આગળનાં ભાગમાં આપણે જોયું :
“આ મને શું થઇ રહ્યું છે?”અર્જુને પોતાનાં માથાં ઉપર હાથ રાખતાં કહ્યું.
ત્યાંજ તેનું ધ્યાન સામેની ઝાડીઓમાંથી આવતાં વાઘ તરફ પડ્યું.તેણે પોતાની બાજુમાં પડેલ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં અશક્ત થઇ ગયેલાં હાથે તેનો સાથ ન આપ્યો. એ વાઘ ધીરે-ધીરે તેની તરફ આગળ વધ્યો અને છલાંગ મારી. અર્જુને પોતાની આંખો બંધ કરી દીધી.ત્યાં જ એક તિર આવ્યું અને વાઘની પીઠમાં ખુંપી ગયું.
...
હવે આગળ,
તિર વાગવાથી તરાપ મારી રહેલો વાઘ દુર ફંગોળાયો.પોતાની મોત વાઘ રૂપે જોઇ ગયેલાં અર્જુને ધીમે-ધીમે પોતાની આંખો ખોલી. તેનાં આશ્ચર્ય વચ્ચે વાઘ બેભાન થઇને નીચે પડ્યો હતો અને તેની પીઠમાં એક તિર ખૂંપેલું હતું.
ઝેરી ફળની અસરનાં લીધે તે પણ ધીરે-ધીરે બેભાન થઈ રહ્યો હતો.તેણે પોતાની અર્ધ ખુલી આંખો વડે આજુબાજુ નજર કરી.તેણે ધનુષ લઇને ઉભેલી એક યુવતી જોઈ જેણે પોતાનો ચહેરો શ્વેત નકાબથી ઢાંકેલો હતો.
પોતાનાં ચહેરાને નકાબથી ઢાંકેલી પદ્મિની અર્જુન તરફ આવી.અર્જુને પદ્મિની સામે જોયું.
“પ્રવાસી,તમારો ચહેરો તો ફિકો પડી રહ્યો છે. શું તમે કોઇ ઝેરી વસ્તુનાં સંપર્કમાં આવ્યા છો?”પદ્મિનીએ પૂછ્યું અને અર્જુનનાં શરીરનું નિરીક્ષણ કરવાં લાગી. અર્જુને ઝેરીલાં વૃક્ષ તરફ જોઈને ઇશારો કર્યો.પદ્મિનીએ એ વૃક્ષ તરફ જોયું અને ગભરાઇ ગઈ.
“પ્રવાસી, આ તમે શું ખાઈ લીધું?”પદ્મિનીએ કહ્યું. તેણે ફટાફટ પોતાનાં થેલામાંથી એક ઔષધિ કાઢીને અર્જુનને ખવડાવી અને થોડું જલ પીવડાવ્યું.પછી અર્જુનને ખભાથી પકડીને તેનું મુખ જમીન તરફ કર્યું અને પીઠ પર હળવેથી ધબ્બો માર્યો.અર્જુનને વમન થયું અને ઝેરી ફળ બહાર નીકળી ગયું.પદ્મિનીએ અર્જુનને થોડો દુર બેસાડ્યો અને તેનું મુખ સ્વચ્છ કર્યું. આ જોઈને અર્જુને પદ્મિનીની સુંદર આંખોમાં જોયું.
પદ્મિનીએ ફરીથી પોતાનાં થેલામાંથી એક ઔષધિ કાઢી અને અર્જુનને આપી.
“પ્રવાસી, વનમાં ક્યારેય પણ ગમે તે ફળ ન ખાવું.તમે જે ફળ ખાધું એ ખાવાથી કોઈ પણ વ્યક્તિ માત્ર થોડાં સમયમાં જ અશક્ત થઇ જાય છે. પરંતુ તમારે અત્યારે ચિંતિત થવાની જરૂર નથી. એ ફળ તમારાં શરીરમાંથી નીકળી ગયું છે અને થોડી-ઘણી જે કંઇ પણ અસર બચી છે એ આ ઔષધિ દુર કરી દેશે.”
“આ…આભાર.”અશક્તિને કારણે અર્જુને ત્રુટક શબ્દોમાં કહ્યું.
“તમે કોણ?”અર્જુને પૂછ્યું.
