A tear in the eye in Gujarati Love Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | એક છાનું આંસુ

Featured Books
Categories
Share

એક છાનું આંસુ

શહેરની વચ્ચે આવેલ "સુધા ભુવન" સુંદર ઝળહળતી રોશની અને ફૂલો થી સજાવેલ છે. ચારે તરફ ખુશીઓ છવાયેલ છે. આખું ઘર મહેમાનોના શોરબકોર થી ધમધમી રહ્યું છે. શરણાઈઓનાં મધૂર સંગીતથી આખું વાતાવરણ ગુંજી રહ્યું છે. ક્યાંક સ્ત્રીઓ મધુર ગીતોના તાલે નાચી રહી છે તો ક્યાંક પુરુષોના ઠઠ્ઠા મશ્કરી સંભળાઈ રહ્યા છે. નાના ભૂલકાંની કિલકારીઓ તો ક્યાંક યુવાનોના હાસ્યની છોળો ઉછળી રહી છે.

બધી ખુશીઓનું એકમાત્ર કારણ આં ઘરના એકમાત્ર પુત્ર આકાશના લેવાયેલા લગ્ન હતાં. એક દિવસ બાદ આકાશના લગ્ન હતાં અને એની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. અને એના પ્રસંગ રૂપે આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો આનંદ બધા માણી રહ્યા હતા.
બધાની વચ્ચે આકાશ ધુઆપૂઆ થઈ ને આમથી તેમ ફરી રહ્યો હતો, જાણે ખૂબ જ ગુસ્સે હતો. એની નજર ઘડીક હાથમાં રહેલ ઘડિયાળ માં તો ઘડીક અહી તહી મંડાયેલ હતી, જાણે કોઇની આવવાની ખૂબ બેસબરી થી રાહ જોઈ રહ્યો હોય.

"અરે આ વરરાજા કેમ આટલા ગુસ્સામાં ફરે છે? કોઈ સ્પેશ્યિલ વ્યક્તિની રાહ જોવાય છે કે શું?" બોલતા આકાશના મિત્રો આકાશને ખીજવવા લાગ્યા.

"જુઓને યાર, આજના પરફોર્મન્સનો સમય થઇ જવા આવ્યો છે, અને આ અક્ષુડી નો કોઈ અત્તોપત્તો નથી, મહારાણી ખબર નાઈ ક્યારે પધારશે?" , અધીરાઈથી બોલતા આકાશ ની નજરો હજુ પણ ચારે તરફ ફરી રહી હતી.

"અચ્છા, તો આમ વાત છે, સાલા હવેતો લગ્ન થવાના કાલે, સુધરી જા, આમ ગુસ્સે થવાનું છોડી દે. તારે ક્યારે અક્ષિતા વગર ચાલતું પણ નથી અને એના પર દરેક બાબતે ઝઘડવાનું પણ ખરું જ." આકાશ નો મિત્ર રાહિલ આટલું બોલ્યો ત્યાજ....

હવાની એક લહેરખીની સાથે વાતાવરણમાં જાણે અપ્રતિમ ખુશ્બુ ફેલાઈ ગઈ. જાણે કોઈ આભાસ થતો હોય એમ આકાશનું ધ્યાન દરવાજા તરફ જતાં જ એની નજરો ત્યાજ અપલક સ્થિર થઈ ગઈ. ત્યાં દરવાજા પર ખુબજ સુંદર યુવતી ઊભી હતી. હવામાં લહેરાતા એના કાળા ભૂખરા કમર સુધી પહોંચતા વાંકડિયા વાળ, થોડી લટો એની આંખો પર અને ગાલ પર આમથી તેમ હવાના રૂખ મુજબ ઉડી રહી હતી. કપાળ પર લગાવેલ લાલ રંગની બિંદી, કાજલ લગાવેલ સુંદર કથ્થઈ આંખો, પરવાળા જેવા ઘેરા ગુલાબી રંગના હોઠ, હાથો માં કાચની રંગબેરંગી ચૂડીઓ, ગુલાબી અને મોરપીંછ રંગની ચણીયાચોળી, જાણે કુદરતનું બેનમૂન સૌંદર્ય આજે ઘરના દરવાજા પર સાક્ષાત દેવી પ્રગટ થઈ હતી.

