સ્કૂલમાં પિકનિક કેમ્પના આયોજનની જાહેરાત સાથે જ બધા છોકરાઓ ખૂબજ આનંદમાં આવી ગયા હતા. રમેશ માસ્તર વર્ગમાં બધાને શાંત કરતા બોલ્યા, અરે છોકરાઓ શાંત થઈ જાઓ પહેલા મારી પૂરી વાત તો સાંભળો, આ વખતે પૂરા સાત દિવસનો પિકનિક પ્લાન અને કેમ્પની વ્યવસ્થા હોવાના કારણે તેના માટે જમા કરાવવાની રકમ પણ થોડી વધુ છે, જે 3000 રૂપિયા રહેશે. માટે જેણે પણ આ પિકનિકમાં આવવું હોય તેને એક અઠવાડિયા સુધીમાં રકમ જમા કરાવવા વિનંતી, જેથી સ્કૂલ મેનેજમેન્ટને આગળનું આયોજન કરવાની સમજ પડે. આ નવી જાહેરાત સાથેજ બધા બાળકો અંદર અંદર વાતો કરવા લાગ્યા. 3000 રૂપિયા થોડી મોટી રકમ હતી, માટે હવે ઘરે પેરેન્ટ્સને મનાવવા માટે થોડી મહેનત કરવી પડવાની હતી.
શાળા ખતમ થતાંજ આર્ય અને એની સુપર ગેંગ ઘર જવા રવાના થઈ. આજે બધાના ચહેરા ઉપર ખૂબજ ખુશી છવાયેલી હતી. એક નવાજ પિકનિક કેમ્પના અનુભવ માટે બધા તલપાપડ બની રહ્યા હતા. આખા રસ્તા પર બસ બધા કેમ્પમાં જવા માટેના ઉત્સાહને વર્ણવી રહ્યા હતા. કોણ શું લઈ જશે, ત્યાં જઈ કેવી કેવી મજા કરીશું, બધા લોકો અત્યારથી જ પ્લાન બનાવવા લાગ્યા હતા. ક્યારે કેમ્પમાં જવાનો દિવસ આવે, તે માટે બધા રાહ જોઈ રહ્યા હતા જાણે. આ બધામાં બસ રાહુલ જ એક હતો જે અત્યાર સુધી એક પણ શબ્દ બોલ્યો ન હતો, જે બાકીના ઉત્સાહિત બાળકોને ધ્યાનમાં ના આવ્યું.
રાહુલના પિતાને હમણાં બિઝનેસમાં ખોટ જવાના કારણે તેના ઘરમાં થોડું તંગદીલી ભર્યુ વાતાવરણ રહેતું હતું. અને ઉપરથી એની દાદીની તબિયત પણ ખરાબ રહેતી હોવાથી એમની દવાઓના ખર્ચા વધી ગયા હતા. માટે ઘરમાં પૈસાની ભીડ પડી રહી હતી. રાહુલ પોતાના પિતાની હાલત જાણતો હોવાથી ઘરે જઈ કેમ્પ માટેના પૈસા ની વાત કરી તેમને મૂંઝવણમાં મૂકવા માંગતો નહોતો.
આર્યની નજરોથી રાહુલનુ મૌન છૂપું રહી શક્યું નહિ. તેને આમ ચૂપચાપ અને ઉદાસ જોઈ આર્ય એ રાહુલ ને તેની ઉદાસીનું કારણ પૂછ્યું પણ રાહુલે કઈ જ નથી તેમ કહી આખી વાત ઉડાવી દીધી. પુરા રસ્તામાં રાહુલ પિતાને ઘરે જઈ વાત કરવી કે નહીં એ વિચારતો રહ્યો. આખરે તેણે ઘરે કોઈજ વાત કહેવાની નહિ તેમ નક્કી કર્યું.સોસાયટી આવી જતા બધા બાળકો સાંજે મળવાનું નક્કી કરી છુટા પડ્યા.
આર્યને ખૂબજ આનંદમાં જોતા તેની મમ્મીથી પૂછ્યા વગર ન રહેવાયું. અરે આર્ય દીકરા આજે કેમ આટલો બધો ખુશ લાગે છે? એમ એની મમ્મી ના સવાલ સાથેજ આર્ય પોતાની મમ્મીને સ્કુલમાં પિકનિક કેમ્પ માટેની બધી જ વિગત જણાવે છે. સાથે એના માટે ભરવાની રકમ પણ જણાવતા, એની મમ્મી એ સાંજે પપ્પા ઓફિસથી આવે એટલે તેમને મનાવી લેશે એમ જણાવતાં જ આર્ય ખૂબ ખુશ થઈ ગયો.
સાંજે જ્યારે બધા મિત્રો મેદાનમાં એકત્રિત થયા, બધા જ ખુબ ખુશ હતા કેમકે લગભગ દરેકને પિકનિક માટે મંજૂરી મળી ગઈ હતી. રાહુલ ત્યારે પણ એકદમ ચુપ હતો. આર્ય એ તે જોઇ પૂછ્યું, રાહુલ તું કેમ કંઈ બોલતો નથી? સવારે પણ તું ચૂપ હતો, કોઈ પ્રોબ્લેમ છે? હોય તો અમને જણાવ દોસ્ત. પણ રાહુલે કશું નથી કહી વાત વાળી લીધી. ચિન્ટુએ રાહુલને પૂછ્યું કે, તને પિકનિકમાં આવવા માટેની મંજૂરી મળી કે નહીં? ઘડીભર રાહુલ શું જવાબ આપવો તે વિચારી રહ્યો. અને થોડીવારના મૌન પછી બોલ્યો ,અરે મારા પપ્પા તો બહારગામ ગયા છે તે બે દિવસ બાદ આવશે, એટલે એમને પૂછીને પછી હું જણાવીશ.અને આમપણ મને આ પિકનિકમાં જવાની ખાસ ઇચ્છા નથી, કેમકે હું આટલા બધા દિવસો સુધી મારા મમ્મી પપ્પા વિના રહી ના શકું. રાહુલના આવા જવાબથી આર્ય ઘડીક વાર વિચારતો રહી ગયો, કારણકે હંમેશા પિકનિકમાં જવા માટે ઉત્સાહિત રહેતો રાહુલ આજે આમ કેમ નિરુત્સાહી છે? પણ હમણાં તેને કંઈ જ પૂછવાની ફરક નહી પડે તેમ વિચારતો આર્ય આગળ કશું જ પૂછતો નથી. સાથે મનમાંજ નક્કી કરે છે કે રાહુલની ઉદાસીનું કારણ તે જરૂર જાણીને રહેશે. ત્યારબાદ રમીને બધા મિત્રો છુટા પડ્યા.
રાત્રે આર્ય કોઈ કામ હોવાથી તેના પપ્પા સાથે બહાર લટાર મારવા નીકળ્યો હતો, ત્યાંજ સામેથી રાહુલના પપ્પા એમની બાઇક લઇને સોસાયટીમાં આવતા દેખાયા. એમને જોઈ આર્ય અવાચક રહી ગયો, કારણકે રાહુલે તો કહ્યું હતું કે એના પિતા બહારગામ ગયા છે, અને બે દિવસ પછી આવશે. માટે પોતાનો જીગરી મિત્ર એને કેમ ખોટું કહી રહ્યો હતો, આર્ય વિચારવા લાગ્યો.
શું આર્ય રાહુલને પિકનિકમા નાં આવવાનુ સાચું કારણ જાણી શકશે? શું રાહુલ પિકનિકમાં જઈ શકશે?
********************
Dhruti Mehta (અસમંજસ)