Prayshchit - 79 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 79

Featured Books
Categories
Share

પ્રાયશ્ચિત - 79

પ્રાયશ્ચિત પ્રકરણ 79

નીતાના ગયા પછી કેતન થોડીવાર સુધી ચેમ્બર માં બેસી રહ્યો અને આત્મચિંતન કરવા લાગ્યો. પોતે આધ્યાત્મિકતાના જે લેવલ ઉપર પહોંચ્યો છે અને જ્યારે સ્વામીજીનાં દર્શન અને વાતચીત પણ કરી શકે છે એ લેવલ ઉપર વાસનાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જાનકીને જો મારા ઉપર આટલો બધો ભરોસો હોય તો નીતાના વિચારોમાંથી મારે કાયમ માટે બહાર નીકળી જવું જોઈએ. એણે મનોમન નિશ્ચય કરી લીધો.

બપોરે ૧૨.૩૦ વાગ્યે ઘરે જમવા ગયો.

" શાહ સાહેબને એમની સુપ્રિન્ટેન્ડેન્ટની ફરજમાંથી મુક્ત કરી દીધા. હવે એ માત્ર એક સર્જન તરીકે પોતાના પેશન્ટોને જોશે. હું આજે જાતે હોસ્પિટલ ગયો ત્યારે ખબર પડી. સ્ટાફમાં બહુ જ અસંતોષ હતો. " જમતાં જમતાં કેતન વાત કરી રહ્યો હતો.

" એ નિર્ણય તમે ખરેખર બહુ સારો લીધો. કરોડો રૂપિયા ખર્ચીને તમે ગરીબો માટે આવી સરસ હોસ્પિટલ બનાવી ત્યાં આવી તાનાશાહી ના ચાલે. નામ તો આપણું જ ખરાબ થાય ને ? "

"હા જાનકી. હવે સિદ્ધાર્થભાઈ સાથે આજે વાત કરી લઉં છું. જો એ આપણી હોસ્પિટલ સંભાળવા તૈયાર થઈ જાય તો આખું કુટુંબ ફરીથી ભેગું થઈ જાય. સંયુક્ત કુટુંબનો આનંદ જ અલગ હોય છે. " કેતન બોલ્યો.

સાંજે ૪ વાગ્યે પણ કેતન ફરીથી હોસ્પિટલમાં જ ગયો. બે કલાક સુધી હોસ્પિટલમાં જ રોકાયો. દરેક વોર્ડમાં ફરીને દાખલ થયેલા દર્દીઓની ખબર પૂછી. જમવાનું કેવું મળે છે એ પણ પૂછ્યું.

સાંજે છ વાગે આયુર્વેદ ચિકિત્સાલયની એણે મુલાકાત લીધી. જયદેવ અને વેદિકા હાજર જ હતાં.

" કેતનભાઇ રિસ્પોન્સ બહુ જ સરસ છે સવારે ઓપીડીમાં ઘણા બધા પેશન્ટો આવે છે. સારા સારા વૈદ્યોનો પણ આપણને સપોર્ટ મળ્યો છે અને દવાઓ પણ ફ્રી અપાય છે એટલે લોકોને ખૂબ જ સંતોષ છે. "

" પંચકર્મ પણ ફ્રી હોવાથી ઘણા પેશન્ટો આવે છે. " વેદિકા બોલી. એ પંચકર્મ વિભાગ સંભાળતી હતી.

આખું આયુર્વેદ ચિકિત્સાલય જયદેવ અને વેદિકા સંભાળતાં હતાં એટલે કેતન એ બંનેને એક લાખ એક લાખ સેલેરી આપતો હતો. જ્યારે ચાર આસિસ્ટન્ટ નર્સોને ૩૫૦૦૦ આપતો હતો.

ત્યાંથી ૭ વાગે નીકળીને કેતને આશ્રમનું ચક્કર લગાવ્યું. ત્યાં જઈને આશ્રમમાં રહેતા બધા વડીલોની ખબર પૂછી.

કેતન ઘરે આવ્યો ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. દક્ષામાસીએ રસોઈ બનાવી દીધી હતી એટલે હાથ-પગ ધોઈને એ જમવા જ બેસી ગયો. જાનકી અને શિવાની પણ કેતનની સાથે જ બેસી ગયાં.

" શિવાની તારું ભણવાનું કેવુંક ચાલે છે ? " કેતન બોલ્યો.

