MOJISTAN - 74 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 74

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોજીસ્તાન - 74

મોજીસ્તાન (74)

"આ બાબાને બેભાન કરી નાંખ્યો સે, પણ ઈ ભાનમાં આવી જશે ત્યારે જોવા જેવી થાસે. પોસા શાબ્ય તમે ભારે કરી. હવે તો તમારી બાજી ઊંધી જ વળવાની.આ તમારો ડોહો બવ બળુંકો મુવો સે.જાદવાની વાડીએ આણે મને ધોકાવીને વાડયમાં ઠોકી દીધો'તો.જાદવાને ને ખીમલાને હોતે ઠોકાર્યા'તા." ચંચાએ પસાહેબને ચૂપચાપ બેઠેલા જોઈ કંટાળીને કહ્યું.

"અલા બુદ્ધિવગરના,તું ચૂપ મર. મને જરા વિચારવા દે.તમારે તો એકેયને મગજ નથી એટલે મારે જ વિચારવું પડશે." કહી પસાહેબ ફરી આંખ મીંચી ગયા.

"ઈમ કરો હવાર હુંધીનમાં વિચારી લિયો.પસ ફોન કરજો અટલે જી કરવાનું હયસે ઈ અમી આવીન કરી જાહું.કારણ કે અમારે તો મગજ નથ.તમારે એકને જ મગજ સે.અમને એટલી ભાન પડે સે કે આ બાબલો તમારો ડાબલો ઉઘાડ્યા વગર રેવાનો નથી." રઘલાએ માવો ચોળતા કહ્યું.

"જોવો પોસા શાબ્ય, બાબલાને તમારે પતાવી દેવાની ઈસ્સા હોય તો હું રાજીનામુ આપું છું.ભૂત ભૂત રમવું જુદીવાત સે અને ખૂન કરી નાખવું ઈય જુદી વાત સે !'' હબાએ પણ વાતમાં સુર પુરાવ્યો.

રઘલા અને હબાની વાત સાંભળીને પસાહેબે આંખો ખોલી.

"ખૂન કરી નાખવાનું કોણ કહે છે ?આપણાથી એવું તો ન જ થાય.એક કામ કરો, આ કોથળો ઉપાડીને તભાભાભાના ઘર આગળ મૂકી આવો.જે થશે એ જોયું જશે. બાબો ભલે બરાડા પાડીને આપડું નામ દે,આપડે હા પાડવાની જ નહીં.અને કદાચ ગુનો સ્વીકારવો પડે તો થઈ થઈને બીજું શું થવાનું છે ? કદાચ માર પડે તો ખમી લેવાનો.ગામની માફી માગી લેવાની.બાકી આપડાથી કંઈ આ ભામણના એકના એક દીકરાને મારી તો ન જ નખાય ને !"

એ જ વખતે બાબો ભાનમાં આવ્યો હતો. પસાહેબે કહેલી વાત એણે સાંભળી.જો આ ચાર જણ ધારે તો પોતાને મારી નાખે એમ હતા.પણ આ લોકો આવું કરવા માંગતા નથી એ જોઈ બાબાને પસાહેબની દયા આવી.

"મને કોથળામાંથી બહાર કાઢો સાહેબ.હું કોઈને નહિ કહું,પણ મારી કેટલીક શરતો તમારે માનવી પડશે, જલ્દી મને બહાર કાઢો.."બાબાએ કહ્યું.

બાબાનો અવાજ સાંભળી પેલા ત્રણેય જણ પસાહેબ સામે જોઈને ઉભા થઈ ગયા.

પસાહેબે ઈશારો કર્યો એટલે હબાએ કોથળાનું મોઢું ખોલીને બાબાને બહાર કાઢ્યો. રઘલાએ બાબાના બાંધેલા હાથ ખોલી નાંખ્યા.બાબો ઉભો થઈને ખુરશીમાં બેઠો.

પસાહેબ ટેબલ પરથી પગ નીચે લઈ ટટ્ટાર બેઠા.

