આન્યાને સ્મિતના એક ફ્રેન્ડે ખેંચી અને તેની સાથે કપલ ડાન્સ કરવાનું ચાલુ કર્યું. આન્યા હવે વધુ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી તે છોકરાનાં મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધથી તે અકળાઈ ગઈ હતી અને તેની હરકતોથી તે પરેશાન થઈ ગઈ હતી તેણે તેની પાસેથી છૂટવાની અને આ સર્કલમાંથી બહાર નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે નીકળી શકી નહીં. તેણે આજુબાજુ નજર કરી કે કોઈ તેની મદદ કરી શકે તેમ છે તેની મજબુર આંખો સ્મિતને શોધવાની કોશિશ કરી રહી હતી પરંતુ એટલામાં ક્યાંય સ્મિત હાજર ન હતો..!!
પેલો અજાણ્યો છોકરો પોતાના શરીરને સ્પર્શ કરે તે પણ આન્યાને બિલકુલ ગમતું ન હતું જાણે તેના સ્પર્શ માત્રથી તે ધ્રુજી ઉઠતી હતી અને એ છોકરો એટલો બધો તો નશામાં ધૂત થઈ ગયો હતો કે તેને તેનું પોતાનું પણ ભાન ન હતું..!!
હવે તે આન્યા સાથે આટલું જ કરશે કે પોતાની તલપને બુઝાવવા કંઈ બીજું પણ કરશે ? તે વિચાર માત્રથી આન્યા ધ્રુજી ઉઠી હતી બસ તે ગમેતેમ કરીને આ છોકરાને પોતાનાથી અળગો કરવા માંગતી હતી પરંતુ તે જેમ તેને અળગો કરવા માંગતી હતી તેમ તે છોકરો તો તેની વધુ નજીક આવી રહ્યો હતો અને હવે તો તેણે આન્યાને પોતાની તરફ ખેંચવા માટે તેની કમર ઉપર હાથ મૂક્યો અને આન્યાને પોતાની નજીક લાવવાનો પ્રયત્ન કર્યો.
અને આ હરકત આન્યાથી બિલકુલ સહન થઈ શકી નહીં તેથી તેણે ચાલુ ડાન્સ પાર્ટીમાં જ પોતાનામાં જેટલું જોર હતું તેટલા જોરથી પેલા છોકરાને ધક્કો માર્યો અને તેટલા જ જોરથી અને તેટલા જ મોટા અવાજથી તેણે બૂમ પણ પાડી કે, " લીવ મી " અને આખુંય વાતાવરણ તેના દર્દસભર અવાજથી ગુંજી ઉઠ્યું.
સ્મિત અંદર રૂમમાં બેઠો બેઠો હાર્ડ ડ્રીંક જ ગટગટાવી રહ્યો હતો અને આન્યાની દર્દસભર ચીસ સાંભળીને દોડીને બહાર આવી ગયો આન્યાની પાસે જઈને ઉભો રહી ગયો અને આન્યાના બંને ખભા ઉપર હાથ મૂકીને તે આન્યાને પૂછવા લાગ્યો કે, " વૉટ હેપન આન્યા ? "
જેટલા પ્રેમથી અને શાંતિથી સ્મિત પૂછી રહ્યો હતો એટલાજ ગુસ્સાથી આન્યાએ સ્મિતના બંને હાથને ધક્કો મારીને પોતાના ખભા ઉપરથી હટાવી દીધા અને એટલાજ ગુસ્સાથી તે બોલી કે, " વૉટ નથીંગ હેપન ? શું છે આ બધું ? આ તારી બર્થડે પાર્ટી છે ? શું કામ મને અહીંયા લઈ આવ્યો તું ? મારે ઘરે જવું છે મને પહેલાં જ મારા ઘરે મૂકી જા "
સ્મિત આન્યાને જરા લાડથી સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " ડિયર આમ ગુસ્સે ના થઈશ, ચાલ આપણે થોડું જમી લઈએ પછી હું જાતે તને તારા ઘરે ડ્રોપ કરી જઈશ, તું ચિંતા ન કર. " સ્મિત પણ જાણે ધ્રુજી રહ્યો હતો અને બોલી રહ્યો હતો.
હવે આન્યાની સમજમાં બધીજ વાત આવી ગઈ હતી. તે બસ હવે વહેલામાં વહેલી તકે અહીંથી નીકળી જવા માંગતી હતી.
તેથી તેણે સ્મિતને ફરીથી પૂછ્યું કે, " તું મને મૂકવા માટે આવે છે કે, હું મારી જાતે અહીંથી ચાલતી પકડું ? "
સ્મિત તો જાણે પાગલ થઇ ગયો હોય તેમ અને તેની સમજમાં આન્યાની કોઈ વાત આવતી જ ન હોય તેમ તે ફરીથી આન્યાને સમજાવવા લાગ્યો કે, " ડિયર જો આ બધી છોકરીઓ તારી ફ્રેન્ડસ જ છે ને..? અહીં આવ હું તેમની સાથે તારો ઈન્ટ્રો કરાવું. એ બધા એન્જોય કરે છે તેમ તું પણ એન્જોય કરને યાર શું આટલી બધી અકળાઈ જાય છે ? "
હવે આન્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો તેણે સટાક દઈને સ્મિતને ગાલ ઉપર એક લાફો મારી દીધો અને ગાલ ઉપર લાફો પડતાંની સાથે જ સ્મિતને જેટલી ચઢી હતી તે બધીજ ઉતરી ગઈ અને તેની અક્કલ ઠેકાણે આવી ગઈ.
ડાન્સ, મ્યુઝિક બધું જ સ્ટોપ થઈ ગયું અને બધા જ સ્મિતની આજુબાજુ વિંટળાઈ ગયા. આ આખાયે ટોળામાં સ્મિતનો એક એવો ફ્રેન્ડ હતો પૂજન, જે બધાજ વ્યસનોથી હંમેશા દૂર રહેતો હતો તે આન્યાની નજીક આવ્યો અને શાંતિથી તેણે આન્યાને કહ્યું કે, "ચાલ, હું તને તારા ઘરે મૂકી જવું. "
તેણે સ્મિત પાસેથી તેની કારની ચાવી લીધી અને તે અને આન્યા ત્યાંથી નીકળી ગયા.
પૂજન ખૂબજ સારા ઘરનો છોકરો હતો તે આન્યાની પરિસ્થિતિ બરાબર સમજી ગયો હતો.
બંને કારમાં ગોઠવાઈ ગયા પછી પૂજને આન્યાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યું અને જીપીએસ ચાલુ કરી તેમાં એડ્રેસ નાંખી દીધું.
કારમાં બેઠા પછી આન્યાથી રડી પડાયું એટલે તેને એકદમ રડતી જોઈને પૂજને કાર રસ્તામાં જ અટકાવી દીધી અને બાજુમાં પડેલી પાણીની બોટલ ખોલીને તેણે આન્યા તરફ ધરી અને તે આન્યાને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો.
પણ આન્યા સાથે આજે જે બન્યું હતું તે વાતથી જ તે ધ્રુજી ઉઠી હતી અને તે યાદ આવતાં જ તે વધારે જોરથી રડવા લાગી.
હવે પૂજન આન્યાને શાંત પાડી શકે છે ? અને રસ્તામાં બંને વચ્ચે શું વાતચીત થાય છે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/2/22