હાઈ કેપ્લર-૫
ભેટ..?
એક દિવસ અમે સુતા હતા ત્યાં અચાનક મારી ઘડિયાળ માંથી એલાર્મ વાગવા માંડ્યું. મારી બાજુમાં ભાવિક અને વેદ સુતા હતા પણ એમને તે સંભળાતું ન હોય તેવું લાગતું હતું. ઘડિયાળ માંથી સાચ્ચે જ ખૂબ મોટો અવાજ આવતો હતો કે કોઈ પણ જાગી જાય. પણ કોઈ જાગતું ન હતું. મને કંઈ સમજાતું ન હતું. હું આમતેમ ડાફોળિયા મારતો હતો અને વેદ ને જગાડવા જતો હતો, ત્યાં જ લેન-રોઝ અમારા રૂમના દરવાજા પાસે આવ્યા. પેલા બે પહેરેદાર ત્યાં દેખાતા ન હતા. તેણે મને તેની સાથે આવવા કહ્યું. હું તેની સાથે ચાલવા તૈયાર ન હતો પણ ભાવિક અને વેદ સુરક્ષિત જ છે અને મને રાજકુમારીએ જ બોલાવ્યો છે એમ કહેતા હું તૈયાર થયો. તેણે ઉમેર્યુ કે ભાવિક અને વેદની ઘડિયાળ ડિટેક્ટિવ કરી દીધી છે તેથી તમારી સિવાય કોઈને અવાજ સંભળાય નહિ. આ ડિવાઈસથી જ અમે અવાજો સાંભળી શકતા હતા. આમ અમારા વાત-વ્યવહારમાં પણ તેની દખલગીરી હતી.
તેઓ મને બહાર લઇ જવાને બદલે મારી રૂમની ગેલેરી પર જ લઈ ગયા. ત્યાં મેં એક મોટું યાન ઉભેલું જોયું. રોઝે મારા હાથમાં હાથકડી પહેરાવી. હું ખૂબ જ અચરજ પામ્યો પણ કઈ બોલ્યા વગર તેની સાથે યાનમાં ચાલતો થયો અને લેન ત્યાં જ રોકાયો. પછી રોઝ મને યાનના એક કક્ષમાં લઈ ગયો જ્યાં કાચનું પ્લેટફોર્મ બનેલું હતું. ત્યાંથી આકાશ અને બહારનો નજારો દેખાતો હતો. જોરના ઝટકાથી યાન ઉપર તરફ ચાલતું થયું. હું પ્લેટફોર્મ થી બહારની તરફની ઈમારતો જોતો હતો.
થોડીવારમાં પાછળથી કોઈ તીણો અવાજ સંભળાયો, "કેમ છો ? મજા આવે છે ને?" આ સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. અહીં કોણ હશે કે જે મને આવું પૂછે છે. હું તે જોવા માટે પાછળ ફર્યો ત્યાં પહેલી બાલ્કની માંથી જોયેલી મોટી આંખોવાળી વિચિત્ર લાગતી કન્યા દેખાઇ. આ વખતે તેણે કંઈ અલગ જ પ્રકારના શાહી વસ્ત્રો પહેર્યા હતા. હું કંઈ બોલી ન શક્યો, બસ તેની સામે જોતો જ રહ્યો. તેને એક ચપટી વગાડી અને મારા હાથમાં બાંધેલી હથકડી નીચે પડી ગઈ ત્યારે હું ભાનમાં આવ્યો. મને ખાતરી થઇ કે આજ રાજકુમારી છે એટલે હું નમન કરવા નીચે ઝુક્યો પણ તે હસી અને તેના મીઠા સ્વર કહ્યું, 'તમારી પૃથ્વીવાસીઓની ભાષા બહુ સ્વીટ હોય છે નહીં ?' અને મને ઉભા થવા કહ્યુ. હું પણ મલકાતા બોલ્યો, ' હા, એટલી જ સ્વીટ કે જેટલા મારા પૃથ્વીવાસીઓ' તે આ સાંભળીને હળવું સ્મિત આપ્યું.
પછી એકાએક બોલી, ' તમને ખબર છે તમને શું કામ લાવવામાં આવ્યા છે?' મેં નામી ભણી. એટલે તેણે કહ્યું, ' મને પણ નથી ખબર...હા હા...' તે શું બોલતી હતી અને મને શું પૂછતી હતી તેની મને કંઈ ખબર પડતી ન હતી. એક તો અમે અહીં ફસાયા છીએ અને ઉપરથી આવી વાતો. આથી મને ખુબ ગુસ્સો આવતો હતો. તે મારી સામે જોઈ ધીમેથી હસી અને બોલી, " રિલેક્સ, સ્વીટ પર્સન રિલેક્સ.... " આ સાંભળીને મારો ગુસ્સો ઓગળી ગયો અને હું પણ મલકાઈ ગયો. મને કંઈ ખબર પડતી ન હતી બસ હું તેની આંખો માં આંખ પરોવી જોઈ રહ્યો હતો. બધું સ્લોમોમાં ચાલતું હોય તેવું લાગતું હતું. કોને ખબર પણ મારામાં કંઈક અલગ જ પ્રકારની લાગણીની અનુભૂતિ થતી હતી કે જેવી મને પહેલા ક્યારેય થઈ ન હતી.