ઘડીભર આકાશ જાણે બધુજ ભૂલી તે યુવતીમાં ખોવાઈ ગયો.આખરે એજ જાણીતો અણસાર આવતા આકાશ જાણે ગહેરી ઊંઘમાંથી જાગ્યો હોય એમ ઝડપભેર તે યુવતી પાસે જઈ એનો કાન ખેંચી લીધો,તે સાથેજ તે યુવતીના મોમાંથી એક ચીખ નીકળી ગઈ, પણ જાણે આકાશને તેની કોઈ દરકાર કર્યા વિના વધારે જોરથી એના બંને કાન ખેંચતા બોલ્યો,
"ચિબાવલી ક્યારની તારી રાહ જોઉં છું હું. ક્યા હતી તું? તને ખબર નથી પડતી આપણા પરફોર્મન્સ નો સમય થઈ જવા આવ્યો છે અને આ મહારાણી હવે પ્રગટ થઈ રહ્યા છે. તને સમજ માં નહિ આવે, જો હું કેટલો નર્વસ છું અને ઉપરથી તું ગાયબ હતી, મારે આજનું પરફોર્મન્સ એકદમ ક્લાસિક જોઈએ."

"બાપરે, ધીરો પડ જરા, અને મને પણ બોલવાનો ચાન્સ આપીશ કે નહિ તું? અને દૂર રે મારાથી, કેટલી મેહનત થી આજે તૈયાર થઈ છું, તું મારા કપડા બગાડી મૂકીશ." અને આકાશને એક ધીરો ધક્કો લગાવી તે યુવતી થોડો ગુસ્સો તો થોડું હાસ્ય રેલાવી રહી.

"અરે, જુઓ તો, જોઈ મોટી તૈયાર થવા વાળી, એકદમ સર્કસ ના જોકર જેવી લાગે છે, અક્ષુડી....", આકાશ જાણી જોઈને એને વધારે ગુસ્સો અપાવતા હસવા લાગ્યો.

"અક્ષુડી નહિ, અક્ષિતા નામ છે મારુ સમજ્યો, વાંદરા તું મારું નામ હમેશા બગાડે છે". પોતાની આવી મજાકથી થોડી ઝંખવાતી ઉદાસ થતી અક્ષિતા ને જોઈ આકાશને પોતે વધુ પડતી મસ્તી કર્યાનો એહસાસ થતા, ઇશારાથી જ પોતાના બંને કાન પકડી માફી માંગવાનો ઈશારો કરતા ભોળી સૂરત કરતો અક્ષિતાની સામે જોઈ રહ્યો.

"યાર તું તો ગુસ્સે થઈ ગઈ, માફ કરી દે મને, પ્લીઝ. અને હા આજે સૂરજ ક્યાં ઊગ્યો છે, તું આટલી સુંદર લાગે છે મને આજે ખબર પડી, બંદા તો તને જોઈ ઘાયલ થઈ ગયા આજે. પણ મને તો મારી લડતી ઝઘડતી રફ એન્ડ ટફ અક્ષુડી જ ગમે છે, આં સુંદર બલાનું ભૂત એને ક્યાંથી વળગી ગયું." બોલતા જ આકાશની નજરો ફરીથી નખશિખ સુંદરતાની મૂરત સમી અક્ષિતા ઉપર સ્થિર થઈ ગઈ. અને બંનેની આંખો એકબીજાંની આંખોમાં જાણે ડૂબી ગઈ.

પોતાની સુંદરતાના વખાણ સૌ પ્રથમ વાર આકાશના મોએ સંભાળતા અક્ષિતા ક્ષણભર શરમાઈ ગઈ અને તે સાથે જ આકાશના દિલમાં જાણે સૌ પ્રથમ વાર કઈ ખળભળી ઉઠ્યું.