" ભાઈ રીઝલ્ટ તો સારું આવે છે. મારી ફાઇનલ એક્ઝામ પણ ૧૩ એપ્રિલથી ચાલુ થાય છે. એ પતી જાય પછી દોઢ મહિનાનું વેકેશન. વેકેશનમાં સુરત જવાની ઇચ્છા છે. મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. " શિવાની બોલી.

" પરંતુ મમ્મી પપ્પા ભાઈ ભાભી બધાં જામનગર આવે તો ? " કેતન શિવાની સામે જોઇને બોલ્યો.

" ખરેખર ભાઈ ? એ લોકો બધા અહીં આવવાના છે ? " શિવાનીએ આશ્ચર્યથી પૂછ્યું.

" તારી ઈચ્છા હોય તો બધાંને અહીં બોલાવીએ. " કેતને મજાક ચાલુ રાખી.

જો કે અંદરથી કેતનની પોતાની પણ ઇચ્છા હતી કે ફેમિલીને હવે જામનગર ટ્રાન્સફર કરી દેવું. આખું ફેમિલી સાથે રહે તો પરિવારનો આનંદ પણ મળે અને પપ્પાની કાળજી પણ લેવાય. સારામાં સારા ડોક્ટર પોતાની હોસ્પિટલમાં છે.

અને ભાઈ જો હોસ્પિટલ સંભાળી લે તો મારી જવાબદારી ઓછી થાય. કરોડો રૂપિયા જુદી જુદી બેંકોમાં પડેલા છે. સો કરોડથી પણ વધારે કિંમતની તો સુરતમાં પ્રોપર્ટી જ છે. ભાઈએ ધંધામાં હવે વધુ મહેનત કરવાની હવે કોઈ જરૂર નથી. આજે રાત્રે ભાઈ સાથે મારે વાત કરવી જ પડશે.

" ભાઈ કેતન બોલું. મારી ઈચ્છા છે કે હવે આખું ફેમિલી જામનગરમાં જ શિફ્ટ થઈ જાય. હાર્ટ એટેક આવ્યા પછી પપ્પાની તબિયત પણ તમારે સંભાળવી પડે છે. અહીંયા આપણી પોતાની ઘરની હોસ્પિટલ છે. અને ડાયમંડના ધંધામાં મંદી ચાલે છે. જો તમે ડાયમંડનો ધંધો વાઈન્ડ અપ કરીને અહીંયા શિફ્ટ થઈ જાઓ તો અહીંયા મારું ભારણ ઓછું થાય. " કેતને રાત્રે ૧૦ વાગે સિદ્ધાર્થને શાંતિથી ફોન કર્યો.

" અચાનક તને આવો વિચાર ક્યાંથી આવ્યો કેતન ? ધંધો વાઈન્ડ અપ કરી દેવો એટલું સહેલું નથી. બે પેઢીથી જમાવેલો ધંધો છે. અને આ ઉંમરે નિવૃત્તિ લેવી પણ બરાબર નથી. " સિદ્ધાર્થ બોલ્યો.

" ભાઈ ઈશ્વરે આપણને એટલું બધું આપ્યું છે કે ત્રણ ચાર પેઢીઓ સુધી પણ આપણને વધારે કમાવાની જરૂર નથી. અને આપણે ધનાઢ્ય વ્યક્તિઓની હરીફાઈમાં નથી. જામનગરમાં બધાં સેવાના કાર્યો જ ચાલે છે. કરવા માગો તો અહીં પણ પ્રવૃત્તિઓ ઘણી છે. " કેતને સમજાવ્યું.

" તારી વાત હું કાલે પપ્પા સાથે કરું છું. આ નિર્ણય પપ્પા લે તો વધારે સારું છે. કારણકે પેઢી હજુ પપ્પાના નામથી જ ચાલે છે. પપ્પા કદાચ હા પાડે તો પણ બધું વાઈન્ડ અપ કરવામાં જ ત્રણ ચાર મહિના લાગી જાય. " સિદ્ધાર્થ બોલ્યો.

" આપણને ક્યાં ઉતાવળ છે ભાઈ ? હું પણ પપ્પા સાથે કાલે વાત કરી લઉં છું. સૌથી પહેલાં તમારો મત જાણવો જરૂરી હતો. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે સિદ્ધાર્થે સવારે ચા પીતાં પીતાં મમ્મી પપ્પા સાથે વાત ચાલુ કરી.