…
આ તરફ દુષ્યંત, યુયૂત્સુ અને વિસ્મય ફળો લઇને પરત ફર્યા. પરંતુ ત્યાં અર્જુન ન દેખાયો.
“જ્યેષ્ઠ, ભ્રાતા અર્જુન ક્યાં ચાલ્યાં ગયાં?”વિસ્મયે પૂછ્યું.
“વિસ્મય, આ વન છે. માટે અર્જુન આપણને કહ્યા વગર કે કઇ સંદેશો છોડ્યા વગર ક્યાંય પણ ન જાય.અવશ્ય એ કોઇ મુસીબતમાં હશે.”દુષ્યંતે ચિંતિત થઈને કહ્યું.
તેઓ અર્જુનને શોધવાં નીકળી પડ્યાં.
“અર્જુન.”
“જ્યેષ્ઠ.”
…
અર્જુને પદ્મિનીનું નામ પૂછ્યું પરંતુ પદ્મિનીએ કઇ પણ જવાબ ન આપ્યો.ત્યાં જ તેનાં કાન સુધી અવાજ પહોંચ્યો.
“અર્જુન.”
“જ્યેષ્ઠ.”
અજાણ્યા પુરુષોનો અવાજ સાંભળીને પદ્મિની ગભરાઇ ગઈ.તેની આંખોમાં ગભરાટ જોઈને અર્જુને કહ્યું,
“ત…તમે ગભરાઓ નહીં. એ મારા ભા…ભાઈઓ છે.”
અર્જુનની વાત સાંભળીને તેને થોડી નિરાંત થઈ પરંતુ તે અર્જુન કે તેનાં ભાઈઓને ઓળખતી નહતી અને તેનો ભૂતકાળ તેને પહેલી મુલાકાતમાં જ પુરુષનો વિશ્વાસ કરવાની પરવાનગી નહોતો આપતો.
“પ્રવાસી, તમને હજુ પણ થોડો સમય અશક્તિ રહેશે. માટે વધુ શ્રમ ન કરતાં અને કાલનો દિવસ આરામ કરજો.”પદ્મિનીએ કહ્યું.તેણે પોતાના થેલામાંથી થોડાં ફળો કાઢીને અર્જુનને આપ્યાં અને ત્યાથી ઉભી થઈને ચાલવા લાગી.
“થોભો.”
પદ્મિનીએ પાછળ ફરીને જોયું.
“ભવિષ્યમાં કોઈ અવસર મળશે તો હું તમારી સહાયતા અવશ્ય કરીશ.”
આ સાંભળીને પદ્મિનીએ પોતાના બે હાથ જોડી પ્રણામ કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. તેનાં ગયાં બાદ અર્જુનનું ધ્યાન પોતાના હાથ પાસે પડેલ પાયલ ઉપર પડ્યું. તેણે એ પાયલ પોતાના હાથમાં લીધું .
“અવશ્ય એ કન્યાનું હશે.” અર્જુને કહ્યું અને એ ઝાંઝર સાચવીને પોતાની પાસે રાખી દીધું. ત્યાં જ તેનાં ભાઈઓ તેને શોધતાં-શોધતાં ત્યાં આવી ગયાં.અર્જુનની સ્થિતિ અને તેની બાજુમાં પડેલ વાઘ જોઈ બધા ગભરાઇને તેની તરફ ભાગ્યા.
“અર્જુન,તું કુશળ તો છો ને?”દુષ્યંતે પૂછ્યું.
“હા જ્યેષ્ઠ, હું ઠીક છું.”
“આ બધું કેવી રીતે?”
અર્જુને તેઓને બધી ઘટના વિગતવાર જણાવી.આ સાંભળીને દુષ્યંતે ખિજાઈને કહ્યું,
“અર્જુન, તારી પાસેથી આવી ગાફલાઈની અપેક્ષા નહતી. આ તો સારું થયું કે એ યુવતી સમયસર આવી ગઈ નહીંતર શું થાત એનો વિચાર કર્યો છે?અને તને કઇ થઇ જાત તો હું આપણા માતા-પિતાને શું જવાબ આપત?”
“જ્યેષ્ઠ, મને ક્ષમાં કરી દો. હું બીજી વાર ધ્યાન રાખીશ.”અર્જુને કહ્યું.
