તેની અભિવ્યક્તિ આરવને કહી રહી હતી. આરવ તો અનાયાનું આ જુદું જ રૂપ નિહાળી રહ્યો હતો. માં બનવાની જાણી અનાયા એકદમ ચુલબુલીમાંથી આટલી પરિપક્વ થઈ ગઈ. તેનાં વિચારો આટલા મેચ્યોર્ડ બની ગયા. સ્નેહનો તાંતણો બંધતાંજ લાગણીઓનો ધોધ વહી ઉઠ્યો. હૃદયમાંથી શબ્દો સ્ફુર્યા પોતાની જાન માટે..

મારી મમતાની છાંવમાં તારું શાનદાર સ્વાગત છે..

👣મારો સ્નેહનો સૂર, ધબક્યો મારી કોખમાં,
બે હ્રદયનાં સૂર મળ્યા, માતૃત્વની મોજમાં.

અનુભૂતિ થઈ મારી, પ્રતિકૃતિની સંવેદનાની,
અંતરચેતનાની જ્યોત દીપી, મારાં અંતઃકરણમાં,

હજારો કિરણોનો પ્રકાશ પથરાયો મારી ઉદરમાં,
બ્રહ્મનો અંશ આકાર લઈ રહ્યો, મારી મમતાની છાવમાં.

સંવેદનાઓ સળવળી, મીઠી મીઠી મુંઝવણની,
માતૃત્વનાં શ્રેષ્ઠ નિર્માણની, સ્વીકૃતિ મળી ઈશથી.

કોખ મારું ઘોડિયું લાગે, હાલરડાંથી વીરગાથા,
સંસ્કારને, જ્ઞાનની સમજ મળે જો ગર્ભગૃહમાં.

રોમરોમ ઝંકૃત થયું, તારા મારાં મિલનથી,
ધાવણની લાજ રાખજે, જીવન માણજે અણમોલ.👣

ક્રમશ: ........