ત્યાર પછી તે પોતાના દેશની વાત જણાવવા લાગી. તે ઘણા સમયથી અમારી ઉપર નજર રાખતી હતી. તેને આપણી થોડી ઘણી ભાષા પણ આવડતી હતી. બાકી હાથમાં રહેલા ડિવાઈસથી ભાષા સમજી શકાતી હતી. તે ઉપરાંત તેણે પોતાના ગ્રહની પણ વાત કરી કે તે પહેલા પૃથ્વી જેવો જ માનવ-વસ્તી ધરાવતો ગ્રહ હતો. ત્યાં પણ પર્વતો-નદી-ઝરણા-ફળ-ફૂલ-ઝાડ હતા પણ અતિશય ઉદ્યોગીકરણ ને લીધે અહીં તેની જગ્યા મોટી મોટી ઇમારતો-વિમાનો અને શિલ્પસ્થાપત્ય અને લઈ લીધી હતી. પણ એક વાત હતી જે કેપ્લરવાસીઓએ જાળવી રાખી હતી, એ હતી ત્યાં ની રાજાશાહી શાસન વ્યવસ્થા. અહીં આટલા બધા ઉદ્યોગીકરણ બાદ પણ રાજાશાહી શાસન હતું. એટલે કે રાજ-ઘરાણાના લોકો શાસન કરતા અને ઉત્તરાધિકારી પણ નક્કી કરતા. રાજાશાહી હોય એટલે ઉત્તરાધિકારી માટે તેમાં ઝઘડા થવાના એ આમ વાત હતી. તેના કહ્યા પ્રમાણે અમને તેના સેનાપતિ દ્વારા જ કેદ કરવામાં આવ્યા હતા. પણ શા માટે કર્યા હતા તે વાત જણાવી નહોતી.
રાજકુમારીને પૃથ્વીવાસીઓની જીવન વ્યવસ્થા અને જીવન પ્રણાલી ખુબ પસંદ હતી. તેની માહિતી તેણે પોતાના ગ્રહ પર બેઠા બેઠા જ મેળવી હતી. તેને પૃથ્વી પર આવવું હતું. પણ તેના પિતા થ્રોન તેને તેમ કરતા રોકતા હતા. આથી તે મારી પાસેથી ત્યાંની અજાયબ વાતોની જાણકારી મેળવવા માગતી હતી. હું પૃથ્વી અને પૃથ્વીવાસીઓના બની શકે તેટલા વખાણ કરતો અને તે સાચ્ચે જ વખાણ કરવા યોગ્ય પણ છે. રાજકુમારી અમે આવ્યા ત્યારથી અમારી હાલચાલ ની નજર રાખતી હતી પણ વર્નોનની બીકથી તે અમને મળી શકી ન હતી. આથી આમ છુપાઈને મળવું પડતું હતું. તે પોતાના ગ્રહ ની વાતો કરતી હું તેની સામે સ્થિર જોયા કરતો અને તે પણ મંદ સ્મિત આપતી.
કોને ખબર કેટલીક કલાકો વીતી હશે અમે વાતો કરતા હતા કરતા જ હતા, ત્યાં દરવાજા પાસે રોઝ આવ્યો અને મને પાછો લઈ જવા રાજકુમારી ને વિનંતી કરી નહીંતો પેલા પહેરેદારો આવી જશે એમ જણાવ્યું. હું પાછો જઈ રહ્યો હતો ત્યાં રાજકુમારીએ એક અષ્ટકોણ આકારનું આછાં લીલાં રંગનું કોઈ યંત્ર મારા હાથમાં મૂકયું અને કહ્યું, ' મારા પૃથ્વીના દોસ્તને મારા તરફથી સપ્રેમ ભેટ....'
_________________________________________
THANK U 4 READING & SORRY FOR LATE...
મેડિકલના અભ્યાસ સાથે લખાણની પ્રક્રિયા મુશ્કેલ છે આથી ધીમી ગતિએ ચાલી રહી છે. પણ મજા ની વાત એ છે કે આગળના ભાગ લખાઇ ગયા છે અને બની શકે તેટલી ઝડપથી તમારી સમક્ષ રજૂ કરીશ.
_______________________________________
જો તમે નવા વાચકમિત્ર હોય તો આગળનાં ભાગ વાંચવાનું ચૂકતા નહીં...
KEEP SUPPORTING...💪