અર્જુન હજુ ચાલવાની સ્થિતિમાં નહતો તેથી બધાએ ત્યાં બેસીને આરામ કર્યો.થોડાં સમય બાદ દુષ્યંતે કહ્યું,
“હવે આપણે આશ્રમ તરફ આગળ વધવું પડશે.જો આપણે સમયસર આશ્રમ નહીં પહોંચ્યા તો ગુરુજી ચિંતિત થશે.”
“પરંતુ ભ્રાતા અર્જુન?”વિસ્મયે પૂછ્યું.
“એનો ઉપાય મારી પાસે છે.”યુયુત્સુએ કહ્યું અને અર્જુનને પોતાના મજબુત હાથો વડે ઉઠાવી લીધો.
“ભ્રાતા યુયૂત્સુ,તમને તકલીફ થશે.”અર્જુને કહ્યું.
“અર્જુન, આશ્રમ અહીંથી ઘણો દુર છે.એટલું અંતર ચાલીને કાપવું તારા આરોગ્ય માટે સારું નથી.જો આશ્રમમાં મદદ લેવાં જઈશું તો પણ પરત ફરતાં સૂર્યાસ્ત થઈ જશે અને ત્યાં સુધી તારું કે આપણામાંથી કોઈનું પણ આ વનમાં રોકાવવું સુરક્ષિત નથી.”યુયુત્સુએ કહ્યું.
“હા ભ્રાતા અર્જુન,કારણકે જેવી રીતે અમે તમને શોધતાં-શોધતાં અહીં પહોંચી ગયા એવી રીતે જો આ વાઘનાં પરિવારજનો પણ પોતાના હુસ્તપૃસ્ટ વાઘને શોધતાં અહીં પહોંચી ગયા તો આપણા બધા માટે સમસ્યા સર્જાશે.”વિસ્મયે વાઘ સામે જોઇને કહ્યું.તેની વાત સાંભળી બધા હસવા લાગ્યા અને આગળ તરફ વધ્યાં.
લગભગ અડધું અંતર કપાઇ ગયાં બાદ અર્જુને કહ્યું,
“જ્યેષ્ઠ, હવે મને સારું લાગી રહ્યું છે. માટે હવે હું ચાલી શકીશ.”
તેની વાત સાંભળી યુયુત્સુએ અર્જુનને હળવેથી નીચે ઉતાર્યો. દુષ્યંતે અર્જુનને ખભા વડે પકડ્યો અને તેની સાથે ચાલવા લાગ્યો.
“ભ્રાતા અર્જુન, એ યુવતી કોણ હતી?”વિસ્મયે પૂછ્યું.
“ખબર નહીં વિસ્મય, તેણે પોતાનો ચહેરો નકાબ વડે ઢાંકેલો હતો.મેં તેનું નામ પણ પૂછ્યું પણ તેણે કઇ જવાબ ન આપ્યો.ત્યાર બાદ તમારો અવાજ સાંભળીને એ ગભરાઇ ગઇ અને મને ઔષધિ અને ફળો દઇ ત્યાંથી ચાલી ગઈ.”
“હમ્મ…”વિસ્મયે કહ્યું અને થોડુંક વિચારીને યુયૂત્સુ સામે જોઇને કહ્યું,
“ભ્રાતા યુયૂત્સુ, ચાલો આપણે યુદ્ધ કરીએ.”
“કેમ?”
“અરે,જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંતને લેપ લગાડવાં વાળી મળી ગઈ,ભ્રાતા અર્જુનને ઔષધિ પીવડાવવા વાળી મળી ગઈ.હવે બચ્યા માત્ર તમે અને હું.તો આપણે પણ આપસમાં યુદ્ધ કરી થોડાંક ઘાયલ થઇ જઇએ. કદાચિત આપણે પણ કોઈ જડીબુટ્ટીઓ લગાવવાં વાળી મળી જાય.”વિસ્મયે કહ્યું.તેની વાત સાંભળીને બધાં હસવા લાગ્યાં.
અર્જુને પોતાની પાસે રહેલ ઝાંઝર જોઈને વિચાર્યું, “કોણ હતી એ જે મારાં સાગરની જેમ શાંત હૃદયમાં વમળ ઉત્પન્ન કરીને ચાલી ગઈ?”
…
નમસ્તે વાચકમિત્રો,આ નવલકથામાંથી તમને કયું પાત્ર ગમી રહ્યું છે?