" પપ્પા રાત્રે કેતનનો ફોન હતો. એની ઇચ્છા એવી છે કે આપણું આખું ફેમિલી હવે જામનગરમાં જ શિફ્ટ થઈ જાય. એને ત્યાં મારી જરૂર છે. ત્યાં આપણી પોતાની હોસ્પીટલ છે એટલે તમારી વીઆઈપી ટ્રીટમેન્ટ ત્યાં થઈ શકે. એ કહે છે કે ઘણું બધું કમાઈ લીધું છે. હવે મારી સેવાની પ્રવૃત્તિ માં તમે જોડાઈ જાઓ. ત્યાં આપણા પોતાના યોગા ક્લાસીસ પણ ચાલે છે એટલે તમે નિયમિત યોગા પણ કરી શકશો " સિદ્ધાર્થ બોલ્યો.

" કેતનની વાત મને તો બહુ ગમી. જો એ પોતે જ હવે આપણને ત્યાં બોલાવવા માગતો હોય તો આમાં ઝાઝો વિચાર કરવાની કોઈ જરૂર નથી. એ બહાને આખું ફેમિલી એકસાથે હવે રહી શકશે. ભગવાનનું આપ્યું આપણી પાસે ઘણું છે. અને સુરત કરતાં જામનગરનાં હવા પાણી પણ સારાં છે. અને યોગાથી તમારી તબિયત પણ ત્યાં સારી રહેશે. " જયાબેને પોતાનો મત આપ્યો.

" હા પણ ધંધો સમેટવામાં ત્રણ-ચાર મહિના લાગી જશે. ઘણા બધા વેપારીઓ સાથે આપણા સંબંધો છે. બધે આપણે જાણ પણ કરવી પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ પણ લેવી પડશે. " જગદીશભાઈ બોલ્યા.

" તમે પણ જો હા પાડતા હો તો પછી એ દિશામાં હું આગળ વધુ. " સિદ્ધાર્થ બોલ્યો.

" મારે ના પાડવાનું કોઈ કારણ નથી હવે આ ઉંમરે. અને આમ પણ અત્યારે ભયંકર મંદી ચાલી રહી છે. છતા આજે હું પણ કેતન સાથે વાત કરી લઉં છું. " જગદીશભાઈ બોલ્યા.

પરંતુ એક કલાક પછી કેતનનો ફોન સામેથી જ આવી ગયો.

" પપ્પા કેતન બોલું. હું આખા ફેમિલીને હવે જામનગર શિફ્ટ કરવા માગું છું. મારે અહીંયા સિદ્ધાર્થભાઈ ની જરૂર છે. મારી તમામ સેવાની પ્રવૃત્તિઓમાં હું એકલો પહોંચી વળતો નથી. અને ઘરના જ માણસો સંભાળતા હોય તો મારે કોઈ ચિંતા કરવી ના પડે. ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે. મેં સિદ્ધાર્થભાઈ સાથે પણ રાત્રે વાત કરી છે. " કેતન બોલી ગયો.

" સિદ્ધાર્થે મને હમણાં જ વાત કરી છે. તું ચિંતા ના કર. તારી આ સેવાની પ્રવૃત્તિ માં મારો હંમેશા સાથ છે. હું તો લગભગ નિવૃત્ત થઈ ગયો છું. તારી વાત ઉપર અમે ગંભીરતાથી વિચાર કરીએ છીએ. " જગદીશભાઈએ આશ્વાસન આપ્યું.

વાતચીત કર્યા પછી કેતન નિશ્ચિંત થઈ ગયો. અભિશાપ ટળી ગયો છે તો હવે સાથે રહેવામાં કોઈ જ વાંધો નથી.

કેતને જાનકીને પણ વાત કરી કે ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે બધાં હવે સાથે રહી શકીશું. મેં મમ્મી પપ્પાને અને સિદ્ધાર્થભાઈ ને સમજાવ્યા છે.

" એ લોકો બધાં અહીં આવશે તો ઘર કેટલુ ભર્યુ ભર્યુ લાગશે !! હું તો આખો દિવસ પરિવાર સાથે ઘરમાં રહેવાનું જ પસંદ કરીશ. " જાનકી ખુશ થઈને બોલી.

" સાંભળો બીજી માર્ચે તમારો જન્મ દિવસ આવે છે. ગયા વર્ષે તો આપણાં તાજાં લગ્ન થયેલાં હતાં એટલે ઘરમાં જ સાદગીથી ઉજવ્યો હતો. પણ આ વખતે તો શિવાની બેન પણ સાથે છે એટલે તમારો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાની મારી ઈચ્છા છે. " જાનકી બોલી.

" ઓકે... એઝ યુ વિશ " કેતન હસીને બોલ્યો.