"જો બાબાલાલ, જે થવાનું હતું એ થઈ ગયું અમે ધારત તો તને પતાવી દેત,પણ અમે એવા કોઈ ખૂની માણસો નથી.હું એક શિક્ષક છું અને શિક્ષક કભી સાધારણ નો હોય સમજ્યો ? તારી જેવા અમુક લોકોને પાઠ ભણાવવો જરૂરી હતો એટલે મેં લખમણિયા જેવા ભૂતની રચના કરી હતી.સૌ પ્રથમ તારા પિતાજીને અમે શિકાર બનાવ્યા હતા.ભૂતને લખમણિયો એવું નામ તભાભાભાએ એમની બડાઈ હાંકવા આપ્યું હતું.અમને પણ એ નામ પસંદ આવ્યું હતું.
અમે ચાર જણે ગામમાં ભલભલાને ભૂ પીવડાવી દીધું છે. પણ તું અમારો ભેદ જાણી ગયો. હવે જો તું અમારી પોલ ખોલવા માંગતો હોય તો ભલે,તને જેમ ઠીક લાગે એમ કર." પસાહેબે કહ્યું.

"તમારી જેવો એક શિક્ષક ઊઠીને આવા કારસ્તાન કરે એ વાજબી નથી સાહેબ, છતાં તમારી નિખાલસતા જોઈને મેં મારો વિચાર ફેરવ્યો છે.હું તમને લોકોને ખુલ્લા નહિ પાડું,પણ મારી કેટલીક શરતો છે એ તમારે માનવી પડશે."

"અમે હવે જે થાય એ જોઈ લેવાનું જ નક્કી કર્યું છે,છતાં તારી શરતો તું સંભળાવ,જો એ શરતો અમને માન્ય હશે તો જરૂર અમે સંમત થશું." કહી પોચા સાહેબે બીડી સળગાવી.

"શરતોમાં એ જ કે હું જ્યારે કહું ત્યારે તમારે લખમણિયાને જીવતો કરવો પડશે,અને હું જેમ કહું એમ કરવું પડશે. હું આ લખમણિયાનો મારી રીતે ઉપયોગ કરવા માગું છું.આ હબલાએ હું જ્યારે એની દુકાને જાઉં ત્યારે મને મફતમાં જ તમાકુ અને પાન માવો ખવડાવવો પડશે, રઘલાએ મારા ઘરમાં રોજ કચરા પોતા કરવાના રહેશે અને ચંચિયો આજથી મારો ગુલામ રહેશે,હું જ્યારે અને જે કામ ચીંધુ એ તરત જ કરી આપવું પડશે. અને હા,તમારે ગામના ગરીબ બાળકોને આવતીકાલથી જ મફત ટ્યુશન આપવું પડશે.ગામમાં જેટલા અભણ માણસો છે એ બધાને અક્ષરજ્ઞાન આપવા રાત્રી શાળા ચાલુ કરવી પડશે.જો આટલું તમને સ્વીકાર્ય હોય તો હું તમારી પોલ નહિ ખોલું, બોલો મંજુર છે ?" બાબો પેલા ત્રણેય ઉપર એક નજર નાંખીને બોલ્યો.

"મને વાંધો નથી.તેં કહ્યું એ પ્રમાણે કરવાથી મારી આબરૂ વધશે પણ આ લોકોને....!" કહી પસાહેબ પેલા ત્રણેય સામે જોઈ હસ્યાં.

"અમે કંઈ નવરીના નથી.મારે કાયમ એવા ગોલીપા કરવાના ? બાબલાના ઘરે કસરા પોતા કરવાના ? એકાદ મહિનો હોય તો ઠીક,કાયમ કોઈ મફતમાં કામ નો કરે હમજયા ? ગામ ભલે મને બે હોટા ઠોકવા હોય તો ઠોકી લ્યે,હું સરત મંજુર રાખવાનો નથ." રઘલાએ રાડ પાડી.

"અને મારે આની ગુલામી કરવાની ? જે કામ ચીંધે ઈ કરવાનું ? માય જાય નઈ, હુંય રઘલો કે સે ઈમ નવરીનો નથી.."ચંચો પણ તાડુકયો.

