આખરે પિકનિકનો દિવસ આવ્યો અને બધાજ બાળકો બીજા દિવસે સવારે ખુશખુશાલ થતાં જલ્દી જલ્દી તૈયાર થઈ પોતાનો સામાન લઈને સ્કુલમાં જવા નીકળી ગયા.ઘણા બાળકોને એમના મમ્મી પપ્પા મૂકવા માટે આવ્યા હતા. સોહમ પણ એના મમ્મી પપ્પા સાથે આવ્યો હતો. આર્યને જોઈ સોહમના કમિશનર પિતા એને ઓળખી ગયા અને પોતાની પાસે બોલાવી કહેવા લાગ્યા..
"અરે, દીકરા આર્ય, તું પણ જવાનો છે પિકનિકમાં?ખૂબ સરસ. તારા જેવા બહાદુર છોકરાને જોઈ ખૂબ આનંદ થયો મને. આં મારો દીકરો સોહમ છે.'
"અરે સર, તમને જોઈ મને પણ ખૂબ આનંદ થયો. અને હા સોહમ અને હું એકજ ક્લાસમાં ભણીએ છીએ. માટે અમે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ." આર્ય ખુશ થતા બોલ્યો.
"વાહ, ખૂબ સરસ, મારા સોહમને તારી સાથે રાખજે. સોહમ આમ પહેલી વખત ઘરથી દૂર જઈ રહ્યો છે અને સ્કૂલના નિયમ મુજબ હું બોડીગાર્ડને પણ સાથે ના મોકલી શકું, માટે એની થોડી ચિંતા હતી પણ હવે તને જોઈને તે ચિંતા ઓછી થઈ ગઈ મારી, અને હા મને સર નહિ અંકલ કહી બોલાવવાનો" સોહમ ના પિતા આર્યને કહી રહ્યા.
"જી સર, અરે અંકલ, હું ચોક્કસ સોહમની સાથે રહીશ, અને હવે અમે બંને મિત્રો બની ગયા છીએ, એમ બોલતો આર્ય સોહમ સામે જોઈ આંખ મિચકારતો બોલ્યો અને બંને નવા મિત્રો પોત પોતાના મમ્મી પપ્પા ને બાય બાય કહી સાથે બસ માં ચડી ગયા.
બધા બાળકો આજે ખુબજ આનંદિત લાગી રહ્યા હતા, સ્કૂલમાંથી પ્રથમવાર બધાને આમ પૂરા એક વીક માટે પિકનિક જવાનો મોકો મળી રહ્યો હતો, અને તે પણ કુદરતના ખોળે. પૂરી ત્રણ લક્ઝરી બસ ભરાઈને વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષક તથા પ્રિન્સિપાલ સાથે આખરે આ આવનવા કેમ્પ પિકનિકનો બધાએ ભગવાનનું નામ લઈને શુભઆરંભ કર્યો.
સોહમને આર્યની પાસે બેસવું હતું પણ તે બેસે એના પહેલા રાહુલ આર્યની પાસેની સીટ ઉપર જઈને બેસી ગયો.માટે સોહમને નાછૂટકે પોતાના બીજા દોસ્ત સાથે બેસવું પડ્યું, પણ એની નજરોતો આર્ય અને એના મિત્રોની સફરમાં થઈ રહેલ મોજમસ્તી તરફ હતું.
થોડી જ ક્ષણોમાં લક્ઝરી બસ શહેર બહાર નીકળી આસપાસના નાના-મોટા ગામમાંથી પસાર થઇ રહી હતી. બધાજ બાળકો હસી મજાક કરી રહ્યા હતા, કોઈ વાતો કરી રહ્યા હતા તો કોઈ અંતાક્ષરી રમી પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. આર્યની નજર સોહમ તરફ જતાજ એણે સોહમને પોતાની પાસે બોલાવી લીધો. ખુશી ખુશી સોહમ આર્યના ગૃપમાં જઇ ભળી ગયો.
થોડા કલાકો બાદ બધી લક્ઝરી બસ એક મોટા મંદિર આગળ જઈને ઉભી રહી. અર્વાચીન સમયનુ શિવજીનું તે મંદિર ખુબજ પ્રસિદ્ધ હતું.વર્ષો ચારે તરફ હરિયાળી અને પર્વતોની વચ્ચે આવેલું આ મંદિર ખૂબ અદભુત અને મન ને શાંતિ અર્પી રહ્યું હતું. ત્યાં દર્શન કરીને બધા બાળકો માટે ચા-નાસ્તાની સગવડ કરવામાં આવી હતી.
બધા બાળકો થોડીવાર મંદિરમાં જઇને દર્શન કરી, ત્યાં મંદિરના પરિસરમાં જ આવેલા નાનકડા ગાર્ડનમા હરી ફરી થાક ઓછો કરવા લાગ્યા. સોહમને હવે આર્ય અને એની ટોળકી સાથે સારી ફાવટ આવી ગઈ હતી. અને તે આર્ય સાથે ફરી રહ્યો હતો. બધાને ખૂબ જ મજા પડી રહી હતી. આર્યને સતત કોઈ નજરો એમનો પીછો કરી રહી હતી એવું લાગી રહ્યું હતુ, પણ આસપાસ જોતા કંઈ જ શંકાસ્પદ ન જણાતા એ પોતાનો વહેમ હશે એમ માની નચિંત બની ગયો. થોડો સમય ત્યાં પસાર કરી અને ચા નાસ્તો કરીને પાછા બસમાં જઈ ગોઠવાઈ ગયા. આર્ય અને સોહમ સાથેજ બેઠા હતા. વહેલી સવારના ઉઠેલા બાળકો હવે થોડા થાક્યા હતા માટે શાંતિથી પોતપોતાની જગ્યા ઉપર બેસી રહ્યા.
બારી આગળની સીટ ઉપર બેઠેલા આર્યને થોડા સમયબાદ એમની બસની પાછળ એક કાર આવતી દેખાઈ, તે સતત એમની પાછળ પાછળ આવી રહી હતી. બપોર થતાજ બધા પિકનિકની જગ્યાએ પહોંચી ગયા.
ત્યાં પહોંચતાં જ જાણે કોઈ અલગ દુનિયામાં આવી પહોંચ્યા હોય એવું બધા અનુભવી રહ્યા. ડુંગરાળ વિસ્તારમાં આવેલી આં જગ્યા સુંદર ઘટાદાર વૃક્ષો થી ઘેરાયેલું નાનકડું જંગલ ચારેબાજુ હરિયાળી અને નાનીમોટી ટેકરીઓથી ઘેરાયેલું હતું. જંગલ ની વચ્ચોવચ નાનકડી નદી વહી રહી હતી. પહાડોમાંથી નીકળતા ઝરણાં અને પક્ષીઓના કલરવથી મંત્રમુગ્ધ બાળકો ઘડીભર આં નવી દુનિયામાં ખોવાઈ ગયા હતા.
આર્ય અને સોહમ પણ નવી જગ્યાની મોજ માણી રહ્યા હતા. એમના ઉપર આવી પડનાર મુસીબત થી બેખબર..
આખરે પિકનિક માં બાળકોને કેટલી મોજમસ્તી સાથે કઈ કઈ મુસીબતોનો સામનો થવાનો છે?
**************
ધ્રુતિ મહેતા અસમંજસ