" મને જામનગર આવ્યાને દોઢ વર્ષ થઈ ગયું જાનકી. સમય ક્યાં પસાર થાય છે ખબર જ નથી પડતી. " કેતને કહ્યું.

અને કેતનની વાત પણ સાચી હતી. જોતજોતામાં બીજા ૨૦ દિવસ પસાર થઈ ગયા. કેતનનો રોજ હોસ્પિટલ જવાનો ક્રમ બની ગયો. સવારે દશ થી સાડા બાર એ હોસ્પિટલનું કામકાજ સંભાળતો.

સોમવારથી બુધવાર સાંજે ચાર વાગે એ પોતાના કન્યા છાત્રાલયમાં જતો તો ગુરુવારથી શનિવાર સાંજે એ આશ્રમમાં વિઝીટ કરતો. એણે હવે ફિક્સ શિડ્યુલ બનાવી દીધું હતું.

કન્યા છાત્રાલયમાં જતો ત્યારે એ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ સાથે મીટીંગ પણ કરતો, જમવાનું કેવું મળે છે એ વિશે પણ પૂછપરછ કરતો. કોઈપણ કન્યાને કોઈ પ્રોબ્લેમ હોય તો નાની મોટી મદદ પણ કરતો.

અઠવાડિયામાં એક વાર એ તમામ વિદ્યાર્થિનીઓ સાથે હોલમાં એક જનરલ મીટીંગ પણ ગોઠવતો.

" જુઓ આ છાત્રાલય તમારું પોતાનું ઘર છે. તમે અહીંયા સંપૂર્ણ સુરક્ષિત છો. તમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો ગમે ત્યારે મને કહી શકો છો. વીક માં ત્રણ દિવસ તો હું અહીં આવું જ છું. કોઈના ઘરમાં કોઈ આર્થિક પ્રોબ્લેમ હોય તો પણ મને વાત કરજો . જે પણ શક્ય હશે તે મદદ કરીશ. તમારા પરિવારમાં કોઈને કંઈ શારીરિક તકલીફ હોય તો આપણી હૉસ્પિટલમાં ફ્રી સારવાર થશે. " કેતન જનરલ મિટિંગમાં કહેતો.

બધી જ કન્યાઓ કેતનના સ્વભાવથી ખૂબ જ ખુશ હતી અને ખૂબ જ રિસ્પેક્ટ પણ આપતી હતી. રાગિણીબેન પોતે સ્વભાવનાં બહુ જ કડક હતાં પરંતુ દરેક છાત્રાઓ સાથે પ્રેમાળ વ્યવહાર કરતાં.

છતાં છોકરીઓની હોસ્ટેલ ક્યારેક તો ગુંડા તત્વોનું ટાર્ગેટ બનતી જ હોય છે. બધા દિવસો સરખા જતા નથી હોતા.

એક વાર દર્શના નામની એક દેખાવડી વિદ્યાર્થીનીએ રાગિણી બહેનને ફરિયાદ કરી કે એક રોમિયો એને કોલેજમાં પજવતો હતો. દર્શના આયુર્વેદ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

દર્શના કોલેજમાંથી બહાર નીકળતી તે સમયે એ એના બે સાગરીતો સાથે બહાર જ ઉભો રહેતો. ક્યારેક દર્શનાનો રસ્તો રોકીને ઊભો રહેતો. ગંદી વાતો કરતો. ક્યારેક છેક હોસ્ટેલ સુધી દર્શનાની સ્કૂટીની પાછળ પાછળ બાઈક લઈને આવતો હતો. હોસ્ટેલમાં તો એ સલામત હતી પરંતુ બહાર એ પરેશાન હતી.

રાગિણીબેને દર્શનાની ફરિયાદ સાંભળીને તરત જ સાંજે ફોન ઉપર કેતનને વાત કરી. આ વાત બહુ ગંભીર હતી અને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. સબક તો શીખવાડવો જ પડશે.

આશિષ અંકલ હવે હતા નહીં એટલે થોડીક વાર વિચાર કરીને કેતને રાજકોટ અસલમને ફોન ઉપર વાત કરી.

અસલમે કેતનની આખી વાત સાંભળી. અસલમને પણ ગુસ્સો આવ્યો. એણે કહ્યું કે હું ૧૦ મિનિટમાં જ તને ફોન કરું છું.

એ પછી થોડી જ વારમાં કેતન ઉપર અસલમનો ફોન આવી ગયો.