"અને મારે કાયમ પાનમાવા આને ખવડાવવાના ઈમ ? આ હારું લ્યો, મેન સૂત્રધાર સે ઈને તો કોઈ ખરસ જ નઈ.પાનમાવા કાંય મફત આવે સે ? આ બાબલો તો હાળો મફતનું મળે અટલે ખાતો હશે ઈની કરતાં ડબ્બલ ખાશે. મનેય આવી સરત મંજુર નથી."હબાએ કહ્યું.

"અને પાસો લખમણિયો તો આપડે બનવાનુંને ! આ બાબલો હવે આપડી પાંહે શું નું શુંય કરાવે." રઘલાએ કહ્યું.

"આ લોકોની વાત બરાબર છે બાબાલાલ, કાયમ માટે કોઈ તારી ગુલામી તો ન જ કરે ને ભાઈ ? તું શરતો થોડી હળવી કર." પોચા સાહેબે પેલા ત્રણેયને શાંતિ રાખવા હાથ ઊંચો કરીને કહ્યું.

"એનો રસ્તો છે મારી પાસે.." બાબાએ કહ્યું.

"એનો હું રસ્તો હોય ? તારે મફતના નોકર જોવે સે...."

"તું મૂંગો રહે હબા,વચ્ચે ન બોલ. તમને લોકોને લખમણિયાનું પાત્ર ભજવવાનું કોણે કીધું'તું ? કોના કહેવાથી તમે આવા ધંધા કર્યા ? આ બધું કરવાનો પગાર કોણે આપ્યો કોઈએ ? આ તો અત્યારે તમે લોકો પકડાઈ ગયા નહિતર કેટલો સમય તમે આમ ને આમ ગામની પથારી ફેરવત ? આવું બધું કરવાનો સમય છે તમારી પાસે અને મારી નોકરી કરવાનો સમય નથી બરાબર ? તમારે મારી વાત માનવી જ પડશે,બાકી આ ગામમાં રહેવું મુશ્કેલ થઈ જશે.મારી મારીને ટાંટિયા તો હું ભંગાવી જ નાંખીશ અને પોલીસકેસ પણ થશે,તમેં જે કર્યું છે એ કોઈ નાનોસુનો ગુન્હો નથી. મને મારી નાખવાનો પણ તમે પ્રયાસ કર્યો છે."

બાબાની વાત સાંભળીને બધા વિચારમાં પડ્યા.થોડીવારે પસાહેબ બોલ્યા, "તારી શરતો આકરી છે અમને મંજુર નથી.તારે જે કરવું હોય એ તું કરી શકે છે."

"ઠીક છે.તો પછી હવે કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી.તમે લોકો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આપણે હવે પંચાયતમાં મળીશું.
અને ત્યારબાદ કોર્ટમાં મળીશું" કહી બાબો ઉભો થયો.પેલા ત્રણેય એની પાછળ ઉભા હતા.બાબાએ ચંચાને એક તમાચો ઠોકીને કહ્યું,
"આવતી કાલે બરવાળા પોલીસ સ્ટેશનમાં તારી ગાં# ન તોડાવી નાખું તો મારું નામ બાબો નહિ.."

ચંચો ગાલ ચોળવા લાગ્યો.રઘલો બાબા તરફ ફર્યો એટલે એના પગમાં બાબાએ પાટું ઠોકયું, "તને ખંજવાળ બહુ આવે છે નહિ ? જેલમાં આખો દિવસ ખજ્વાળ્યા કરજે સાલા હરામી.."