"અરે તમે બંને આમ ઝઘડ્યા જ કરશો કે પ્રોગ્રામ સ્ટાર્ટ કરશો? લાગે છે આં વરરાજાને કાલે ઘોડીએ ચડવાની જરા પણ ઈચ્છા નથી?" આકાશના મિત્રની દખલગીરીથી બંનેની તંદ્રા ઉડી અને સાથે જ બંને પાછા વર્તમાનમાં આવી ચડ્યા.

અક્ષિતા અને આકાશ નાનપણના મિત્રો, બંને એકબીજાના જીગરજાન હતા, લડે ઝગડે પણ એટલુજ અને પાછું એકબીજા વગર ચાલે પણ નહિ. હંમેશા સાથે જ હોય, સ્કૂલ થી લઇ કોલેજ પણ બંને એ સાથે જ કરી હતી. અક્ષિતા હમેશા ટોમ બોય જેવા લુક અપ માં જ રહેતી, આકાશ સાથે રહીને એના મિત્રો પણ છોકરાઓ જ હતા મોટા ભાગે.

આજે સંગીતનો સંપૂર્ણ કાર્યક્રમ ખુબજ સુંદર રીતે ખતમ થયો, આખા કાર્યક્રમ માં અક્ષીતા જાણે છવાઈ ગઇ હતી, જાણે આખા કાર્યક્રમ ની હાર્દ બની હતી આજે તે.

આખરે આજે આકાશના લગ્નનો દિવસ આવી ગયો, વરરાજાના લૂકઅપ માં આજે તે ખુબજ મનોહર લાગી રહ્યો હતો. લગ્ન મંડપમાં બેસેલો આકાશ એની દિલની મહારાણી ની પધરામણી ની ઘડીઓ ગણી રહ્યો હતો. અને ગોરમહારાજ ના કન્યા પધરાવો સાવધાનના નાદ સાથેજ આકાશની ધડકનો જાણે તેજ થઈ ગઈ. આખરે આજે એની જીવન સંગિની હમેશા માટે એના જીવનમાં પ્રવેશવા જઇ રહી હતી. આકાશની નજર માયરામાં આવતી અંજલિ ઉપર પડી, ક્રીમ, મરૂન અને ગ્રીન કલરના પાનેતરમાં એની થનાર પત્ની ખુબજ અદભુત લાગી રહી હતી. ધીમે પગલે આવીને અંજલિ એની સામે બેસી ગઈ, રોજ પ્રેમથી એકબીજાને મળતા તે આજે એકબીજા સામે જોતા પણ જાણે શરમાઈ રહ્યા હતા. લગ્ન માટેની એરેંજ મીટીંગથી લગ્નની વેદી સુધી પહોંચ્યા બાદ બંનેના હૃદયમાં જાણે અલગ અનુભૂતિ ઉદ્ભવી રહી હતી આજે. આખરે ગોરમહારાજે હસ્તમેળાપ કરાવતા જ અંજલિની આંખમાંથી ખુશીનું એક આંસુ સરી પડ્યું જે આકાશની નજરોમાં આવતા તેણે પોતાની અર્ધાંગિનીનો હાથ હળવેકથી દબાવતા બંને નવદંપતી એક બીજાને પ્રેમભરી નજરે નિહાળી રહ્યા.

આજ સમયે એક છાનું આંસુ અક્ષિતાની આંખમાં સરી રહ્યું હતું, દર્દનું તે આંસુ પોંછતા અક્ષિતા ખુશીનું પહેરણ ઓઢી નવપરણિત યુગલ પર પુષ્પવર્ષા કરી રહી, તે કોઈની નજરે ન ચડ્યું.

💞તારી ખુશીઓથી બધા જખ્મ ભરી ગયું,
એક છાનું આંસુ આમ જ સરી ગયું....💞

✍️ ધ્રુતિ મહેતા (અસમંજસ)