Kusum in Gujarati Motivational Stories by Jasmina Shah books and stories PDF | કુસુમ

Featured Books
Categories
Share

કુસુમ

કુસુમ ખૂબજ દેખાવડી અને સુંદર છોકરી, બોલવામાં પણ એકદમ મીઠી, હસે ત્યારે બંને ગાલ ઉપર ખાડા પડે, તેના ઢીંચણ સુધીના લાંબા કાળા વાળ ઘરમાં ચારેય ભાઈ બહેનમાં તે સૌથી નાની એટલે ઘરમાં સૌની લાડકવાયી....

તેની ઉંમર સત્તર અઢાર વર્ષ થતાં થતાં તો સારા સારા ઘેરથી તેના લગ્ન માટે માંગા આવવા લાગ્યા પરંતુ કુસુમ એક પણ છોકરાને પસંદ કરે નહિ હવે ઘરમાં બધાજ તેનાથી અકળાઈ ગયેલા અને રોજ તેના લગ્નની માથાકૂટ ઘરમાં ચાલતી પણ કુસુમની તેની ઉપર કોઈજ અસર થતી નહીં તે પોતાના નિર્ણય ઉપર અડીખમ હતી કે, " મને છોકરો ગમશે ત્યારે જ હું લગ્ન માટે હા પાડીશ "
કુસુમની સાથે તેના ક્લાસમાં જ મેહુલ નામનો છોકરો ભણતો તેને કુસુમ રાખડી બાંધતી અને અવાર-નવાર તેની સાથે કંઈ કામ હોય તો બહાર પણ જતી એક વખત કુસુમ તેની સાથે રાજના ઘરે ગઈ.

રાજ મેહુલનો ખૂબ સારો મિત્ર હતો. પૈસેટકે ખૂબજ સુખી-સંપન્ન પરિવારનો હતો. તેણે મેહુલની સાથે કુસુમને જોઈ એટલે તેના વિશે પૂછપરછ કરી.

અને આમ કુસુમ અને રાજ બંનેની ઓળખાણ થઈ. રાજે કુસુમ સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો બંને એકજ સમાજના હોઈ કુસુમના ઘરવાળા રાજ જેવો દેખાવડો અને સુખી સંપન્ન છોકરો કુસુમ માટે મળ્યો તે વાતથી જ ખૂબ ખુશ થયા.

બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. રાજ પોતાના માતા-પિતાનો એકનો એક લાડકવાયો દિકરો હતો તેથી સ્વભાવે થોડો અક્કડ અને ધાર્યું કરવાવાળો હતો.

લગ્ન પછી દરેક બાબતમાં રાજની જ જીદ ચાલતી રહી. કુસમે પોતાના ઘરમાં પોતાનું ધાર્યું બધુંજ કર્યું હતું તે વાત તે ભૂલીને રાજને અનુકૂળ થઈને તેની સાથે પ્રેમથી રહેવા લાગી.

લગ્નના એક વર્ષ બાદ તેણે એક સુંદર દિકરાને જન્મ આપ્યો ત્યારબાદ તેની ઈચ્છા બીજું સંતાન લાવવાની ખૂબ હતી પરંતુ પોતાના પતિની ઈચ્છા સામે તેનું કંઈ ન ચાલ્યું.

તેનો દિકરો આર્જવ ભણવામાં ખૂબજ હોંશિયાર નિકળ્યો બેચલર ડિગ્રી પૂરી કરી તે એમ.બી.એ. કરવા માટે ફોરેઈન ગયો.

કુસુમ પોતાના એક માત્ર દિકરાને પોતાનાથી દૂર મોકલવા નહતી ઈચ્છતી પરંતુ પતિની ઈચ્છા સામે તે મજબૂર હતી.

દિકરાને ભણવાનું એક વર્ષ બાકી હતું અને અચાનક કુસુમની તબિયત ખૂબ બગડી. બધાજ રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે કુસુમને તો સેકન્ડ સ્ટેજનું કેન્સર હતું.

રાજ ખૂબજ ઢીલો પડી ગયો. શું કરવું કંઈજ સુઝતું ન હતું. કદી કુસુમની કોઈ વાત નહીં માનનાર રાજ કુસુમના એકે એક શબ્દનો પડતો બોલ ઝીલતો થઈ ગયો.

વારંવાર તે કુસુમ વિનાના પોતાના જીવનની કલ્પના કરીને રડી પડતો હતો અને પોતાના દિકરાને અધુરું ભણતર છોડાવીને અહીં ઈન્ડિયા બોલાવી લેવા માંગતો હતો પરંતુ કુસુમ પહેલેથી જ ખૂબજ હિંમતવાળી છોકરી હતી તેણે પોતાના પતિ રાજને ખૂબજ હિંમત આપી અને આર્જવને કુસુમની તબિયત વિશે કોઈ જ જાણકારી ન આપી અને તેનું ભણવાનું પૂરું કરાવવામાં આવ્યું.

કુસુમ પોતાના કેન્સરના રોગ સામે ઝઝૂમતી રહી. રાજ તેની ખૂબજ સેવા-ચાકરી કરતો. કેન્સરની કીમોથેરાપીને કારણે કુસુમના બધાજ વાળ સાવ ઉતરી ગયા. તેનું શરીર પણ ધીમે ધીમે નિર્બળ થતું ગયું પણ એકપણ બૂમ પાડ્યા વગર તેણે આ બધુંજ દર્દ સહન કર્યું અને પોતાના પતિ રાજને પણ પોતાના વગર હિંમતથી જિંદગી જીવવાની શીખ તે આપતી રહી.

જીવનમાં કોઈ પણ મુશ્કેલી કે સમસ્યા આવે તો ભાંગી પડવાથી કોઈ ફાયદો થવાનો નથી બલ્કે તે મુશ્કેલી કે સમસ્યાનો હસતે મોઢે સામનો કરવો તે જ જીવન જીવવાની એક ઉત્તમ કળા છે તેમ તે શીખવતી રહી.

હવે કુસુમ કેન્સરના થર્ડ સ્ટેજમા હતી તેનો દિકરો યુ.એસ.થી એમ.બી.એ. થઈને આવી ગયો હતો તેને પોતાની માં ના રોગ વિશે ખબર પડી ત્યારે તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ અને આટલા સમયથી મમ્મીએ આટલું બધું દુઃખ સહન કર્યું અને પોતાને જાણ પણ ન કરી ? પોતાની માં ની હિંમત જોઈને તે વિચારમાં પડી ગયો.

ઘરમાં ખૂબજ દુઃખ અને શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું પરંતુ કુસુમ એમ રડતાં રડતાં મૃત્યુને ભેટવા નહતી ઈચ્છતી તેણે ઘરના બધાજ સભ્યોને પોતાની આજુબાજુ બેસાડી દીધા અને ભગવાનના ભજન ગાવાનું કહ્યું.

ભગવાનનો દિવો ચાલુ હતો અને કુસુમના જીવતરનો દિવો ઓલવાઈ ગયો....
સત્ય ઘટના ✍️

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/10/2021