હબો આ જોઈ તરત સાવધ થયો.બાબો એની સામે જોઈ હસ્યો, "હબા, મારી સાથે પંગો લેવાનું પરિણામ નથી જાણતો ? આગળના દાંત વગરનો તું કેવો ભૂંડો લાગે છે એ તારી બયરીએ કીધું નહિ તને ? હવે તું જેલમાં જઈશ પછી તારી બયરી ઓલ્યા બે ટેણિયાને સાથે લઈ ગામમાં ભીખ માંગશે એ તને ગમશે ? એના કરતાં મારી શરત પર વિચાર કરી જો.તારે મફતમાં ન ખવડાવવા હોય તો બિલ આ પોચા માસ્તર પાસેથી લઈ લેજે.સરકારનો પગાર સાવ મફતમાં જ ખાય છે.ભણાવે છે હિન્દી પણ હિન્દીનો હ પણ કોઈ છોકરાને શીખવાડ્યો નથી.પાછા ઉપર જતા રાતે ભૂત ઉભું કરીને ગામને બીવડાવવા નીકળ્યા છે.તખુભાને ભૂલી ગયા લાગો છો ? એમને જ્યારે ખબર પડશે કે એમની આ હાલત તમારી જેવા બે બદામના લોકોએ કરી છે ત્યારે એ શું કરશે ? એમની ઓસરીમાં જોયું છે ક્યારેય ? બે જોટાળી ટીંગાય છે એ કાંઈ શોપીસમાં રાખવા નથી ટીંગાડી.લગભગ તો તમને ચારેયને નદીના પાળે ઉભા રાખીને ભડાકે જ દેશે.અને તમારી લાશો ગટરના ભૂંડ ચુંથશે.નદીના પાળે કૂતરાં પણ ઘણાં છે,એ કૂતરાં પણ તમારા શરીરની મિજબાની માણશે.દવાખાના પાસે જે ખીજડો છે એ ખીજડા પર કાગડા પણ ઘણા છે.એ બધા ચાંચુ મારી મારીને તમારી લાશો ઠોલશે. કોઈ બચાવવા નહિ આવે સાલાઓ મર્યા પછી તમેં ચારેય ખરેખર ભૂત થશો એની હું ગેરેન્ટી આપું છું,કારણ કે આવી રીતે કમોતે મરેલો માણસ ક્યારેય મોક્ષ પામતો નથી..!"

બાબાએ જે પરિસ્થિતિનો ચિતાર આપ્યો એ સાંભળીને ચંચો,હબો અને રઘલો ધ્રુઝવા લાગ્યા.પોચા સાહેબના પેટમાં પણ ફાળ પડી.
તખુભા પણ ઝપટમાં આવી ગયા હતા એ યાદ આવતાં પસાહેબને ગભરામણ થવા લાગી.

"હજી હુકમચંદ શું કરશે એ તો મેં કહ્યું જ નથી..તખુભા જેવા માણસને ઘરે બેસાડી દેનારો એ માણસ જીવતે જીવ તમારી ચામડી ઉધેડશે.ચંચા તારી ઘરડી માનો વિચાર પણ તેં કર્યો નહિ ? ગામમાં કોઈ એને બટકું રોટલોય નહિ આપે.તારું ઝૂંપડું તો ગામલોકો સળગાવી જ દેશે..!"બાબાએ બારણાં પાસે જઈને ઉમેર્યું.

"મને તમારી શરત મંજુર સે. બાબાલાલ, હું તમારો ગુલામ બનવા તિયાર છવ.અતારથી જ હું તમારો ગુલામ સુ. બોલો હુકમ કરો,તમે કયો તો હું હવાર હુધી વાંકો રેવા પણ તિયાર છવ..!" ચંચો એમ કહી બાબાના પગમાં નમી પડ્યો.

"ઠીક છે,તો તારું નામ હું નહિ આપું.ચલ ઉભો થઈને મારી બાજુમાં ઉભો રહી જા." કહી બાબાએ રઘલા સામે જોયું.

"રઘલા તખુબાપુ તને તો ઉભો ને ઉભો ચીરી નાખશે. તારી ધાધર ઉપર મીઠુંમરચું નાખીને ભૂંડ આગળ નાખી દેશે તને.."