" તું ટેન્શન ના લઈશ કેતન. તારી ઉપર દશ મિનિટમાં એક ફોન આવશે. રાજુ માણેક નામ છે એનું. મારા નેટવર્કનો માણસ છે. ખૂંખાર છે. એનો નંબર તું દર્શનાને આપી દે. તું બીજી ચિંતા ના કરીશ. એ મારો માણસ છે એટલે કાલે કામ પતી ગયા પછી દર્શનાનો નંબર કાયમ માટે ડિલીટ કરી દેશે. " અસલમ બોલ્યો.

" કાલે સવારે કોલેજ છૂટવાના સમયે રાજુ કોલેજ પાસે ઊભો રહેશે. દર્શના જેવી કોલેજ છુટે કે તરત રાજુને ફોન કરી દેશે. બસ બાકીનું બધું રાજુ સંભાળી લેશે. " અસલમ બોલ્યો.

લગભગ ૧૫ મિનિટ પછી રાજુ માણેકનો ફોન આવી ગયો.

" સાહેબ મારા ઉપર અસલમ શેઠનો હમણાં જ ફોન આવ્યો. તમે કોઈ ચિંતા ના કરો. એ બેનનો પ્રોબ્લેમ કાલે જ પતી જશે. મારો આ નંબર એ બેનને આપી દો. એ બેનને કહો કે મારી સાથે એક વાર વાત કરી લે. એ કેટલા વાગે કોલેજમાંથી છૂટે છે એ જાણી લઉં અને એમને ક્યાં ઊભા રહેવાનું એ પણ હું સમજાવી દઉં. " રાજુએ કહ્યું.

" અને સર બેનના ફોન નંબરની તમે કોઈ ચિંતા ના કરશો. એમનું કામ પતી જશે એટલે તરત જ કાયમ માટે એમનો નંબર મારા મોબાઈલમાંથી ડીલીટ થઈ જશે." રાજુ બોલ્યો.

કેતને રાગિણીબેન સાથે વાત કરીને રાજુ માણેકનો નંબર આપી દીધો અને તાત્કાલિક દર્શનાને વાત કરાવવાનું કહી દીધું.

" સર રાજુ માણેક તો અહીં બહુ મોટું નામ છે. બહુ માથાભારે ગણાય છે. જો વાત કરાવીશ તો એની પાસે દર્શનાનો મોબાઈલ નંબર જતો રહેશે." રાગિણી બેને પોતાની ચિંતા વ્યક્ત કરી.

" તમે એ ટેન્શન નહીં લો. એ મારો માણસ છે અને કામ થયા પછી દર્શનાનો નંબર ડીલીટ થઈ જશે. " કેતને આશ્વાસન આપ્યું.

એ પછી. થોડીવારમાં જ રાગિણીબેને દર્શનાને નીચે બોલાવીને એના પોતાના મોબાઈલ ઉપરથી રાજુ સાથે વાત કરવાનું કહ્યું.

દર્શનાએ એ રોમિયો વિશે બધી જ વાત રાજુ માણેક સાથે કરી દીધી. રાજુએ એ કેટલા વાગે છૂટે છે એ પૂછી લીધું અને કાલે દર્શના કયા કલરનો ડ્રેસ પહેરશે એ પણ પૂછી લીધું જેથી એ એને ઓળખી શકે. રાજુએ સૂચના આપી કે એ ગેટ પાસે જ ઉભી રહે.

સવારની કોલેજ હતી એટલે બપોરે ૧૨:૩૦ વાગ્યે કોલેજ છૂટતી હતી. રાજુ માણેક એના સાગરીતને લઈને જીપમાં સમયસર આવી ગયો અને ગેટની બરાબર સામે જીપ ઊભી રાખી.

જેવી કોલેજ છુટી કે તરત જ દર્શનાએ રાજુને ફોન કરી દીધો. અને એ પણ કહી દીધું કે પોતે પિંક કલરનું ટોપ પહેરેલું છે.

બસ દશ જ મિનિટમાં બધો ખેલ પતી ગયો. રાજુએ દર્શનાને જોઈ લીધી. એ ગેટ ઉપર ત્રણ ચાર મિનિટ ઊભી રહી ત્યાં જ પેલો ટપોરી ત્યાં આવી ગયો. દર્શનાએ ઇશારો કરી દીધો. રાજુ માણેક અને એનો સાગરીત કાનો એ રોમિયો પાસે પહોંચી ગયા.

કુખ્યાત રાજુને જોઈને જ પેલાના મોતિયા મરી ગયા. રાજુએ ઉપરાઉપરી બે તમાચા એના ગાલ ઉપર ઝીંકી દીધા. બંને જણાએ એને ઢસડીને જીપમાં નાખ્યો અને જીપ મારી મૂકી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)