"બાબાકાકા મે'રબાની કરીન હવે એક અક્ષરય નો બોલતા બાપા..હું તમારી ઘરે હવાર હાંજ બેય ટાણા કસરા ને પોતા બેય કરી જાશ. માજીને પાણી સ્હોતે લાવી દશ..ભાભાની ને તમારી હજામત પણ કરી જાશ..પણ મને બસાવી લ્યો..!" કહી રઘલો પણ બાબા આગળ નમી પડ્યો.

"હં હવે ગોરીયો ગમાણે આવ્યો..હાલ તું પણ ચંચા જોડે ઉભો રહી જા..!'' કહી બાબાએ હબા સામે જોયું.

બાબો કંઈ બોલે એ પહેલાં જ હબો ચંચા અને રઘલાની બાજુમાં જઈને ઊભો રહીને બોલ્યો,

"તમને મન થાય એટલા પાન માવા ખાઈ જજો તમતમારે.તમારી જ દુકાન છે એમ હમજજો ભાઈશાબ્ય.."

"તો શું કહો છો પોચા માસ્તર ? તમારા પ્યાદા તો મારી તરફ આવી ગયા.શરતો મંજુર છે કે આ કોથળામાં પુરાવું છે ?" કહી બાબો હસ્યો.

"તું આટલો બધો બુદ્ધિશાળી નિકળીશ એની મને ખબર હોત તો તને કોથળામાંથી બહાર જ ન કાઢત.પણ હવે હું હારી ગયો છું. તારી શરતો મને મંજુર છે બાબાલાલ.હું કાલથી ગરીબ છોકરાઓને ને અભણ લોકોને ભણાવવા મંડીશ.અને તું જ્યારે પણ કહીશ ત્યારે અમે લખમણિયો તૈયાર કરીને તારી સેવામાં હાજર કરશું.પણ હવે આ પ્રકરણ અહીં જ પૂરું કરી દે ભાઈસાહેબ..!"
''મેં કહ્યું ત્યારે તમે શરતો માન્ય રાખી હોત તો મને વાંધો નહોતો. પણ હવે પરિસ્થિતિ તમારા કાબુમાં નથી માસ્તર...એટલે શરતોમાં મેં ફેરફાર કર્યો છે.આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે તમે જ જવાબદાર હોવા છતાં તમને આ લોકોના પ્રમાણમાં ખાસ સજા નથી થઈ એવું મને લાગે છે..!" બાબાએ કહ્યું.

"તો તું શું કરવા માંગે છે ?" પસાહેબ ખુરશી પરથી ઉભા થઈ ગયા.

"ઉભું થઈ જવાનું નથી સાહેબ, તમે બેસો; હું પણ બેસું.આપણે તમારી નવી સજા વિશે વાત કરી લઈએ.જો તમે મંજુર રાખશો તો ફાયદામાં જ રહેશો.નહિતર બરબાદી બીજી જ મિનિટ શરૂ થઈ જશે..!" કહી બાબો અંદર આવીને ખુરશીમાં બેસી ગયો.

પસાહેબ પણ નિરાશ થઈને બેઠા.બાબાએ જે સજા ફરમાવી એ સાંભળીને પોચા સાહેબ સાવ પોચા થઈને રડી પડ્યાં અને તેમનો પક્ષ છોડીને બાબા સાથે ઉભા રહી ગયેલા પેલા ત્રણેયના આનંદનો પાર રહ્યો નહિ.ચંચો અને રઘલો એકબીજાને તાળી આપીને નાચી ઉઠ્યાં.હબો તો બાબાને ભેટી જ પડ્યો..!

(ક્રમશ :)

તો વાચકમિત્રો, આપ કલ્પી શકો છો કે બાબાએ પોચા સાહેબને શું સજા કરી હશે ? આપનું દિમાગ લગાવીને જરૂર પ્રતિભાવ આપશો.મેં જે સજા વિચારી છે એના કરતાં પણ તમે સારી સજા વિચારીને જણાવશો તો હું એ મુજબ આગળનું પ્રકરણ લખીશ.
પણ શરત એ છે કે પેલા ત્રણેય ખુશ થવા જોઈએ.તો આર યુ ઓલ રેડી..ઈ.. ઈ..?